O Womaniya (11): વાસ્તવિક જીવનની ‘શેરની’ કે.એમ. અભર્ણા

0
959
Photo Courtesy: The Hindu Times

થોડા દિવસો પહેલા રિલીઝ થયેલી અમેઝોન પ્રાઈમની ફિલ્મ ‘શેરની’ એક મહિલા આઈ.એફ.એસ. અધિકારીની વાર્તા વર્ણવે છે જે પોતાની ટીમ બનાવીને અવની નામની એક વાઘણને જીવંત શોધવાના લક્ષ્ય સાથે જંગલમાં શોધખોળ હાથ ધરે છે. આ શોધખોળ દરમિયાન, વ્યક્તિગત અવરોધો ઉપરાંત કઈ રીતે સામાજિક અને રાજકીય દબાણનો સામનો કરવો પડ્યો, તેની વાત આ ફિલ્મમાં માંડી છે.

ઘણા સોશિયલ મીડિયા યુઝર્સના જણાવ્યા મુજબ ફિલ્મ ‘શેરની’ના મુખ્ય પાત્ર વિદ્યા બાલનનો રોલ અને વાર્તા આઈ.એફ.એસ. અધિકારી કે.એમ. અભર્ણાના જીવન પર આધારીત છે. કે.એમ. અભર્ણાએ ખરેખર આ ફિલ્મને પ્રેરણા આપી છે કે નહીં તેની પુષ્ટિ ફિલ્મ બનાવવાવાળા આપશે પરંતુ આઈ.એફ.એસ. અધિકારી તરીકે કે.એમ. અભર્ણાએ કઈ રીતે પોતાનું નામ રોશન કર્યું, તે અતિ પ્રશંસનીય છે. આવો જાણીયે વાસ્તવિક જીવનની ‘શેરની’ કે.એમ. અભર્ણા (K.M. Abharna) વિશે!

***

વર્ષ 1980 પહેલાં ભારતીય વન સેવા (Indian Forest Service)માં મહિલાઓનો સમાવેશ થતો ન હતો પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિમાં ફેરફાર થયો અને આજે ફોરેસ્ટ સર્વિસમાં લગભગ પાંચ હજાર મહિલાઓ ફ્રન્ટલાઈન કર્મચારી તરીકે કામ કરે છે અને 284થી વધુ મહિલા અધિકારીઓ છે. આ મહિલા અધિકારીઓમાંથી એક છે કે.એમ. અભર્ણા જે અત્યારે મહારાષ્ટ્રમાં વાંસ સંશોધન અને તાલીમ કેન્દ્ર (Bamboo Research and Training Centre) ના નિયામક તરીકે કાર્યરત છે.

2013ના વર્ષે આઈ.એફ.એસ. તરીકે સ્નાતક થયા પછી, અભર્ણાએ ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી છે. અને ‘શેરની’ ફિલ્મમાં બતાવ્યા પ્રમાણે વિદ્યા બાલનના પાત્રની જેમ, તે વાઘણ અવનીનો સામનો કરવા માટે પણ જવાબદાર હતી. આ ત્યારની વાત છે જ્યારે અભર્ણા મહારાષ્ટ્રના પાંઢરકવડા વિભાગમાં નાયબ વન સંરક્ષક (Deputy Conservator of Forest) તરીકે નિમાયેલા હતા. પાંઢરકવડા એ મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાનું એક ગામ છે.

અભર્ણાએ આ પદ અને તે ક્ષેત્રની સંભાળ ત્યારે લીધી જ્યારે પાંઢરકવડામાં એક વાઘણ પહેલેથી જ પાંચ લોકોની હત્યા કરી ચુકી હતી અને ગામના લોકો વનવિભાગ વિભાગ વિરુદ્ધ આંદોલન કરી રહ્યા હતા. અધિકારીઓનો વિરોધ, રસ્તાઓ પર નાકાબંધી અને લોકોના અગ્નિ સંસ્કારના અધિકાર આપવાની પણ ના પાડી ગામના લોકોની આક્રમકતા દિવસે ને દિવસે વધતી જતી હતી.

