આપણી કંકોત્રી એટલે… કવર પર ગણપતિનો ફોટો અને ઘેરા લાલ (કે મરુન) રંગનો કાગળ. સોનેરી ઝાલર. લંબચોરસ આકાર. કવરને ખોલો એટલે મહેંદી, સંગીતસંધ્યા, મંડપમુહુર્ત, લગ્ન અને રીસેપ્શનના અલગ અલગ કાર્ડ!!
બસ, આટલું જ આપણા લગ્નોની કંકોત્રીનું સ્વરૂપ છે?
કદાચ આવો સવાલ સુરતના એક યુગલને પણ થયો હશે. આ અઠવાડિયે એવા ન્યુઝ મળ્યા છે કે સુરતના એક યુગલે પોતાના લગ્નની કંકોત્રી WhatsApp ના અંદાજમાં છપાવી. એમાં ડિસ્પ્લે પીક (DP), લાસ્ટ સીન, વર્ઝન, સ્ટેટસ બધું ખરેખરું WhatsApp જોતાં હોઈએ એવું લાગે.

જીવનનો આધાર લગ્નજીવન પર જ રહેલો હોય છે તો પછી લગ્નનું કાર્ડ જ ‘આધાર’ પ્રમાણે હોય તો કેવું સરસ! આ વિચારને અનુમોદન આપતાં વડોદરામાં રહેતા થોડાં વર્ષો પહેલાં એક પરિવારે પોતાના દીકરાની કંકોત્રી આધારકાર્ડ પ્રમાણે છપાવી હતી. જેમાં આધારકાર્ડ નંબરની જગ્યાએ લગ્નની તારીખ સેટ કરીને પ્રથમ નજરે તો આધારકાર્ડ જ લાગે તેવી કંકોત્રી બનાવી. નોટબંધીના સમયે જૂની નોટો પાછી ખેંચાઇ અને બજારમાં નવી નોટો આવેલી ત્યારે બેંગલુરુનાં એક યુગલે પોતાની કંકોત્રી બે હજારની નોટની થીમ પર બનાવેલી.
ત્રણેક વર્ષો પહેલાં ધારીના એક પક્ષીપ્રેમી યુવાને પોતાની લગ્નની કંકોત્રી ચકલીના માળા ઉપર છપાવી હતી. કંકોત્રી વાંચી લીધા બાદ તેનો ચકલીનાં માળા સ્વરૂપે ઉપયોગ પણ થઈ શકે તેવી રીતે છપાવી યુવાને પોતાનો પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ ઉજાગર કર્યો હતો. કંકોત્રીમાં વન્ય પ્રકૃતિ બચાવવા તથા પર્યાવરણને મદદરૂપ થવાનો સંદેશો પણ લખવામાં આવ્યો હતો. લગભગ દરેક મોંઘી કંકોત્રીઓ વંચાઈ ગયા બાદ કોઈ જાતનાં કામમાં ન આવતી હોય ત્યારે યુવાનનાં લગ્નની કંકોત્રી વંચાઈ ગયા બાદ અનેક ચકલીઓનાં માળા બનાવવા માટે કામમાં આવી. (યુટ્યુબ પર આનો વિડીયો પણ છે). ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રાજકોટના એક પરિવારે તેમના પુત્રના લગ્ન અવસરે પર્યાવરણની જાળવણી અને ગામને હરીયાળુ કરવાના સંકલ્પ અને નવીન અભિગમના સથવારે શુભલગ્ન ની કંકોત્રી સાથે નાના છોડ અને ગુલાબ-આંબાના રોપા વિતરણ કરેલાં.
કંકોત્રીના અવનવાં રૂપો વિશે વાત કરીએ એ પહેલાં થોડી વાતો કંકોત્રી વિશે જ કરીએ. આપણે ત્યાં લગ્ન હોય અને કંકોત્રી છપાવવાની હોય ત્યારે આપણે જૂની કંકોત્રી લઈને બધું લખાણ પરબારું છાપી લઈએ છીએ. કોઈ વાંચે કે ન વાંચે – કંકોત્રીને પુસ્તક જેટલી જાડી-પાડી કરી નાખવામાં આપણને કુટુંબની આબરૂ વધે એવી પોરસ ચડે છે. કયા ગામના વતની અને હાલ ક્યાંના રહેવાસી, કોના વંશજ, કોની અસીમ કૃપાથી લગ્નગ્રંથીમાં જોડાયા – આ બધું તો ઠીક પણ તોતડાં (અને જીભ જલાયેલા) ટાબરિયાંઓનો ‘ટહુકો’ એ આપણે ત્યાં એક પરંપરા થઈ ગઈ હોય એ રીતે લખાય છે.
