પાકિસ્તાનના સ્પોર્ટ્સ મિનિસ્ટરે વર્લ્ડ કપમાં રમવા બાબતે ફરીથી ધમકી ઉચ્ચારી; વડાપ્રધાને નિર્ણય લેવા કમિટી રચી

એહસાન મઝારીએ એમ પણ ઉમેર્યું હતું કે આ તેમનો વ્યક્તિગત મત છે, પરંતુ જ્યારે દેશના સ્પોર્ટ્સ મિનિસ્ટર પોતાનો વ્યક્તિગત મત પણ રજુ કરતાં હોય ત્યારે તેનું મહત્વ વધી જતું હોય છે.

0
476
વર્લ્ડ કપ
પાકિસ્તાનના સ્પોર્ટ્સ મિનિસ્ટર એહસાન મઝારી (ફોટો સાભાર: ફૂટબોલ પાકિસ્તાન)

આ વર્ષે ભારતમાં રમનારા ICC ક્રિકેટ વર્લ્ડ કપ બાબતે પાકિસ્તાન હજી પણ ધમકી ભરી ભાષા ઉચ્ચારી રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના (PCB) પૂર્વ બે ચેરમેન રમીઝ રાજા અને નજમ સેઠી અગાઉ જો ભારત એશિયા કપ રમવા પાકિસ્તાન ન આવે તો પાકિસ્તાન પણ વર્લ્ડ કપ રમવા ભારત નહીં જાય તેવી ધમકી ઉચ્ચારી ચુક્યા છે. હવે આ લિસ્ટમાં પાકિસ્તાનના સ્પોર્ટ્સ મિનિસ્ટર એહસાન મઝારીનું નામ જોડાઈ ગયું છે.

PCBના નવા ચેરમેન ઝાકા અશરફે પણ પોતાનો પદભાર સંભાળતી વખતે નજમ સેઠી જેઓ હાઈબ્રીડ મોડલ પર સંમત થયા હતાં તેના પર પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. સેઠીએ એશિયા કપની પાકિસ્તાનની અમુક મેચો પાકિસ્તાનમાં અને બાકીની શ્રીલંકામાં રમાડવાના મોડલ પર સહમત થયા હતાં. જો કે ઝાકા અશરફે એમ પણ કહ્યું હતું કે તેમનાં પુરોગામીએ આપેલી સહમતીનું તેઓ સન્માન કરશે.

પરંતુ એહસાન મઝારીના નવા નિવેદન કે જો ભારત એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાન પણ વર્લ્ડ કપમાં રમવા માટે ભારત નહીં જાય તેણે ફરીથી આ મામલે વિવાદ છેડી દીધો છે. જો કે એહસાન મઝારીએ એમ પણ ઉમેર્યું હતું કે આ તેમનો વ્યક્તિગત મત છે, પરંતુ જ્યારે દેશના સ્પોર્ટ્સ મિનિસ્ટર પોતાનો વ્યક્તિગત મત પણ રજુ કરતાં હોય ત્યારે તેનું મહત્વ વધી જતું હોય છે.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ કે જેઓ PCBના પેટ્રન ઇન ચિફ છે તેમણે 11 લોકોની એક કમિટી બનાવી છે જે આ મામલે વધુ વિચાર કરીને પોતાનો નિર્ણય સરકારને જણાવશે. આ કમિટીના ચેરમેન તરીકે પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો છે અને એહસાન મઝારી પણ તેમાં એક સભ્ય છે. પાકિસ્તાન ICCની મુખ્ય ટુર્નામેન્ટ રમવા માટે ભારત આવશે કે નહીં એ નિર્ણય આમ પણ પાકિસ્તાનની સરકાર જ કરવાની હતી એ અગાઉથી જ સ્પષ્ટ હતું.

જો પાકિસ્તાન વર્લ્ડ કપમાં રમવા માટે ભારત નહીં આવે તો ICC તેના પર નાણાંકીય દંડ ઉપરાંત અનેક પ્રતિબંધો પણ લગાવી શકે છે જેમાં અમુક સમયનું સસ્પેન્શન પણ સામેલ છે. એટલું જ નહીં પાકિસ્તાની ખેલાડીઓ જે વિશ્વભરની લિગ્સમાં ક્રિકેટ રમવા જાય છે કદાચ તેનાં પર પણ ICC પ્રતિબંધ મૂકી શકે છે.

આમ આ રીતે પાકિસ્તાને બહુ સમજી વિચારીને કોઈ નિર્ણય લેવો પડશે એ સ્પષ્ટ છે. એશિયા કપ રમાવાને હવે બહુ સમય નથી એવામાં હજી પણ પાકિસ્તાનની અસમંજસ કોઈને પણ સમજાતી નથી. આ બાબતે હવે ત્વરિત નિર્ણય લેવો એ જ પાકિસ્તાન તેમજ PCB માટે યોગ્ય રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here