ગુજરાત વિધાનસભા 2022: ‘આપ’ની તૈયારીઓ શરુ, બીજાઓ શું કરશે?

2
1131

2002ની ઘટનાઓ બાદ પ્રજાનો મત વહેલો જાણવા માટે તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિધાનસભાની વહેલી ચૂંટણીઓ કરાવી હતી અને આથી ત્યારથી જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ દર પાંચ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં આવતી હોય છે. આ વખતે પણ એમ જ થવાનું છે અને આથી આ ચૂંટણીઓ આમતો અઢાર મહિના પછી આવવાની છે પરંતુ આમ આદમી પાર્ટીએ છેલ્લા એકાદ મહિનામાં જે રીતે પોતાની પ્રવૃત્તિઓ શરુ કરી દીધી છે તેણે ગુજરાતના રાજકીય પંડિતોનું ધ્યાન આવનારી વિધાનસભા ચૂંટણીઓ માટે અત્યારથી જ દોરી દીધું છે.

એ હકીકતથી કોઈને પણ શંકા ન હોવી જોઈએ કે ગુજરાત એ ભાજપનો એક એવો અભેદ્ય કિલ્લો છે જેના પર ખુદ ભાજપને અભિમાન હશે. ભાજપાને વધુ ગર્વ થાય એ રીતે ગુજરાતે છેલ્લી બે લોકસભા ચૂંટણીઓમાં પક્ષને રાજ્યની તમામ 26 બેઠકો પર વિજય અપાવ્યો છે. આથી ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય કે પછી ગુજરાતના કોઈ ખૂણે થતી વિધાનસભાની પેટાચૂંટણી પણ કેમ ન હોય, રાષ્ટ્રીય મિડીયાનું ધ્યાન કાયમ ખેંચાતું હોય છે. આથી જો ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ હોય તો રાષ્ટ્રીય મિડિયા અને તમામ રાજકીય પક્ષો કેટલી હદ સુધી ગુજરાત તરફ નજર માંડીને બેઠાં હોય તેનો અંદાજ મેળવવો મુશ્કેલ નથી.

જો કે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ દરમ્યાન ગુજરાત ભાજપાને લગભગ હાર્ટ એટેક આવતાં આવતાં રહી ગયો હતો અને કુલ 182માંથી 99 બેઠકો જીતીને, જે બહુમતિ કરતાં ફક્ત 7 બેઠકો જ વધુ હતી, સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે પરિણામો આવી રહ્યાં હતાં ત્યારે એક સમયે તો કોંગ્રેસે ટ્રેન્ડસમાં ભાજપને પાછળ પણ રાખી દીધું હતું. આ બધું પાટીદાર અનામત આંદોલનને કારણે થયું હતું તે સ્પષ્ટ છે. ગુજરાતમાં એવી ઘણી બેઠકો હતી જેને ભાજપે 3000 કે તેનાથી પણ ઓછાં અંતરે જીતી હતી.

છેલ્લા ચાર વર્ષમાં ગુજરાત ભાજપે અનેક પ્રકારે કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના પદ પરથી રાજીનામાં અપાવીને અને ત્યારબાદ તેમને પોતાની ટીકીટ પર ફરીથી ચૂંટણી લડાવીને પોતાના પક્ષે કરી દીધા છે. આમ થવાથી ભાજપ હાલમાં ગુજરાત વિધાનસભામાં આરામદાયક પરિસ્થિતિમાં છે અને છેલ્લા ચાર વર્ષમાં તેની સંખ્યામાં નાટકીય વધારો થયો છે. આ તમામના જવાબમાં ગુજરાત કોંગ્રેસે આત્મખોજ કરવાને બદલે કાયમ રોદણાં જ રોયાં છે.

2017ની ચૂંટણીઓ પાટીદાર અનામત આંદોલનના ઓછાયા હેઠળ લડાઈ હતી જેના પર PAAS (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ની તેમજ હાર્દિક પટેલની અસર હતી, તેણે ગુજરાતની પટેલ બહુમતી બેઠકો પર ભાજપને જબરી લડાઈ આપી હતી. જો કે હજી પણ ચૂંટણીઓને આડે 18 મહિના છે પરંતુ અત્યારે એમ કહી શકાય કે આવનારી ચૂંટણીઓ કોરોનાની પરિસ્થિતિને ગુજરાતની ભાજપ સરકારે કેવી રીતે કાબુમાં લીધી કે ન લીધી તે મુદ્દે લડાશે.

