O Womaniya (12): ભારતના પ્રથમ વ્યવસાયિક મહિલા પાઈલટ કેપ્ટન પ્રેમ માથુર

0
805

ડ્રાઈવિંગ એક એવો વિષય છે જેમાં આપણો સમાજ સ્ત્રી ડ્રાઈવરોની નાની અમથી ભૂલો માટે પણ ટીકા કરે છે. પરંતુ હકીકતમાં, મહિલા સંચાલિત કાર અને બાઈકની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ફક્ત રોડ પરના વાહનો જ નહીં, આજની મહિલા હવામાં વિમાન અને સમુદ્ર પર વહાણ ચલાવવામાં પણ સક્ષમ છે. પરંતુ આજથી લગભગ 60 વર્ષ પહેલાં આ બાબત સામાન્ય નહોતી. તે સમયે એક મહિલાની હિંમત અને જુસ્સાએ એક અલગ ચીલો ચાતર્યો – તે હિંમતવાન સ્ત્રીનું નામ કેપ્ટન પ્રેમ માથુર!

પ્રેમ માથુરનો જન્મ વર્ષ 1924 માં ઉત્તર પ્રદેશના અલીગઢમાં થયો હતો. તેના પિતાની અલાહાબાદ બદલી થવાને કારણે, જીવનની શરૂઆતથી જ પરિવાર સાથે અલાહાબાદ રહેવા આવી ગયા અને તેનું આખું બાળપણ આ શહેરમાં જ વિત્યું. પાંચ ભાઈ-બહેનોમાં પ્રેમ સૌથી નાની હતી અને જ્યારે તે છ મહિનાની હતી ત્યારે જ તેની માતાને ગુમાવી દીધી હતી. પ્રેમ ભણવામાં હોશિયાર હતી, અલાહાબાદની ઍની બેસન્ટ સ્કૂલમાંથી શિક્ષણ અને ઈવિંગ ક્રિશ્ચિયન કોલેજમાંથી ઉચ્ચતર માધ્યમિક શાળા પૂર્ણ કરી. સ્નાતક બનવા માટે, તે અલાહાબાદ યુનિવર્સિટીમાં જોડાઈ.

પ્રેમનો મોટો ભાઈ એક ઉડ્ડયન પ્રશિક્ષક હતો અને બીજા એક ભાઈનો પોતાનો વ્યવસાય હતો. બીજા વિશ્વયુદ્ધ પછી, વ્યવસાય કરતો ભાઈ યુદ્ધમાં વપરાયેલા કેટલાક જૂના વિમાન ખરીદી લાવ્યો. તેમાંથી એક વિમાન ‘લંકા ફ્લાઈંગ ક્લબ’ને વેચ્યું અને તે ફ્લાઇટને કોલંબો પહોંચાડવા માટે દિલ્હી ફ્લાઇંગ ક્લબના કેપ્ટન અટલને નોકરીએ રાખ્યો. કેપ્ટન અટલ જ હતો જેણે પ્રેમની પાઈલટ બનવાની ઇચ્છાના બીજ વાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

જેવી ખબર પડી કે પોતાના ભાઈએ એક કેપ્ટનને વિમાન ચલાવવા નોકરી પર રાખ્યો છે, પ્રેમ માથુરે પણ વિમાન ચલાવવાની જીદ્દ પકડી. પ્રેમને ડરાવવા માટે કેપ્ટન અટલ તેને વિમાનમાં સવારી માટે તો લઈ ગયા પરંતુ ચલાવતી વખતે તમામ પ્રકારના કરતબ કરીને પ્રેમ માથુરને અચંબિત કરવાનો પ્રયત્ન કર્યો. પ્રેમે તેને આશ્ચર્યજનક રીતે ભયના કોઈ ચિહ્નો ન દર્શાવ્યા. તેના બદલે સમગ્ર સત્રનો આનંદ માણ્યો હતો અને તેને ફરીથી વિમાન ઉડાડવા લઈ જવા કહ્યું. આગલી સવારીમાં, કેપ્ટન અટલે તેને નિયંત્રણ આપ્યું અને વિમાનને ઉડવા માટે જરૂરી તમામ સૂચનાઓ આપી. જ્યારે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે એક કાગળ પર લખીને પ્રેમ માથુરને આપ્યો, જેમાં લખ્યું હતું “તમે એક સ્ટ્રોંગ સ્ત્રી છો. તમે પાઈલટ બની શકો છો. તમે કેમ પ્રયાસ કરતા નથી?” આ જ કાગળે પ્રેમ માથુરને પાઈલટ બનવાનો નિર્ણય લેવા પ્રોત્સાહિત કર્યા.

