પ્રચાર યુદ્ધ માં આપણો વિશ્વાસ એક શસ્ત્ર છે: એક અંગત અનુભવ

  2
  160

  યુદ્ધ સમયે ઘણીવાર દુશ્મન દેશનો જેમાં આપણા દેશના પણ કેટલાક દોઢડાહ્યાઓ સામેથી સામેલ હોય છે એમનું પ્રચારયુદ્ધ એટલું તો પાવરફૂલ હોય છે કે આપણને આપણી સરકાર પર જ શંકા થવા લાગે છે.

  Photo Courtesy: bl.uk

  પાછલું એક અઠવાડિયું દેશ અને દુનિયા માટે ભારે અજંપા ભર્યું રહ્યું. પુલવામા હુમલા જવાબ રૂપે આપણી વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જઈને બોમ્બાર્ડિંગ કર્યું હતું. એ એક્શન અને એના રિએક્શન સ્વરૂપે જે સ્ટેન્ડ ઓફ શરુ થયું હતું એણે દેશ અને દુનિયાને અધ્ધર શ્વાસે કરી દીધા હતા. સરહદ પર જે થયું એ સ્ટેન્ડ ઓફ છે કે કેમ, અને એ સ્ટેન્ડ ઓફ શરુ છે કે પૂરું થયું એના વિષે મતમતાંતર ચાલે છે. પણ સરહદ થી દૂર જ્યાં કોઈ જમીન નથી, ત્યાં એક અલગ જ યુદ્ધ શરુ થયું હતું જે આજ સુધી ચાલે છે. બંને રાષ્ટ્રોએ પોતપોતાનો હાથ ઉપર રહે અને સામેવાળાને નીચાજોણું કરવું પડે એના માટે એક ફૂલ ફ્લેજ્ડ પ્રચાર યુદ્ધ શરુ થયું હતું. આ પ્રચાર યુદ્ધમાં બંને રાષ્ટ્રોના સૈનિક અને સામાન્ય પ્રજા પણ ભાગીદાર બની હતી. અને એ યુદ્ધમાં મને પણ એક નવો અનુભવ થયો હતો.

  પ્રચાર યુદ્ધમાં આપણો વિશ્વાસ એક શસ્ત્ર છે. (In Propaganda war, our beleif is an ammunition).

  પ્રકરણ 1: બાલાકોટ, બાલાકોટે અને અમુક ઝાડવા

  26 ફેબ્રુઆરી ના વહેલા સવારે જયારે આપણી એરફોર્સે બાલાકોટમાં જઈ જૈશ-એ-મુહમ્મદ ના ટ્રેનિંગ કેમ્પમાં બોમ્બાર્ડિંગ કરી આવ્યા, ત્યારે એ સમાચાર સાંભળીને અમુક લોકોને બાદ કરતા આખા ભારતમાં હરખની લાગણી પ્રસરી હતી. આપણા એરફોર્સના વિમાન પાકિસ્તાનમાં અંદર સુધી જઈ આવ્યા, બોમ્બાર્ડિંગ કર્યું અને સહી સલામત પાછા ફર્યા એ વાત આપણા સહુ માટે ગર્વની વાત હતી. પુલવામા આતંકી હુમલામાં માર્યા ગયેલા આપણા જવાનોની શહીદીનો આપણે આવી રીતે જડબાતોડ જવાબ આપ્યો એની ઉજવણી ઓનલાઇન અને ઓફલાઈન આખા દેશમાં થઇ રહી હતી. અને આ ઉજવણીની સાથે સાથે શરુ થઇ ગયું હતું પ્રચાર યુદ્ધ.

