O Womaniya (13): ભૂલાઈ ગયેલા મહિલા જાસૂસ સરસ્વતી રાજામણી

0
907

ભારતને આઝાદી મળ્યાના 74 વર્ષ પછી પણ ઘણા એવા સ્વતંત્ર લડવૈયાઓ છે જેમની હિંમત અને યોગદાન વિષે આપણે ભૂલી ગયા છે. લેખકો અને ઈતિહાસકારો દ્વારા મોટા પ્રમાણમાં ‘નજરઅંદાજ’ થયેલા સ્વાતંત્ર્યસેનાની પુરુષો અને સ્ત્રીઓએ બ્રિટિશરો પાસેથી ભારતને સ્વતંત્ર કરવા ની લડતનો પાયો નાખેલો. આવી જ એક ભૂલાઈ ગયેલી નાયિકા છે કે જેના વિશે ભારતીય તરીકે આપણે ખૂબ જ થોડું જાણીએ છીએ. આ મહિલાએ આપણા દેશને વસાહતી શાસન સામે લડવામાં મદદ કરવા માટે ભયભર્યું જીવન જીવ્યું. આ મહિલા ભારતની સૌથી નાની ઉંમરની જાસૂસ હતી, જેણે ભારતીય રાષ્ટ્રીય સૈન્યના ગુપ્તચર વિંગના રહસ્યોની ચોરી કરી હતી – 16 વર્ષીય આ મહિલાનું નામ સરસ્વતી રાજામણી!

સરસ્વતી રાજામણીનો જન્મ સન 1927માં બ્રહ્મદેશ (બર્મા)માં સ્વતંત્રતા સેનાનીઓના પરિવારમાં થયેલો. તેમના પિતા ત્રિચીના એક ખાણના માલિક અને સ્વતંત્રતા સંગ્રામના કટ્ટર સમર્થક હતા. બ્રિટિશ અધિકારીઓ દ્વારા થનારી ધરપકડથી બચવા તેઓ બર્મામાં સ્થાયી થયા હતા.

રાજામણી એક એવા ઉદાર પરિવારમાં ઉછર્યા હતા, જ્યાં છોકરીઓ માટે કોઈ પ્રતિબંધ ન હતો. લગભગ 10 વર્ષના હતા ત્યારે તે મહાત્મા ગાંધીને મળ્યા, જે રંગૂનમાં (બર્માની પૂર્વ રાજધાની) તે સમયે રાજામણીના પિતાશ્રીના મહેલની મુલાકાત લઈ રહ્યા હતા. ગાંધીજી તે સમયે સ્વતંત્રતા સંગ્રામના મહત્વપૂર્ણ નેતા હતા માટે જ રાજામણીનું આખું ઘર તેમને મળવા માટે એકઠું થયેલું હતું. પરિવાર ઉત્સાહપૂર્વક પોતાનો મહાત્મા સાથે પરિચય આપતો હતો ત્યારે ખબર પડી કે નાની રાજામણી ક્યાંક ગુમ થઈ ગયેલી. થોડી વાર શોધખોળ કર્યા પછી (જેમાં ગાંધીજી પણ જોડાયા), ખબર પડી કે 10 વર્ષીય રાજામણી મહેલના બગીચામાં બંદૂક ચલાવવાની કળા શીખી રહી હતી.

10 વર્ષીય બાળકીના હાથમાં બંદૂક જોઈને ગાંધીજીને અચરજ થઈ, ત્યારે તેમણે રાજામણીને પૂછ્યું કે તેને બંદૂક શીખવાની શી જરૂર છે.

“અલબત્ત, બ્રિટિશરોને મારવા માટે” બાળકીએ ગાંધીજી સામે જોયા વિના જ ચપળતાથી જવાબ આપ્યો.

“આપણે લૂંટારુઓને ગોળી મારીએ છીએ કે નહીં? બ્રિટિશરો ભારતને લૂંટી રહ્યા છે એટલે હું મોટી થઈશ ત્યારે ઓછામાં ઓછા એક બ્રિટિશરને તો બંદૂકથી ગોળી મારીશ જ,” એવો સંકલ્પ રાજામણીએ કર્યો.

ગાંધીજીએ રાજામણીને વિનંતી કરી કહ્યું: “હિંસા એ જવાબ નથી, દીકરી. આપણે બ્રિટિશરો સામે અહિંસક રીતે લડી રહ્યા છીએ. તારે પણ તેવું જ કરવું જોઈએ.”

***

જેમ જેમ રાજામણી મોટા થયા, તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝ અને તેમની ભારતીય રાષ્ટ્રીય સૈન્ય (Indian National Army) વિશે સાંભળવાનું શરૂ કર્યું. તેણીએ હંમેશાં રાષ્ટ્રવાદી ચળવળને પૂરા દિલથી ટેકો આપ્યો હતો પરંતુ નેતાજીના ભાષણો જ હતા કે જેનાથી રાજામણીને રાષ્ટ્ર માટે લડવાની પ્રેરણા મળી.