ઓક્ટોબર 1948માં, લખનઉ ફ્લાઇંગ ક્લબના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજા બદરીને તેમની વિનંતી પર, અલાહાબાદમાં ક્લબની નવી શાખા ખોલવામાં આવી હતી અને કેપ્ટન અટલને પ્રશિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે ક્લબમાં કેપ્ટન અટલની પ્રથમ વિદ્યાર્થીની પ્રેમ માથુર હતી. પ્રેમ માથુર દરરોજ સાયકલ ચલાવે અને તેની તાલીમ માટે પણ જાય. થોડા જ સમયમાં, તેના ઉત્સાહ અને ટેલેન્ટના આધારે કોઈ પણ શિક્ષક વિના એકલી ફલાઇટ ચલાવવા તૈયાર હતી.

1949 માં, આ ક્લબને કલકત્તામાં યોજાનારી નેશનલ એર રેસ માટે આમંત્રણ મળ્યું. જ્યારે પ્રેમ માથુરે સ્પર્ધામાં ભાગ લેવાની ઉત્સુકતા વ્યક્ત કરીને વિમાન માટે વિનંતી કરી, તેને નિરાશ કરવામાં આવી કે તમામ અન્ય સહભાગીઓ એવા પુરુષો છે જેઓ આ ક્ષેત્રમાં ખૂબ અનુભવી છે એટલે તમારો પન્નો ટૂંકો પડે. તેમ છતાં, તેના સમર્પણને કારણે ફ્લાઇટ મેળવવાની વ્યવસ્થા કરી. જો કે, વિમાન ખૂબ જ નાનું હતું, જેની ક્ષમતા આશરે 3500 માઇલના અંતરને કાપવા માટે માત્ર 10-11 ગેલન પેટ્રોલની હતી. આ રેસમાં સ્પર્ધકે બરાકપુરથી જમશેદપુર, જમશેદપુરથી આસનસોલ અને છેવટે આસનસોલથી કલકત્તા જવાની જરૂર હતી.

તે દિવસોમાં ત્યાં કોઈ રેડિયો કે જી.પી.એસ. નહોતા અને મંજિલ સુધી પહોંચવા માટે નકશાનો ઉપયોગ કરવો પડતો. નકશાની મદદથી, જ્યારે તે બરાકપુર પહોંચી ત્યારે ઘણું અંધારું થઈ ગયું હતું અને રાત્રે ઉડાનનો અનુભવ ન હતો, એટલે કોઈ પણ જાતના ડર વગર આખી રાત વિમાનમાં બેસી રહી. બીજા દિવસે સવારે કલકત્તા માટે રવાના થઈ. આ રેસ બે દિવસ ચાલી અને કેપ્ટન પ્રેમ માથુરે અન્ય સહભાગીઓને હરાવી દરેક સ્થળે પ્રથમ પહોંચી. તે એક દુર્લભ ક્ષણ હતી કારણ કે સો કલાકની ઉડાનનો નહિવત અનુભવ ધરાવતી સ્ત્રીએ પારંગત પુરુષોને પરાજિત કર્યા હતા. રાતોરાત તે એક ફેમસ વ્યક્તિ બની અને બધા અખબારોની હેડલાઇન્સમાં ચમકી ઊઠી. વિજયાલક્ષ્મી પંડિત, જનરલ કારિઅપ્પા, પંડિત ગોવિંદ બલ્લભ પંત, લાલ બહાદુર શાસ્ત્રી અને બીજા મહાનુભાવોએ પ્રેમ માથુરને અભિનંદન અને પ્રશંસા પાઠવી.

ત્યારબાદ કમર્શિયલ પાઈલટ લાઈસન્સ પરીક્ષણની તૈયારી માટે તે દિલ્હી માટે રવાના થઈ. આ સમયગાળા દરમિયાન, પોતાના મોટા ભાઈને અકસ્માતમાં ગુમાવ્યા, પરંતુ પિતાના પ્રોત્સાહનથી પ્રેમ માથુરે પરીક્ષા આપી. તેની મહેનતનું જલ્દી પરિણામ મળ્યું અને તે ભારતની પ્રથમ મહિલા કમર્શિયલ પાયલટ બની.

