ચાલો આપણું સોશિયલ મીડિયા સર્ફિંગ વધારે જ્ઞાનપ્રદ બનાવીએ

    0
    283

    આજે અમારે તમને સોશિયલ મીડિયાની એ દુનિયામાં લઇ જવા છે જે આજથી લગભગ દસ વર્ષ પહેલા આપણી સામે અસ્તિત્વ ધરાવતી હતી. એ દુનિયા જ્યાં પેઈડ અથવાતો ફેક ન્યુઝને કોઈજ સ્થાન ન હતું, રાજકીય ચર્ચાઓ તો આપણાથી કિલોમીટરના કિલોમીટર દૂર હતી. આ એ સમય હતો જ્યારે મીડિયાનું આક્રમણ આપણા પર હજી શરુ જ થયું હતું અને તેનો સૌથી મોટો લાભ એ હતો કે સોશિયલ મીડિયામાં નફરતનું પ્રમાણ ખૂબ ઓછું હતું.

    ઉપરોક્ત બાબતોની ગેરહાજરીથી એ શક્ય બન્યું હતું કે લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ એકબીજા સાથે સંપર્કમાં રહેવા માટે વધુ કરતા હતા. ઓરકુટ અને નવા નવા શરુ થયેલા ફેસબુકમાં લોકો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વિવિધ ચર્ચાઓમાં હિસ્સો લેતા અને એટલું જ નહીં યાહુ ચેટ પર પણ લોકો ફ્રેન્ડ્સ એટલે બનાવતા કે નવી વ્યક્તિને મળવાનું અને તેને મિત્ર બનાવવાનું આપણને મન થતું.

    આજે જમાનો સંપૂર્ણપણે બદલાઈ ગયો છે અને તેની સાથે સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ બદલાઈ ગયો છે અને આ ઉપયોગના હેતુ પણ બદલાઈ ગયા છે. આજે સોશિયલ મીડિયા પર ટ્રોલ્સ હાવી છે જેની ઉપસ્થિતિ આજ થી એક દાયકા પહેલા આપણી કલ્પનામાં પણ નહોતી. તો શું આજે એ દુનિયામાં ફરીથી જવાનું શક્ય છે? બિલકુલ છે, જો તમે અમારી આપેલી કેટલીક ટીપ્સને ફોલો કરો તો.

    સોશિયલ મીડિયાને વધારે જ્ઞાનપ્રદ બનાવવાની કેટલીક ટીપ્સ

    મિત્રોની એક પણ પોસ્ટ ખાલી ન જવા દો

    દસ વર્ષ પહેલા અને આજની પરિસ્થિતિમાં એક બાબતે બદલાવ બિલકુલ નથી આવ્યો અને તે છે સમયનો ભરપૂર અભાવ. આજે પણ આપણા સાવ નજીકના મિત્રોને મહિનામાં એક વખત પણ મળી શકીએ એટલો સમય કાઢી શકતા નથી. તો તેમની સાથે સંપર્કમાં રહેવા માટે અને તમે તેને ભૂલી નથી ગયા તે યાદ દેવડાવવા માટે સોશિયલ મીડિયાથી વધારે સરળ માધ્યમ બીજું કયું હોઈ શકે? તમારા મિત્રોની એકેએક ફેસબુક પોસ્ટ પર કમેન્ટ કરવાની શક્ય ન હોય તો રોજ તેની એટલીસ્ટ એક અથવાતો બે પોસ્ટ પર કમેન્ટ કે લાઈક જરૂર આપો આથી તેને ખબર પડશે કે તમે તેની નોંધ લીધી છે. આ ઉપરાંત તેના જન્મદિવસે કે પછી એનીવર્સરીના દિવસની તેની કોઇપણ પોસ્ટ પર તેને વિશ કરવાનું પણ ભૂલાય નહીં. તેની નવી જોબ કે પછી કોઈ અચિવમેન્ટને લગતી પોસ્ટમાં પણ તેને ખાસ બિરદાવો અને શુભેચ્છાઓ પાઠવો.

    તમારી LinkedIn પ્રોફાઈલને મજબૂત બનાવો

    એવું નથી કે જયારે તમારે કોઈ નવી નોકરી લેવી હોય ત્યારે અથવાતો તમારે કોઈ વ્યક્તિને  હાયર કરવી હોય ત્યારે જ LinkedIn પર લોગ ઇન કરવું જોઈએ. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે કોઈ પ્રાઈવેટ કંપનીને પોતાના પ્રોજેક્ટ માટે તમારા એ અંગેના વિચારો જાણવાની અને ઉમેરવાની જરૂર પડી શકે તેમ છે. આ માટે તે વ્યક્તિ જો LinkedIn પર સરવે કરતો હશે તો તેને તમારો સંપર્ક કરવાની ઈચ્છા થઇ આવશે, જો તમારી પ્રોફાઈલમાં તેના પ્રોજેક્ટને લગતો કોઈ એક સમાન ઇન્ટરેસ્ટ હશે. આથી તમારી LinkedIn પ્રોફાઈલને સતત અપગ્રેડ અને અપડેટ કરતા રહો. જેટલી પણ ‘Linked’ રીક્વેસ્ટ આવી હોય તેને બરોબર ઓળખીને એડ કરો. તમારી જૂની પોસ્ટ્સમાં કોઈ ફેરફાર કરવાનો લાગે તો જરૂર કરો. તમારી સિધ્ધિઓને એડ કરો. LinkedIn ભલે પ્રોફેશનલ સોશિયલ મીડિયા છે પરંતુ તેના પર થનારી તમારી એક-એક વિઝીટ તમારું માનસિક સ્તર એક નવા લેવલે જરૂર લઇ જશે.

