એક ચૂંટણી પ્રેરિત ભોજન સમારોહ ….

    8
    472

    ઉઘરાણી પામેલા કોઈ શેઠની મુખારવિંદ પર આવેલી હરખની હેલી સમો રૂપાળો ચંદ્ર અમૃત વરસાવતો આરૂઢ થયો હતો. એવા જ શેઠની ફરતે વીંટળાયેલા ચાપલા નોકરોના સમૂહની જેમ આભમાં તારોળિયાઓ ટમટમી રહ્યાં હતાં. મદોન્મત્ત કાળી વાદળીઓ રઢિયાળી રાતે ચંદ્રને થપ્પો રમાડતી રાજકોટ પર રમી રહી હતી. આવી અસૂરી વેળાએ મનમાં ભોજન સમારોહ જેવા કોઇપણ વિચાર કર્યા વગર એ હું મારા ફ્લૅટમાં પ્રવેશ્યો.

    સાંજના સવા સાત વાગ્યા હશે, પાર્કિંગ પાસે થોડો કોલાહલ જણાયો. પ્રકોપકાકાએ આવીને કહ્યું કે “હાલ, માંડ નેતા હાથ લાગ્યો સે, મફતનું વાળું કરવા જાવાનું સે. ઝપટથી તારો બગલથેલો મૂકીને ખોટા સિક્કાની જેમ પાસો આવી જા.”

    Photo Courtesy: nearbuy.com

    બપોરે અમારો ચોકીદાર એક ચોપાનિયું પધરાવી ગયો હતો એ મને યાદ આવ્યું. એમાં લખ્યું હતું કે કોઈ પાર્ટીના નેતા દ્વારા આયોજીત ભોજન સમારોહ અમારે બધાએ એટેન્ડ કરવાનો છે હતું, આ ભોજન સમારોહ આમ જુવો તો  અમારા આજુબાજુના ત્રણ ફ્લૅટનું સ્નેહમિલન જેવું જ  હતું. હું ઝડપથી ઘેર પહોચ્યો. આ કહેવા માત્રનું સ્નેહમિલન હોય છે, તેના ઓઠાં તળે પાર્ટીનો પ્રચાર, ભાષણ કરી આગામી ધારાસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટીનાં નેતાને મત આપવા માટે લોકોને રીઝવવાનો જ અધમ આશય હોય છે. વિવેકાનંદજીનું માનવ હૃદય પર કોતરાયેલું મહામૂલ્ય સૂત્ર એને સોરી કહી ફારફેર કરી કહું તો “ઊઠો, જાગો અને કરજ બુરાઈ નહીં ત્યાં સુધી મંડ્યા રહો.” આ વિધાન સાંપ્રત સમયમાં સનાતન છે. વિવિધ લૉનની ભરપાઈને કરજમાં ગણવામાં આવે તો છેડાનો મનુષ્ય પોતાનું આયખું પૂરું થાય ત્યા સુધીમાં માંડ એક મકાન લઈ આત્મસંતોષ માને એટલી બધી મોંઘવારી વ્યાપેલી છે. આવા નેતાના ભોજન સમારોહને ન્યાય આપવો જ જોઈએ એવું વિચારતા હું તૈયાર થયો. શ્રીમતીજીને ઘરકામ હતું એટલે એણે નનૈયો ભણ્યો, હું અને પુત્ર ઊપડ્યા.

    સ્વેટર અને કાનટોપી પહેરી હજુ દરવાજો ખોલી પેસેજના અંધારામાં પગરખાંનું ખાનું ખોલી ખાંખાંખોળા કરતો હતો ત્યાં જ મને સંબોધીને પ્રકોપકાકાનો પહાડી અવાજ નીચેથી સંભળાયો, “એલા વેદિયા, મારા સોકરાની જાન નથી જોય્ડી કે તું મોડું કરીશ તો ય જમવાનું વેવાઈ લાડથી આપશે…જલ્દી હેઠે આય્વ.”

    હું નવાનકોર ચપ્પલ ચડાવી ઝડપથી નીચે ઊતર્યો, એ મારા સ્વાગતમાં તૈયાર જ હતા. “આટલી વાર હોય?” કાકા એ ઝભ્ભાના ખિસ્સામાં રહેલાં સંપેતરા ઢોળાઈ ન જાય એ આશયથી ખિસ્સાને જમણા હાથથી દબાવી થોડા જુકીને ફ્લેટના એક અવાવરું ખૂણાની ભીંત પર પિચકારી મારી રંગોળી પુરી. હું આજ્ઞાંકિત આંગળિયાતની માફક એમની દોરવણી તળે ફ્લૅટના ચોગાનમાં આવ્યો.

