BOOK REVIEW: ‘ધ રામબાઈ’ – वो स्त्री है, कुछ भी कर सकती है…

1
1092

એક જ સરખી સંવેદના ધરાવતા બે વાચકો શ્લોકા પંડિત તથા સંજય પિઠડીયા દ્વારા લાગણી નીતરતું ‘ધ રામબાઈ’ નું વિવેચન.

અંગ્રેજી ભાષામાં એક નિયમ છે – જે વસ્તુ દુનિયામાં એક જ હોય તેની આગળ The શબ્દ લાગે જેમ કે The Sun (એક જ સૂરજ), The moon (એક જ ચંદ્ર), The sky (એક જ આકાશ). તે જ રીતે આ વાર્તાનું શીર્ષક છે ‘ધ રામબાઈ’! રામબાઈ એક જ હશે, રામબાઈ એક જ હોય, રામબાઈ એક જ રહેવાની!! તેમ છતાં રામબાઈ અનેકમાં વ્યાપેલી છે. મારામાં,  તમારામાં, સહુનાં મનમાં ક્યાંક, કોઈક ખૂણે રામબાઈ હાજર છે. આપણે દરરોજ રામબાઈને જીવતા હઈશું તેથી રામબાઈ એક જ હશે છતા અનેકમાં હશે.

રામબાઈ એ કોઈ વાર્તા નથી પરંતુ એક ઘટના છે. ગુજરાતની માલીપા કાઠિયાવાડની એક અભણ સ્ત્રીની, એક ભોળી સ્ત્રીની, એક કર્મઠ સ્ત્રીની, એક જગદંબાની, એક અન્નપૂર્ણાની, એક ‘દેવી’ની વાર્તા – રામબાઈની વાર્તા એક અલખની યાત્રા છે.

કોણ છે આ રામબાઈ?

સમાજની રૂઢી અને પરંપરાઓને 1940ના દશકમાં પણ લલકારતી રામબાઈ, સામો પ્રશ્ન કરતી રામબાઈ. લગ્ન કરીને દીકરી વળાવવી પડે તેવી રૂઢીને પણ સવાલ કરતી રામબાઈ (આ જગત્યમાં સોકરિયુંનો કયો વાંક સે તે બધીયને ઘર મેલીને બીજાના ઘરને ગદરાવવા જવાનું થાય સે? – આ રામબાઈના શબ્દો). ગુજરાતી સાહિત્યના વાચકને ‘ચૌદ વર્ષની ચારણ કન્યા વિશે ખબર હશે. રામબાઈ ચારણ કન્યા જેવી જ ‘તેર વર્ષની તારણ કન્યા’ હતી ત્યારથી આ વાર્તાની શરૂઆત થાય છે. મા-બાપ ન હોય અને આખા પરિવારનો ભાર જેની પીઠ પર લદાયેલો હોય તેવી કન્યાને તો ‘તારણ’ કન્યા જ કહેવું પડે. ૧૯૪૩ થી શરૂ થયેલી આ વાર્તા એકવીસમી સદી સુધી વિસ્તણ પામી છે. જીવનના દરેક અંધારાને અજવાળતી રામબાઈએ મન ભરીને જીવ્યું, પોતે પણ જીવ્યું અને બીજાને પણ કહ્યું – ‘જીવજે’!

જિતેશ દોંગા પાસેથી મળેલો રામબાઈનો અસલી ફોટો

રામબાઈનો ધણી – વીરજી. નામ જેવા જ ગુણ. રામબાઈ સાથેની જીવનભરની દોસ્તીમાં વીરજી એક એવું વાક્ય રામબાઈને કહે છે જે જગતનાં કોઈપણ મર્દએ પોતાના સ્ત્રીને કહ્યું હશે કે નહીં એ પ્રશ્ન છે, અને આ શબ્દો છે ‘બાઈ, તું મારી ભગવાન સો…’ જે ભાયડામાં પોતાની સ્ત્રીને આવું કહી શકવાની હિંમત હશે તે સ્ત્રી, તે જોગમાયા કૈંક વિશેષ તો હશે જ!

