૩ એક્કા રિવ્યુ: હાસ્ય અને ધમાલથી ભરપૂર અને એક સુંદર સંદેશ ધરાવતી ફિલ્મ એટલે ૩ એક્કા!

0
985

છેલ્લો દિવસ, શું થયું? અને હવે ૩ એક્કા. જયારે પણ આ ટીમ ભેગી થઇ છે ત્યારે આપણે સમજી લેવું કે ધમાલ થવાની જ છે. ૩ એક્કાની ટીમની વાત કરીએ તો:

કલાકારો: મલ્હાર ઠાકર, યશ સોની, મિત્ર ગઢવી, કિંજલ રાજપ્રિયા, ઈશા કંસારા, તર્જની ભાડલા, હિતુ કનોડિયા, ધર્મેશ વ્યાસ, ચેતન દૈયા, ઓમ ભટ્ટ, પ્રેમ ગઢવી અને તુશારિકા રાજગુરુ.

નિર્માતા: આનંદ પંડિત અને જન્નોક ફિલ્મ્સ

દિગ્દર્શક: રાજેશ શર્મા

રનટાઇમ: ૨ કલાક ૧૪ મિનીટ

આપણે ૩ એક્કાની વાત કરીએ તો આ ફિલ્મ  કોમેડી થી ભરપુર છે અને ખાસ કરીને પરિવાર જોડે જોવા લાયક છે. શું થયું?પછી આ ૩ કલાકારો સાથે જોવા મળ્યા છે અને તેની મજા ભરપૂર તમે માણી શકો છો ૩ એક્કા માં. આપણે વાર્તાની વાત કરીએ તો ટ્રેલરમાં જેવી સરળ દેખાય છે તેવી નથી. હવે હું વાર્તા તો નહિ કહું કારણકે ફિલ્મમાં એકથી પણ વધારે વળાંક છે જે તમને અચંબિત કરશે પણ સાથે-સાથે તમને એ સીનમાં ખડખડાટ હસવું પણ આવશે. ફિલ્મ તમને કોઈ પણ જગ્યા એ બોર કરશે જ નહિ કારણકે ફિલ્મની સ્પીડ ઘણી સારી છે અને ફિલ્મમાં કોઈ એવો બમ્પ નથી આવતો જે ફિલ્મને ધીમી કરી દે.

3 એક્કાનો પ્લસ પોઈન્ટ છે એના કલાકારો. જેટલા પણ મુખ્યથી લઈને સાથી કલાકારો છે તે બધાએ બહુ જ અદભુત કામ કર્યું છે. ફિલ્મમાં બે જગ્યા એવી છે એક ફિલ્મની વચ્ચે અને ફિલ્મ પતવાની પેહલા એક સીન છે જે મને બહુ જ ગમ્યા અને એ ૨ સીન ફિલ્મના મહત્વના સીન હતા. આ ફિલ્મમાં એક ગીત છે જેનું નામ છે ‘ટેહુંક’. આ ગીત માં જે શબ્દ છે ટેહુંક એ આખી ફિલ્મમાં તમને સાંભળવા મળશે એ કેમ સાંભળવા મળશે એ તમને ફિલ્મ જોતા જ ખબર પડી જશે.

આ રિવ્યુ થોડો નાનો રહેશે કારણકે ફિલ્મ સરસ છે પણ એની વાર્તાની વાત કરીશું તો ઘણી ન જાણવાની વસ્તુઓ છે જે તમે ફિલ્મ ન જોઈ હોય તો તમારી મજા બગાડી શકે છે. આજે જ્યાં હું ફિલ્મ જોવા ગયો હતો ત્યાં અંદર જઈને ખબર પડી કે હાઉસફુલ છે જે જોઇને આનંદ થયો. અને આ ફિલ્મમાં ૧-૨ સીન છે જે જોઇને તમને છેલ્લો દિવસની જરૂરથી યાદ આવશે અને એક જુનો બધાનો ગમતો સંવાદ પણ છે જેને જોઇને તમારા મોઢેથી સીટી નીકળવી નક્કી જ છે. આજે એક-એક સીનમાં તાળીઓ અને સીટીઓ વાગી છે. આજે આનાથી એક વસ્તુ ખબર પડી જાય કે જયારે-જયારે આ ટીમ પાછી આવશે ત્યારે લોકો ભરોસાથી જોવા આવશે કે આ ટીમ આપણને હસાવશે જ અને આ રીતે ગુજરાતી સિનેમા ને આગળ વધતા જરૂરથી ગર્વ થાય છે. આપડે કલાકારોના પરફોર્મન્સની વાત કરીએ:

  • પહેલા વાત કરીએ મલ્હાર ઠાકરની તો મલ્હાર એમ પણ જયારે કોમેડી રોલ કરે છે ત્યારે પોતાનું ૧૦૦% થી પણ વધારે આપી દે છે અને લોકોને પણ એને કોમેડી ફિલ્મોમાં જોતા ઘણો આનંદ મળે છે. અહિયાં દર વખત ની જેમ મલ્હારે ફરીથી લોકોને હસાવીને પોતાનું કામ પાર પાડ્યું છે અને એના જે ડાયલોગસ છે એ એમનો પ્લસ પોઈન્ટ છે જે રીતે એ અમદાવાદી બોલીમાં પોતાના ભાઈબંધો અને બાકી બધા જોડે વાત કરે છે એ જોવામાં અને સાંભળવામાં મજા આવે છે અને આ ફિલ્મ લોકો કોઈ બીજા માટે તો નહિ પણ મલ્હાર માટે જરૂરથી જોવા જાશે. આ ફિલ્મ માં પણ એણે બાજી મારી લીધી છે.
  • યશ સોનીની આજકાલ ખાસ ફિલ્મો આવી છે જેમકે નાડી દોષ, રાડો, ફક્ત મહિલાઓ માટે અને હવે ૩ એક્કા તેનું ફિલ્મ સિલેકશન ખુબ જ સરસ છે અને એણે નવા રોલમાં જોઇને મજા આવે છે અને એની નવી ફિલ્મ ડેની જીગરની એક નાની ઝલક જોવા મળે છે. ફિલ્મ શરુ થતા પહેલા અને અહી ફિલ્મમાં જે રીતે એ બીજા હાફમાં એનું મહત્વનું કામ છે એ ફિલ્મમાં દેખાઈ આવે છે અને તેનું કામ ખુબ જ સરસ છે.
  • મિત્ર ગઢવીનો રોલ આ ફિલ્મમાં ખુબ જ ભોળો અને હસાવે એવો છે. જે રીતે એણે બધી વસ્તુઓની મોડી મોડી ખબર પડે છે એ જોઇને ખુબ જ હસવું આવે છે અને એનું કામ વધારે સારું હોય છે બીજા હાફમાં જ્યાં એક સીનમાં બાકીના કલાકારોને રીતસર ખાઈ ગયો છે. મિત્ર ગઢવીનું કામ લોકોને છેલ્લો દિવસ અને શું થયું? માં પણ ગમ્યું હતું અને અહિયાં પણ એણે બહુ સરસ કામ કર્યું છે.
  • ઈશા કંસારા, કિંજલ રાજપ્રિયા અને તર્જની ભાડલા એમ ફિલ્મની ત્રણ હિરોઇન્સની વાત કરીએ તો ત્રણેયએ ખુબ જ સુંદર કામ કર્યું છે અને તેમની મેહનત વધારે દેખાય છે ફિલ્મના બીજા હાલ્ફમાં જ્યાં ત્રણેયનું કામ વધારે સારી રીતે દેખાઈ આવે છે અને તે ત્રણેય મલ્હાર, યશ અને મિત્રની સાથે તેમની જોડી પણ સારી લાગે છે.
  • હવે વાત કરીએ ફિલ્મના સૌથી મહત્વ અને અદભુત કલાકારની જે છે હિતુ કનોડિયા. જે રીતે તે એક ડોનનું પાત્ર ભજવે છે એ જોવામાં મજા આવે છે પણ તેમનું કામ બીજા હાફમાં એવું છે જે તમને કદાચ અચંબામા પાડી દેશે અને તેમનું કામ બહુ વધારે પડતું જ વખાણ કરવા લાયક છે. હું કેમ કહું છું કે હિતુ કનોડિયાનું કામ કેમ મહત્વનું છે એ તો તમને ફિલ્મ જોવા પર જ ખબર પડશે.
  • ધર્મેશ વ્યાસ, ચેતન દૈય્યા, તુશારિકા રાજગુરુ, પ્રેમ ગઢવી અને ઓમ ભટ્ટની વાત કરીએ તો તેમનું કામ પણ બહુ જ સરસ હતું ભલે ઓછુ હતું પણ તેમણે દરેક મુખ્ય કલાકારોનો જોરદાર સાથ આપ્યો છે અને તે બધા ની જ્યાં-જ્યાં જરૂર પડી છે ત્યાં તેમને ખુબ જ સરસ કામ કર્યું છે.

તો ૩ એક્કા એક સુંદર અને જોવાલાયક ફિલ્મ છે જે તમને પેટ પકડીને હસાવે છે અને એક સરસ સંદેશ આપે છે, ફિલ્મના અંત માં. એમ તો આ ૩ ની ટીમ સાથે આવે એટલે ધમાલ થાય જ જેમ કે આ વખતે થઇ છે અને એમ તો કહેવાની જરૂર નથી કારણકે આપણા ૩ ગમતા કલાકારો છે ફિલ્મમાં પણ તો પણ આશા છે કે તમે જરૂર થી જોવા જશો આ ફિલ્મ.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here