    ફ્લૅટના ચોગાનમાં નાનકડાં ટોળા એ જમાવટ કરી હતી. ઠંડીના લીધે અવનવા પોશાક પરિધાન કરી ફ્લૅટવાસીઓ આ મફતના મનોરથમાં મહાલવા મેળો ભરીને ઊભા હતા. અમારા પ્રમુખ ગોવાળિયાઓની વચ્ચે ગોવિંદ સોહે તેવી રીતે અવનવી સૂચના આપતા આગેવાની કરી રહ્યાં હતાં, દિલમંજન સ્મિત ફરકાવતી શીતલ ઉર્ફ શીતલી કુખ્યાત કવિની લાવણ્યમધૂર કવિતા શમી સજીધજીને બૈરાંઓ સાથે ખપાવી રહી હતી. ચોપાનિયામાંના નેતાની આખો ફ્લૅટ ધૂવાળાબંધ જમાડવાની નેમને લીધે સૌ બાલ-વૃદ્ધ સાગમટે આ નેતારૂચી ભોજન સમારોહને ન્યાય દેવા થનગની રહ્યા હતા. પ્રકોપકાકા સાથે એક ટિફિન પણ લાવ્યા હતા, તેનું કારણ દર્શાવતા એમણે કહ્યું હતું કે, “તારી કાકીને ગોઠણે વા થયો સે એટલે એના હાટુ વાળું ટિફિનમાં લયાવીશું, આ નપાવટ નેતા પાસો કે’દિ કામ આવશે.” અમારા પ્રમુખ પ્રોફેસર પ્રકાશભાઈ માથાની વચ્ચો વચ્ચ પાડેલી પાથીમાં હાથને કાંસકા તરીકે ઉપયોગમાં લઈ વાળને ઠીક કરતાં બધાને ભેગાં કરી રહ્યાં હતાં. તેમણે આગવો ખોંખારો ખાધો. એને એ ટેવ છે કે જ્યારે કંઈક બોલવું હોય ત્યારે ગળું ખંખેરે પછી જ એને બોલવા માટે કિક લાગે! અણઘડ સીટીઓ વગાડતા તેણે તાલીઓ પાડી બધાને શાંત કર્યાં, કૂચ કરવાનો આદેશ આપ્યો. એટલે અમારું કુમક શ્રાધપક્ષના કાગડા ખીર ખાવા દોડે એ રીતે જ્યાં કાર્યક્રમ યોજવાનો હતો તે પાસેના સ્થળ બાજુ ‘ચલક ચલાણું ઓલી ઘેર ભાણું’ કરતું ત્વરિત પગલે ચાલ્યું.

    ફ્લૅટની નજીક જ એક સ્કૂલના પટાંગણમાં આયોજિત કરેલા આ ભોજન સમારોહ માટે અમે બે મીનીટમાં પહોંચી ગયા. સ્કૂલના મુખ્યદ્વારેથી અંદર દ્રષ્ટી કરતા જણાયું કે આ નાનકડાં મેદાનને ભવ્ય રીતે સજાવ્યું હતું. જમણી તરફ એક નાનકડું સ્ટેજ મંડપ રોપીને ખડું કરેલ હતું, તેના પર માઇક અને બીજા ઈલેક્ટ્રોનિક્સ સાધનો રાખવામાં આવેલ હતાં. ચોગાનમાં લીલી જાજમ પથારી એમની ઊપર સ્ટેજની જ સામે હારબંધ ખુરશીઓ ગોઠવવામાં આવેલ હતી. સ્ટેજના પાછળના છેડે હમણાં જ બહાર નીકળી મને ઉછીના નાણા ધીરશે એવો હાસ્યની છોળો ઉડાડતો કરસંપુટ પ્રણામની મુદ્રામાં ચૂંટણી લડનાર નેતાશ્રીની તાજગી સભર વિશાળ છબી અરઘી રહી હતી. તેની બાજુમાં તેનાં પક્ષના બીજા કદાવર નેતાના નાનાં ફોટા ચીપકાવેલ હતાં.