ગુજરાત એકમાત્ર એવું રાજ્ય નથી જેની સરકાર વિરુદ્ધ કોરના મામલે પ્રજાનો આક્રોશ છે. દેશના લગભગ તમામ રાજ્યોને આ ચાઇનીઝ વાયરસે એક સરખાં પરેશાન કર્યા છે. કોરોનાની બીજી લહેરમાં અસંખ્ય લોકોએ પોતાના પરિવારના સભ્યો, સગાં, સબંધીઓ અને મિત્રોને ગુમાવ્યાં છે. પોતાના રાજ્યમાં મૃત્યુઆંક ઓછો હોય કે વધુ તેનાથી લોકોના ગુસ્સામાં ફરક નથી પડ્યો કારણકે પ્રજા આ તમામ માટે તેમની રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારને મહદઅંશે જવાબદાર માને જ છે.

હાલમાં ગુજરાતમાં કોરોનાની બીજી લહેર લગભગ સમાપ્ત થવાને આરે છે એમ કહી શકાય પરંતુ તેમ છતાં ગુજરાતીઓનો પોતાની રાજ્ય સરકાર સામેનો રોષ ઠંડો પડી ગયો હોય એવું અત્યારે તો લાગતું નથી. ભારતીય રાજકારણમાં એવું કહેવાય છે કે પ્રજાની યાદશક્તિ બહુ નબળી હોય છે. આથી અત્યારે તો ગુજરાત ભાજપ ફક્ત એટલીજ પ્રાર્થના કરી શકે કે કોરોનાનો ત્રીજો વેવ આવે જ નહીં અને જો આવે તો એ એટલો ખતરનાક ન હોય જેટલો બીજો વેવ હતો. આથી જો કોરોનાનો ત્રીજો વેવ ખતરનાક રહ્યો તો તેની છાપ ગુજરાતીઓના મનમાં આવતાં વર્ષે થનારી ચૂંટણીઓ સુધી જરૂર રહેશે.

અત્યારની પરિસ્થિતિ એવી છે કે રાજ્યનો કોઇપણ રાજકારણી કે રાજકીય પક્ષ એવું નથી કહી શકવાના કે બીજી લહેર માટે પ્રજા પણ એટલીજ જવાબદાર છે જેટલી કે અન્ય સંસ્થાઓ, ભલે પછી લોકોએ દિવાળી દરમ્યાન અને દિવાળી બાદ બજારો ભરી દીધી હતી, કે રેસ્ટોરન્ટમાં અને મોલ્સમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી અથવાતો પાર્ટીઓનું આયોજન પણ અગાઉની જેમજ થવા લાગ્યું હતું. આ પાછળનું કારણ એક જ છે કે કોર્પોરેશનની ચૂંટણીઓ દરમ્યાન આ તમામ રાજકીય પક્ષોએ જ મોટી મોટી ચૂંટણી સભાઓ ભરી હતી. આ ઉપરાંત રાષ્ટ્રીય મિડીયાની જેમ જ રાજ્યનું મિડિયા પણ આકંઠ ભાજપ વિરોધી છે અને તેણે પ્રજાના મનમાં એવી છબી ઉપસાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે કે કોરોનાને લીધે જે કોઈપણ તકલીફ તેમને પડી છે તે માટે માત્રને માત્ર સરકાર જ જવાબદાર છે.

પ્રજામાં પડેલી આ છાપ આવતા વર્ષે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપાને નડી શકે છે અને આથી જેમ આગળ વાત થઇ એ મુજબ તે ત્રીજા વેવની અસરકારકતા ઓછી રહે તેનીજ પ્રાર્થના કરી શકે છે અને તો જ પેલી ભારતીય પ્રજાની યાદશક્તિ નબળી હોવાનો લાભ તે લઇ શકે છે. પરંતુ તકલીફ એ છે કે કોરોનાના એકપણ વેવની અસરકારકતા કેટલી ખતરનાક રહેશે તેની અગાઉથી કોઈજ આગાહી થઈ શકતી નથી આથી કોઇપણ સરકાર તેને પહોંચી વળવા માટે ગમે તેટલા પગલાં ઉપાડે તેમાં નિષ્ફળ જવાના ચાન્સીઝ વધુ છે. જો કે ગુજરાતે છેલ્લા એક અઠવાડિયાથી કોરોના વિરોધી રસીનું રસીકરણ વધારી દીધું છે અને આથી પ્રજા તરીકે પણ આપણે આશા રાખીએ કે તેને લીધે કોરોનાના ત્રીજા વેવની અસર ઓછી થાય અને ઓછામાં ઓછું હોસ્પિટલઈઝેશન થાય.

