મનસુખભાઈ માંડવિયા: જમીનથી જોડાયેલા અને અલગ વિચારનારા કેન્દ્રીય મંત્રી

0
1084

મનસુખભાઈ લક્ષ્મણભાઈ માંડવિયા, ભારતના આરોગ્યમંત્રી જેમણે ગત 7 જુલાઈ 2021ના રોજ જ્યારથી પોતાના મંત્રાલયનો હવાલો સંભાળ્યો છે ત્યારથી કોઈને કોઈ પ્રશ્નો તેમના તરફ ઉભા થતા રહ્યા છે. તેમને કેમિકલ અને ફર્ટીલાઈઝર્સ મંત્રાલય પણ મળ્યું હોવા છતાં દેશમાં પ્રવર્તમાન કોરોનાની સમસ્યાને કારણે તેમને મળેલા આરોગ્ય મંત્રાલય પર લોકોનું ધ્યાન વધુ ગયું છે.

આમ જુઓ તો મનસુખભાઈ માંડવિયા ઘણા વર્ષોથી રાજકારણમાં છે અને છેલ્લા સાત વર્ષથી કેન્દ્રીય મંત્રી પણ છે તેમ છતાં ડૉ. હર્ષવર્ધનને સ્થાને તેમને આરોગ્યમંત્રી બનાવવાને લીધે મનસુખભાઈ ટોક ઓફ ધ ટાઉન બની ગયા છે. સરકારના ટીકાકારો તો એમ પણ કહે છે કે જ્યારે દેશ કોરોના જેવી મહામારી સામે ઝઝૂમી રહ્યો હોય ત્યારે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના મંત્રીને કેવી રીતે આરોગ્ય વિભાગનો અતિશય મહત્ત્વનો વિભાગ સોંપી દેવામાં આવે અને એ પણ કેબિનેટ કક્ષાનો? આ પ્રશ્નો સોશિયલ મિડીયામાં પણ ઉછળ્યા હતાં.

આ તમામ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે આપણે મનસુખભાઈ માંડવિયાનો ભૂતકાળ તપાસવો જોઈએ અને જાણવું જોઈએ કે કેવી રીતે તેમની વર્ષોની મહેનતથી અને અનુભવથી તેમણે આવું મહત્ત્વનું સ્થાન મેળવ્યું છે.

મનસુખભાઈ માંડવિયાનું શરૂઆતનું જીવન

ઘણી સફળ વાર્તાઓની શરૂઆતની જેમજ મનસુખભાઈનો જન્મ પણ એક મધ્યમવર્ગીય કુટુંબમાં થયો હતો. તેઓ લક્ષ્મણભાઈ માંડવિયા, જે ભાવનગરના હાનોલ જે પાલિતાણા તાલુકામાં આવ્યું છે તેમના ચોથા પુત્ર છે. લક્ષ્મણભાઈ એક ખેડૂત હતા. મનસુખભાઈએ પોતાનું પ્રાથમિક શિક્ષણ હાનોલની સરકારી શાળામાં જ લીધું હતું અને બાદમાં માધ્યમિક શિક્ષણ માટે તેઓ સોનગઢમાં આવેલા ગુરુકુળમાં ભણ્યા હતા.

સોનગઢ ગુરુકુળમાં જ તેમણે ગુજરાત કૃષિ યુનિવર્સીટી અંતર્ગત પશુપાલન ઇન્સ્પેક્ટરનો સર્ટીફીકેટ કોર્સ પણ કર્યો હતો. ત્યારબાદ ભાવનગર યુનિવર્સીટીમાંથી તેમણે રાજકારણમાં MAની ડિગ્રી મેળવી હતી.

મનસુખભાઈ માંડવિયાની રાજકીય કારકિર્દી

રાજકારણમાં MAની ડિગ્રી મેળવવી એ સાબિત કરે છે કે મનસુખભાઈને શરૂઆતથી જ રાજકારણમાં રસ હતો અને આથી જ તેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલેકે ABVPમાં જોડાયા અને ટૂંક સમયમાં જ તેઓ ABVPની ગુજરાત રાજ્યની એક્ઝીક્યુટીવ કમિટીના સભ્ય પણ બની ગયા. ABVP સાથેના જોડાણને કારણે તેમને ગુજરાત રાજ્ય ભાજપા યુવા મોરચાના નેતા અને ત્યારબાદ પાલિતાણા તાલુકા ભાજપા પ્રમુખ પણ  બનાવવામાં આવ્યા.