    ઠેરઠેર પક્ષના ઊભા-આડા તોરણ આખા ગ્રાઉન્ડમાં ટીંગાડી મૂક્યા હતાં. સ્ટેજની બંને બાજુ પાંચ હાથ પુરા લાઉડસ્પીકર ટટ્ટાર ઊભા હતાં. લાઉડસ્પીકરમાંથી દેશભક્તિની ભભક છૂટી જાય એવી મોટા અવાજે ધૂન સંભળાતી હતી. પાર્ટીના મેનિફેસ્ટોરુપી પત્રિકાનું વેચાણ દરવાજે ચાલુ હતું. કલાત્મક ભીતસૂત્રો, બેનરો અને અવનવી લાઈટથી ચોમેર રોશની રેલાયેલી હતી. એક મફતિયો કેબલ ચેનલવાળો પોતાનો ધંબૂક લઈને આવી પહોંચ્યો હતો. (ધંબૂક એટલે બંદૂકનો વિરુદ્ધાર્થી શબ્દ, બંદૂકને જોઈ સૌ કોઈ ડરીને સંતાઈ જાય, જ્યારે તેના જેવા જ આકારના ધંબૂક જોયને બધા તેમની સામે મોઢું મલકાવીને સજાગ થઈ જાય…ટૂકમાં કહું તો વિડીયો-કેમેરો) વિશાળ રૈયતના રાજવીના પાટલીકૂવરી પ્રભુતાના પગલા માંડવાની હોય તેવું જાજરમાન સમીયાણું આ ખાસ ભોજન સમારોહ માટે સજાવવામાં આવ્યું હતું. ચૂંટણી ફોર્મમાં ભરવી પડતી માહિતીમાં ઓછી આવક દેખાડવા છતાં આટલાં બધા તાયફા નેતાઓને કેમ પરવડતા હશે એ યક્ષ પ્રશ્ન છે!

    ભોજન સમારોહ માટેનો ચોપાનિયાંમાં સાડા સાતનો નિર્ધારિત ટાઈમ હતો; પણ આઠ વાગ્યાં છતાં કોઈ નેતા હજુ ફરક્યું નહોતું. મેદાનમાં નાનાં છોકરાઓ લહેરથી રમતો રમતા દોડાદોડી કરી ખુરશીઓને આડી-અવળી કરી રહ્યાં હતાં. લતા મંગેશકરના કોકિલકંઠે દેશભક્તિ નસેનસમાં ચડી જાય એવું ‘એ મેરે વતન કે લોગો’ લાઉડસ્પીકરમાં મોટા અવાજે વાગતું હતું. સમય પસાર કરવા હું અને કાકા બાજુમાં ગોઠવાયેલા ઊભા રસોડામાં તપાસ કરી આવ્યા, તપાસથી માલૂમ પડ્યું કે હજુ જમવાના કઈ ઠેકાણા નહોતાં; કિન્તુ જમવાનું મેનુ આવી ઠંડીમાં સાનુકૂળ હતું એટલી જાણ થતા અમો એ રાહતનો શ્વાસ લીધો. સ્ટેજ પાસેના વિશાળ પડદા પર દેશભક્તિ કાજે પોતાની જાન ન્યોછાવર કરી દીધેલા શહીદો અને નેતાના પક્ષને બિરદાવતી વિડીયો ફિલ્મ ચાલુ હતી. મો કટાણું કરી હતાશ યોદ્ધાની માફક અમે ફિલ્મ જોવા રસોડાથી નજીકની ખુરશીમાં ગોઠવાયા. લોકશાહીમાં વાણીસ્વતંત્રતાની જેમ ઘોંઘાટસ્વતંત્રતા આવી ગઈ છે એવું મને લાગ્યું.

    મેદાન પરનું સમગ્ર વાતાવરણ અત્યારે વર વગરની જાન જેવું, બગાસાં વગરની નીંદર જેવું, ઇન્ટરનેટ વગરના મોબાઈલ જેવું, ખાદી વગરના રાજકીયનેતા જેવું, ઢોકળી વગરના ઊંધિયા જેવું, દાઢી વગરના કવિ જેવું, ચમચા વગરના લેખકો જેવું, મોદીજી વગરના ભાજપ જેવું ફિક્કું, નિરસ અને અડવું-અડવું લાગતું હતું.

