થોડા સમય પહેલા રીલીઝ થયેલી અને પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં સ્થાન પામેલી અર્બન ગુજરાતી ફિલ્મ “રેવા” છેલ્લા ચાર અઠવાડિયાથી સિનેમાઘરોમાં પોતાના કામણ પાથરી રહી છે. શોઝની સંખ્યા અને દર્શકો, એમ બંનેમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે “રેવા” ફિલ્મમાં ‘કરણ’નું મુખ્ય પાત્ર જેમણે ભજવ્યું છે એવા શ્રી ચેતન ધનાણી સાથે ટીમ eછાપુંની મુલાકાત થઇ હતી. આ મુલાકાત સમયે થયેલી ચર્ચાના અંશો આપની સમક્ષ પ્રસ્તુત છે.
ટીમ eછાપું તરફથી ‘રેવા’ની સફળતા માટે અપાયેલા અભિનંદન સ્વીકારતા તેઓ કહે છે કે પોતે કરેલા કામને લોકોના સ્વીકારની મોહર લાગતા તેમની આખી ટીમ ખુબ જ ખુશી અને ગર્વ અનુભવે છે.
પોતાના શરૂઆતી જીવન વિષે ચેતનભાઈએ જણાવ્યું કે શરૂઆતના બાર વર્ષ પોતાના વતન એવા કચ્છના નખત્રાણામાં વિતાવ્યા. ત્યાર બાદ વડોદરા શિફ્ટ થયા અને બાકીનું સ્કૂલિંગ ત્યાં જ કર્યું. ગ્રેજ્યુએશન પૂરું કરીને વડોદરાની મ્યુઝીક કોલેજમાં ડીપ્લોમા ઇન પરફોર્મિંગ આર્ટ્સના ડ્રામા ડીપાર્ટમેન્ટમાં એડમીશન લીધું. એ કોર્સ પૂર્ણ થયે તેઓ (જેમ દરેક અભિનેતા બનવા માંગનારે જવું પડે છે તેમ) મુંબઈ ગયા અને ત્યાં કોમર્શિયલ અને નોન કોમર્શિયલ નાટકોમાં કામ કરવાનું શરુ કર્યું. વધુમાં તેમણે પોતાના હાલમાં ચાલી રહેલા પ્રખ્યાત ગુજરાતી કલાકાર પરેશભાઈ રાવલ સાથેના નાટક ‘ડીયર ફાધર’ વિષે પણ જણાવ્યું કે જેમાં તેઓ પરેશ રાવલના પુત્ર તરીકેનું પાત્ર ભજવી રહ્યા છે.
‘અભિનય ક્ષેત્રે જ જવું છે’ એવો નિર્ધાર કરવા પાછળના કારણો વિષે જણાવતા ચેતન ધનાણી પોતાના કોલેજના યુવા મહોત્સવોમાં ભજવાતા નાટકોને યાદ કરે છે. તેમણે કહ્યું કે એ નાટકો જોઇને એમના મનમાં થયું કે અભિનયનું કામ તેઓ સારી રીતે કરી શકશે. આ સાથે ચેતનભાઈએ એક સિક્રેટ પણ શેર કર્યું કે પોતે દિગ્દર્શનના ક્ષેત્રમાં જવા માંગતા હતા પણ વિવિધ સેટ્સ પર પોતાના અવાજ, ઊંચાઈ અને પર્સનાલીટીના લીધે તેમને રોલ મળવાના શરુ થયા. એક રોલ સારી રીતે ભજવવાથી વધુને વધુ ભૂમિકાઓ ભજવવાની મળવા લાગી અને આસપાસના લોકોના પ્રોત્સાહનને લીધેજ તેમનો અભિનય નીખર્યો છે તેમ તેઓ માને છે. છતાં હજીયે દિગ્દર્શન પ્રત્યે પોતાની રૂચી જરાય ઓછી નથી થઇ અને ભવિષ્યમાં તક મળશે તો ચોક્કસ એ ક્ષેત્રે જવાની પોતાની મહેચ્છા દર્શાવે છે તેવું તેઓ દ્રઢપણે માને છે.
ફિલ્મ રેવાના મુખ્ય પાત્ર ‘કરણ’ની ભૂમિકા ભજવવા પાછળના પીઠબળ તરીકે ચેતન ધનાણી ધ્રુવ ભટ્ટ સાહેબની નવલકથા “તત્વમસિ”ના વાંચનનો આભાર માને છે. એ નવલકથા વાંચતી વખતે એનો જે નાયક છે તેમાં તેમણે પોતાને જ જોયા હતા અને ત્યારે જ નિર્ધાર કર્યો હતો કે આ કથાને પડદા પર લાવવી જ છે!
