TOP 5 બોલિવુડ કપલ્સના છૂટાછેડા જેણે તેમના ફેન્સને જબરો આઘાત આપ્યો

0
590

એવું કહેવાય છે કે લગ્ન સ્વર્ગમાં જ નક્કી થઇ જતાં હોય છે આપણે તો ફક્ત પૃથ્વી પર તેની વિધિ કરતાં હોઈએ છીએ. પરંતુ બોલિવુડ એક એવું ક્ષેત્ર છે જ્યાં અભિનેતાઓ અને અભિનેત્રીઓના પહેલાં લગ્ન કદાચ સ્વર્ગમાં નક્કી જરૂર થયાં હશે પરંતુ તેમનાં છૂટાછેડા તો તેઓ અહીં જ એટલેકે પૃથ્વી પર જ નક્કી થતાં હોય છે.

બોલિવુડમાં એવા ઘણા દાખલાઓ છે જ્યાં અભિનેતાઓ પોતાની સાથી અભિનેત્રીઓ સાથે લગ્ન કરતા હોય છે અને અમુક વર્ષ બાદ તેમના છૂટાછેડા પણ થઇ જતાં હોય છે. તો એવા ઘણાં કિસ્સાઓ પણ સામે આવતાં હોય છે જ્યાં બોલિવુડ અભિનેતા કે પછી અભિનેત્રીએ બોલિવુડની બહાર લગ્ન કર્યા હોય અને તેનું પરિણામ પણ છૂટાછેડામાં જ આવ્યું હોય.

મોટેભાગે બોલિવુડના છૂટાછેડા પતિ અથવાતો પત્ની દ્વારા અન્ય સાથી કલાકારને પસંદ કરવા લાગવાથી જ થતાં હોય છે. આવા તો અનેક કિસ્સાઓ આપણી સમક્ષ આવતા હશે. પરંતુ હવેના સમયમાં આ કારણને એકબીજા સાથે ‘મનમેળ ઘટ્યો છે’ એવું રૂપાળું નામ આપી દેવામાં આવે છે જેથી બંનેમાંથી જેનું પણ મન અન્યત્ર લાગ્યું હોય તેને વધુ શરમાવાનું ન આવે.

થોડા જ દિવસ અગાઉ અભિનેતા આમિર ખાને તેની બીજી પત્ની કિરન રાવને છૂટાછેડા આપી દીધા હોવાનું જાહેર કર્યું છે. સોશિયલ મિડીયામાં આ ઘટનાની નોંધ પણ લેવામાં આવી અને તેના વિષે લંબાણપૂર્વક ચર્ચા પણ કરવામાં આવી. આમિર અને કિરણના છૂટાછેડા માટે અગાઉ જણાવ્યું એમ રૂપાળુ કારણ કે અમારો હવે મનમેળ નહીં જામે એ આપી દેવામાં આવ્યું છે.

પરંતુ આ મામલે જે વાતો સાંભળવામાં આવી છે એ તો આમિર અને કિરનના દાવાથી સાવ વિપરીત જ છે. આપણે એ વાતોને વધુ મહત્ત્વ નહીં આપીએ પરંતુ જે રીતે આમિર ખાન અને કિરન રાવે ગઈકાલે એક વિડીયો જાહેર કરીને ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો છે એ પેલી વાતોને વધુ હવા આપશે જ એ પાક્કું છે.

આ તો થઇ આમિર અને કિરનના છૂટાછેડાની વાત અને તેની સાથે બોલિવુડમાં સામાન્ય રીતે છૂટાછેડા કેમ થતાં હોય છે તેના કારણો વિષે. પરંતુ હવે આપણે જાણીએ બોલિવુડમાં થયેલા છૂટાછેડાના એ TOP 5 કિસ્સા જેણે આ કલાકારોના ફેન્સને જબરો આઘાત આપ્યો હતો. આ તમામ કિસ્સા ઘણો સમય સુધી ટોક ઓફ ધ ટાઉન… સોરી! ટોક ઓફ ધ સોશિયલ મિડિયા રહ્યા હતા.

તો ચાલો જાણીએ બોલિવુડમાં થતાં છૂટાછેડાના TOP 5 કિસ્સાઓ જેમણે ફેન્સને જબરો આઘાત આપ્યો હતો.

કરિશ્મા કપૂર અને સંજય કપૂર

બોલિવુડના ટોચના પરિવાર કપૂર પરિવારની દીકરી અને એક સમયની નંબર વન અભિનેત્રી કરિશ્મા કપૂરે દિલ્હી સ્થિત વ્યાપારી અને કરોડપતિ સંજય કપૂર સાથે 2003માં લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના લગભગ 11 વર્ષ બાદ એટલેકે 2014માં આ બંને છુટા પડી ગયા. આ છૂટાછેડા પાછળ બંને પક્ષો તરફથી અલગ અલગ કારણો આપવામાં આવ્યા હતા.

