આદિપુરુષ મોંભેર પટકાયા બાદ મનોજ મુન્તશીરને લાધ્યું બ્રહ્મજ્ઞાન; બજરંગ બલી પાસે આશિર્વાદ માંગ્યા

મનોજ મુન્તશીર શુક્લા પણ આ દરમ્યાન અનેક વિવાદાસ્પદ નિવેદનો કરતાં રહ્યાં હતાં. અગાઉ તેમણે દાવો કર્યો હતો કે ફિલ્મ મૂળ રામાયણ પર જ આધારિત છે, પરંતુ બાદમાં જ્યારે તેમણે લખેલા સંવાદો પર વિવાદ થયો ત્યારે તેમણે એમ કહ્યું હતું કે આજની પેઢીને ફિલ્મ સાથે જોડવા માટે તેમણે રોજબરોજના શબ્દોનો ઉપયોગ કર્યો છે.

0
500
મનોજ મુન્તશીર શુક્લા
મનોજ મુન્તશીર શુક્લાએ માફી માંગી (ફોટો સાભાર: ન્યુઝ 18)

હિન્દી ફિલ્મોનાં ગીતકાર અને સંવાદ લેખક મનોજ મુન્તશીર શુક્લા આખરે ઝુક્યા છે. આ વર્ષની કહેવાતી સહુથી મોંઘી ફિલ્મ આદિપુરુષના ગીતો અને સંવાદો મનોજ મુન્તશીરે લખ્યા હતાં જેણે દેશભરમાં જબરો વિવાદ ઉભો કર્યો હતો. શરૂમાં મનોજે પોતે બિલકુલ ખોટા નથી એવું ગાણું ગાયે રાખ્યું હતું પરંતુ હવે તેઓ ઝુક્યા છે અને બજરંગ બલી તમામ પર કૃપા વરસાવે આપે તેવી પ્રાર્થના પણ કરી છે.

થોડા સમય અગાઉ મનોજ મુન્તશીર દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે કે, “હું એ સ્વીકાર કરું છું કે ફિલ્મ આદિપુરુષથી જનભાવના આહત થઇ છે. હું મારા તમામ ભાઈ-બહેનો, વડીલો, સાધુસંતો, અને શ્રીરામ ભક્તો સમક્ષ બે હાથ જોડીને બિનશરતી માફી માંગુ છું. ભગવાન બજરંગ બલી આપણા તમામ પર કૃપા કરે, આપણને એક અને અતૂટ રાખીને આપણા પવિત્ર સનાતન ધર્મ અને મહાન દેશની સેવા કરવાની શક્તિ આપે.

જો કે મનોજ મુન્તશીર શુક્લા દ્વારા આ માફી ત્યારે માંગવામાં આવી છે જ્યારે આદિપુરુષ બોક્સ ઓફીસ પર બહુ ખરાબ રીતે ફ્લોપ થઇ ચુકી છે, એટલું જ નહીં મનોજની ખુદની ઈમેજ બોલિવુડના દર્શકોમાં ખરાબ થઇ ચુકી છે. આમ મનોજ મુન્તશીર દ્વારા માફી માંગવાના સમય પર પણ હવે પ્રશ્નો જરૂરથી ઉભા થશે તેમાં શંકાને કોઈજ સ્થાન નથી.

ફિલ્મ આદિપુરુષ ગત મહીને ખૂબ લાંબા વિવાદ બાદ રિલીઝ થઇ હતી, અને જેની આશંકા હતી તે અનુસાર ફિલ્મમાં રામાયણની મૂળ વાર્તા સાથે મોટાપાયે છેડછાડ થઇ હતી. આટલું જ નહીં ફિલ્મના પાંચ સંવાદો પર તો દર્શકો પહેલાં જ દિવસે ઉકળી ઉઠ્યાં હતાં અને ફિલ્મનો બોયકોટ કરવાનું એલાન કરી ચુક્યા હતાં.

આદિપુરુષ ફિલ્મે તેનાં પ્રથમ દિવસે તેમજ પ્રથમ વિકેન્ડ દરમ્યાન ખૂબ સારી કમાણી કરી હતી પરંતુ ત્યારબાદ લોકોની ભાવનાઓ આહત કરતી ફિલ્મ હોવાના દાવા સોશિયલ મિડિયા પર થવા લાગતાં ફિલ્મની દરરોજની કમાણી બહુ ઝડપથી નીચે આવવા લાગી હતી અને ફિલ્મ ફ્લોપ જાહેર થઇ હતી.

મનોજ મુન્તશીર શુક્લા પણ આ દરમ્યાન અનેક વિવાદાસ્પદ નિવેદનો કરતાં રહ્યાં હતાં. અગાઉ તેમણે દાવો કર્યો હતો કે ફિલ્મ મૂળ રામાયણ પર જ આધારિત છે, પરંતુ બાદમાં જ્યારે તેમણે લખેલા સંવાદો પર વિવાદ થયો ત્યારે તેમણે એમ કહ્યું હતું કે આજની પેઢીને ફિલ્મ સાથે જોડવા માટે તેમણે રોજબરોજના શબ્દોનો ઉપયોગ કર્યો છે.

જોકે મુન્તશીરન આ દલીલ આજની પેઢીએ જ નકારી કાઢી હતી અને ફિલ્મ સનાતન ધર્મને વળગી રહેતી નથી તેમ સોઈ ઝાટકીને જણાવ્યું હતું. હવે, જ્યારે સઘળું લુંટાઈ ગયું છે ત્યારે મનોજ મુન્તશીર કયા કારણોસર પ્રેક્ષકોની માફી માંગી રહ્યાં છે તે તો આવનારો સમય જ કહી શકશે.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here