    ભૂખ અને ઠંડીના લીધે પ્રકોપકાકા ખુરશીમાં નીચેથી કોઈ એ અણીદાર ખીલ્લાં ભોકાવ્યા હોય એમ ઊંચાનીચા થતા હતાં. કાકાની નજીકથી નેતાનો નજીકનો કાર્યકર ખંભે ખેસ અને ગાંધીટોપી પહેરી હાફળોફાંફળો પસાર થયો, તેનું બાવડું પકડી કાકાએ તેને મોઢામાં માવાનો ઘંટલો ચગાવતાં તતડાવ્યો, “એલા આઠ થ્યા…કાઈ ટાઈમ બાઈમ હોય કે નય? આયા કાય ભોવાયા જોવા નથી આયવા. મેં તો તારા આ નેતાની જાનના નોતરાંને લીધે બપોરે ય ગરસ્યું નથી. તારી કાકી કાગડોળે ટીફીનની વાય્ટ જોતી હય્શે, કે’દિ જમવા ભેગીના કરસો હવે?”

    “કાકા, હજુ આમંત્રિત લોકો આવી રહ્યા છે, બધા આવી જાય એની રાહ જોવી પડશે. કેટલી સંખ્યા થાય છે એનો અહેવાલ અમારા નેતાને ફોન દ્વારા રજૂ કરીશું. વધારે સંખ્યા થશે તો તેઓશ્રી આવીને થોડું પ્રસંગ અનુરૂપ ભાષણ આપશે. પછી જ ભોજન સમારોહ શરુ કરવાની કાર્યવાહી હાથ ધરીશું.” ગાંધીટોપીએ ટોપીની આમન્યા જાળવતા ભોળાભાવે સાચું કહ્યું.

    “તારો નેતા તો દસ વાય્ગે આવે, હું ત્યાં હુધી અમારે ભુય્ખા રેવાનું? રસોડામાં ય તમે કીધું હય્શેને કે ભાષણ ઝીક્યા પસી જ ખાવાનું બનાવજો! હાળાવ, છઠીમાં ય તમે હાચું નથી રોયા, રોયાવ.” જો ગાંધીટોપી વધુ રોકાયો હોત તો કાકા એને એકાદ અડાડી દેત. કાકાને ઠારવા આગલી હરોળમાં બેઠેલા પ્રમુખ ખોંખારો ખાઈને માથે હાથ પસવારતા ઊભા થયા. પ્રમુખ બોલવા માટે હજુ રનિંગ લે તે પહેલા જ કાકાએ તેમને અટકાવીને ગર્જ્યા, “તું તો બોલતો જ નય, આ તારા લીધે જ આ ભવાડા થ્યા સે, ગધેડાવને મત આપવાનો વિચાર હય્શે તો ય હું નય દવ, જા એને જય ને કે ખાવાનું પેલાં કરે…ખાધું પીધું ખંભે આવશે. આ ભાષણું રોજ ટીવીમાં જોઈને અપકે પડી ગ્યા સે, ઠંડીમાં હું કે જીણકાક સોકરાવ માંદા પડશે તો આ તારો નેતા દવાદારૂના કાવડિયા નય દયે, હમજ્યો?”

    પ્રમુખનું ડાચું કરમાયેલી કાકડી જેવું થઈ ગયું. વિકટ પરિસ્થિતિનો તાગ લગાવી પ્રમુખ ગાંધીટોપીની તપાસમાં નીકળ્યા. કાકા લાંબું લચક બોલી હાંફી ગયા હતાં. મોઢામાં ભરાયેલ માવાની પિચકારી વિસર્જન કરવા માટે ઊભા થઈ, જગ્યા શોધખોળ કરતાં તેમણે નીચે બિછાવેલી બે લીલી જાજમના સાંધાની નિશાની લઈ પિચકારી મારી. એનું નિશાન આબાદ પાર પડ્યું, લીલી જાજમ બગડી નહી અને પિચકારી સાંધાની વચ્ચે બરાબર જમીન પર રેલાઈ! બીજી તરફ ફ્લૅટવાસીઓમાં ગણગણાટ વ્યાપ્યો. શીતલી અદબ જોડી ખભા મટકાવતી કશું બબડતી હતી. નાજુક ક્ષણની વચ્ચે જ અમારા વિસ્તારના દુંદાળા કોર્પોરેટર નિષ્ફળ નેતાઓના ટોળા સાથે મેદાનમાં દાખલ થયા. અમારો પ્રમુખ ગાંધીટોપીને શોધવાનું પડતું મૂકીને નેતાઓને વહાલો થવા દોડ્યો. લાઉડસ્પીકરો પર પ્રાસંગિક સ્લોગનો મોટા અવાજે વાગવા લાગ્યા. દુંદાળો બધાનું અભિવાદન જીલતો સ્ટેજ પર પહોંચ્યો. પ્રકોપકાકાનો પ્રકોપ આ શોરગુલમાં ઢબુરાઈ ગયો. હવે જમવાનું ટૂંકસમયમાં શરુ થશે એવી આશ મને જાગી.