  એક તરફ આપણે આપણી એરફોર્સ ને, અને આવો અઘરો નિર્ણય લેવા માટે આપણા વડાપ્રધાનને અભિનંદન આપી રહ્યા હતા. એજ સમયે બીજી તરફ આપણા મનમાં કોઈ પણ પ્રકારનો સંદેહ ઉભો કરવા માટે નો પ્લાન ઘડાઈ રહ્યો હતો. એમાં એક મોરચો ખોલ્યો હતો આપણી “અમન કી આશા” ગેંગે, જેણે  સવાર સવાર માં બેડ ટી પિતા પિતા રાગ #SayNoToWar માં ગદર્ભલાપ શરુ કર્યો હતો. અને બીજા મોરચે  અમુક પત્તરકારો અને કાશ્મીર સાથે “જોડાયેલા” લોકો પોતાના જ્ઞાનનો લાભ આપણને આપી રહ્યા હતા જેમાં હુમલો પાકિસ્તાનના બાલાકોટમાં નહિ પણ POKના બાલાકોટેમાં થયો હતો એનું કન્ફ્યુઝન ઉભું કર્યું હતું.

  અને આ કન્ફ્યુઝન ઉભું કરવામાં અથવા એને હવા દેવામાં હિન્દુસ્તાન ટાઈમ્સ, ઓમાર અબ્દુલ્લા અને (સરપ્રાઈઝ સરપ્રાઈઝ) સુબ્રમણ્યન સ્વામી જેવા લોકો પણ સામેલ હતા. એક તરફ પાકિસ્તાની આર્મીના પ્રવક્તાએ સવાર સવારમાં ક્લિયરલી બાલાકોટ લખ્યું હોવા છતાં લગભગ બપોર સુધી બાલાકોટ અને બાલાકોટે વચ્ચે કન્ફ્યુઝન ઉભું કર્યું હતું. અને આ કન્ફ્યુઝનથી પાકિસ્તાનને ચોખ્ખો ફાયદો હતો, લોકો એવું માની લે કે ભારતીય એરફોર્સે LOC ક્રોસ કરી છે અને પાકિસ્તાનની બોર્ડર નહિ તો એમાં પાકિસ્તાનને ઓછું નીચાજોણું કરવું પડત. પણ આપણે લોકો આ કંફ્યુઝનમાં જરાય ન આવ્યા અને સવારથી જ કન્ફ્યુઝનને દૂર કર્યું.

  આ તરફ આપણા મીડિયાએ આ બોમ્બાર્ડિંગમાં 300-500 આતંકવાદીઓ મૃત્યુ પામ્યા છે એવું શરુ રાખ્યું. આ આંકડો કેટલો સાચો અને કેટલો ખોટો છે એના ઉપર હજી સવાલો છે. પણ આપણે બાલાકોટમાં બોમ્બાર્ડિંગ કરેલું એ વાતને સમર્થન BBC ના એક વીડિયોએ આપ્યું જેમાં બાલાકોટ અને એની આસપાસ રહેતા બે-ત્રણ સ્થાનિકોએ બૉમ્બ પડ્યા હોવાનું કબૂલ કરી લીધું એટલે બાલાકોટ અને બાલાકોટે વચ્ચે ઉભા કરવામાં આવેલા કન્ફ્યુઝિંગ પ્રચાર યુદ્ધના પહેલા રાઉન્ડ નો અંત આવ્યો. પાકિસ્તાન આ વાતમાં ખુલ્લું પડી ગયા પછી એણે એવુજ રાખ્યું કે બોમ્બાર્ડિંગમાં કોઈ જાનહાની નથી થઇ. માત્ર અમુક વૃક્ષોજ ધરાશાયી થયા છે. અને અમુક બિલ્ડીંગને નુકસાન થયું છે.

  પ્રકરણ 2: જવાબી કાર્યવાહી અને ડી-એસ્કેલેશન

  બીજા દિવસે સવારે જ્યારથી પાકિસ્તાની એરફોર્સે હુમલો કર્યો ત્યારથી આપણા અને પાકિસ્તાન બંને તરફથી પ્રચાર યુદ્ધની જોરશોર થી શરૂઆત થઇ ગઈ હતી. આપણે ઉત્તર ભારતનો અને પાકિસ્તાને પોતાનો પુરે પૂરો હવાઈ માર્ગ બંધ કરી દીધો ત્યારે લોકોને એવું લાગ્યું હતું કે આ મામલો યુદ્ધ સુધી જઈ શકે છે. આ તરફ હુમલો થયાની મિનિટોની અંદર પાકિસ્તાને આપણા બે મિગ વિમાનો પાડ્યા હોવાનો દાવો કર્યો. આ તરફ આપણે પણ એવો દાવો કર્યો કે આપણા કોઈ વિમાન તોડી પડાયા નથી, આપણું એક હેલીકોપ્ટર અકસ્માત થી પડી ગયું હતું જે બોર્ડરથી 200 કિલોમીટર દૂર હતું.

