મહારાની: ભારતીય રાજકારણના રસિયાઓને મોજ પમાડતી વેબ સિરીઝ

0
684

જ્યારથી ભારતમાં હિન્દી વેબ સિરીઝનો યુગ શરુ થયો છે ત્યારથી જ રાજકારણ કોઈને કોઈ રીતે મોટાભાગની વેબ સિરીઝનો હિસ્સો રહ્યું છે. પરંતુ સંપૂર્ણપણે રાજકારણ પર આધારિત હોય અને વળી પાછી થ્રિલર પણ હોય એવી બહુ ઓછી વેબ સિરીઝ હજી સુધી આપણને જોવા મળી છે. આમ જુઓ તો સૈફ અલી ખાનની તાંડવ એક પોલિટીકલ થ્રિલર જ હતું પરંતુ જેમ બને છે એમ એ સિરીઝમાં હિંદુઓ અને તેમની ધાર્મિક માન્યતાઓનું છડેચોક અપમાન કર્યું હોવાથી તે વિવાદમાં ઘેરાઈ ગઈ. મહારાની કોઇપણ નજરે પોલિટીકલ થ્રિલર ન જ કહી શકાય પરંતુ જે લોકોને ભારતીય રાજકારણમાં રસ છે તેમને આ સિરીઝ જોતાં જોતાં મજા જરૂર આવી જવાની છે.

આ વેબ સિરીઝની વાર્તા એક એવી પત્નીની છે જે પોતાના મુખ્યમંત્રી પતિને સ્થાને બિહાર રાજ્યનું શાસન સંભાળે છે. આટલું વાંચવાની સાથેજ કોઈને પણ એવું લાગે કે નક્કી આ વેબ સિરીઝ લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના જીવન પર આધારિત હશે. પરંતુ જ્યારે તમે વેબ સિરીઝ જોવાનું પૂર્ણ કરશો ત્યારે તમને આ પ્રકારની લાગણી બિલકુલ નહીં થાય.

વેબ સિરીઝ: મહારાની (2021)

મુખ્ય કલાકારો: હુમા કુરૈશી (રાની ભારતી), સોહમ શાહ (ભીમા ભારતી), અમિત સિયાલ (નવિન કુમાર), પ્રમોદ પાઠક (સત્યેન્દ્ર મિશ્રા), ઇનામુલહક (પરવેઝ આલમ), તનુ વિદ્યાર્થી (ખ્યાતી), મુહમ્મદ આશિક હુસૈન (પ્રેમ કુમાર ચૌબે). વિનીત કુમાર (ગૌરી શંકર પાંડે ઉર્ફે કાલા નાગ), કન્નન અરુણાચલમ (DGP સિદ્ધાંત ગૌતમ), કની કુસૃતી (કાવેરી શ્રીધરન), સુશિલ પાંડે (કુંવર સિંગ), અને અતુલ તિવારી (ગવર્નર ગોવર્ધન દાસ)

નિર્દેશક: કરન શર્મા

એપિસોડ્સ: દસ (10)

OTT પ્લેટફોર્મ: Sony Liv

કથાસાર

ભીમા ભારતી બિહારના એક એવા મુખ્યમંત્રી છે જે સમાજના નીચલા વર્ગમાંથી આવે છે, અને બિહારમાં આ પ્રકારે નીચલા વર્ગમાંથી કોઈ મુખ્યમંત્રી બને એવું બહુ ઓછું બનતું હોવાથી પક્ષ અને વિપક્ષ બંનેમાં મોટા પ્રમાણમાં એવા લોકો છે જે ભીમા ભારતીને તેના પદેથી દૂર કરવા માંગે છે. પરંતુ ભીમા ભારતી જાતે મહેનત કરીને આ સ્થાન પર પહોંચ્યા છે અને તે જબરદસ્ત આત્મવિશ્વાસ ધરાવે છે અને કાયમ પોતાના રાજકીય સલાહકાર સત્યેન્દ્રનાથ મિશ્રાની સલાહથી અસાધારણ નિર્ણયો લઈને રાજ્યની નબળા વર્ગની પ્રજામાં ખાસાએવા લોકપ્રિય બની રહ્યા છે. સત્યેન્દ્રનાથ મિશ્રા ભીમાના માત્ર રાજકીય સલાહકાર જ નથી પરંતુ તેમના દરેક હુકમને માનવો પોતાનો ધર્મ પણ માનતા હોય છે. મુખ્યમંત્રી હોવાને કારણે ભીમા ભારતી પોતાને ગામ વારંવાર નથી જઈ શકતા જ્યાં તેમની પત્ની રાની ભારતી અને ત્રણ સંતાનો રહેતાં હોય છે.

