ગુજરાતમાંથી કોંગ્રેસ રાજ્યસભામાં એક પણ સાંસદ નહીં મોકલી શકે; આ રહ્યાં એના કારણો

ગુજરાત વિધાનસભાનું કુલ સંખ્યાબળ 182 બેઠકોનું છે અને રાજ્યસભામાં કોઈ પક્ષે પોતાનો ઉમેદવાર મોકલવો હોય તો તેની પાસે 47 મત હોવા જરૂરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા તેના ઇતિહાસનો સહુથી ખરાબ દેખાવ કરવામાં આવતા માત્ર 17 બેઠકો જ જીતી છે.

1
625
ગુજરાત કોંગ્રેસ માટે શરમજનક પરિસ્થિતિ
ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ (ફોટો સાભાર: નેશનલ હેરલ્ડ)

જેમ અગાઉ અટકળો લગાવવામાં આવી હતી તે મુજબ આ વખતે ગુજરાતમાંથી કોંગ્રેસનો એક પણ સભ્ય રાજ્યસભામાં સભ્યપદ નહીં મેળવી શકે. ગુજરાત કોંગ્રેસ માટે આ અત્યંત કપરી પરિસ્થિતિ છે અને કદાચ ગુજરાત રાજ્ય બન્યાં બાદ પ્રથમ વખત એવું બની રહ્યું છે કે ગુજરાતમાંથી રાજ્યસભા માટે કોંગ્રેસ એક પણ ઉમેદવાર મેદાનમાં નહીં ઉતારી શકે.

ગુજરાત વિધાનસભાનું કુલ સંખ્યાબળ 182 બેઠકોનું છે અને રાજ્યસભામાં કોઈ પક્ષે પોતાનો ઉમેદવાર મોકલવો હોય તો તેની પાસે 47 મત હોવા જરૂરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા તેના ઇતિહાસનો સહુથી ખરાબ દેખાવ કરવામાં આવતા માત્ર 17 બેઠકો જ જીતી છે. આમ પૂરતાં મત ન હોવાને લીધે આ વખતે રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસે ફક્ત તાલ જોવાનો વારો આવ્યો છે.

બીજી તરફ ભાજપ પાસે ગુજરાત વિધાનસભામાં 156 વિધાનસભ્યો છે આથી ગુજરાતની ખાલી પડેલી ત્રણેય બેઠકો પર તેના ત્રણ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ જશે. રાજ્યસભા માટે preferential voting થતું હોય છે. પરંતુ અહીં સામે એક પણ ઉમેદવાર નહીં હોવાને લીધે ભારતીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવારો સામે કોઈજ વિઘ્ન છે નહીં.

જો કે ભારતીય જનતા પાર્ટીએ આગામી 13મી જુલાઈ અગાઉ પોતાનાં ત્રણેય ઉમેદવારોના નામ જાહેર કરવાના રહેશે. રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડી રહેલી ત્રણેય બેઠકોમાંથી એક બેઠક વિદેશમંત્રી એસ જયશંકરની પણ છે. જયશંકરને આ બેઠક માટે રિપીટ કરવામાં આવશે જ તેમાં શંકાને કોઈજ સ્થાન નથી.

પરંતુ બાકીની બે બેઠકો માટે ભાજપ કોને પસંદ કરશે તેનાં પર સસ્પેન્સ તો કદાચ ઉમેદવારી પત્ર ભરવાનાં એકાદ-બે દિવસ અગાઉ અથવા તો તે જ દિવસે ખુલે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. હજી ગઈકાલે જ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણી માટે સહ-પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ એક કયાસ એવો પણ લગાવવામાં આવી રહ્યો છે કે નીતિન પટેલને રાજ્યસભામાં મોકલવામાં આવશે.

એસ જયશંકર અને નીતિન પટેલ ઉપરાંત ત્રીજું નામ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ પટેલનું પણ હોઈ શકે તેમ એક અહેવાલ જણાવી રહ્યો છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી કાયમ તેના સરપ્રાઈઝ માટે જાણીતો રહ્યો છે આથી એસ જયશંકર સિવાય બાકીની બે બેઠકો માટેના ઉમેદવારોના નામ જ્યાં સુધી જાહેર ન થાય ત્યાં સુધી આ સસ્પેન્સ જળવાઈ રહેશે એવું લાગી રહ્યું છે.

ગુજરાતની 3 ઉપરાંત પશ્ચિમ બંગાળ અને ગોવા સહીત કુલ 10 રાજ્યસભા બેઠકો માટે 24 જુલાઈએ મતદાન થવાનું છે. આ માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ અગાઉ જણાવ્યું તેમ 13મી જુલાઈ છે અને 17મી જુલાઈ સુધીમાં ઉમેવારો પોતાનાં નામ પરત ખેંચી શકશે.

રાજ્યસભા માટે મતગણતરી મતદાનના દિવસે જ એટલેકે 24 જુલાઈએ સાંજે કરવામાં આવશે.

eછાપું 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here