    સિંગલ છો? તો Instagram નો ઉપયોગ કરો

    સિંગલ વ્યક્તિઓ માટે Instagram એક આશિર્વાદ બનીને આવ્યું છે. તમે જો સિંગલ છો અને તમને કોઈ ડેટ મળે એવી ઈચ્છા હોય તો તમારી Instagram પ્રોફાઈલ મજબૂત બનાવો. તમારા શોખને હાઈલાઈટ કરતા ફોટોગ્રાફ્સ અપલોડ જરૂર કરો પરંતુ તેમાં તમે ખુદ પણ ઉપસ્થિત હોવ તેની ચોકસાઈ પણ કરો. તમારા Instagram માં ઓછામાં ઓછા 20 ફોટોગ્રાફ્સ એવા અપલોડ કરો જેને જોઇને વ્યક્તિને લાગે કે તમે ખરેખર સિંગલ છો. અને હા, પછી જો તમને ગમતી વ્યક્તિ સાથે જો સંપર્કમાં આવો અને મન મળી જાય તો પછી તેની સાથે ડેટ પર જાવ, but be a gentleman and woman, ok?

    તમારું જ્ઞાન વધારો

    YouTube અને ગૂગલ મહારાજ, આ બંને જ્ઞાનના એવા ભંડાર છે જે ક્યારેય ખૂટવાના નથી. YouTube પર ‘How to’ લખીને સર્ચ કરશો તો તમને એવા અસંખ્ય વિડિયોઝ ઉપલબ્ધ હોવાનું જાણવા મળશે જે તમને રોજીંદા જીવનમાં કરવામાં આવતી વિવિધ ક્રિયાઓ કેવી રીતે કરવી તેની સરળ સમજણ આપતા હોય છે. આ ઉપરાંત ગૂગલ પર તમારા રસના વિષય પર નો એટલીસ્ટ એક આર્ટીકલ તો તમે રોજ વાંચશો જ તેવું જાત સાથે કમીટમેન્ટ કરો. આ માટે તમારે રોજ આર્ટીકલ્સ શોધવાની પણ જરૂર નથી, બસ Google App પર નોટિફિકેશન સેટ કરો, ગૂગલ મહારાજ જાતેજ દરરોજ એ આર્ટીકલ તમારા મોબાઇલ પર પીરસી જશે. આ ઉપરાંત ટ્વીટર પર પણ તમે માહિતી આપતા હેન્ડલને ફોલો કરી શકો છો. ધીમેધીમે તમને જો તેની માહિતી પસંદ આવે તો તેને રીટ્વીટ કરી શકો છો અને જો જરૂર લાગે તો એ હેન્ડલને પ્રશ્ન પણ પૂછી શકો છો. ટ્વીટર પર પણ ઘણીવાર રસપ્રદ ચર્ચા ચાલતી હોય છે, તેમાં પણ જોડાઓ જેથી અન્ય વ્યક્તિઓને તમારા જ્ઞાનનો લાભ મળે, કારણકે જ્ઞાન તો જેટલું વહેંચીશું એટલુંજ વધે છે ને?

    તો આ હતી એ ચાર ટીપ્સ જેને ફોલો કરવાથી તમારું રોજીંદુ સોશિયલ મીડિયા સર્ફિંગ ફક્ત જ્ઞાનપ્રદ જ નહીં બને પરંતુ રસપ્રદ પણ બની જશે. તમે આજના સોશિયલ મીડિયાના ટ્રેન્ડ સાથે પણ જોડાઈ શકો છો કારણકે તેના પર કોઈ પ્રતિબંધ મુકવાની જરૂર નથી, પરંતુ સાથે સાથે જ ઉપરોક્ત એક્ટીવીટી કરવાથી તમારા સોશિયલ મીડિયા વપરાશનું મૂલ્ય વધી જશે.

    તો કેવું લાગ્યું તમને અમારું આ ફિચર? તમારું મંતવ્ય અમને નીચે આપેલા કમેન્ટ્સ સેક્શનમાં અથવાતો અમારા ફેસબુક અને ટ્વીટર પેજ પર જરૂરથી આપશો.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here