વાર્તાના પહેલાં પ્રકરણથી, પહેલાં પાનાથી, પહેલાં ફકરાથી આ વાર્તા જકડી રાખે છે. એક એક દ્રશ્ય આંખ સામે જેમ તરતું હોય. વાર્તા અમરેલી જિલ્લાના ચલાલા, હામાપુર અને સરંભડા – આ ત્રણ ગામના ત્રિકોણની વચ્ચે જ આકાર પામે છે. ક્યારેક ત્રિકોણનો ચોથો ખૂણો બનીને સુરત કે અમદાવાદ આવે, પણ આ ત્રિકોણ ની સરહદ ઓળંગતી નથી.

વાર્તાના મુખ્ય બે ભાગ છે. પહેલો ભાગ પૂર્ણ થાય ત્યાં સુધીમાં આપણને લાગે કે હવે આ વાર્તામાં બીજું તો શું હશે? પણ બીજો ભાગ શરૂ થાય અને ‘ધડામ’ દઈને આપણા મગજમાં અંતર્મનમાં એક ફડાકો થાય. મારા પોતાના મોંમાંથી ‘હાય રામ’ જેવો ઉદગાર નીકળી ગયેલો. પછી વાર્તાએ જે ગતિ પકડી છે તે અવર્ણનીય છે.

દરેકે દરેક પ્રકરણ બદલાતા આપણી જાત તેમાં ભળતી જાય અને એકરસ થાય ત્યાં જ જોરદારનો ધ્રાસકો પડે. અનેક પુસ્તકો વાંચેલ વાચકોને ‘હવે શું થશે’ તેના જવાબો મનમાં નક્કી થતા હોય ત્યાં જ ખબર પડે કે ના આ આપણી ધારણા થી ઘણે દૂર છે, અકળ છે. અને આ જે ‘કળાતું નથી’ તે જ લેખક શ્રી જીતેશ દોંગાની જીત છે.

બીજી મહત્ત્વની વાત છે ‘ધ રામબાઈ’ પુસ્તકનું કવર!

કંદર્પ પટેલ અને ગ્રંથની ટીમે ખૂબ જ ઉમદા કવર પેજ બનાવ્યું છે. કવરને જોયા પછી વાર્તાનો અર્ક જાણવાની અને વાર્તા વાંચવાની તાલાવેલી ન લાગે તો જ નવાઈ! અમે ચેલેન્જ કરીએ છીએ કે કવર પરથી કોઈ વાર્તા ઓળખી શકે, કારણ કે કવર પરના ચિત્રોમાં એક સુખદ વિરોધાભાસ જોવા મળશે. દાંતરડું, પૃથ્વી, ઘોડો, ઢોલ, તલવાર, પતંગ – આ બધું એક તાંતણે પરોવી બતાવો તો માનીયે…

વાર્તા વાંચતા અમને થયેલા અનુભવોઃ

‘ધ રામબાઈ’ની ઘણા સમયથી રાહ જોવાતી હતી અને વાંચ્યા પછી એ રાહ જોયાનું વ્યર્થ નથી જ. અત્યાર સુધી સુજ્ઞ વાચકજનોએ અનેક વાર્તાના સબળ સ્ત્રી પાત્રો વાંચ્યા હશે પછી એ ક.મા.મુનશીની નવલકથાઓની નાયિકાઓ હોય કે હરકિશન મહેતા કે અશ્વિની ભટ્ટનાં સ્ત્રી પાત્રો. એ જ રીતે રામબાઈ પણ સબળ છે ખૂબ જ સબળ, આપણી ધારણા કરતા ઘણી વધારે સબળ. ‘ધ રામબાઈ’નું એક અલગ પાસું એ છે કે આ વાર્તા સત્યઘટના ઉપર આધારિત છે. રામબાઈ કે જે આપણે જીતેશની આખે વાંચીશુ તે ક્યાંક ક્યારેક જીવાઈ ગયેલી ઘટના છે અને એટલે જ રામબાઈ સતત આપણી સાથે આ યાત્રામાં જોડાય છે. અને ક્યાંક હું પણ ‘ધ રામબાઈ’ નું એક પાત્ર અથવા તો કોઈ ક્ષણ તરીકે મારી જાતને જીવી લઉં છું.