‘રેવા’માં ચેતન ધનાણીએ સહલેખન પણ કર્યું છે, અભિનય પણ કર્યો છે અને મોટા ભાગના ગીતના શબ્દો પણ આપ્યા છે, આ ત્રિવેણી અનુભવને વાગોળતા ચેતનભાઈ કહે છે કે જો પોતે ભજવવાનું પાત્ર પોતે જ લખવામાં આવે તો પોતાના મનની વાત અને કલ્પનાના રંગો તેમાં ઉમેરી શકાય છે. ગીતના શબ્દો વિષે પણ તેઓ એમ જ કહે છે કે કોઈ બીજું લખે એના કરતા જો પોતે જ લખે તો એ અભિનય અને દ્રશ્યો સાથે સારી રીતે રીલેટ થઇ શકે તેવા શબ્દો તેમાં ઉમેરી શકાય છે. આ બધું આકસ્મિક રીતે જ થયું અને આકસ્મિક રીતે બધું સારું થઇ ગયું જેનો લોકોએ સ્વીકાર કર્યો એ બદલ તેઓ પોતાની જાતને ભાગ્યશાળી માને છે. આ પહેલા એમણે “ચોર બની થનગાટ કરે” ફિલ્મમાં પણ મેહુલ વ્યાસ, રાહુલ ભોલે અને વિનીત કનોજીયા સાથે સહલેખન કર્યું હતું. રેવા માટે સારા કો-રાઈટરની જરૂર હતી અને એ જરૂરિયાતે માતા બનીને પોતાને સહલેખક તરીકે જન્મ આપ્યો હોવાનું તેઓ ઉમેરે છે.
‘રેવા’ મુવીના સેટ પરની કોઈ સૌથી યાદગાર ઘટનાને યાદ કરવાનું કહેતા ચેતન ધનાણી કહે છે કે સેટ પર લગભગ રોજ એટલી બધી ઘટનાઓ અને અનુભવો થતા હતા કે એમાંથી કોઈ ચોક્કસ અને સૌથી યાદગાર ઘટના શોધવી મુશ્કેલ થઇ પડે છે.
ધ્રુવ ભટ્ટની ‘તત્વમસિ’ નવલકથા, કે જેના પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે એ વાંચ્યા પછી પોતાનામાં આવેલા પરિવર્તન વિષે તેઓ એક જ લીટીમાં વર્ણવે છે કે પોતે વ્યક્તિ તરીકે બદલાયા છે. તેઓ પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહે છે કે જો સમય અને સંજોગો મળશે તો ચોક્કસ તેઓ આખી નવલકથાને એક સીરીઝ તરીકે દર્શકો સમક્ષ લાવવા માંગે છે જેથી હૃદય પર પથ્થર મુકીને ‘રેવા’ ફિલ્મમાં ન લીધેલી ‘તત્વમસિ’ની ઘટનાઓ લોકો સમક્ષ આબેહુબ ઉભી કરી શકે.
સહકલાકારો મોનલ ગજ્જર(સુપ્રિયા), અતુલ મહાલે અને અભિનય બેન્કર (બિત્તુ-બંગા), દયાશંકર પાંડે (ગંડુ ફકીર), પ્રશાંત બારોટ (ગુપ્તાજી), યતીન કાર્યેકર (ગણેશ શાસ્ત્રી), રૂપા બોરગાંવકર (પુરિયા) અને બાકીના તમામ નાના મોટા પાત્રો સાથેના અનુભવ વિષે જણાવતા ચેતનભાઈ કહે છે કે આ બધા જ કલાકારોએ શુટિંગ દરમિયાન સવારે કડકડતી ઠંડી અને બપોર થતા સુધી કાળઝાળ ગરમી પણ હસતા મોઢે વેઠી લીધી હતી. ઘણીવાર શુટિંગ દરમિયાન લોકેશન પર પહોચવા માટે પથરાળ રસ્તાઓ પર બબ્બે ત્રણ-ત્રણ કિલોમીટર ચાલવું પડતું હતું, પરંતુ બધા કલાકરો માત્ર અને માત્ર સારું કામ કરવા અને એક ‘ગ્રેટર ગુડ’ માટે ભેગા થયા હતા અને એટલા માટે જ તેમણે આ તમામ મુશ્કેલીઓ કોઈ પણ ફરિયાદ વગર પાર કરી અને રેવા માટે પોતાનો સમગ્ર અનુભવ અભિનયમાં નીચોવી નાખ્યો હતો.

રેવા મુવી જોનારા વાચકમિત્રોને ખ્યાલ જ હશે કે એમાં એક દ્રશ્ય આવે છે જેમાં નાયક ખુલ્લા શરીરે નર્મદાના માનવ સ્વરૂપમાં દર્શન મેળવવાનો અનુભવ પ્રાપ્ત કરવા માટે જાતને નદીના પાણીમાં તરતી મુકે છે. આ દ્રશ્ય ભજવતી વખતના અનુભવ વિષે એમણે જણાવ્યું કે પોતે ઠંડી વેઠી શકતા નથી. છતાં આ સીન માર્ચના શરૂઆતી દિવસોમાં નદીના રાત્રી સમયના ખુબ ઠંડા પાણીમાં ભજવવાનું હતું. પરંતુ આખાય શુટિંગ દરમિયાન ક્યારેય કોઈ શારીરિક મર્યાદા નડી ન હોવાને તેઓ માં નર્મદાની કૃપા ગણાવે છે. બધી જ હકારાત્મક ઉર્જા ત્યાંના વાતાવરણમાંથી જ મળી હોવાનું કહે છે.