કરિશ્મા કપૂર પક્ષથી એવું કારણ આપવામાં આવ્યું હતું કે સંજય કપૂર જેની લગ્ન પહેલાં પણ કેસેનોવાની જે  ઈમેજ હતી તે લગ્ન બાદ પણ ચાલુ રહી હતી. જ્યારે સંજય કપૂર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે કરિશ્મા તેના કુટુંબીઓ ખાસકરીને તેના પિતા સાથે અપમાનજનક વ્યવહાર કરે છે. આ છૂટાછેડા માટે કરિશ્માએ સંજય કપૂર પાસે 7 કરોડ જેટલી રકમ માંગી હોવાનું પણ જાણવામાં આવ્યું છે અને આ છૂટાછેડા થયા એ અગાઉ બંનેએ પોલીસ સ્ટેશનના ધક્કા પણ ખાધા હતા.

ફરહાન અખ્તર અને અધુના ભાભાની

સામાન્ય રીતે ફિલ્મોમાં એવી વાર્તા જોવા મળતી હોય છે કે પુરુષ અને સ્ત્રી એક બીજાને ત્યારે પ્રેમ કરવા લાગે છે જ્યારે પુરુષ પોતાની ઓળખ માટે સંઘર્ષ કરી રહ્યો હોય અને તેને પોતાની પત્નીનું સંપૂર્ણ સમર્થન મળે. આ સમર્થનની મદદથી જ્યારે પુરુષ સફળ થાય ત્યારે તેને પોતાની જ પત્ની નથી ગમતી અને છેવટે તેમના છૂટાછેડા થઇ જતાં હોય છે.

ફરહાન અખ્તર અને અધુના ભાભાનીનું લગ્નજીવન આ જ ફિલ્મી કથા જેવું બની રહ્યું હતું. 1999માં આ બંને મળ્યાં અને પ્રેમ થયો. આ સમયે અધુના મુંબઈમાં હેરસ્ટાઈલીસ્ટ હતી અને ફરહાન નિર્દેશક બનવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. 2000ની સાલમાં બંનેના લગ્ન થયાં અને ફરહાન અખ્તરની દિલ ચાહતા હૈને જબરદસ્ત સફળતા મળી.

ત્યારબાદ તો ફરહાનની કેરિયર માત્ર નિર્દેશક તરીકે જ નહીં પરંતુ અભિનેતા તરીકે પણ દોડવા લાગી. ધીરેધીરે અધુના પ્રત્યે ફરહાનની લાગણીઓ ઓછી થવા લાગી અને સાથી અભિનેત્રીઓની કંપની તેને વધુ ગમવા લાગી. છેવટે એવું કહેવાય છે કે ફરહાન અને IPLની એક લેડી હોસ્ટ સાથેના સબંધોએ તેના અને અધુનાના સબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું અને બંનેએ 2016માં છૂટાછેડા લઇ લીધા.

હિમેશ રેશમિયા અને કોમલ

જો તમને લાગતું હોય કે ફરહાન અને અધુના 16 વર્ષ સાથે રહ્યા પછી પણ કેમ છુટા પડી ગયા, તો બોલિવુડના જાણીતા સંગીતકાર અને ગાયક હિમેશ રેશમિયા અને તેની પ્રથમ પત્ની કોમલનો કિસ્સો તમારે જાણવો જોઈએ. હિમેશ રેશમિયા અને કોમલ 2017માં પૂરા 22 વર્ષના લગ્નજીવન બાદ છુટા પડી ગયા હતા. આ બંનેએ મુંબઈ હાઈકોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી.

જો આટલું લાંબુ લગ્નજીવન હોય તો સંતાન પણ હોય જ? હિમેશ અને કોમલને સ્વયં નામનો એક પુત્ર પણ છે. લગ્નના લગભગ એક વર્ષ બાદ હિમેશ રેશમિયાએ ટીવી કલાકાર સોનિયા કપૂર સાથે લગ્ન કરી લીધા છે પરંતુ કોમલે કોઈ નવો જીવન સાથી પસંદ કર્યો કે નહીં તેના વિષે કોઈજ માહિતી ઉપલબ્ધ નથી.

હિમેશ રેશમિયાએ એક વખત ઇન્ડિયન આઈડલમાં પોતાની નવી પત્ની સોનિયા કપૂરની ઓળખ કરાવી હતી અને આજે તેની વર્તણુકમાં જે કોઇપણ ફેરફાર આવ્યો છે એના માટે તેણે સોનિયા કપૂરનો આભાર માન્યો હતો જે ફક્ત બે કે ત્રણ વર્ષથી જ તેની પત્ની છે.