જેમ સમગ્ર દેશમાં છે તેમ ગુજરાતમાં પણ ભાજપાનો કાર્યકર્તાનો પાયો મજબૂત છે આથી રાજ્યની નેતાગીરી પાસે પૂરતો સમય છે કે આવનારી કોઇપણ પરિસ્થતિની પહોંચી વળવા પોતાના કાર્યકરોને સમયસર ચૂંટણી માટે તૈયાર કરે. પરંતુ હાલમાં તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી એટલેકે આપની ચર્ચા આમ છે એટલેકે દરેક જગ્યાએ થઇ રહી છે. આપ ગુજરાત હાલમાં તો પોતાની પરિસ્થિતિ મજબુત કરવામાં લાગી છે. જેમ ગઈકાલે ગુજરાત ભાજપા અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું તેમ ગુજરાત ભાજપા આમ આદમી પાર્ટીની દરેક હરકત પર નજર રાખશે. અત્યારસુધી આપ ગુજરાત પાસે કોઈ મજબૂત ચહેરો ન હતો જે સમગ્ર ગુજરાતમાં સ્વીકાર્ય હોય પરંતુ ધીરેધીરે તે જાણીતા અને પ્રભાવશાળી વ્યક્તિઓને પક્ષમાં સામેલ કરી રહ્યો છે.

પહેલા ગુજરાતી મિડિયાના જાણીતા ચહેરા એવા ઇસુદાન ગઢવી પોતાની VTVની નોકરી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા અને રવિવારે સુરતના જાણીતા બિલ્ડર અને સમાજસેવી મહેશ સવાણીએ પણ મનીષ સિસોદિયાની હાજરીમાં આપનો હાથ પકડ્યો છે. ઇસુદાન ગઢવીની રાજકીય ક્ષમતા અંગે કોઈને શંકા હોઈ શકે પરંતુ મહેશ સવાણી ધીરેધીરે પણ ભાજપા માટે પડકાર બનીને જરૂર ઉભા રહી શકે તેમ છે, જો આપ ગુજરાત તેમના નેતૃત્ત્વ હેઠળ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ લડવાનો નિર્ધાર કરે. એવું પણ જાણવા મળ્યું છે કે મહેશ સવાણીએ 2019ની લોકસભાની ચૂંટણીઓ દરમ્યાન સુરતથી ભાજપની ટીકીટ મેળવવાની ઈચ્છા ધરાવી હતી પરંતુ તેમને મળી નહીં આથી તેમનામાં રાજકીય બદલો લેવાની ભાવના પણ પ્રબળ હશે.

આટલું જ નહીં પરંતુ મહેશ સવાણી સુરતમાં ગરીબ કન્યાઓના સમૂહ લગ્ન કરાવીને અને તેમને સંસાર શરુ કરવા માટે જરૂરી ચીજવસ્તુઓ ભેટમાં આપવાની સમાજસેવા માટે પણ ખૂબ જાણીતા છે. પાટીદાર અનામત આંદોલન સમયે સવાણી PAAS અને ગુજરાત સરકાર વચ્ચે મધ્યસ્થી પણ બન્યા હતા. આથી પાટીદારોમાં તેમજ સૌરાષ્ટ્રના પાટીદારોમાં તેમની અસર કેટલી હશે તે કોઇપણ વ્યક્તિ કલ્પના કરી શકે છે. એવું લાગી રહ્યું છે કે આપ ગુજરાત માટે હજી તો આ શરૂઆત માત્ર છે અને આવનારા મહિનાઓમાં ગુજરાતના ઘણા જાણીતા વ્યક્તિઓ પક્ષમાં જોડાઈ શકે છે.

શું આ પ્રભાવશાળી અને જાણીતા વ્યક્તિઓ પોતાના પ્રભાવનો ઉપયોગ આપ માટે વોટ મેળવવામાં કરી શકશે કે કેમ તે તો આવનારો સમય જ કહી શકશે. જો એક જ પક્ષમાં વધારે પડતાં જાણીતા અને પ્રભાવશાળી વ્યક્તિઓ હોય તો પક્ષમાં જ તડાં પડવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે, કારણકે આવો દરેક વ્યક્તિ પક્ષમાં પોતાને મહત્ત્વનો હોદ્દો મળે તેની અપેક્ષા રાખતો જ હોય છે. આથી એવી શક્યતા પણ નકારી ન શકાય કે ગુજરાતના રાજકારણમાં મહત્ત્વનું સ્થાન ઈચ્છતો આ નવો પક્ષ ઉભો થાય એ પહેલાં જ તૂટી પડે.