એક મરાઠી દિગ્દર્શક દ્વારા બનાવાયેલી ફિલ્મ “દ્વંદ્વ” વિષે પૂછવામાં આવતા તેના જવાબમાં ચેતન ધનાણી કહે છે કે તે એક હિન્દી ફિલ્મ હતી જેમાં પોતે એક નેગેટીવ રોલમાં હતા પણ અમુક ચોક્કસ કારણોસર એ ફિલ્મ રીલીઝ થઇ નહતી શકી.
થીએટર અને અર્બન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સરખામણી વિષે તેઓ કહે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે-તે સમયે જરૂર પડે તો રીટેક કરીને કોઈ દ્રશ્ય પરફેક્ટ બનાવવામાં આવતું હોય છે જ્યારે થીએટર એ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં પ્રત્યેક શોમાં અભિનેતા પોતાની ખામીઓ શોધીને દુર કરવા સતત મથતો રહે છે. પોતે થીએટર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી બંનેના ચાહક હોવાનું પણ જણાવે છે.
અર્બન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મુખ્ય પડકારો વિષે પોતાના વિચારો વ્યક્ત કરતા ચેતન ધનાણી જણાવે છે કે મુખ્ય પડકાર એ છે કે સારી ફિલ્મો જલ્દીથી લોકો સુધી પહોચતી શકતી નથી. ઉદાહરણ તરીકે તેઓ ‘રેવા’નો જ સંદર્ભ ટાંકે છે કે શરૂઆતના અઠવાડિયામાં પૂરતા શોઝ નહતા મળતા પણ યોગ્ય પબ્લીસીટી અને ખાસ તો દર્શકોના મોઢે જ થયેલા વખાણ દ્વારા એના શોઝની સંખ્યા વધવા પામી છે.
એટલા માટે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, સોશિયલ મીડિયા અને ફિલ્મ પ્રમોશન સાથે સંકળાયેલા લોકોને એકબીજાની જરૂરીયાત સમજીને કામ કરવાની અપીલ કરે છે. વધુમાં ‘આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હજી વિકાસશીલ તબક્કામાં છે, વિકસિત તબક્કામાં નથી પહોંચી’ એ વાતનું બધાએ ધ્યાન રાખીને પોતાના ભાવો એક ચોક્કસ મર્યાદામાં રાખવા જોઈએ જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી ફિલ્મ પહોચે અને ‘વ્યુઅર બેઝ’ વધે. જેથી કરીને પ્રોડ્યુસર્સ નુકસાનીનો ભોગ ન બને. આમ કરવાથી પ્રોડ્યુસર્સનો આત્મવિશ્વાસ પણ વધશે જેથી તેઓ નવા નવા વિષયો પર કામ કરવાનો વિચાર કરી શકે. ભવિષ્યમાં આપણે સૌ સાથે મળીને એક સમય એવો લાવી શકીએ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લેવલ સુધી પહોચે. આ માટે દર્શકો અને મીડિયાનો સહકાર જરૂરી છે તેમ ચેતન ધનાણી સ્પષ્ટરૂપે માને છે.
તેમનો વડોદરા સાથે ઘનિષ્ટ સંબધ હોઈ એક ઓફ ધ ટ્રેક સવાલમાં વડોદરાની હેન્ગ-આઉટ માટે એમની પસંદગીની જગ્યાઓ વિશેના જવાબમાં તેઓ MS યુનિવર્સીટી, કીર્તિમંદિર પાસેની અભિવ્યક્તિ, મ્યુઝીક કોલેજ અને અબ્બાસભાઈના પાન પાર્લરને પોતાની મોસ્ટ ફેવરીટ જગ્યાઓ તરીકે વર્ણવે છે. વાસણા વિસ્તારમાં આવેલા ‘કેફે ઇન’ કરીને એક કેફેમાં તેમણે અને સહલેખકોએ ઘણી વાર રેવા ફિલ્મના દ્રશ્યો લખ્યા હતા એમ તેઓએ રીવીલ કર્યું હતું.
અંતે, ભવિષ્યમાં ‘રેવા’ જેવી જ સારી ફિલ્મો આપવા માટેની શુભેચ્છાના જવાબમાં ચેતન ધનાણીએ ફરી એક વાર સજ્જડ પ્રતિસાદ આપવા માટે ગુજરાતની જનતાનો ખુબ ખુબ આભાર માન્યો હતો અને ભવિષ્યમાં પણ આવા જ બેમિસાલ સહકારની આશા પણ રાખી હતી.
eછાપું
તમને ગમશે: Gym માં સમય બરબાદ કરવાથી પાતળા નહીં થવાય
પરિવાર કે મિત્રો સાથે રખડવા જવા માટે મદદ કરશે 2018 ના Long Weekends