ચાલો જાણીએ કે કેમ વિધાનસભામાં ધબડકા બાદ આપ ફરીથી ગુજરાતની તમામ બેઠકો પર ચૂંટણી લડશે પણ પરિણામ વધુ ખરાબ આવશે

આપની એ આદત છે કે જે કોઇપણ ચૂંટણી હોય તેમાં મહત્તમ સંખ્યામાં ઉમેદવારો ઉભા રાખવા. ગુજરાત વિધાનસભામાં આ રણનીતિ અપનાવીને આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ જે કદાચ તેનું લક્ષ્ય પણ હતું

0
824
ગુજરાતમાં આપ શું લોકસભામાં એક બેઠક પણ જીતી શકશે?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે ગુજરાત આપના નેતાઓ. (ફોટો સાભાર: Twitter)

લોકસભાની ચૂંટણીને હજી લગભગ એક વર્ષની વાર છે પરંતુ રાજકીય પક્ષો સ્વાભાવિકપણે તેની તૈયારીઓમાં અત્યારથી જ લાગી ગયા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એટલેકે ભાજપનું ઈલેક્શન મશીન તો આમ પણ 365 દિવસ કાર્યરત હોય જ છે પરંતુ કોંગ્રેસ પણ કદાચ પોતાનું અસ્તિત્વ ગુજરાતમાં ટકાવી રાખવા માંગે છે એટલે તેણે પ્રદેશ પ્રમુખ તરીકે જૂનાજોગી શક્તિસિંહ ગોહિલની નિમણુંક કરી છે. ગુજરાતમાં આપ પણ અસ્તિત્વ ધરાવે છે એ પણ આપણે ભૂલવું ન જોઈએ, કારણકે ગત વિધાનસભાની ચૂંટણીમાં તેનો દેખાવ ધાર્યા કરતાં ઠીકઠાક રહ્યો હતો.

વિધાનસભાની એ ચૂંટણીમાં આપ દ્વારા તમામ 182 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હતાં જેમાંથી ફક્ત 5 ચૂંટાયા હતાં, પરંતુ 40થી વધુ બેઠકો પર આપ બીજા નંબરે રહી હતી તે ક્યારેય ભૂલવું ન જોઈએ. હવે ગઈકાલે દિલ્હીમાં ગુજરાત આપના નેતાઓ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને મળ્યાં હતાં.

આ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આવનારી લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતમાં આપ તમામ 26 બેઠકો પર પોતાનાં ઉમેદવારો ઉભા રાખશે. આ જાહેરાતથી વ્યક્તિગત રીતે કોઈજ આશ્ચર્ય નથી થયું કારણકે આપની એ આદત છે કે જે કોઇપણ ચૂંટણી હોય તેમાં મહત્તમ સંખ્યામાં ઉમેદવારો ઉભા રાખવા. ગુજરાત વિધાનસભામાં આ રણનીતિ અપનાવીને આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ જે કદાચ તેનું લક્ષ્ય પણ હતું, પરંતુ લોકસભામાં પણ તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખીને આપ ક્યાંક પોતાના પગ પર કુહાડી તો નથી મારી રહીને?

જો કે આગળ જાણ્યું તેમ આપની આદત છે કે બધી જ બેઠકો પર ચૂંટણી લડવી એટલે તેનો આ નિર્ણય પણ અગાઉથી નક્કી જ હશે. પરંતુ હવે આવીએ ધરાતલ પર અને વિચારીએ કે જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 ઉમેદવારો ઉભા રાખીને આપે ફક્ત 5 બેઠકો જીતી તો લોકસભાની 26 બેઠકો પર ચૂંટણી લડીને આપ કેટલી બેઠકો જીતી શકશે?

આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે લોકસભાની ગત બે ચૂંટણીઓ પર નજર નાખવી પડે. 2014 અને 2019 એમ બંને ચૂંટણીઓમાં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો જીતી લીધી હતી. કારણ સરળ છે અને એમ છે કે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા હજી પણ સર ટોચ છે અને છેલ્લા 21 વર્ષમાં તેમાં તસુભાર પણ ઘટાડો નથી થયો.