    અમુક ચાપલાઓએ બનાવટી ફૂલોના હારડા મહેમાનોની ઘેઘૂર ડોકોમાં પધરાવી તેમનું ભાવભીનું સ્વાગત કર્યું. સ્ટેજ પર મહાનુભવ ગોઠવાઈ ગયા એટલે એક આશાસ્પદ ફૂટડા ચશ્માધારી યુવાને ઉદ્ઘોષકનો હવાલો સંભાળ્યો. લાઉડસ્પીકર ફાટી જાય એવા મોટા નારા સાથે નેતાની જયજયકાર કરી એણે શરૂઆત કરી. અમારાંમાંથી જેમને ભૂખ લાગી નહોતી તેવા શ્રોતાએ હિસ્ટીરિયા ઊપડ્યો હોય તેમ નારા ઝીલી પ્રતિપોકારો કર્યાં. ચશ્મીશે સ્ટેજ પરના દળકટકના મહાનુભાવના નામ, હોદ્દા અને કઈ કઈ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેનો મિષ્ટભાષામાં યશોગાન આલેપ્યો. કાલીદાસજીને ટક્કર મારે તેવી ઉપમાઓથી નવાજી મંચસ્થ મહેમાનોને બિરદાવ્યા. “જેમાં તારું ભલું ન હોય તેમાં અન્યનું ભલું ક્યાંથી હોય શકે?” ભગવાન જરથુષ્ટના આ અમીવચનનું શબ્દશઃ પાલન કરતાં આ નેતાઓએ જેમ જેમ પોતાનાં નામ આવતાં ગયા તેમ તેમ હાથ જોડી અમારી સામે પ્રફુલ્લિત વદને હાસ્ય રેલાવતા ઊભા થયા. આ મહેમાનોમાં એક હારેલા ધારાસભ્ય, ટીકીટ વંચિત દુઃખી ઉમેદવાર, સીન્ડીકેટ બેંકના ચેરમેન, બ્લડ બેંકના પ્રમુખ, બે કોર્પોરેટર, વિસ્તારના નામાંકિત ડોકટરો, વકીલો વગેરે હતાં. આ મજકૂર મહાનુભવને કમને હસતા જોઈ મને સંશય થયો કે ચૂંટણીફંડ રૂપી ભંડોળ આ લોકો પાસેથી એકઠું કરીને જ આવા કાર્યક્રમો ગોઠવાતા હશે! અંતે ચશ્મીસે ચૂંટણીમાં ઊભા રહેલ અમારા ઉમેદવાર તરફ પોતાની જીભ ફેરવી; એણે વધારે સમય નહી લઉં એવી ખાત્રી આપી દસ મિનિટ સુધી અમ પામર જીવોના એ એક માત્ર ઉદ્ધારક હોય તેવા વખાણ કર્યા. થોડા હાકલા પડકારા શ્રોતાએ કર્યાં.