ગુજરાતી ભાષાના પ્રખર પંડિત હોઈએ એ પ્રમાણે નવાં-નવાં ગુજરાતી શબ્દોનો કંકોત્રીમાં ઉપયોગ કરીને આપણે આપણા ગુજરાતીપણાંને પ્રુવ કરવા મથતા હોઈએ છીએ પણ સાદી જોડણીઓની ભૂલો આપણને દેખાતી નથી. હજીયે આપણે રીસેપ્શનને રીપ્સેશન બોલિયે છીએ. હેં ને? આમંત્રણ અને નિમંત્રણનો ફરક પણ ખબર નથી. ભગવદ્ગોમંડળ કહે છે કે આમંત્રણ અને નિમંત્રણમાં તફાવત એ છે કે નિમંત્રણ એટલે આવવાને માટે આદરસત્કાર અને આમંત્રણ એટલે આપ ફરી પધારજો એવો અર્થ થાય છે. નિમંત્રણનું પાલન ન કરવાથી દોષ લાગે છે.
લાગતું વળગતું: લગ્નની તૈયારીઓ એટલે ખર્ચાળ લગ્ન પહેલા જ ખર્ચાઓની હારમાળા |
એ જાણવું જરૂરી છે કે કંકોત્રી એ કોઈ શાસ્ત્રોમાંથી જન્મેલી વિધિનું વિધાન નથી. એ એક લોકપરંપરા છે. ખરેખર તો ફક્ત લગ્ન જ નહીં, કોઈ પણ સારા અવસરના તેડાં કે નોતરાંની પત્રિકાને પણ ‘કંકોત્રી’ કહી શકાય. સારા પ્રસંગ માટે લખાયેલી પત્રિકાને કંકુથી વધાવીએ એટલે કંકુ-પત્રિકાનું અપભ્રંશ થઈને કંકોત્રી થયું હશે. આ જ શબ્દનો વિરોધી શબ્દ છે – કાળોતરી (એટલે કે અશુભ કે માઠા પ્રસંગોએ લખાયેલી પત્રિકા).
જય વસાવડાએ એકવાર લાભશંકર પુરોહિતનો સંદર્ભ આપતાં લખેલું કે સંસ્કૃતના પ્રકાંડ પંડિત લાભશંકર પુરોહિત કહે છે કે પ્રાચીન ભારતમાં લેખિત વેડિંગ ઈન્વિટેશનને બદલે ઢોલનગારા સાથે એ ગાઈ-વાંચી-સંભળાવવાની શ્રુતિસ્મૃતિની પરંપરા હતી. જોકે, આમંત્રણ પત્રિકાના ઉલ્લેખો ક્યાંક ભાગવત જેવા પુરાણોમાં છૂટાછવાયા છે પણ કંકોત્રી સમકક્ષ આધારભૂત ગણાય એવી પત્રિકાનો ઉલ્લેખ ગુજરાતના સુપ્રસિદ્ધ જૈનાચાર્ય હેમચંદ્રાચાર્ય સૂરિશ્વરજીના ત્રિશષ્ટિશલાકાપુરુષ જેવા જૈન ગ્રંથોમાં છે, હિન્દુઓની સાપેક્ષે જૈનો ડોક્યુમેન્ટેશનમાં ભારે ચીવટવાળા. એમાં ઋષભદેવના લગ્નની તૈયારીઓના વર્ણનમાં એ માટેની આમંત્રણ પત્રિકાના ઉલ્લેખો મળે છે. લાભુદાદાએ તો સો વરસ અગાઉ લખાતી કંકોત્રીઓનો પણ અભ્યાસ કર્યો છે.
આપણા લગ્નોમાં કંકોત્રી માટેના ખાસ ગીતો પણ છે. જૂનું અને જાણીતું ‘કંકુ છાંટી કંકોતરી મોકલી/ એમાં લખિયા લાડકડીના નામ/ અખંડ સૌભાગ્યવતી…’ ગીત અને ‘હેતે લખિયે કંકોતરી રે લોલ/લખિયે રૂડાં કુળદેવીના નામ કે/કુળદેવી માત વેલા આવજો રે લોલ’ ગવાય છે. મનહર ઉધાસે ‘અભિનંદન’ આલ્બમમાં ગાયેલું જનાબ આસિમ રાંદેરીનું ગીત ‘કંકોત્રી’ એકવાર વાંચવા અને સાંભળવા જેવું છે.
મારી એ કલ્પના હતી કે વિસરી મને, કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને.
ભુલી વફાની રીત ન ભુલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…
સુંદર ના કેમ હોય કે સુંદર પ્રસંગ છે, કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે.
કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ, જાણે ગુલાબી એના વદનના જવાબ સમ.