છઠ પૂજાની સાંજે ગામના નદી કિનારે પત્ની સાથે સૂર્યપૂજા કરવામાં વ્યસ્ત ભીમા ભારતી પર બે અજાણ્યા લોકો ગોળી છોડે છે અને ભીમા ત્યાં જ બેભાન થઇ ઢળી પડે છે. ભીમાને તુરંત જ પટના હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે અને તેનું સફળતાપુર્વક ઓપરેશન પણ કરવામાં આવે છે પરંતુ તેના શરીરની ડાબી બાજુ લકવાગ્રસ્ત થઇ જાય છે. આ ઘટનાનો લાભ લેતાં ભીમાની જ પાર્ટીના કદાવર નેતા અને તેના રાજકીય પ્રતિદ્વંદ્વી નવીન કુમાર ઉર્ફે નવીન બાબુ સાથી ધારાસભ્યોના સમર્થનથી પોતાને બિહારના મુખ્યમંત્રી પદે આરૂઢ કરવા પાર્ટીની કેન્દ્રીય નેતાગીરી પર દબાણ લાવે છે.

પરંતુ ભીમા ભારતી પણ ઓછી માયા નથી. તે ભલે પથારીમાં જ પડ્યા હોય પરંતુ તે બિહાર રાજ્યના પોતાના પક્ષના અધ્યક્ષ ગૌરી શંકર પાંડે ઉર્ફે કાલા નાગની મદદથી નવીન કુમાર કરતાં વધુ ધારાસભ્યો પોતાને પક્ષે કરીને પોતાની અશિક્ષિત પત્ની રાની ભારતીને જ રાજ્યની મુખ્યમંત્રી બનાવી દે છે. પત્ની ધર્મ સમજીને રાની બિહાર જેવા મોટાં રાજ્યની મુખ્યમંત્રી તો બની જાય છે પરંતુ શરૂઆતમાં તેને રાજકાજમાં જરાય રસ પડતો નથી અને તે સચિવાલય જવાનું પણ ટાળે છે. ઉલટું ઘરમાં રહીને ઘરના કાર્યો કરવામાં જ તેને સંતોષ મળવા લાગે છે.

પરંતુ રાનીની સેક્રેટરી કાવેરી અને સત્યેન્દ્રનાથ મિશ્રા તેને રાજ્યની હાલત અંગે સમજાવે છે અને કહે છે કે રાજ્યને હાલમાં કામ કરતાં મુખ્યમંત્રીની જરૂર છે. ત્યારબાદ રાની ભારતી પોતાના કાર્ય માટે ગંભીર બને છે અને કાવેરી પાસે ફક્ત શાસન અંગે જ નહીં પરંતુ અક્ષરજ્ઞાન મેળવવાનું પણ શરુ કરી દે છે જેથી તેના નામે જાહેર થતાં હુકમો પર તે પોતાની સહી તો કરી શકે!

રાજ્યના નાણા સચિવ પરવેઝ આલમ સાથે વિવિધ મંત્રાલયોને ફાળવવામાં આવતાં ફંડ વિષે ચર્ચા કરતાં રાનીને જ્યારે ખબર પડે છે કે રાજ્યની તિજોરી સાવ ખાલી પડી છે અને આથી બીજલી, સડક અને પાની જેવી પ્રાથમિક સુવિધાઓ પણ પ્રજાને આપી શકાય તેમ નથી. તે પરવેઝ આલમને રાજ્યની તિજોરી કેમ ખાલી છે એ અંગે જાતતપાસ કરવાનું કહે છે. પ્રાથમિક તપાસ બાદ પરવેઝ આલમને ખબર પડે છે કે રાંચીના પશુપાલન વિભાગમાં કરોડો રૂપિયાનો ગોટાળો થયો છે અને તેને ખ્યાલ આવે છે કે જો આ એક માત્ર વિભાગમાં આટલી મોટી ખાયકી હોય તો રાજ્ય સરકારના અન્ય વિભાગોમાં થતી ખાયકીનો આંક તો કેટલો હશે?