આવે સમયે કે.એમ. અભર્ણાએ નવ મહિલા વન રક્ષકોની એક ટીમ બનાવી જે લોકો વચ્ચે રહીને તેમણે પરિસ્થિતિનો ખરો તાગ મેળવી આપે. ગામલોકો સાથે સંપર્કમાં રહીને તે પ્રદેશમાં માનવ અને પ્રાણી વચ્ચેના સંઘર્ષને સંભાળવાનું કામ અભર્ણાની આ ટીમે કર્યું. આ યોજના દ્વારા તે ક્ષેત્રમાં સી.સી.ટી.વી. કેમેરા બેસાડીને 24/7 તે વિસ્તારની દેખરેખ રાખવામાં પણ તેમણે પહેલ કરેલી. લોકોમાં જાગૃતિ ફેલાવવાના તેમના કામની પ્રશંસા થઈ અને ગામલોકોનો વિશ્વાસ જીતવામાં અભર્ણાની ટીમ સફળ રહી.

આ વાસ્તવિક જીવનની શેરનીનું જો કે આસામ સાથે પણ જોડાણ રહ્યું છે. અવનીવાળા પ્રોજેક્ટ અને પદ પહેલા કે.એમ. અભર્ણાને આસામના કાઝીરંગા નેશનલ પાર્કની સેન્ટ્રલ રેન્જના ઇન્ચાર્જ તરીકે પણ પોસ્ટ મળેલી. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક શિંગડાધારી ગેંડાની વસ્તી સૌથી વધુ છે. અભર્ણાએ આ ક્ષેત્રમાં ગેંડાના શિકારને બંધ કરવાના પ્રયત્નો પણ કર્યા. આ સિવાય 2016-17માં આ વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધ પણ લાગુ કર્યો જેના કારણે ઘણાં પશુઓને ફાયદો થયો.

ત્યારબાદ તે જ પ્રદેશમાં ગેરકાયદેસર માછલી પકડવાનું પણ બંધ કરાવ્યું. બાદમાં અભર્ણાએ સહાયક સંરક્ષક વન અધિકારી (Assistant Conservator Forest officer) તરીકે કામ કર્યું અને સમુદાય આધારિત અભ્યાસ અને વાંદરાના જોખમ અંગેના અહેવાલ માટે પણ પ્રયત્નો કર્યા. 2015માં, આસામના દેરગાંવ રેન્જ, ગોલઘાટ વન વિભાગના 40 જેટલા ગામોમાં માનવ-વાનરોના સંઘર્ષને ચાલાકીથી અભર્ણાએ પાર પાડ્યો. આ સંઘર્ષમાં સ્થાનિક સમુદાય પણ સામેલ થયો હતો.

‘શેરની’ ફિલ્મ જોયા પછી કે.એમ. અભર્ણાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહેલું છે:

જ્યારે હું ઑગસ્ટ 2017માં પાંઢરકવડામાં જોડાઈ, ત્યારે અવની વાઘણે ગામના 5 લોકોને ઓલરેડી મારી નાખ્યા હતા. તે ઑગસ્ટ મહિના પછી જ યોગ્ય ઓળખ અને પદ્ધતિસરની દેખરેખ શરૂ થઈ. ફિલ્મમાં ઘણું કાલ્પનિક પણ છે પરંતુ એક વાતને માનવી પડે કે વનશાસ્ત્રીઓની સમસ્યાઓ અને લેન્ડસ્કેપ મેનેજમેન્ટના પ્રશ્નોને પ્રકાશિત કરનારી આ કદાચ પહેલી ફિલ્મ હશે. ડિરેક્ટર અમિત મસુરકરે મધ્યપ્રદેશના અલગ લેન્ડસ્કેપ ફિલ્મમાં દર્શાવ્યા છે. જો ફિલ્મનું શૂટિંગ પાંઢરકવડામાં અવનીના નિવાસસ્થાનમાં જ કર્યું હોત તો તેની એક અલગ અસર થઈ હોત, કારણ કે દર્શકોને ખબર પડત કે આવા નિવાસમાં વાઘણ પોતાના બચ્ચા સાથે કેવી રીતે જીવે છે.

***

અસલ જીવનમાં કે.એમ. અભર્ણા જેવી ઘણી વાઘણો વ્યક્તિગત, સામાજિક અને રાજકીય પરિસ્થિતિઓ માંથી સંઘર્ષ કરીને હેમખેમ બહાર આવે છે, આવી દરેક ‘શેરની’ઓને સલામ!!

સંદર્ભ:

https://www.shethepeople.tv/news/who-is-km-abharna-ifs-officer-who-inspired-vidya-balans-sherni/

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here