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ, જાણે કે પ્રેમકાવ્યોની કોઇ કિતાબ સમ.
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી, સિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.
ભુલી વફાની રીત ન ભુલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…
કંકોતરીથી એટલું પુરવાર થાય છે, નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે.
જ્યારે ઉઘાડી રીતે ના કંઇ પ્યાર થાય છે, ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે.
દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે, કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે.
ભુલી વફાની રીત ન ભુલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…
આસીમ હવે વાત ગઇ, રંગ પણ ગયો… તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો…
હાથોની છેડછાડ ગઇ, વ્યંગ પણ ગયો…મેળાપની એ રીત ગઇ, ઢંગ પણ ગયો…
હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું, એ પારકી બની જશે હું એનો એજ છું.
ભુલી વફાની રીત ન ભુલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…
જેમ લગ્ને લગ્ને પ્રવાહો બદલાતા રહ્યાં છે એમ કંકોત્રીએ પણ નવો પથ પકડ્યો છે. Creative and Unique Wedding Invitations એવું ગૂગલ સર્ચ કરશો તો સેંકડો અવનવી કંકોત્રીની ડિઝાઈન મળી રહેશે.
નવીન, વિવિધ કંકોત્રીની ડિઝાઈનમાં દરેક પ્રસંગના અલગ અલગ કાર્ડને બદલે, દરેક ફંકશનની માહિતી એક મોટા કાર્ડમાં લખી દરેક ઉપર એક કવર (flap) જેવું બનાવવામાં આવે છે. મહેમાનોએ દરેક ફ્લેપની અંદર શું છે તે જોવા માટે એને ઉપાડવું પડે. દરેકમાં પ્રસંગનું ચિત્ર, સમય અને થોડા ક્વોટ્સ લખેલા હોય. ઘણી વાર કંકોત્રી ખોલતાંની સાથે જ એક મોટું ફૂલ કે કાગળની ફૂલદાની જેવું સ્વયંભૂ પ્રગટ થાય એવી કંકોત્રીઓ પણ આવે છે.
આવા પૉપ-અપ કાર્ડ્સ ન જોઈતા હોય તો જુગારમાં વપરાતા પત્તાનો ઉપયોગ પણ થાય છે. બાદશાહ(K)ની જગ્યાએ વરરાજાનો ફોટો અને રાણી(Q)ની જગ્યાએ કન્યાનો ફોટો લગાડવાનો ટ્રેન્ડ પણ છે. આવા રમી કાર્ડની બીજી બાજુ ફંક્શનની વિગતો લખી શકાય. ઘણી કંકોત્રીમાં તો હાસ્યસ્પદ વિચારો અને રૂઢિપ્રયોગો લખવામાં આવે છે. જેમ કે The SH** got real! અથવા ‘ભૂતને પીપળો મળી ગયો!’ આ સિવાય વર અને કન્યાના કાર્ટૂન કે કેરિકેચર બનાવીને પણ રમૂજી કંકોત્રી બનાવી શકાય.
ઘણી વાર ડેસ્ટિનેશન વેડિંગ હોય તો લગ્નસ્થળની વિવિધ માહિતી અને ત્યાંના પ્રખ્યાત વ્યંજનો કંકોત્રી પર કોતરી શકાય. જેમ કે જયપુરની પરંપરાગત હસ્તકલા અને મહેલો કે મોઢેરાના મંદિરને કંકોત્રી પર શણગારી શકાય. ગંતવ્ય સ્થાન ન બનાવવું હોય તો વિમાન મુસાફરીમાં વપરાતા બોર્ડિંગ પાસના ડિઝાઇન પણ રસપ્રદ દેખાવ કરી શકે. કંકોત્રી છાપેલાં ફુગ્ગા, જાપાની પંખાની ડિઝાઈન, એકમેક સાથે જોડીને બનતું ઉખાણું વગેરે બીજા ઘણાં નવા રસપ્રદ કંકોત્રીના ઉદાહરણો ઈન્ટરનેટ પર ઉપલ્બ્ધ છે.
તમારા લગ્નની કંકોત્રી (જો તમે પરણેલાં હોવ તો) કેવી હતી? કમેન્ટમાં લખો!
પડઘોઃ
કાગળ ઊડીને એક ઓચિંતો આવિયો
કીધાં કંકોતરીનાં કામ,
ગોતી ગોતીને આંખ થાકી રે બાવરી
લિખીતંગ કોનાં છે નામ ?(વિનોદ જોશી)
આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.
eછાપું
તમને ગમશે: આજની યમદ્રષ્ટિ – યમ ની દાઢ… એય પાછી કેવીટી વગરની એટલે ઇન્ફ્લુએન્ઝા