એવું પણ કહી શકાય કે બીજે ક્યાંક નરેન્દ્ર મોદીને કદાચ તકલીફ પડે પણ ગુજરાતમાં ઓછી બેઠકો આપીએ અને જો એમનાં વડાપ્રધાનપદ પર કોઈજ આંચ આવે તો? કદાચ એમ વિચારીને ગુજરાતીઓ આંખ બંધ કરીને ગુજરાતની લોકસભાની તમામ બેઠકો ભાજપને છેલ્લી બે ચૂંટણીઓથી જીતાડી રહ્યા છે.

ગુજરાતમાં કોંગ્રેસ મુખ્ય વિપક્ષ છે (?) પરંતુ આપને હવે એ સ્થાન લેવું છે. જો આપ ગુજરાત વિધાનસભાની 40 ઉપરની બેઠકો પર બીજા નંબરે રહી શકતી હોય તો તેને આ સ્વપ્ન જોવાનો જરૂર અધિકાર છે. પરંતુ લોકસભાની વાત અલગ છે, જેનું મુખ્ય કારણ આપણે ઉપર જોઈ લીધું. હવે કોંગ્રેસને પણ બે વખતથી લોકસભાની એક બેઠક દોહ્યલી છે તો આપની તો વાત જ શું કરવી?

એક સરળ વિશ્લેષણ એમ જણાવે છે કે ગુજરાતીઓનો નરેન્દ્ર મોદી પ્રત્યેનો જે અતૂટ અને અખૂટ પ્રેમ છે એ આ વખતે પણ ભાજપને તમામ 26 બેઠકો જીતાડશે અને કોંગ્રેસ અને આપમાંથી કોઈને એક પણ બેઠક નહીં મળે. હા એકાદ-બે બેઠક પર ચમત્કાર થાય તો નવાઈ લાગશે પણ તેવા સંકેત અત્યારે ચૂંટણીના એક વર્ષ પહેલાં તો નથી દેખાઈ રહ્યાં.

હવે ગુજરાતમાં આપ લોકસભાની તમામ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખવાનું નક્કી કરી ચુક્યું છે તો તેનો મતલબ એક જ છે કે ગુજરાતમાં વિપક્ષનું સ્થાન કોંગ્રેસ પાસેથી સેરવી લેવું અને એના માટે સતત ચૂંટણીઓ લડીને પ્રયાસ કરતાં રહેવા. પરંતુ નરેન્દ્ર મોદીનું વડાપ્રધાન પદ ટકાવી રાખવા જો ગુજરાતીઓ કોંગ્રેસને મત ન આપે તો આપને કેમ કરીને આપશે એ અરવિંદ કેજરીવાલે વિચારવું રહ્યું.

એક બીજી હકીકત પણ આપે જાણી લેવી જોઈએ કે હવે ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદે શક્તિસિંહ ગોહિલ છે અને તેઓ pro-active આગેવાન છે અને કદાચ ભાજપની think tank પણ એમનાં આવવાથી ચેતી ગઈ હશે એટલે એવામાં આમ આદમી પાર્ટીને ગુજરાતમાં કોંગ્રેસનું સ્થાન મેળવવાની ઈચ્છા હોય પણ એ ફળીભૂત ન થાય એની શક્યતા પણ વધુ છે.

લોકસભાની ચૂંટણી 2024ના લગભગ એક વર્ષ અગાઉ એવી આગાહી કરવામાં કોઈજ સંકોચ નથી થતો કે ગુજરાતમાં આપ એક પણ બેઠક નહીં મેળવી શકે. આમ એટલા માટે થશે કારણકે અહીં ગુજરાતમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અકબંધ છે અને કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એડીથી ચોટીનું જોર લગાવી દેશે.

જતાં પહેલાં એક નુક્તેચીની જરૂર કરવી પડશે કે ગઈકાલે દિલ્હીમાં ગુજરાત આપના નેતાઓ કેજરીવાલને મળ્યાં એમાં ગુજરાત આપના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલીયા હાજર ન હતાં, હશે તો પણ ફોટામાં તો નથી દેખાતાં. તો શું આપને આવનારી લોકસભાની ચૂંટણીઓ પહેલાં પોતાના ઘર તૂટવાની ચિંતા નહીં કરવી પડે?

ચાલો આપણે બધાં ભેગાં મળીને વિચારીએ.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here