આ બધાંમાં સહુથી વધુ નુકશાન ગુજરાત કોંગ્રેસનું થશે. વર્ષોથી ગુજરાત કોંગ્રેસ મૃતપ્રાય અવસ્થામાં તો છે જ પરંતુ થોડા જ વર્ષો અગાઉ પક્ષમાં જોડાયેલા હાર્દિક પટેલને રાજ્યના કાર્યકારી અધ્યક્ષ બનાવી દેતાં પક્ષના સિનીયર નેતાઓ નિષ્ક્રિય થઇ ગયા છે. અહમદ પટેલના અવસાનથી ખાલી પડેલું સ્થાન ભરવું ગુજરાત કોંગ્રેસ માટે અત્યંત મુશ્કેલ છે. ઉપરાંત જેમ આગળ ચર્ચા થઇ એમ 2017માં ભાજપને જોરદાર લડત આપવા છતાં ધીરેધીરે પોતાના વિધાનસભ્યો ગુમાવતાં કોંગ્રેસ ફરીથી એ ચૂંટણી અગાઉની પરિસ્થિતિમાં જ આવી ગઈ છે.

જે રીતે આમ આદમી પાર્ટીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં દેખાવ કર્યો તેનાથી કોંગ્રેસને હવે અગાઉ કરતાં પણ વધુ ચિંતા કરવી પડશે. ગુજરાતનો રાજકીય ઈતિહાસ એમ જરૂર કહે છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ બહુ ફાવ્યો નથી, પરંતુ તેમ છતાં એ હકીકત તો છે જ કે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો ભાજપ વિરોધી મત કોંગ્રેસ અને આપમાં વહેંચાઇ જવાનો છે.

જો કોર્પોરેશનની ચૂંટણીઓને કોઈ સંકેત ગણીએ તો કોંગ્રેસે ગુજરાતમાં ફક્ત આપ જ નહીં પરંતુ અન્ય નાની પાર્ટીઓ જેવી કે ઓવૈસીની AIMIM, છોટુભાઈ વસાવાની BTP અને NCP સામે પણ લડવાનું આવશે. જેમ આપે સુરતમાં સારો દેખાવ કર્યો હતો એમ AIMIMએ અમદાવાદના મુસ્લિમ વિસ્તારોમાં સારો દેખાવ કર્યો હતો એટલુંજ નહીં તેણે ગોધરા મ્યુનીસીપાલીટીના બહુમતિ સભ્યોને પોતાને પક્ષે કરીને સત્તા પણ  હાંસલ કરી છે. આથી અત્યારથી એવું ભવિષ્ય તો જરૂર ભાખી શકાય કે ગુજરાતમાં 2022ની ચૂંટણીઓમાં કોંગ્રેસ અઘરી પીચ પર બેટિંગ કરવાની છે.

જ્યારે આ પ્રકારની રાજકીય પરિસ્થતિ નજર સામે હોય ત્યારે ભાજપ આરામનો શ્વાસ લઇ શકે છે પરંતુ તે આત્મસંતુષ્ટ તો બિલકુલ ન રહી શકે. જે રીતે ચીની વાયરસ એકપછી એક રૂપ બદલીને પોતાનું વરવું સ્વરૂપ દેખાડી રહ્યો છે તે ગુજરાત ભાજપાની ટોચની નેતાગીરીને સતત તૈયાર રાખશે જેથી ભાજપની હાલની છબી અને લોકપ્રિયતા પ્રજામાં બની રહે. એ હકીકત પણ છે કે ગુજરાતમાં ભાજપ પાસે તેનો વિશાળ કોર વોટર છે પરંતુ અત્યારે એ અંગેની ચર્ચા કરવી જરા વહેલું થશે.

રાજકારણમાં જ્યારે 24 કલાકનો સમય પણ ઘણો કહેવાય ત્યારે 18 મહિના તો કદાચ એક યુગ સમાન ગણાઇ શકાય છે. તેમ છતાં જો પરિસ્થિતિનું વહેલું આકલન કરવું જ હોય તો 2022ની ગુજરાત વિધાનસભા માટે હાલમાં ભાજપ માટે ચિત્ર સારું અને આપ માટે ઉત્સાહી લાગી રહ્યું છે.

બાકી તો આવનારા 18 મહિના ગુજરાતના રાજકારણના રસિયાઓ માટે અત્યંત રસપ્રદ રહેવાના છે એટલું પાક્કું છે.

૨૯ જુન ૨૦૨૧, મંગળવાર

અમદાવાદ

eછાપું

2 COMMENTS

  1. ખુબ સરસ અને મુદ્દાસર અવલોકન શ્રી સિદ્ધાર્થભાઇ. મોદી સાહેબ ના નામે જીતી શક્યા પણ કામ કર્યું હશે તો જ લોકો હવે જીતાડશે બાકી જે પ્રમાણે મતદારોની સ્મરણશક્તિ ખુબ ટૂંકી હોય છે આપણે ત્યાં એ ભૂતકાળ ની તકલીફો ભૂલી ને ગઈકાલે કોણે શું કર્યું ? એ વધુ યાદ કરે છે. જોઈએ છીએ હવે આ ખંતીલી પ્રજા મફત ના વમળ માં ફસાય છે કે ગઢ ને મજબૂતાઈ આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here