  પણ જેમ જેમ દિવસ આગળ વધતો ગયો એમ એમ પાકિસ્તાનના દાવો સાચો પડી રહ્યો હોય એવા સમર્થન ભારત અને પાકિસ્તાન બંને તરફથી મળી રહ્યા હતા. આપણા એક પાયલટના ગુમ થવાના સમાચાર હોય કે પાકિસ્તાની ટ્વીટર પર આવેલા એક ભારતીય પાયલટના વાયરલ થયેલા વીડિયોની વાત હોય. પાકિસ્તાને આપણું એક પ્લેન તોડી પાડ્યું છે અને એનો પાયલટ એ લોકોના કબજામાં છે એ વાત સાચી લાગતી હતી. જેને બપોર આસપાસ આપણા તરફથી ઓફિશિયલ કન્ફર્મેશન મળી ગયું હતું.

  એ દરમ્યાન આપણા લોકો ડિનાયલ મોડ માં હતા. એ વીડિયોમાં દેખાતો વ્યક્તિ આપણો પાયલટ ન હોઈ શકે, એરફોર્સમાં મૂછો રાખવી એલાઉડ નથી એવા તર્ક વિતર્કો Reddit અને Twitter પર આવવા મંડ્યા હતા. અને આના લીધે પાકિસ્તાની પ્રચાર યોદ્ધાઓને મજા આવવા મંડી હતી. આ દરમ્યાન એક તરફ આપણી અમન કી આશા ગેંગ-જેમાના અમુક લોકોને પુલવામા હુમલામાં ગૌમૂત્ર પીનાર સૈનિકોના મારવામાં આનંદ આવ્યો હતો-એ લોકો અચાનક એ પાયલટ અને બીજા સૈનિકોની ચિંતા કરવા માંડ્યા અને ભારત સરકારને કોઈ પણ ભોગે યુદ્ધ ન કરવા માટે વિનંતીઓ કરવા માંડ્યા. ફરી એક વાર, આમ પાકિસ્તાનનો જ ફાયદો હતો. ડી-એસ્કેલેશન(એટલે કે યુદ્ધ જેવી સાવધાન ની પરિસ્થિતિ માંથી નોર્મલ વિશ્રામ ની પરિસ્થિતિઓમાં આવવું) થાય તો પાકિસ્તાનને હાશકારો થાય. અને જો ભારત યુદ્ધ તરફ વળે તો પાકિસ્તાન પાંચમી વાર હાર સહન કરી શકે એવું ન હતું. ઘણા લોકોને લાગતું હતું કે એ પાયલટ અભિનંદન વર્ધમાન ને છોડાવવા માટે ભારત હથિયાર હેઠા મૂકી દેશે.

  મારી સહીત ઘણા લોકોને આ ડી-એસ્કેલેશન નો ડર હતો. જો ડી-એસ્કેલેશન થાત તો ભારત ને નીચાજોણું થાત. આંતરરાષ્ટ્રીય સમાજ દર વખતની જેમ ભારત પર ચડી બેસત. અને આતંકવાદ નાબૂદ કરવાના આપણા પ્રયાસોને નુકસાન જાત એ તો ખરુજ. સાથે સાથે આ ડી-એસ્કેલેશન 2001-2002માં વાજપેયીજીના નેતૃત્વ હેઠળ થયેલા ઓપરેશન પરાક્રમ અને એ પછીના ડી-એસ્કેલેશનની યાદ અપાવતું હતું.