    જ્યાં સુધી મુખ્ય નેતા આવે નહી ત્યાં સુધી હાજર નેતાઓથી જ કામ ચલાવવાનું હોય ઉદ્ધોષક ચશ્મીશે ખો આપી કોર્પોરેટરને લીલું નાળિયર પકડાવ્યું. શુકદેવજી મહારાજ પરિક્ષિતરાજાને કથા કહેવા આવતાં હોય તેવા ભાવ સાથે તે દુંદાળો કોર્પોરેટર ઊઠ્યો. મેદનું ધ્રુવીકરણ એના શરીર પર સ્પષ્ટ વર્તાતું હતું. પડછંદ દેહ, લીંબુની ફાડ જેવી મોટી આંખો, વેત એક મૂછના કાતરા અને હાથીના કુંભસ્થળ જેવી પ્રચંડ છાતી ફેલાવતા એણે સમગ્ર ભીડ તરફ દ્ગષ્ટિપાત કર્યો. અમે ખિસ્સામાંથી ઠૂંઠવાતા હાથ કાઢી એને બિરદાવ્યો એટલે તેના ભર્યાભાદર્યા દેહમાં પોરસ ચડ્યું. “ભારત માતા કી જય” સાથે સંભાષણનો શુભ પ્રારંભ કરતાં પડીયા જેવું મો ખોલ્યું. તમામ મંચસ્થ મહેમાનોને નામ લઈ આવકારી, અમને અહીં આવવા બદલ ધન્યવાદ કહ્યાં. આ આવકારમાં પાંચ મિનિટ કાઢી એટલે પાકેલા ગૂમળા પર અચાનક નસ્તર મૂક્યું હોય તેમ કાકા ચિલ્લાયા, “આ જાડિયો ઓલા ચસ્મીશે કીધું ઈ પાછું બકે છે, હાળાઓ હજીય કલાક કાઢવાના છે.” કાકાએ માવાની પોટલી કાઢી ચપટી ભરી મોઢામાં ઠૂંસી ઘંટલો ચગાવ્યો.

    કોર્પોરેટરે અવનવી શૈલી, ભાષા, ભાવભંગિમાં, નાટકીય અદા. કવચિત કાવ્યપંક્તિ દ્વારા ઉમેદવારના ગુણગાન ગાયા, સાંપ્રત સમયની પરિસ્થિતિથી અમને અવગત કરાવ્યા. ધર્મગુરુ મોઝેસે જે રીતે યહૂદીઓને દસ દિવ્યઆજ્ઞાઓ આપી હતી તેમ અમને ખાસ્સી એવી આજ્ઞાઓ આપી. વચ્ચે કાકાએ ટાઈમપાસ કરવા મને પૂછ્યું કે,”તને શું લાગે આ ચિંદીચોર જીતી જાહે?” મેં જવાબ આપ્યો, “કાકા, લોકશાહીમાં કઈ નક્કી ના કહેવાય, ચા બનાવવાવાળો પ્રધાનમંત્રી બની જાય.” દુંદાળાએ વધુ ગબડાવતા વિરોધપક્ષના નેતાઓનું ચારિત્રહનન કર્યું. વિરોધપક્ષની એટલાં મોટા અવાજે વાટી કે એ લોકો જ્યાં હશે ત્યાં તેમના હાંજા ગગડી જશે! લોહીના છેલ્લા ટીપા સુધી ભ્રષ્ટાચાર સામે લડતા રહેશું એવી હાકલ કરી. રાજકોટની ખરાબ હાલતનો ચિતાર આપ્યો. પોતાનો પક્ષ સત્તા પર આવશે તો શું શું કાર્ય કરશે તે સવિસ્તર વર્ણવ્યા. મોંઘવારી, સાંપ્રદાયિકતા વિષે લેકચરો આપ્યાં. દુંદાળાને એવું લાગ્યું કે અમે તેના ભાષણથી મંત્રમુગ્ધ થઈ ગયા છીએ, કિન્તુ અમે ભૂખના કારણે દિગ્મૂઢ થઈ બેસી રહ્યાં હતાં, તે જોઈ દુંદાળો કીન્કર્તવ્યમૂઢ થયો. તેણે ચાલુ રાખ્યું, “લોકશાહીમાં દૂરનું જોવું પડે….

    જેવું દુંદાળો બોલ્યો ત્યાં કાકા એ વાક્ય પકડીને ગાંગર્યા, “અકર્મી, ડંફાસ મારવાનું રેવા દે, દૂરની ક્યાં માંડસ, આ નજીકના રહોડાના તપેલાંમાંથી આવતી સુગંધ તને દેખાતી નથી. દૂરની વોવ થાતો આયવો મોટો, મારો દીકરો જુના પોપડા ઉખેડવાનું રેવા દે, ને અમને ખાવા ભેરા કયર.” પ્રમુખે કાકાને શાંત પાડ્યા. અમે હજુ દુંદાળાની અણગમતી અસ્ખલિત વાગ્ધારાનો લહાવો લઈ રહ્યા હતાં ત્યાં જ મુખ્યદ્વારે થોડો સંચાર થયો. દુંદાળાનું ભાષણ અટક્યું, એનો વિશેષાધિકાર છીનવી લીધો હોય તેવું દર્દભર્યું ડાચું થયું. નેતા તો ન દેખાયા પણ તેમના ધર્મપત્ની પ્રગટ થયા. થોડા જીહજુરીયા નેતાના અર્ધાંગનાને પોંખવા દરવાજા તરફ દોડ્યા. ચશ્મીશે માઇક પર બુલંદ અવાજે જયઘોષ કર્યો. ગાંધીટોપી એ હાથની ઇશારતથી જયજયકાર ચાલુ રાખવાની સૂચના આપી.

