ભારતમાં ઓટોમોબાઈલ ઉદ્યોગની આજ અને આવતીકાલ

0
544

ભારતના ઓટો સેક્ટરમાં મંદી છે એની ના નહીં પરંતુ તેની પાછળ ખરેખરા કારણો જે આપણે વિચારીએ છીએ તે છે ખરા? એક વિખ્યાત ઓટો નિષ્ણાતના બે પુસ્તકો પર આધારિત આ લેખ તમારી આંખો ઉઘાડી નાખશે.

સ્ટેનફોર્ડ યુનિવર્સીટીના વિખ્યાત સ્કોલર ટોની સેબાએ બે પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે 1 Clean Disruption of Energy and Transportation અને 2 Solar Trillions: 7 Market and Investment Opportunities in the Emerging Clean-Energy Economy. આ બંને પુસ્તકમાં ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગની આજની હતાશાના કારણો તથા ઉદ્યોગની આવતીકાલ છુપાયેલી છે એમ મારું પાક્કા પાયે માનવું છે. મારું આવું માનવા પાછળ ઘણાં કારણો છે. આ બંને પુસ્તકોના વિદ્વાન લેખક ટોની સેબા એક ચિત્ર રજુ કરે છે જે આ પ્રમાણે છે:

તેઓ કહે છે કે 1900માં ન્યુયોર્ક શહેરમાં મુખ્ય રસ્તા ઉપર (5th Avenue) માત્ર ઘોડાગાડી જ દેખાય છે. આ જ રસ્તા ઉપર (5th Avenue) માત્ર કાર જ દેખાઈ રહી છે. એનો મતલબ એ થયો કે માત્ર 13 વર્ષમાં જ ઘોડાગાડીનું સ્થાન કારે પચાવી પાડ્યું. એવું ન હોતું કે જે તે સમયની સરકારે ઘોડાગાડીને હટાવી દેવા માટે કાનૂનો ઘડ્યા. હકીકતમાં તો કાર નિર્માતાઓ માટે કાયદાઓ ઘડાયા હતા.

ટોની સેબા દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા આ કેસમાં મારી દ્રષ્ટિએ આનો ખુબ જ ટૂંકો અર્થ એવો થયો કે “ટેકનોલોજી સામે ઘોડાગાડી હારી ગઈ”.

આવું જ કંઇક ગુજરાતમાં ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે થયું હતું તે મને બરાબર યાદ છે. જે મિલ-માલિકો ટેકનોલોજી સાથે કદમ ન મિલાવી શક્યા તેઓ પોતાની મિલ અને પોતાનું કરોડો રૂપિયાનું સામ્રાજ્ય અને પ્રતિષ્ઠા બચાવી ન શક્યા. જે મિલ-માલિકોએ સમય પ્રમાણે નવી ટેકનોલોજીને અપનાવી અને મિલો ચલાવી તેઓ પોતાના ધંધાને સો ગણો કરી શકયા.

આવું જ KODAK સાથે પણ થયું હતું. વર્ષ 2000 સુધી KODAK વગરના વિશ્વની કલ્પના કરવી પણ શક્ય ન હોતી. વર્ષ 2000માં KODAK કંપનીએ 1400 કરોડ ડોલરનો નફો કર્યો હતો. સમગ્ર વિશ્વમાં તેની હાક વાગતી હતી. પરંતુ માત્ર ચાર જ વર્ષમાં એટલે કે વર્ષ 2004માં KODAK કંપનીએ નાદારી જાહેર કરી. આમાં પણ ટેકનોલોજી સાથે KODAK કદમ ન મિલાવી શકી એટલે તેને દેવાળું ફૂંકવાનો સમય આવ્યો. ડીજીટલ ફોટોગ્રાફી સાથે KODAK કંપની કદમ ન મિલાવી શકી.

ઘોડાગાડી હોય, ગુજરાતનો ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ હોય કે KODAK કંપની હોય, જેઓ ટેકનોલોજી સાથે કદમ ન મિલાવી શક્યા તે સૌ માટે વેપાર અને વાણિજ્યની ભાષામાં તેને Disruption કહેવાય. હવે હકીકત એવી છે કે 20મી સદીમાં જે નવી પ્રોડક્ટ આવતી હતી કે જે નવી શોધ પ્રોડક્ટ તરીકે બજારમાં મુકાતી હતી તેને સમગ્ર વિશ્વમાં પોતાનું બજાર ઉભું કરવામાં 15થી 20 વર્ષ લાગી જતા હતા. આજે 21મી સદીમાં સમગ્ર વિશ્વમાં પોતાનું સ્થાન મજબુત કરવા માટે અને મોટું બજાર ઉભું કરવા માટે માત્ર 3થી 4 વર્ષ જ લાગે છે. તેવી જ રીતે વિશ્વના બજારમાંથી ફેંકાઈ જતા પણ 3થી 4 વર્ષનો સમય જ લાગે છે.