હ્રિતિક રોશન અને સુઝેન ખાન

સફળ નિર્દેશક રાકેશ રોશનનો સફળ દીકરો એટલેકે હ્રિતિક રોશન અને બોલિવુડના જાણીતા અભિનેતા અને નિર્દેશક સંજય ખાનની પુત્રી સુઝેન ખાન આ બંનેના લગ્ન જ્યારે 2000માં થયા ત્યારે હ્રિતિક ઓલરેડી સફળતા પામી ચૂક્યો હતો અને અનેક છોકરીઓ તેની પાછળ દિવાની હતી. સુઝેન ખાનને પરણીને હ્રિતિકે આ તમામના દિલ તોડી નાખ્યાં હતા અને એ પણ એક ઝાટકે જ!

પરંતુ તેમ છતાં દેશભરના મિડિયા દ્વારા આ કપલને Made for each other જાહેર કરવામાં આવ્યું હતું અને ઘણા લાંબા સમય સુધી એવું લાગતું પણ હતું. હ્રિતિક અને સુઝેનના લગ્નજીવનના ફળસ્વરૂપે તેમને બે સંતાનો એટલેકે રિહાન અને રિદાન પણ જન્મ્યાં હતાં. પરંતુ અચાનક જ 14 વર્ષના સફળ લગ્નજીવન બાદ 2015માં આ બંને છુટા પડી રહ્યા હોવાના સમાચાર આવ્યા જેણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને બોલિવુડ ફેન્સને જબરો આઘાત આપ્યો હતો.

આજદિન સુધી હ્રિતિક અને સુઝેન છૂટાં કેમ પડી ગયાં તેના કોઈજ કારણો સામે આવ્યાં નથી પરંતુ વારેવારે આ બંને ફરીથી ભેગા થશે એવી અફવાઓ જરૂર ઉડતી રહે છે. આ દરમ્યાન હ્રિતિક રોશન અને કંગના રનૌત વચ્ચે પ્રેમસબંધનો વિવાદ પણ સામે આવી ચૂક્યો છે. શું આ વિવાદે હ્રિતિક અને સુઝેનના લગ્નભંગમાં ભૂમિકા ભજવી હતી? આ પ્રશ્ન પણ અનુત્તર જ રહ્યો છે.

મલાઈકા અરોરા અને અરબાઝ ખાન

એમ કહેવામાં જરાય ખોટું નથી કે સલમાન ખાનનો ભાઈ હોવા છતાં બોલિવુડમાં અરબાઝ ખાન કરતાં પણ મલાઈકા અરોરા વધુ સફળ રહી હતી. ઘણીવાર એવું બનતું હોય છે કે પતિ કરતાં પત્ની વધુ સફળ હોય તો પતિના ઈગોને કારણે લગ્નજીવનમાં તકલીફ ઉભી થતી હોય છે અને છેવટે તે છૂટાછેડામાં પરિણમતું હોય છે. મલાઈકા અરોરા એક સફળ મોડલ અને અભિનેત્રી રહી છે જ્યારે અરબાઝ ખાન અદાકારી અને નિર્દેશન તેમજ પ્રોડ્યુસરની ત્રેવડી જવાબદારી અદા કરવા છતાં પણ સફળ રહ્યો નથી.

17 વર્ષના લાંબા લગ્નજીવન બાદ મલાઈકા અને અરબાઝને જ્યારે બાંદ્રા કોર્ટમાંથી છૂટાછેડા મળ્યાં ત્યારે તેઓ પારસ્પરિક સંમતીથી છૂટાં પડી રહ્યાં છે તેમ જણાવવામાં આવ્યું હતું. પરંતુ અરબાઝ ખાનની નબળી નાણાંકીય પરિસ્થિતિ ઉપરાંત મલાઈકા અરોરાના અર્જુન કપૂર સાથેના પ્રેમસબંધને આ છૂટાછેડા માટેના મૂળ કારણો તરીકે આજે પણ જવાબદાર ગણવામાં આવે છે.

તો આ હતાં બોલિવુડના એ TOP 5 છૂટાછેડાના કિસ્સાઓ જેણે ફક્ત બોલિવુડ ઇન્ડસ્ટ્રીને જ નહીં પરંતુ ફેન્સને પણ મોટો આઘાત આપ્યો હતો. આપને અમારું આ ફીચર કેવું લાગ્યું એ જરૂર જણાવશો અમે આપના મંતવ્યોની રાહ જોઈ રહ્યા છીએ.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here