2002ની ગુજરાત વિધાનસભા ચૂંટણીઓમાં પાલિતાણા બેઠકથી વિજય મેળવીને મનસુખભાઈ માંડવિયાએ ગુજરાત વિધાનસભાના સહુથી યુવાન ધારાસભ્ય તરીકેનો રેકોર્ડ બનાવ્યો. તેમના ધારાસભ્યના કાર્યકાળથી પ્રભાવિત થઈને 2010માં ગુજરાત સરકારે તેમને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના ચેરમેન તરીકે પણ નિયુક્ત કર્યા હતા.

બે વર્ષ બાદ મનસુખભાઈ માંડવિયા રાજ્યસભા માટે પહેલી વખત ચૂંટાયા અને ત્યારથી જ તેઓ ભારતીય સંસદના ઉપલા ગૃહના સભ્ય છે.

મનસુખભાઈ માંડવિયા જ્યારે ગુજરાતના સહુથી ઓછી ઉંમરના ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા અને અથીજ જ્યારે નરેન્દ્ર મોદી પહેલીવાર દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમના મંત્રીમંડળમાં મનસુખભાઈ સ્વાભાવિકપણે જ પસંદગી પામ્યા હતા. નરેન્દ્ર મોદીએ આ અગાઉ પણ પોતાના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં મનસુખભાઈ માંડવિયાની જાહેરમાં પ્રશંસા કરી હતી.

5મી જુલાઈ 2014 ના દિવસે મનસુખભાઈ માંડવિયાએ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે, શિપિંગ મંત્રાલય સાથે કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રાલયના રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમણે આ બંને મંત્રાલયોમાં અનુક્રમે નીતિન ગડકરી અને સદાનંદ ગૌડાના હાથ નીચે કાર્ય કર્યું હતું.

રાજ્યકક્ષાના મંત્રી તરીકે મનસુખભાઈ માંડવિયાએ ભારતના માનનીય રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિના વિવિધ પ્રતિનિધિમંડળોના સભ્ય તરીકે અનેક દેશોની મુલાકાત લીધી છે. આ દેશોમાં મુખ્યત્વે ચીન, ઇઝરાયેલ, ઓમાન, યુકે, જર્મની, હંગેરી, બ્રાઝિલ, આર્જેન્ટીના, કેન્યા, યુગાન્ડા, તાન્ઝાનિયા, ન્યુઝીલેન્ડ, અને ઓસ્ટ્રેલિયા સામેલ છે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેના મંત્રી તરીકે મનસુખભાઈ માંડવિયાએ હાઈવે નિર્માણની દરરોજની ગતિ વધારીને 28.04 કિમી પ્રતિ દિનની કરી હતી જે એક સમયે 16.61 કિમી પ્રતિ દિનની હતી. આટલું જ નહીં પરંતુ કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ વિભાગના રાજ્યમંત્રી તરીકે મનસુખભાઈ માંડવિયાએ યુરિયા અને અન્ય ફર્ટીલાઈઝર્સની કિંમતના ઘટાડાને શક્ય બનાવ્યો હતો. આ ઉપરાંત તેમણે યુરિયાના નીમ કોટિંગને ફરજીયાત બનાવીને તેના કાળાબજાર અને વેડફાટને બંધ કરાવી દીધા હતા. આ ઉપરાંત મનસુખભાઈ માંડવિયાએ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના હેઠળ દેશભરમાં 5,200થી પણ વધુ જન ઔષધી સ્ટોર્સ ખોલવામાં મોટો ફાળો આપ્યો છે.

મહિલાઓના આરોગ્યની વધુ સંભાળ રાખવા બદલ તેમજ જન ઔષધી સ્ટોર્સની મદદથી સમગ્ર દેશમાં 100 મિલિયન સેનેટરી પેડ્સનું વિતરણ કરવા બદલ યુનિસેફે પણ મનસુખભાઈ માંડવિયાનું સન્માન કર્યું છે.

મનસુખભાઈ માંડવિયા દ્વારા સમાજસેવા તેમજ રાષ્ટ્રનિર્માણની પ્રવૃત્તિઓ  

મનસુખભાઈ માંડવિયા તેમની વિવિધ સમાજસેવા પ્રવૃત્તિઓ તેમજ રાષ્ટ્રનિર્માણના કાર્યો માટે પણ જાણીતા છે. જ્યારે તેઓ પહેલીવાર ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા ત્યારે તેમણે રાજ્ય સરકારની ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત 123 કિમી લાંબી પદયાત્રાનું આયોજન કર્યું હતું. આ પદયાત્રાનું નામ ‘કન્યા કેળવણી જ્યોત પદયાત્રા’ હતું જેનો આશય મનસુખભાઈના મતવિસ્તાર પાલિતાણાના 45 શૈક્ષણિકરીતે પછાત ગામડાઓમાં જાગૃતિ ફેલાવવાનો હતો.