આ વાર્તાના લેખક શ્રી જીતેશ દોંગા ખૂબ કસાયેલ લેખક છે. ‘ધ રામબાઈ’ વાંચતા જીતેશે પુસ્તકમાં મ્યુઝીક માટેનાં બારકોડ આપેલા છે તે સાંભળીએ તો ખરા અર્થમાં મોજ છે. રામબાઈ સાથે ઐક્ય સ્થપાય છે અને એટલે જ આખા પુસ્તકમાં અનેક પ્રસંગોએ આંખમાંથી દડ દડ આંસુડા વહે છે અને જો વહે તો વહેવા દેજો. રામબાઈ એટલે ફક્ત ગામડાની અભણ સ્ત્રી કે જેને કશું જ જ્ઞાન નથી તે નથી પણ રામબાઈ પાસે અનુભવોનું ભાથું છે, જૂના ની સાથે સાથે નવાને સ્વીકારવાની ભાવના છે. એટલે રામબાઈ જેમ છે તેમ સ્વીકારજો. સાક્ષાત્કાર એ સ્વીકારનું જ પરિણામ છે.

આ વાર્તા વાંચ્યા પછી મારો એ સ્વીકાર વધુ દ્રઢ બન્યો કે ‘ચમત્કાર હજુ પણ થાય છે’. આ ચમત્કાર એ વિશ્વાસનું પરિણામ પણ હોઈ શકે. આ ચમત્કાર ક્યાં, કેવી રીતે, કોની સાથે બને છે તેના માટે આ વાર્તા વાંચવી જ રહી.

– શ્લોકા પંડિત

રામબાઈની વાર્તામાં ધીમે ધીમે એક વાતાવરણ બંધાય છે, ધીમે ધીમે દ્રશ્યો આંખા સામે તરતા થાય, ધીમે ધીમે તમે તેની સામે આકર્ષાવ અને અચાનક ‘ધડામ’ દઈને તે ચુંબકીય શક્તિ તમને અંદર ખેંચી લે. તમે બહાર નીકળવાના ફાંફા મારો, વાર્તા તમને વધુ ને વધુ અંદર લેતી જાય – અને છેલ્લે ખબર પડે કે ભાન ભૂલીને તમે જે જીવો છો તે વાર્તા ઓલરેડી આ ધરતી પર જીવાઈ ગઈ છે.

રામબાઈના ઘરમાં ગામની ડોશીયું ભેગી થઈને એકમેક સાથે વાતો કરતી હોય – ત્યારે મને રામ મોરીની વાર્તા ‘મહોતું’ની યાદ આવી. રામબાઈ જ્યારે ગામના પાદરે ઘાટ પર જાય ત્યારે તેની ઈર્ષ્યા કરતી બાઈઓને જોઈ – ત્યારે મને ‘હેલ્લારો’ ફિલ્મ યાદ આવી. ગામડાનાં રસઝરતાં દ્રશ્યોએ મને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ‘વેવિશાળ’ની યાદ અપાવી.

ખમ્મા જિતેશ દોંગા!

ત્રણ ઘટનાઓ વાંચતા મારા આંખમાંથી આંસુડાની ધાર થયેલી (એ દ્રશ્યો હું અહીં નહીં લખું – સ્પોઈલર્સ ગણાશે પરંતુ જિતેશને આ ત્રણેય દ્રશ્યો લખીને મોકલ્યા છે). ‘હંસલા’ નામનું પ્રકરણ વાંચીને મારા રુંવાડા ઊભા થઈ ગયેલા અને પછી ‘ધાવણ’ પ્રકરણમાં મને એક સુખદ આંચકો લાગ્યો. આમ તો આ વાર્તાના લગભગ દરેક પ્રકરણ સાથે ચિત્રો સંકળાયેલા છે જેમ કે સૂરજ, ચાંદો, ખડકી, ફાંસ, એકડો, કરોળીયો, રોટલો, વાદળી, કૂવો વગેરે વગેરે પરંતુ વાર્તા વાંચ્યા પછી જિતેશે કરેલા વર્ણન પરથી મેં આ ચાર ચિત્રો દોરેલા છે. જો તમે આ વાર્તા વાંચી હશે તો તમને ખબર હશે કે આ કયા દ્રશ્યો છે.

ભાઈ જિતેશ દોંગા, હવે આપણે મળવું જ પડશે. મળીને મારે રામબાઈ વિશે વધુ જાણવું છે. મારે આ ચિત્રો તમને હાથોહાથ ભેંટ આપવા છે. મળીયે ત્યાં સુધીઃ ‘જીવજે’!

– સંજય પિઠડીયા

 

eછાપું 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here