GSTમાં સરકારે નાના વ્યાપારીઓને મોટો ફાયદો કરાવી આપ્યો

    0
    2957

    ચાર દિવસ અગાઉ GST કાઉન્સિલની બેઠક મળી હતી અને આ બેઠકમાં સરકારે રજુ કરેલા પ્રસ્તાવો પર કેટલાક એવા નિર્ણયો લેવામાં આવ્યા હતા જેની અત્યંત દુરોગામી અસરો થવાની છે. આ ઉપરાંત કાઉન્સિલના કેટલાક નિર્ણયો દેશના નાના તેમજ મધ્યમ કક્ષાના વ્યાપારીઓને બહુ મોટો ફાયદો કરાવી આપવાના છે.

    Photo Courtesy: newsclick.in

    આપણને ખ્યાલ જ છે કે GST કાઉન્સિલ એક બંધારણીય સંસ્થા છે અને નાણામંત્રી અરુણ જેટલી તેના અધ્યક્ષ છે. આ વખતની બેઠકમાં MSMEs પરથી કરપાલનનો મોટો બોજ હળવો કરી આપવામાં આવ્યો છે. GST એટલેકે માલ અને સેવા કરમાં આ વખતે સેવાના વિભાગમાં પણ સારા એવા ફાયદાઓ આપવામાં આવ્યા છે.

    ચાલો જોઈએ કે આ વખતે GST કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો કેવી રીતે નાના તેમજ મધ્યમ વ્યાપારીઓને મદદ કરશે

    ટર્નઓવરની મર્યાદા વધારવામાં આવી

    GST ભરવા માટે હાલમાં ઉત્તરપૂર્વ ભારત સિવાયના વિસ્તારોમાં ઓછામાં ઓછું વાર્ષિક રૂ. 20 લાખનું ટર્નઓવર ધરાવનાર વ્યાપારીઓને GST ભરવાનો આવતો હતો. GST કાઉન્સીલે આ મર્યાદા વધારીને હવે રૂ. 40 લાખ કરી દીધી છે. જ્યારે ઉત્તરપૂર્વ ભારતની અગાઉની રૂ. 10 લાખની મર્યાદાને પણ બમણી કરી આપવામાં આવી છે. હવે નવી મર્યાદાનો લાભ મેળવનારા વ્યાપારીઓએ GST વાળું બિલ પોતાના ગ્રાહકોને આપવું નહીં પડે. પરંતુ તેમને ઈનપુટ ટેક્સ ક્રેડિટ પણ નહીં મળે.

    એક અંદાજ અનુસાર ટર્નઓવરની નવી મર્યાદાને કારણે 10 લાખ વ્યાપારીઓ GSTના કરપાલનના વર્તુળની બહાર આવી જશે.

    કોમ્પોઝીશન સ્કિમમાં બદલાવ

    પોતાના બીજા નિર્ણયમાં GST કાઉન્સીલે કોમ્પોઝીશન યોજનાની ટર્નઓવર લિમીટને પણ એક કરોડથી વધારીને દોઢ કરોડ કરી દીધી છે અને આ યોજના આ વર્ષે 1 એપ્રિલથી લાગુ પડશે. કોમ્પોઝીશન સ્કિમ હેઠળ દરેક માલસામાન પર GST ભરવાને બદલે વ્યાપારી એક નક્કી દરે પોતાના તમામ વેચાણ પર કર ભરે છે. ઉત્પાદકો અને ટ્રેડરો માટે તે કુલ વેચાણનો 1% છે. આ યોજના વિવિધ કર સ્તરથી વ્યાપારીઓમાં ઉભા થતા ગૂંચવાડાથી રાહત આપે છે.

    આ ઉપરાંત પ્રથમવાર કોમ્પોઝીશન સ્કિમનો લાભ સેવા આપનારાઓ તેમજ મિક્સ્ડ સપ્લાયર્સ એટલેકે જે માલ અને સેવા બંને આપતા હોય તેમને પણ આપવામાં આવ્યો છે. આ પ્રકારે સેવા આપનાર તેમજ બંને સુવિધાઓ પૂરી પાડનારાઓએ 6% GST ભરવાનો આવશે અને આ યોજનાનો લાભ લેવા માટે તેમના વાર્ષિક ટર્નઓવરની મર્યાદા રૂ. 50 લાખ હોવી જરૂરી છે. એક અંદાજ અનુસાર આ બદલાવથી લગભગ વીસ લાખ નાના વ્યાપારીઓને લાભ થશે.

    GST રિટર્ન ભરવામાં પણ સરળતા

    કોમ્પોઝીશન યોજના હેઠળ હવે વર્ષમાં માત્ર એક જ વખત રિટર્ન ભરવાનું આવશે. જો કે વ્યાપારીઓએ કર તો દર ત્રણ મહીને જ ભરવાનો છે. સરકારે નાના અને સ્થાનિક વ્યાપારીઓ તેમજ ઉત્પાદકોની લાંબા સમયની માંગનો સ્વીકાર કર્યો છે.

    લાગતું વળગતું: પેટ્રોલ અને ડીઝલ GST હેઠળ આવે એ સ્વપ્ન કદાચ સ્વપ્ન જ રહેશે

    બિલીંગ સોફ્ટવેર મફતમાં મળશે

    GST Network એટલેકે GSTN હવે અમલીકરણનો ખર્ચ ઘટાડવા માટે અને નાના વ્યાપારીઓને વધુ સ્પર્ધાત્મક બનાવવાના હેતુસર બિલીંગ અને એકાઉન્ટિંગ સોફ્ટવેરને મફતમાં પૂરું પાડશે

    કેરળ સરકારને વિશેષ અધિકાર

    કેરળ સરકારની દરખાસ્તને ધ્યાનમાં લઈને કાઉન્સીલે રાજ્ય સરકારને કેરળ રાજ્યની અંદર માલના વેચાણ માટે GST પર એક ટકો સેસ લગાડવાની છૂટ આપી છે. આમ કેરળના લોકોએ હવે GST હેઠળ આવતા તમામ માલ સમાન પર એક ટકો સેસ વધુ આપવી પડશે. આ સેસથી ભેગા થયેલા નાણાથી કેરળ સરકાર હાલમાં આવેલા ભયંકર પૂરથી અસર પામેલા લોકોના પુનર્વસન અને અન્ય કાર્યોમાં ખર્ચ કરી શકશે.

    આમ, સરકારે નાના વ્યાપારીઓ તેમજ કેરળ સરકારની વિનંતીઓ પર પૂરતું ધ્યાન આપ્યું છે અને GST કાઉન્સિલમાં આ વિનંતીઓ ને યોગ્ય રીતે રજૂ કરીને બંને માંગણીઓને માનવા માટે મદદ કરી છે.

    હવે આશા કરી શકીએ કે નાના વ્યાપારીઓ પણ કાઉન્સિલના આ નિર્ણયથી રાહત અનુભવશે અને ખરા અર્થમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસનો લાભ મેળવી શકશે.

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: બગડેલા સંબંધો સુધારવા માટે એકમાત્ર સોલ્યૂશન એટલે “બ્રેક કે બાદ”

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here