પરવેઝ આલમ આ માહિતી રાની ભારતીને આપે છે અને રાની તેમને આ અંગે હજી ઊંડી તપાસ કરવાનો આદેશ આપે છે. પરવેઝ આલમની વિસ્તૃત તપાસ તેને મોટો આઘાત આપે છે કારણકે આ કૌભાંડે બિહારને માત્ર નાણાકીય રીતે જ નહીં પરંતુ સામાજીક રીતે પણ ઊંડો ઘા માર્યો હોય છે.

બીજી તરફ રાજ્યમાં જાતિય હિંસા ચરમ પર હોય છે. રાજ્યના ઉચ્ચવર્ગના તેમજ નીચલા વર્ગના લોકો અલગ અલગ જૂથ બનાવીને લગભગ દરરોજ એકબીજાના સમાજના લોકોની મોટી સંખ્યામાં હત્યા કરતાં હોય છે. રાનીએ આ મુદ્દે પણ બહુ મોટું કામ કરવાની જરૂર હોય છે. જ્યારે તે રાજ્યના DGP સિદ્ધાંત ગૌતમની મદદ લઈને આ હિંસા રોકવાનો પ્રયાસ આદરે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે કોઈને કોઈ રીતે પશુપાલન વિભાગનું નાણાકીય કૌભાંડ અને રાજ્યમાં ચાલી રહેલી જાતિય હિંસા એકબીજા સાથે સંકળાયેલા છે.

જ્યારે પરવેઝ આલમ અને DGP સિદ્ધાંત ગૌતમ બંને સમસ્યાઓના મૂળ સુધી પહોંચે છે ત્યારે રાની ભારતી માટે સત્યની એરણે ચડવાની ક્ષણ આવી પહોંચે છે. રાની ભારતી યા તો કૌભાંડીઓ તેમજ હિંસા ફેલાવનારાઓ પર કોઇપણ પ્રકારની કાર્યવાહી ન કરીને પોતાની સરકાર બચાવી શકે છે નહીં તો તેણે ગુનેગારોને પકડીને પોતાની સરકાર ગુમાવવી પડે તેમ છે.

રિવ્યુ

દરેક વેબ સિરીઝની જેમ મહારાનીમાં પણ વાર્તા ધીમેધીમે જામતી જાય છે અને છેલ્લા ત્રણ એપિસોડ્સ આપણને ખાસ જકડી રાખે તેવા બન્યા છે. એક બીજી સમાનતા મહારાની અને અન્ય વેબ સિરીઝ વચ્ચે એ છે કે અહીં પણ અપશબ્દોની ભરમાર છે, પરંતુ રાજકારણ અને એમાં પણ બિહારના રાજકારણ પર વેબ સિરીઝ બની હોય એટલે આટલા અપશબ્દો તો ચાલે એમ વિચારીને આ ત્રુટીને સ્વીકારી શકાય છે. હા એક રાહત જરૂર છે કે આ વેબ સિરીઝમાં સેકસ્યુઅલ દ્રશ્યો ઓછાં અથવા તો નહિવત છે, પણ હા હિંસાચાર દર્શાવતા દ્રશ્યો છે ખરા.

આ લેખનું શિર્ષક છે એ મુજબ કહી શકાય કે મહારાની ભારતીય રાજકારણના રસિયાઓને મજા કરાવી દે તેવી જરૂર બની છે અને તેના માટે સિરીઝના લેખકો અને નિર્દેશકને ધન્યવાદ આપવા પડે કારણકે તેઓ છેક સુધી રાજકારણના વિષયને જ વળગી રહ્યાં છે અને બિનજરૂરી ભાવનાત્મક દ્રશ્યો અથવાતો પ્રેમના દ્રશ્યોને જબરદસ્તીથી તેમણે ઘુસાડ્યા નથી. જે કોઇપણ વ્યક્તિને 1990ના દાયકાના અને 2000ના શરૂઆતના દાયકાના બિહારના રાજકારણ વિષે જરા જેટલું પણ જ્ઞાન હશે તેને આ વેબ સિરીઝની વાર્તા જાણીતી લાગશે.