તે ફક્ત 16 વર્ષની હતી જ્યારે બીજા વિશ્વ યુદ્ધ તેની ચરમસીમાએ હતું અને સુભાષબાબુ ભંડોળ એકત્રિત કરવા અને ભારતીય રાષ્ટ્રીય સૈન્ય માટે સ્વયંસેવકોની ભરતી કરવા માટે રંગૂનની મુલાકાતે આવેલા. ગાંધીજી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી વિપરીત, સુભાષચંદ્ર બોઝે ભારતને બ્રિટીશ શાસનથી મુક્ત કરવા માટે દરેકને હથિયાર ઉપાડવા વિનંતી કરી. તેમના જ્વલંત ભાષણથી ખૂબ પ્રભાવિત થઈને, રાજામણીએ તેના તમામ સોના અને હીરાના આભૂષણો કાઢીને ભારતીય રાષ્ટ્રીય સૈન્યને દાનમાં આપી દીધા.

રાજામણીનું આ પગલું સુભાષચંદ્ર બોઝનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહ્યું, જેમણે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે રાજામણી રંગૂનના સૌથી શ્રીમંત ભારતીયોમાંની એકની પુત્રી છે. બીજા જ દિવસે, તે બધાંજ ઘરેણા પરત કરવા માટે સુભાષબાબુ રાજામણીના ઘરે પહોંચ્યા.

રાજામણીના પિતાને મળ્યા ત્યારે બોઝે કહ્યું, “તમારી દીકરીએ તેની નિર્દોષતાને કારણે પોતાના બધાં ઘરેણાં અમને આપી દીધાં. તેથી, હું તેને પાછો આપવા આવ્યો છું.”

રાજામણીના પિતા (જેમણે પોતે એક સ્વતંત્રતા સેનાની તરીકે બોઝની ટીમ માટે મોટા પ્રમાણમાં દાન આપ્યું હતું) ફક્ત હસ્યા. આ જોઈ રાજામણીએ સુભાષબાબુને કહ્યું, “આ મારા ઘરેણા છે, મારા પિતાજીના નથી. મેં તે બધા તમને આપ્યા છે અને હું તે હવે પાછા લઈશ નહીં.”

આ કિશોરી એટલી હઠીલા સ્વભાવની હતી કે સુભાષબાબુ તેના નિશ્ચયના વખાણ કરતા થાકતા નહીં. તેમણે રાજામણીને કહ્યું, “લક્ષ્મી (પૈસા) આવે અને જાય છે પણ સરસ્વતી જતી નથી. તારી પર સરસ્વતીની કૃપા છે. તેથી, હું તારું નામ સરસ્વતી રાખું છું.” આ રીતે તે છોકરી રાજામણીમાંથી ‘સરસ્વતી રાજામણી’ બની.

***

રાજામણીએ સુભાષબાબુ સાથેની તે જ મુલાકાતમાં તેમની સેનામાં ભરતી થવા અરજી કરી. બીજા જ દિવસે સુભાષબાબુએ રાજામણી અને તેની ચાર મૈત્રિણોને ભારતીય રાષ્ટ્રીય સૈન્યની ગુપ્તચર વિંગમાં જાસૂસ તરીકે ભરતી કરી. છોકરાઓના વેશમાં, આ યુવતીઓ બ્રિટિશ લશ્કરી શિબિરો અને અધિકારીઓના ઘરોમાં ‘ઘરકામના છોકરાઓ’ તરીકે કામ કરવા લાગી. દુશ્મનને ત્યાં અપ્રગટ એજન્ટ તરીકે, તેઓ બ્રિટીશ અધિકારીઓના સરકારી આદેશો અને લશ્કરી ગુપ્ત માહિતી મેળવીને Indian National Armyને સોંપવા માટે આ ‘છોકરાઓ’ જવાબદાર હતા.

રાજામણી (છોકરા તરીકે તેનું નામ મણિ હતું) અને તેના મિત્રો બ્રિટિશ હિલચાલ પર ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે લગભગ બે વર્ષ સુધી છુપાવેશે રહયા. એક સમયે એક યુવતીને બ્રિટિશરોએ પકડી પાડી અને એ વાત જાણીને, રાજામણીએ નિર્ણય કર્યો કે તે તેના સાથી જાસૂસને બચાવવાનો પ્રયત્ન કરશે.

