ફ્રાન્સમાં નરેન્દ્ર મોદીની આગતાસ્વાગતા માટે જબરદસ્ત યોજના તૈયાર છે; ઘણીબધી રીતે આ યાત્રા ઐતિહાસિક બની રહેશે

14 જુલાઈનું ફ્રાન્સમાં અનેરું મહત્વ છે. આ દિવસે ફ્રાન્સ Bastille Dayની ઉજવણી કરે છે અને ભારતમાં જેમ દર 26મી જાન્યુઆરીએ દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડ થાય છે એમ અહીં આવેલા શોંઝે લિસે (Champs Elyesees) પર પણ પરેડ થાય છે.

0
697
નરેન્દ્ર મોદી ફ્રાન્સની મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોં (ફોટો સાભાર: Bloomberg)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગયા મહિનાની અમેરિકાની યાત્રા ઐતિહાસિક બની રહી હતી. હવે બે દિવસ પછી એટલેકે 13મી જુલાઈ 2023ના દિવસે જ્યારે નરેન્દ્ર મોદી ફ્રાન્સની મુલાકાતે જશે ત્યારે તે પણ ઘણીબધી રીતે ઐતિહાસિક બની રહે તેવી તમામ શક્યતાઓ આ મુલાકાતના કાર્યક્રમ પર ધ્યાન આપતાં લાગી રહ્યું છે.

બે દિવસની પોતાની ફ્રાન્સની યાત્રા દરમ્યાન નરેન્દ્ર મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય મંત્રણા તો કરશે જ પરંતુ તેની સાથે સાથે તેમનાં અન્ય કાર્યક્રમો પણ રહેશે. આ તમામ કાર્યક્રમો જે-તે સ્થળ પર નક્કી કરવામાં આવ્યા છે તેનું અનેરું મહત્વ છે. તો ચાલો જાણીએ કે 13 અને 14 જુલાઈ દરમ્યાન નરેન્દ્ર મોદીનાં ફ્રાન્સમાં કયા પ્રકારના કાર્યક્રમો છે.

નરેન્દ્ર મોદી ફ્રાન્સની મુલાકાતે – શું છે તેમના કાર્યક્રમની રૂપરેખા?

આમ તો 2014માં વડાપ્રધાન બન્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પાંચમી ફ્રાન્સ યાત્રા હશે, પરંતુ જેમ અગાઉ ચર્ચા કરી તેમ આ વખતે કાર્યક્રમની રૂપરેખા સામે આવી છે તે કોઇપણ ભારતીયને ઉત્સાહિત કરી દે તેવી છે.

વડાપ્રધાન 13મી જુલાઈએ ફ્રાન્સના સમયે બપોરે પેરિસમાં લેન્ડ થશે. ત્યારબાદ તેઓ ફ્રાન્સમાં રહેતાં ભારતીય સમુદાયને (Indian diaspora) ફ્રાન્સની સેન રિવરમાં (Seine River) Ile Seguin Island પર આવેલા La Seine Musicale નામક પરફોર્મિંગ આર્ટ્સ માટે ખાસ બનાવવામાં આવેલા થિયેટરમાં સંબોધિત કરશે. આ સ્થળનું પણ એક આગવું મહત્વ છે. La Seine Musicale વર્ષ 2027માં બનીને તૈયાર થયું હતું. અહીં 6000 પ્રેક્ષકોને સમાવી શકે તેવું Grand Seine Theatre આવેલું છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ છે. અગાઉ અહીં અમેરિકન ફોક-રોક સિંગર બોબ ડાયલનનો (Bob Dylen) કાર્યક્રમ થઇ ચુક્યો છે. હાલમાં La Seine Musicaleમાં ફ્રાન્સમાં ભારતના રાજદૂતની ઓફીસ અને ભારત સરકારના સંસ્કૃતિક મંત્રાલય દ્વારા આયોજિત ‘નમસ્તે ફ્રાન્સ’ કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે.

એજ દિવસે સાંજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોંએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પોતાના આધિકારિક નિવાસસ્થાન Elysee Palace ખાતે પ્રાઈવેટ ડિનરનું આયોજન કર્યું છે. આ ડિનર દરમ્યાન રાષ્ટ્રપતિ મેક્રોં અને વડાપ્રધાન મોદી અનેક વિષયો પર ચર્ચા કરશે.

14 જુલાઈનું ફ્રાન્સમાં અનેરું મહત્વ છે. આ દિવસે ફ્રાન્સ Bastille Dayની ઉજવણી કરે છે અને ભારતમાં જેમ દર 26મી જાન્યુઆરીએ દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડ થાય છે એમ અહીં આવેલા શોંઝે લિસે (Champs Elyesees) પર પણ પરેડ થાય છે. આ વર્ષે આ પરેડમાં ભારતીય સેનાની પંજાબ રેજીમેન્ટ તેમજ રાજપૂતાના રાઈફલ્સના 269 જવાનો પણ જોડાશે અને આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોં સાથે ત્યાં હાજર હશે. આજ સમયે ભારતીય રફાલ અન્ય બે રફાલ સાથે આકાશમાં ફોર્મેશન બનાવશે.

આટલું જ નહીં પરંતુ INS Chennai જે ભારતની જળસેનાનું સ્વદેશી guided missile destroyer છે તે ફ્રાન્સના વ્યુહાત્મક પોર્ટ બ્રેસ્ટ ખાતે લાંગરવામાં આવશે. આ પ્રકારના અત્યંત મહત્વના કાર્યક્રમ બાદ મુખ્ય કાર્યક્રમ એટલે કે બે દેશોનાં બે વડાઓ વચ્ચેની શિખર વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે.

એ જ સાંજે રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આધિકારિક ડિનર માટે યજમાની કરશે. આ ડિનર જ્યાં આયોજિત કરવામાં આવ્યું છે તેનું પણ ઐતિહાસિક મહત્વ છે. વિશ્વ પ્રસિદ્ધ લુવ્ર મ્યુઝિયમના (Louvre Museum) Cour Marly Courtyard ખાતે આ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડિનરમાં ફ્રાન્સના 250થી પણ વધુ પ્રતિષ્ઠિત નાગરિકો પણ હાજર રહેશે. અહીં વેજીટેરીયન ભોજનની અસંખ્ય ડીશ પીરસવામાં આવશે.

આ દરમ્યાન રાષ્ટ્રપતિ મેક્રોં અને વડાપ્રધાન મોદી આ મ્યુઝિયમની ગાઈડેડ ટૂર પણ કરશે. આ જ મ્યુઝિયમમાં લિઓનાર્ડો દ વિન્ચીનું પ્રખ્યાત મોનાલિસા પેઈન્ટીંગ પણ સાચવવામાં આવ્યું છે જ્યાં બંને રાષ્ટ્રનેતાઓ ફોટો પણ પડાવશે.

ડિનરના કાર્યક્રમ બાદ લુવ્ર મ્યુઝિયમની અગાસી પરથી ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જગવિખ્યાત એફિલ ટાવરની ઉપર થતી આતશબાજીનો આનંદ પણ માણશે.

આમ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની મુલાકાતે જશે ત્યારે તે તમામ અર્થમાં ઐતિહાસિક બની રહેશે કારણકે અગાઉ આ પ્રકારનું માનસન્માન ભારતના કોઇપણ વડાપ્રધાનને ફ્રાન્સમાં મળ્યું નથી.

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here