વિશ્વાસ રાખજો કે પશુપાલન વિભાગના ગોટાળા અને પતિને સ્થાને મુખ્યમંત્રી બનતી પત્ની સિવાય મહારાનીની વાર્તા ઉપરોક્ત સમયે ઘટેલી સત્ય ઘટનાઓ સાથે બહુ ઓછી સમાનતા ધરાવે છે. તે સમયે બિહારમાં જે પ્રકારે જાતિવાદ તેના ચરમ પર હતો તેને પણ આ વેબ સિરીઝમાં સંપૂર્ણપણે દર્શાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ધારાસભ્યો વારંવાર પક્ષ પલટો કરતા હોય અથવાતો એમ કરવાની  ધમકી ઉચ્ચારતા હોય એ સત્યને પણ અહીં બરોબર ઝીલવામાં આવ્યું છે.

રાજકારણમાં હંમેશા પડદા પાછળ રમાતી રમતો ધારદાર અસર કરતી હોય છે અને તેને પણ મહારાની સુંદર રીતે દર્શાવે છે. જે બાબત સહુથી વધુ અસર કરી જાય છે તે બિહાર વિધાનસભાના દ્રશ્યો છે, જે ખરેખર તો જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા છે જે જમ્મુમાં આવેલી છે. આ દ્રશ્યો સાચાં હોય એવું સતત લાગે છે અને આ માટે પણ નિર્દેશક અને નિર્માતા બંનેને ધન્યવાદ આપવા ઘટે.

આમ જુઓ તો આ સિરીઝની વાર્તા કઈ દિશામાં આગળ વધશે એની ખબર હોવા છતાં પહેલાં જ એપિસોડથી મહારાની આપણને જકડી રાખે છે, અને દરેક એપિસોડ બાદ બીજો એપિસોડ જોવાની ઈચ્છા પ્રબળ બનતી જાય છે. ભીમા ભારતી અને રાની ભારતી તેમજ રાની ભારતી અને કાવેરી વચ્ચેની કેમિસ્ટ્રી વ્યક્તિગત મતે આ સિરીઝની હાઈલાઈટ છે.

હવે કલાકારોની વાત કરીએ. સોહમ શાહને ખુલ્લું મેદાન મળ્યું છે અને તેણે આ તકનો લાભ પોતાની પ્રભાવશાળી અદાકારીથી લઇ લીધો છે. શરૂઆતથી જ અનુભવી રાજકારણી અને છેવટે પોતાનો ગુસ્સો અને હતાશા પર કાબુ કરતા રાજકારણીની અદાકારી સોહમ શાહે બખૂબી નિભાવી છે. ખરેખર સોહમ શાહ મહારાનીમાં રાજકારણી જ દેખાય છે. પ્રમોદ પાઠક જે અહીં તો સત્યેન્દ્રનાથ મિશ્રાની ભૂમિકા ભજવે છે અને જેને આપણે મિર્ઝાપુરના જેપી યાદવ તરીકે ઓળખીએ છીએ તે અહીં મિર્ઝાપુર કરતાં અલગ જ રંગમાં દેખાય છે. ભીમા ભારતી પ્રત્યેની નિષ્ઠા શાંતિથી નિભાવે જતાં રાજકીય સલાહકાર તરીકે પ્રમોદ પાઠક જામે છે.

વિનીત કુમાર વર્ષોથી વ્યક્તિગત રીતે ગમતા અભિનેતા રહ્યા છે અને લાંબા સમયે તેમને અદાકારી કરતાં જોવાની મજા પડે છે. અહીં તે કાલા નાગ તરીકે બરોબર ઉપસી આવ્યા છે, પરંતુ ગમતાં કલાકાર હોવાને કારણે એક વ્યથા એવી પણ થાય છે કે તેમની ટેલેન્ટનો હજી યોગ્ય ઉપયોગ થઇ શક્યો હોત અને તેમને વધુ સ્પેસ આપી શકાઈ હોત. કદાચ બીજી સિઝનમાં એમના રોલનું મહત્ત્વ સામે આવે એ પણ શક્ય છે.