  અને ઘણા ખરા અંશે અમારો આ ડર સાચો સાબિત થવા મંડ્યો. ભારતનો હવાઈ માર્ગ અમુક કલાકો પૂરતો બંધ રહ્યા પછી ફરી એક વાર શરુ થઇ ગયો. અને ફરી એક વાર ભારતીય પ્રચાર યુદ્ધનું મેલ્ટડાઉન શરુ થઇ ગયું. અમારી જેવા ઘણા લોકો ભારતની ડિપ્લોમસી અને આર્મી ઉપર શંકા કરવા લાગ્યા અને સવાલો પૂછવા લાગ્યા. એક તરફ આપણા પાયલટ અભિનંદન વર્ધમાનની ચિંતા હતી. કારણકે પાકિસ્તાન નો યુદ્ધકેદીઓ સાથેનો અમાનવીય વ્યવહાર જાણીતો છે. સવાલો બહુ બધા હતા, પણ દરેક જગ્યાએ એક જ જવાબ મળતો હતો. Keep Calm and Trust the leadership.

  લાગતું વળગતું: સિબલને એરસ્ટ્રાઈકના પૂરાવાનું સરનામું બતાવતા રાઠોડ

  પ્રકરણ 3: જીનીવા કન્વેનશન અને વર્તમાન

  યુદ્ધકેદીઓ સાથે અમાનવીય વર્તન કરનાર પાકિસ્તાને જયારે બીજા જ દિવસે “જો શાંતિ સ્થપાતી હોય તો અમે અભિનંદન વર્ધમાનને છોડી દેવા તૈયાર છીએ” ની વાત કરી ત્યારે એવું લાગ્યું કે અમારો ડર અને અમારો શક સાવ ખોટો હતો. પાકિસ્તાને સામેથી આવી ઓફર મૂકી હતી, મતલબ સાફ હતો કે પાકિસ્તાનને ક્યાંકથી દબાણ અનુભવાયું હતું. અને આ વખતે ભારત ને બદલે પાકિસ્તાન ઝૂક્યું હતું. આપણે ભલે ડી-એસ્કેલેશન કર્યું હોય, પણ પાકિસ્તાન ચોખ્ખે ચોખ્ખું ડરેલું લાગતું હતું. મોદીને યુદ્ધખોર અને ઇમરાન ખાનને શાંતિપ્રિય સાબિત કરવા આપણું મીડિયા અને ડાબેરી બુદ્ધિ”જીવી”ઓ પાકિસ્તાનની સાથે પ્રચાર યુદ્ધ સરખી રીતે રમે છે. પણ એ પછી એક એક પગલે પાકિસ્તાનના પ્રચાર યુદ્ધ ની નબળાઈઓ અને સાથે સાથે પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ ખુલ્લી પાડવા માંડી હતી.

  આપણને નીચાજોણું કરવા પકડાયાના કલાકોમાં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન નો વિડીયો વાયરલ કરવામાં અને કરવામાં પાકિસ્તાન એ ભૂલી ગયું કે એમાં પાકિસ્તાને યુદ્ધકેદીઓ સાથે માનવીય વ્યવહાર સ્થાપિત કરતો જીનીવા કન્વેનશનનો મહત્વનો નિયમ તોડ્યો છે. ભારતને નીચાજોણું કરાવતો હરખ પાકિસ્તાનને એટલો ભારે પડ્યો કે એ વાયરલ કરાવેલા વીડિયોના લીધેજ એણે અભિનંદન સર ને છોડવાની ફરજ પડી.