એક આડવાત: આમ તો જે.આર.ડી. ટાટાના બહેન સિલા પેટિટ (Sylla Petit) ભારતની પ્રથમ મહિલા પાઈલટ હતી. પરંતુ વિમાન ઉડ્ડયન તેમણે ફક્ત એક શોખ પૂરતું જ સીમિત રાખ્યું. બોમ્બે ફ્લાઇંગ ક્લબમાંથી લાઈસન્સ મેળવ્યા પછી, સિલા પેટિટે માત્ર મનોરંજન માટે ઉડાન ભરી. તેમની નાની બહેન, રોદાબ ટાટા (Rodabeh Tata)એ પણ મોટી બહેનની જેમ વિમાન ઉડ્ડયન શરૂ કર્યું. આ બંને બહેનોએ ફક્ત અને ફક્ત પોતાના આનંદ ખાતર ઉડાન ભરી. તેમની ઉડાનના સંદર્ભમાં કોઈ વિશેષ મહત્વાકાંક્ષા નહોતી. કેપ્ટન પ્રેમ માથુરના કિસ્સામાં આ બાબત જુદી હતી. તેમણે એક શોખ તરીકે ઉડાન શરૂ તો કરેલી પરંતુ પછી તેને વ્યવસાયિક રીતે અપનાવીને ભારતના પ્રથમ વ્યવસાયિક (commercial) મહિલા પાઈલટ બન્યા.

હવે પ્રેમના સંઘર્ષના દિવસો શરૂ થઈ ગયા. તેને એક પ્રશિક્ષક (instructor)ની નોકરી લેવાની સલાહ આપવામાં આવી હતી પરંતુ તે કોઈ એરલાઈનમાં જોડાવા અંગે મક્કમ હતી. આઠ એરલાઈન્સ કંપનીઓ દ્વારા તેને મહિલા પાઈલટ છે એટલે બીજા પુરુષ પાઈલટને તેની સાથે નહીં ફાવે એ કારણ આપી નકારી કાઢવામાં આવી. જો કે, તેણે સતત પ્રયાસ ચાલુ રાખ્યા.

પ્રેમ માથુરે ડેક્કન એરવેઝ માંથી રાજીનામું આપ્યું અને નાખુશ થઈ જી. ડી. બિરલાનું ખાનગી વિમાન ઉડવા માટે દિલ્હી જતી રહી. 1953 માં, તે ઇન્ડિયન એરલાઈન્સમાં સામેલ થઈ, જે આઝાદી પૂર્વેની આઠ સ્થાનિક એરલાઇન્સને એક સાથે લાવ્યા પછી અસ્તિત્વમાં આવી. આ જ કારણે આઈ.એ.ટી.એ. એરલાઇન્સ લિમિટેડ (International Air Transport Association Airlines Ltd)માં મહિલા પાઈલટ ભાડે લેનાર ભારત પ્રથમ દેશ બન્યો. ઈન્ડિયન એરલાઇન્સમાં પ્રેમ માથુરે ત્રણ વર્ષ સુધી કામ કર્યું.

પ્રેમે અલાહબાદના હરિકૃષ્ણ માથુર સાથે લગ્ન કર્યા અને બંનેને છ બાળકો પણ થયા. તારીખ 22 ડિસેમ્બર 1992 ના રોજ કેપ્ટન 82 વર્ષની વયે પ્રેમ માથુરનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું. એક હિંમતવાન સ્ત્રી તરીકે પ્રેમ માથુરે પોતાના સ્વપ્નનો પીછો કર્યો અને તે પૂર્ણ પણ કર્યા. કેપ્ટન પ્રેમ માથુર એક એવી મહિલા છે જેના માટે ભારતીયોને હંમેશા ગર્વ હોવો જોઈએ. પ્રેમ માથુર જેવી મહિલાઓ છે જેમણે સાબિત કર્યુ છે કે તેઓ ભારતના સામાજિક અને વ્યાવસાયિક મોરચા પર વૃદ્ધિ પામવાની અપાર ક્ષમતા ધરાવે છે.

દૂરદર્શન પર આવતી ‘પહલ’ નામની સિરિઝના નવમા એપિસોડમાં કેપ્ટન પ્રેમ માથુર વિશે વાત કરેલી. આ ૨૫ મિનિટનો વિડીયો માણો:

સંદર્ભ:

https://feminisminindia.com/2019/09/05/captain-prem-mathur-the-woman-who-swore-to-fly-highindianwomeninhistory/

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here