ઇનામુલહકે કદાચ આ સિરીઝના સહુથી હકારાત્મક અને ગમી જાય તેવા પાત્રની ભૂમિકા ભજવી છે. જે રીતે તે બંગાળી ઉચ્ચારમાં હિન્દી બોલે છે તે તેમના અભિનયને સાચો અને પ્રભાવશાળી બનાવે છે. મહારાની સિરીઝના સહુથી મહત્ત્વના પાત્રોમાંથી એક હોવા છતાં ઇનામુલહકે જબરદસ્ત અન્ડર પ્લે કર્યું છે અને કદાચ એના કારણે જ ઓડિયન્સને તેઓ અન્ય પાત્રો કરતાં વધુ ગમી જાય છે.

અમિત સિયાલ વેબ સિરીઝના કલાકારોમાં સહુથી વધુ ગમતાં અદાકારોમાંથી એક છે. તેમને છેલ્લા છ મહિનામાં જોયેલી તમામ વેબ સિરીઝમાં સહુથી વધુ જોયા છે. પરંતુ એ હકીકતનો સ્વીકાર કરવો પડે કે અમિત સિયાલ વધુ પડતી વેબ સિરીઝ કરી રહ્યા છે. દર ત્રીજી વેબ સિરીઝમાં તેઓ દેખાય છે અને આથી તેઓ પોતાને ઓવર એક્સપોઝ કરી રહ્યા છે. કદાચ એટલે જ મહારાનીમાં અમિત સિયાલનું પાત્ર આપણને અમિત સિયાલ જ દેખાય છે નહીં કે એ વ્યક્તિ જેનો રોલ તેઓ અદા કરી રહ્યા છે. તેમ છતાં નવીન કુમાર તરીકે તેઓ પોતાના ફેન્સની અપેક્ષા પર ખરા જરૂર ઉતર્યા છે, પરંતુ હવે જો તેઓ છ મહિનાનો બ્રેક લઈને કોઈ વેબ સિરીઝ કરશે તો એ એમના જ ભલા માટે હશે.

મહારાની હુમા કુરૈશી વિષે વાત કરીએ એ પહેલાં આપણે અતુલ તિવારી વિષે થોડી વાતો કરી લઈએ જે અહીં ગવર્નર ગોવર્ધન દાસનો રોલ કરી રહ્યા છે. અતુલ તિવારીને મહારાનીમાં જોતાંની સાથે જ આપણને એવું લાગે કે આ રોલ એમના માટે જ બન્યો છે. જ્યારે પણ કોઈ પાત્ર એમને ‘મહામહિમ’ કહીને બોલાવે ત્યારે એમ લાગે કે આ વિશેષણ તેમના પર બરોબર ફિટ બેસે છે. અતુલ તિવારીનો દેખાવ, એમના મેચિંગ કપડાં, અને આ બધાંમાં સહુથી ઉપર એમનો પ્રભાવશાળી અવાજ એમને ભારતના કોઇપણ રાજ્યના ગવર્નરના દેખાવ તરીકે યોગ્ય બનાવે છે. આ ઉપરાંત તેમણે એક પરિપક્વ રાજકારણીની ભૂમિકા ભજવી છે જે સામાન્યતઃ આપણા ગવર્નર્સ હોય છે. વ્યક્તિગત મતે અતુલ તિવારી મહારાની વેબ સિરીઝના મેન ઓફ ધ મેચ છે.