  અને એ સાથેજ આખું નેરેટિવ બદલાઈ ગયું. અભિનંદન સર ના પકડાયાના અને ડી-એસ્કેલેશનના દુઃખમાં આપણે એ ભૂલી ગયા હતા કે માત્ર 12 જ દિવસના ગાળામાં આપણે પુલવામાના આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ ને આપણે મારી નાખ્યો હતો. જવાબી કાર્યવાહી સ્વરૂપે આપણે પાકિસ્તાની બોર્ડર ની અંદર 10 કિલોમીટર સુધી ગયા, 15-20 મિનિટ બોમ્બાર્ડિંગ કર્યું અને સહીસલામત પાછા આવી ગયા હતા. પાકિસ્તાન તોરમાં અને તોરમાં જવાબી કાર્યવાહી કરવા આવ્યું પણ આપણા 30 વર્ષ જુના મિગ વિમાનોએ એના 15-16 વર્ષ જુના F-16 વિમાનોને તોડી પાડ્યા હતા. એમાં અભિનંદન સર પકડાયા, પણ એને નિયમ મુજબ સરભરા કરી સહીસલામત પાછા ભારત પહોંચાડવાની ફરજ પણ પાકિસ્તાનને પડી.

  એટલું જ નહિ, આ 12 દિવસ દરમ્યાન આપણે પાકિસ્તાનની જર્જરિત ઈકોનોમીને ફરી એકવાર નુકસાન પહોચાડ્યું. જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થવી, ટામેટા ઉપર જોક્સ બનવા સિવાય આપણા ડર ના લીધે પાકિસ્તાનનો હવાઈ વ્યવહાર છેલ્લા એક અઠવાડિયાથી બંધ હતો. બે દિવસ થયા એ થોડો નોર્મલ થયો છે, પણ ત્યાં સુધી પાકિસ્તાનને ઘણું નુકસાન થઇ ગયું હતું. આ ઉપરાંત પાકિસ્તાનના મોટા શહેરોમાં અંધારપટ પણ હતો જે પાકિસ્તાન કેટલું ડરી ગયું છે એ બતાવે છે.

  અને આ દરમ્યાન આ નવા ભારતે સુધારેલા આંતરરાષ્ટ્રીય સંબંધોની અસર પણ દેખાઈ. અત્યાર સુધી ભારતને સંયમ રાખવાની અપીલ કરતુ વિશ્વ પાકિસ્તાનને સખણા રહેવાની ચેતવણીઓ આપવા માંડ્યું. આટલા દિવસો દરમ્યાન તુર્કી સિવાય કોઈપણ રાષ્ટ્રે પાકિસ્તાનને સપોર્ટ નથી આપ્યો. જયારે ફ્રાન્સ, રશિયા અને અન્ય દેશોએ યુ.એન.માં ભારતને મદદ કરવાની ખુલ્લી ઓફરો મૂકી. આ ઉપરાંત OICમાં આમંત્રિત સુષ્મા સ્વરાજનો (જેને પુલવામા હુમલા પહેલા આમંત્રણ મળી ચૂકેલું હતું) વિરોધ કરવામાં પાકિસ્તાન એ હદે એકલું પડી ગયેલું કે પાકિસ્તાનના વિરોધ પર બીજા કોઈ ઇસ્લામિક રાષ્ટ્રે બોલવાનું યોગ્ય ન સમજ્યું અને ઇસ્લામિક રાષ્ટ્રોમાં પણ પાકિસ્તાન એકલું પડી ગયું.

  ગ્રાઉન્ડ પર ની આ રિયાલીટીના લીધે પાકિસ્તાનનું પ્રચાર યુદ્ધ ઠંડુ પડી રહ્યું છે. અત્યારે પોતાની નિષ્ફળતા ઢાંકવા અને આપણું ધ્યાન બીજે દોરવા પાકિસ્તાન પોતે મસૂદ અઝહરના મૃત્યુની અફવા ફેલાવે છે. પણ ફરી એક વાર પ્રચારના યુદ્ધમાં આપનો વિશ્વાસ એક શસ્ત્ર છે. આપણું શસ્ત્ર ધ્યાનથી વાપરો, અને આપણી સેના અને લીડરશીપ પર વિશ્વાસ રાખો.

  જય ભારત

  ફોર્સ ઇઝ ઓલવેઝ વિથ અસ…..

  eછાપું 

  તમને ગમશે: સાઉથ કોરિયા ના 10 અજબ પ્રતિબંધો જે તમને આશ્ચર્યચકિત કરી દેશે

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here