બે વર્ષ બાદ 2006માં તેમણે ફરીથી પાલિતાણામાં જ એક પદયાત્રા આયોજીત કરી જે 127 કિમી લાંબી હતી અને 52 ગામડાઓને આવરી લેતી હતી. આ વખતે તેમણે બેટી બચાઓ બેટી પઢાઓ સાથે વ્યસન હટાઓ પણ ઉમેર્યું હતું જેનો આશય લોકોના તમાકુ ચાવવાના અને સિગરેટ પીવાના વ્યસનોથી થતા નુકસાન પ્રત્યે ધ્યાન દોરવાનું હતું.

પરંતુ, મનસુખભાઈને એક પદયાત્રાએ સમગ્ર દેશનું તેમજ મિડીયાનું ખાસ ધ્યાન દોર્યું જ્યારે મનસુખભાઈ માંડવિયાએ 2020માં મહાત્મા ગાંધીના 150માં જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે દાંડીયાત્રાનું આયોજન કર્યું હતું. આ યાત્રા વૃક્ષારોપણના કાર્યક્રમથી શરુ થઇ હતી. આ ઉપરાંત મનસુખભાઈ માંડવિયાએ સુરતના યુવાનો દ્વારા આયોજીત 22,000 કિમી લાંબી બાઈક રેલીને પણ લીલી ઝંડી દેખાડીને વિદાય આપી હતી.

આઈડિયા બોક્સ દ્વારા આઉટ ઓફ ધ બોક્સ થિન્કિંગ

મનસુખભાઈ માંડવિયા પહેલેથી જ અલગરીતે વિચારનારા નેતા તરીકે ઓળખાય છે. તેમણે તેમના હાલના આરોગ્ય મંત્રાલયના કાર્યાલયની બહાર એક લાકડાનું બોક્સ મુક્યું છે જેના પર કેપિટલ અક્ષરે IDEA BOX લખવામાં આવ્યું છે. તેમણે આ વિચાર તેઓ જ્યારે પોર્ટ્સ, શિપિંગ, અને હાઈવેના મંત્રાલયના મંત્રી હતાં ત્યારે જ અમલમાં મૂક્યો હતો. આ વિચાર પાછળ આશય એ હતો કે કેટલાક નોકરશાહો જે તેમના મનમાં રહેલા અવનવા વિચારો જેના થકી મંત્રાલયની કાર્યક્ષમતામાં સુધારો થાય તેમજ તેનાથી દેશને પણ ફાયદો થાય તે મંત્રી સાથે સીધા જ શેર કરતા ખંચકાટનો અનુભવ કરતા હોય તો તેઓ પોતાના આ વિચારો લખીને આ આઈડિયા બોક્સમાં નાખી શકે છે.

આ ઉપરાંત મનસુખભાઈએ લોકોનું ધ્યાન ત્યારે પણ ખેંચ્યું હતું જ્યારે તેઓ રાજ્યસભાના સભ્ય હોવા છતાં સંસદમાં સાયકલ પર બેસીને આવતા હતા નહીં કે પોતાને મળતી આધિકારિક કારમાં. આવું તેમણે ફક્ત એકજ વાર નહીં પરંતુ કાયમ કર્યું હતું જેથી તે સાબિત થયું હતું કે આ ફક્ત ફોટો પડાવવા માટે તેમણે નહોતું કર્યું પરંતુ પેટ્રોલ બચાવવા માટે તેમણે વ્યક્તિગતરીતે ગંભીર પ્રયાસ કર્યો છે. તેમની આ પ્રવૃત્તિ એમ પણ દર્શાવે છે કે તેઓ જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે.

તો આ હતી વાત મનસુખભાઈ માંડવિયાની જેઓ દેશના આરોગ્ય, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ વિભાગના કેબિનેટ મંત્રી છે. આશા છે હવે આપ મનસુખભાઈ વિષે અગાઉ કરતાં વધુ માહિતી જાણતા હશો.

અમે અમારાથી બનતા તમામ પ્રયાસો કર્યા છે કે અમે તમને મનસુખભાઈ માંડવિયા વિષે એ તમામ માહિતી આપીએ જે કદાચ તમે જાણતા હશો કે નહીં જાણતા હોવ. પરંતુ જો તમે આ માહિતી સિવાય પણ તેમના વિષે કશું બીજું જાણતા હોવ તો અમને નીચે કમેન્ટ્સ સેક્શનમાં જરૂર જણાવશો.

તમે આ ફિચર વિષે પણ તમારા મંતવ્યો આપશો અને આગળ પણ તમે eછાપું પર કયા ફિચર્સ વાંચવા માંગો છો તે જરૂર જણાવશો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here