હવે આવીએ મહારાની હુમા કુરૈશીની ચર્ચા પર. હુમા કુરૈશીએ સમગ્ર વેબ સિરીઝમાં જે પ્રકારે અભિનય કર્યો છે તેનાથી તેણે સમગ્ર સિઝનમાં પોતાની છાપ છોડી છે. જે રીતે તે બિહારી લઢણમાં પોતાના સંવાદો બોલે છે એ તો પ્રભાવિત કરે છે પરંતુ જે રીતે એ પોતાની જીભ પોતાના ઉપરનાં દાંતને સ્પર્શ કરીને બોલે છે તે એકદમ અલગ છે અને તે જ હુમા કુરૈશી પર આપણું ધ્યાન સતત ખેંચતું રહેતું હોય છે. ગામડાની અશિક્ષિત અને બિલકુલ ચાલાક નહીં તેવી પત્નીથી માંડીને પોતાના પતિ અને કાવેરી પાસે રાજકારણ અને શાસન શીખતી મહિલાથી માંડીને છેલ્લા એપિસોડ્સમાં સંપૂર્ણ આત્મવિશ્વાસ ધરાવતી સ્ત્રી તરીકેના વિવિધ શેડ્સ હુમાએ પ્રભાવશાળી ઢંગથી રજુ કર્યા છે. તેની અદાકારી પણ એક કારણ બની રહેશે જે દર્શકોને બીજી સિઝન જોવા માટે મજબુર કરશે.

એજન્ડા

આપણે જાણીએ છીએ કે લગભગ દરેક વેબ સિરીઝનો પોતાનો રાજકીય એજન્ડા હોય છે અને મહારાની પણ તેનાથી અલગ નથી. આ સિરીઝમાં હિંદુ ભગવાનોનું અપમાન નથી એટલો ધન્યવાદ આપણે સિરીઝના નિર્માતા, લેખકો અને નિર્દેશકોનો માનવો જ પડે. પરંતુ અહીં હિંદુઓને ખરાબ દેખાડવામાં જરાપણ પાછીપાની કરવામાં નથી આવી. ઉદાહરણ તરીકે, પશુપાલન ખાતાનું કૌભાંડ કરનારા તમામ હિંદુઓ છે પરંતુ આ કૌભાંડને ખુલ્લું પાડનાર બિનહિંદુ છે. આ ઉપરાંત આ કૌભાંડ એક હિંદુ બાબાના આશ્રમથી મેનેજ થાય છે અને આ બાબા પોતાના ભક્તોના માથા પર પગ મુકીને આશિર્વાદ આપતા હોય છે. બાબા પાછા ઉચ્ચવર્ગના લોકોને નાણા અને હથિયાર પુરા પાડીને નિમ્નવર્ગના લોકોની હત્યા કરી સમાજમાંથી ‘સફાઈ’ કરવામાં પણ મદદ કરતા હોય છે. આ બધું હિંદુઓને ખરાબ દેખાડવા માટે પુરતું છે.

આ ઉપરાંત આ સિરીઝમાં માત્ર ઉચ્ચવર્ગના હિંદુઓ જ હિંસાચાર કરતા હોય છે એવું પણ દેખાડવામાં આવ્યું છે. આમ કરતાં માઓવાદીઓને પણ ગ્લોરીફાય કરવામાં આવ્યા છે, જે હકીકતમાં તો ભારતના નહીં નહીં તો પણ છ રાજ્યોમાં ગરીબોનું જીવવું દુષ્કર કરી રહ્યા છે. એક સંવાદ સાંભળીને જરૂર હસવું આવી ગયું જ્યારે એક માઓવાદી નેતા એમ કહે છે કે તેઓ ક્યારેય કોઈ નિર્દોષ વ્યક્તિની હત્યા નથી કરતાં. LOL!

આપણી ફિલ્મોમાં અને વેબ સિરીઝમાં હિંદુ વિરોધી એજન્ડા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી કોઈ નિર્માતા, લેખક કે નિર્દેશક રિવર્સ એજન્ડા અથવાતો હિંદુઓની સાચી છબી નહીં દેખાડતા થાય. ત્યાં સુધી આપણે આ રીતે હિંદુ વિરોધી સિરીઝ અને ફિલ્મો જોઇને તેમાં રહેલા એજન્ડાને ખુલ્લો પાડતાં રહેવાનું અને સમજતાં રહેવાનું છે.

ઓવરઓલ, જો તમને ભારતીય રાજકારણમાં રસ હોય તો અગાઉ કહ્યા અનુસાર મહારાની ખાસ જોવી જોઈએ. વ્યક્તિગત વાત કરું તો હું તો અત્યારથી જ બીજી સિઝનની રાહ જોઈ રહ્યો છું.

૨૭ જુન ૨૦૨૧, રવિવાર

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here