    કૌતુક જોવા માટે સૌના ડોકા સુરાહીદાર મરડાયા, તીખી નજરના તીર નેતાપત્ની ઉર્ફે નેતી પર તકાયા. કેસરી સાડી, કપાળમાં રૂપિયા જેવો મોટો ચાંદલો, પ્રસન્ન મુખમુદ્રા સાથે અમારી તરફ હાથ હલાવતા નેતીએ  મલપતી ચાલે સ્ટેજ તરફ પ્રયાણ કર્યું.  દુંદાળા એ ભાષણ પડતું મૂકીને નેતીને માઇક સોંપ્યું. એક મહિલાએ પુષ્પગુચ્છથી નેતીનું સ્વાગત કર્યું.  નેતીએ બધાનું અભિવાદન અને આભાર પ્રગટ કર્યો. “તમારા નેતાનું ગળું ખરાબ છે” આવું અમારાં ગળે ન ઊતરે તેવું કારણ દર્શાવ્યું. તમે તો ઘરના જ છો એટલે મારે અહીં પ્રચાર કરવાની જરૂર જ નથી. તમે વોટ તમારા ભાઈને જ આપશો એવી મને ખાત્રી છે. આવું આગવા લહેકા સાથે કહી પોતે અમારા ભાભી બન્યા અને અમને ઉલ્લુ બનાવ્યાં. થોડા મસ્કા મારી તે બિરાજ્યાં. પરંતુ ભોજન સમારોહ ક્યારે શરુ થશે એનો કોઈજ સંકેત હજી પણ મળી રહ્યો ન હતો.

    રાજકોટવાસીઓ બપોરે વામકુક્ષિ કરતો હોય ત્યારે મોબાઈલ કંપનીમાંથી નવી ઑફર માટેનો કોલ આવે અને નીંદરમાં ખલેલથી જેવો અકળાઈ તેવા અમે અકળાયા હતાં. પવનની શીત લહેરથી શરીર ધ્રૂજતું હતું, બધાને કચકચાવીને ભૂખ લાગી હતી. સવા દસ વાગી ચૂક્યા હતાં. કાકાનો બાટલો ફાટ્યો હતો. તેણે મારો હાથ ખેંચતા કહ્યું, “હાલ હવે ખાધા ભેગાં થાય, ઝપટ કર નકર વારો નય આવે” અમે ઊભા થયા. ત્યાં ચશ્મીશે શાંતિ જાળવવાની અપીલ કરી, એક દેશભક્તિનું નાટક પ્રસ્તુત થશે, પછી જ ભોજન સમારોહ નું ભોજન લેજો એવી જાહેરાત કરી. પણ અમે હવે રોકાઈ શકીએ તેમ નહોતા. મને લાગતું હતું કે આ પાર્ટીને અમારા જેટલા મત પહેલા મળવાના હતાં તેના કરતાં હવે આ ભંગાર ભોજન સમારોહ પછી ઓછા મળશે એવો રોષ લોકોમાં હતો.

    હું અને કાકા ઊભા રસોડા પાસે પહોંચી ગયા, હજુ થાળી આપવાનો ઑર્ડર સ્વયંસેવકો એ આપ્યો નહોતો એટલે તેઓ અમને રાહ જોવાની વિનંતી કરી. સુથારનું મન બાવળિયે એમ અમે ભૂખથી વ્યાકુળ થઈ થાળીના ટેબલ પાસે વાનગીઓ સામે જોતા અમે ઊભા રહ્યાં. નાટક પાંચ મીનીટમાં પૂરું થયું એટલે સૌ કોઈ એ જમવાના ટેબલ તરફ દોટ મૂકી.

    સાડા સાત વાગ્યાનું કહીને અમને બોલાવવામાં આવેલા ભોજન સમારોહ દ્વારા પીરસાયેલું ભોજન અમો સાડા દસ વાગ્યે ગ્રહણ કરી ફ્લૅટ તરફ સિધાવ્યા.

     

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here