હિંમતભેર મણિએ નૃત્ય કરતી યુવતીની જેમ પોશાક પહેર્યો, જેલના અધિકારીઓને ડ્રગ આપ્યું અને પોતાના સાથીને બચાવી લીધો. યુવતીઓ છટકી ગઈ છે એ વાતની જાણ થતાં જ બ્રિટિશ અધિકારીઓએ ગોળી મારવાની શરૂ કરી અને રાજામણીને તેના જમણા પગમાં ગોળી વાગી. જ્યારે બ્રિટિશરોએ તેમની શોધખોળ હાથ ધરી ત્યારે દોડતી વખતે લોહી નીકળ્યું હોવા છતાં, રાજામણી અને તેની મૈત્રિણ એક ઝાડ ઉપર ચઢયા, જ્યાં તેઓએ ત્રણ દિવસ સુધી પડાવ કર્યો. ગોળીના ઘાએ રાજામણીને કાયમી અપંગ બનાવી દીધી, પરંતુ રાજામણીને તેનો ગર્વ હતો. તેના માટે, તે ભારતીય રાષ્ટ્રીય સૈન્ય (INA)ના જાસૂસ તરીકેના સુવર્ણ દિવસોની યાદ હતી.

નેતાજીએ તેમના બહાદુરીપૂર્વક ભાગી છૂટવામાં ઘણા ખુશ હતા. ગૌરવપૂર્ણ ક્ષણ તો ત્યારે આવી જ્યારે રાજામણીને જાપાની સમ્રાટ તરફથી મેડલ અને INAની ઝાંસીની રાણી બ્રિગેડમાં લેફ્ટનન્ટનો હોદ્દો અપાયો.

જ્યારે ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કરવામાં આવ્યું, ત્યારે સરસ્વતી રાજામણી અને અન્ય INA સભ્યો નેતાજીની સૂચનાથી ભારત પાછા ફર્યા. સરસ્વતી રાજામણી અને તેમના પરિવારે તેમની પાસેની બધી વસ્તુઓ, બધી સંપત્તિ (સોનાની ખાણ સહિત) પરત આપીને ભારત રવાના થયા. દુ:ખની વાત એ છે કે, જે પરિવારે સ્વતંત્રતા સંગ્રામમાં બધું જ આપી દીધું, ભારત પરત ફરતાં તેઓએ ગરીબીમાં જીવન જીવવું પડ્યું.

સરસ્વતી રાજામણીની ભાવના અને તેમના રાષ્ટ્રની સેવા કરવાનો સંકલ્પ ખૂબ જ સ્થિર હતો. વૃદ્ધાવસ્થામાં પણ તે દરજીની દુકાનોની મુલાકાત લેતા અને તેમની પાસેથી નકામા કાપડના ટૂકડાઓ ભેગા કરતા. આ ટૂકડાઓનો ઉપયોગ તેઓ નવા કપડાં અને ગોદડીઓ બનાવવા માટે કરતા જે તે પછી અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં દાન કરતા. 2006ના વિનાશક સુનામી દરમિયાન, તેમણે રાહત ભંડોળમાં સ્વતંત્ર સેનાની તરીકે પોતાનું માસિક પેન્શન પણ દાનમાં આપી દીધેલ.

જતી જિંદગીએ ઘણા લાંબા સમય સુધી, આ સ્વાતંત્ર્ય સેનાનીને ચેન્નાઈમાં જર્જરિત અને તૂટેલા એક ઓરડાવાળા અપાર્ટમેન્ટમાં એકલા રહેવું પડ્યું. તેમની પાસે ફક્ત નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથેની તસ્વીરો જ હતી. તેમણે તમિળનાડુ રાજ્ય સરકારને મદદ માટે અપીલ કરી. તમિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રી જયલલિતાએ તેમને 5 લાખની ભેટ અને ભાડા વિનાના આવાસ બોર્ડના ફ્લેટના રૂપમાં સહાય પૂરી પાડી હતી.  ઓડિશાના કટક ખાતેના નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મભૂમી પર રાષ્ટ્રીય સંગ્રહાલયની આઈએનએ ગેલેરીમાં તેમણે ઘણી અનન્ય વસ્તુઓનું પણ દાન કર્યું છે. આ ખરી સ્વાતંત્ર્ય સેનાની 13 જાન્યુઆરી 2018 ના રોજ કાર્ડિયાક એરેસ્ટથી મૃત્યુ પામ્યા. તેમના અંતિમ સંસ્કાર ચેન્નાઈના રોયપેટ્ટાહ પીટર્સ કોલોની ખાતે યોજાયા હતા.

ઈતિહાસ આવી મહિલાઓને ભૂલી ગયું છે. તેમના ચહેરાઓ ભલે ભૂલાઈ ગયા હોય પણ તેમની બહાદુરી યથાવત છે. સન 2016 માં, ‘અદ્રશ્ય’ નામની ટેલિવિઝન શ્રેણીમાં સરસ્વતી રાજામણીની વાર્તા દર્શાવેલી જે યુટ્યુબ પર ઉપલબ્ધ છે:

સંદર્ભ:

The Forgotten Spy: The Untold Story of India’s Youngest Covert Agent, Saraswathi Rajamani

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here