નિસ્વાર્થ ભાવે સેવા કરવી એ જ મારા જીવનનું લક્ષ્ય છે – ડૉ.મનોજ ઘોડા

0
786

એક ડોક્ટરનું જીવન ક્યારેય સરળ નથી હોતું. એક ડોક્ટર ભણવામાં અને ભણ્યા બાદ દર્દીઓની સારવારમાં પોતાનું સમગ્ર જીવન વિતાવી દેતા હોય છે. આજે એવા જ એક ડોક્ટરની વાત કરવાની છે જેમનું નામ છે ડૉ. મનોજ ઘોડા. ડૉ.મનોજ ધોડાનો જન્મ જુનાગઢમાં થયેલો છે. જુનાગઢમાં તેમણે તેમનું બાળપણ વિતાવ્યું છે. વર્ષોથી તેઓ અમદાવાદ સ્થાયી થયેલા છે. તેમણે એમ.બી.બી.એસ અને એમ.ડી. ની ડીગ્રી અમદાવાદની બી.જે.મેડીકલ કોલેજમાંથી પ્રાપ્ત કરી છે અને ત્યારબાદ વધુ અભ્યાસ અર્થે તેઓ ઇંગ્લેન્ડ પણ ગયેલા. તેઓ મુખ્યત્વે પેટના રોગોની સારવાર કરે છે.

1971માં મેડીકલમાં પ્રવેશ લેવા માટે તેમણે ફોર્મ ભરેલ. એ વર્ષોમાં ખાસ કોઈ સ્પર્ધા ન હતી અને વળી તેમના પિતરાઈ ભાઈઓ પણ આ જ પ્રોફેશનમાં હતા તો તેમણે પણ ડોક્ટર બનવાનું નક્કી કર્યું. તેમને તરત એડમીશન પણ મળી ગયું હતું. જ્યારથી એડમીશન મળ્યું ત્યારથી સતત શીખતા રેહવું તે જ તેમનો જીવન મંત્ર બની રહ્યો છે. કોઇપણ પરિસ્થિતિને સંઘર્ષ તરીકે ન લેતા તે પરિસ્થિતિમાંથી જે શીખવા મળે, જે બોધ મળે તે લઇ લેવો જોઈએ તેવું તેમનું માનવું છે.

કોઇપણ ડોક્ટરને જીવન અને મરણ વચ્ચેનો સંઘર્ષ ખુબ નજીકથી જોવા મળે છે. તેમનું માનવું છે કે કોઈનું જીવન જયારે આપણા હાથમાં હોય ત્યારે ખુબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. દરેક નાની નાની બાબતોની દરકાર અને નોંધ રાખવી પડતી હોય છે. ઇન્ટર્નશીપમાં શ્વાસ લેવાની પણ ફુરસદ નથી હોતી કારણકે ડોકટરોને ભણવાની સાથે સાથે પ્રેકટીકલી પણ સિવિલના દર્દીઓને જોવાના હોય. એ સમયને યાદ કરતા તેઓ કહે છે કે ત્યારે દર્દીઓ વધુ નહતા, ડોકટરો પણ વધુ નહતા અને કોઈ દર્દી  સિવિલ હોસ્પિટલમાં દાખલ થાય તે પછી તે નિશ્ચિંત થઇ જતો.

તેઓ વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયેલા ત્યાં તે પોતે ગુજરાતી હોવાથી ઇંગ્લીશમાં ભણવાનું થોડું આકરું લાગેલું, પણ તેમણે દ્રઢ નિશ્ચય કરેલો હતો પોતાની જાતને ડોક્ટર તરીકે જોવાનો. ડોક્ટરની ડીગ્રી પ્રાપ્ત કરી ને ડોક્ટર બનવાનો તબક્કો ખુબ મેહનત વાળો હોય છે તે આપણે જાણીએ જ છીએ. એક વાર એ તબક્કો પસાર કરી ને એ જગ્યા પર રેહવા માટે પણ ઘણો સંઘર્ષ કરવો પડતો હોય છે.

ડૉ.મનોજ ધોડા સ્વભાવે ખુબ જ લાગણીશીલ છે દર્દીઓની સારવારમાં ઘણી વાર નાની ઉમરનો દર્દી ગુજરી જાય તો દિવસો સુધી તેમને ખાવાનું નથી ભાવતું. ઘણી વાર કોઈ દર્દી આઈ.સી.યુ માં હોય ત્યારે તેમને ઊંઘ નથી આવતી, દર્દીની ચિંતામાં તેઓ અડધી રાત્રે પણ ઉઠીને પોતાનો મોબાઈલ ચેક કરે છે. અત્યારે દર્દીઓ અતિ પડતા જાગૃત થઇ ગયા છે તેવું તેમનું માનવું છે, પણ આ જાગૃતતાને લીધે ઘણી વાર દર્દી- ડોક્ટરને શું કરવું તે સમજાવે અને દર્દીઓમાં ઘણીવાર ધીરજનો અભાવ જોવા મળે છે ત્યારે તેમને ખુબ દુ:ખ થાય છે.

ડોક્ટર તરીકે તેમનો એક અનુભવ તેમને બરોબર યાદ રહી ગયો છે. એક વાર તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને સામેની બર્થ પર એક નાનું  બાળક શીંગ ખાઈ રહ્યું હતું. બાળક ફેકીને શીગ ખાવાની રમત કરતો હતો અને બરાબર એ જ વખતે એક શીંગ તે બાળકની શ્વાસનળીમાં જતી રહી. બાળક એકદમ ભૂરું પડવા લાગ્યું અને તરફડવા લાગ્યું. ચાલુ ટ્રેનમાં તમે શું કરી શકો?

આવા સમયમાં એક ડોક્ટરનું જ્ઞાન અને અંત:સ્ફૂરણા કામ કરતા હોય છે. તેમણે બે માણસોને બોલાવીને બાળકને ઊંધું કર્યું અને જોરથી એક ધબ્બો માર્યો અને શીંગ બહાર નીકળી ગઈ. બાળક ત્યારબાદ ફરી નોર્મલ થઇ ગયું. ઘણીવાર દર્દીના નસીબ સાથે ડોક્ટરની આવડત પણ કામ કરતી હોય છે. યોગ્ય સમય પર યોગ્ય વ્યક્તિ દ્વારા તે દર્દીને ટ્રેનમાં પણ સારવાર મળી ગઈ તેને ભગવાનની દયા માનવી જોઈએ. તેમના આવા અગણિત અનુભવો છે.

તેઓ eછાપુંનાં વાચકોને કોરોના વેક્સીન અંગે સંદેશ આપતા કહે છે કે આરોગ્ય એ આપણો પોતાનો અંગત મામલો કેહવાય તો તેના માટે સરકાર પર આધાર રાખવો યોગ્ય નથી. વેક્સીન લેવી જ જોઈએ.પેટના રોગના નિષ્ણાત હોવાથી તેઓ યોગ્ય ખોરાક,વ્યાયામ અને વ્યસનથી દુર રેહવાનો આગ્રહ રાખે છે.

હાલમાં તેઓ વિજય ચાર રસ્તા પાસે ગુજરાત સુપર મલ્ટી સ્પેશીયાલીટી કલીનીક છે ત્યાં સવાર સાંજ સેવા આપે છે અને જરૂર પડે યુ.એન.મેહતા હોસ્પિટલમાં પણ સેવા આપવા જાય છે.

 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here