ટેકનોલોજી સાથે જે બદલાયા નહીં તેવા મોટા મોટા કોર્પોરેટ ઉદ્યોગગૃહો (પછી ભલે તે KODAK જેવી દિગ્ગજ કંપનીઓ હોય) દેવળિયા થઇ ગયા હોય તેવા અસંખ્ય દાખલાઓ સમગ્ર વિશ્વમાં છે. JIOના આવ્યા પછી ધુરંધર કહેવાય એવી IDEA અને VODAFONE કંપનીઓએ પણ ટેકનોલોજીની આધુનિકરણના અભાવમાં સંયુક્ત થઇ જવું પડ્યું છે તે ભારતના બજારમાં મોબાઈલ કંપનીઓની હરીફાઈનું તાજેતરનું ઉદાહરણ છે.

તેવી જ રીતે 2013 સુધી UBER શું છે કે OLA શું છે તે કોઈ ભારતીય જાણતો ન હતો. ભારતમાં OLAનું આગમન નાના પાયે 2011માં થયું અને UBERનું આગમન બેંગ્લોરમાં 2013માં થયું. એટલે કે OLA અને UBER માત્ર પાંચ વર્ષથી જ ભારતના બજારમાં આવી છે.

2015માં રોજની 10 લાખ રાઈડ હતી તે 2019માં (જુન 2019 સુધી) વધીને રોજની 36.50 લાખ પર પહોંચી છે. એટલે કે ચાર વર્ષમાં તેમાં 265%નો વધારો નોંધાયો છે. રાઈડ માર્કેટમાં રોજની 36.5 લાખ રાઈડમાં OLA અને UBERનો માર્કેટ શેર 95% જેટલો છે.

હવે મેટ્રો શહેરોમાં ટ્રાફિકની સમસ્યાને લીધે તથા પાર્કિંગની સમસ્યાને લીધે OLA અને UBERનો ઉપયોગ કરતા થયા છે. જેઓ નિયમિત રીતે તેનો ઉપયોગ કરે છે તેઓ કહે છે કે કારના માલિક બનીને ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાનો સામનો કરવો તેના કરતા OLA અને UBER સસ્તી પડે છે. ચાલો તેમ કેવી રીતે? તેની ગણતરી કરીએ.

મુંબઈ, ચેન્નાઈ અને દિલ્હી જેવા મોટા શહેરોમાં OLA અને UBER પ્રત્યેક કિલોમીટરે લગભગ રૂ. 18 થી રૂ. 20ની સરેરાશે મળી જાય છે. તેની સામે જો પોતાની કાર હોય તો તે ખર્ચ વધારે આવે છે તેવું જાણકારોનું કહેવું છે. એક ઉદાહરણથી તેને સમજીએ.

સાત લાખની કે કાર ખરીદવા માટે 2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપ્યા પછી 5 લાખ રૂપિયાની ઓટો લોન પાંચ વર્ષમાં પરત આપવાની શરતે લીધી એમ માની લઈએ. 9% વ્યાજનો દર ગણીએ તો લગભગ 1.25 લાખ રૂપિયા વ્યાજ થાય. એટલે કાર કુલ 8.25 લાખ રૂપિયામાં પડે. હવે જો આ કારને સારી કંડીશનમાં પાંચ વર્ષ પછી વેચી દઈએ તો 3 લાખ જેટલા રૂપિયા મળે. એટલે કે કારની ચોખ્ખી કિંમત લગભગ 5.25 લાખ રૂપિયા થાય.

કાર માટે ઓટો લોનના કારણે ઇન્સ્યોરન્સ ફરજીયાત હોવાથી પાંચ વર્ષમાં લગભગ રૂ. 75,000 ઇન્સ્યોરન્સ ખાતે ખર્ચ થાય. વર્ષનો રૂ. 20,000 મેન્ટેનન્સનો ખર્ચ ગણીએ તો તે પાંચ વર્ષનો 1 લાખ જેટલો થાય. હવે એવું સ્વીકારી લો કે કાર પાંચ વર્ષની સરેરાશ 12 કિમીની એવરેજ આપે છે. રોજના સરેરાશ 30 કિમી ચલાવો છો. પેટ્રોલની કિંમત રૂ. 70 હોય તો રોજના સરેરાશ ખર્ચની ગણતરીના આધારે લગભગ 3,25,000 રૂપિયાનો ખર્ચ પેટ્રોલ પાછળ થાય. તદુપરાંત પાર્કિંગ ખર્ચ, સીટ કવર, કાર-વોશ, ફ્રેશનર વગેરેનો ખર્ચ ગણીએ તો તેને વાર્ષિક 40,000ની ગણતરી કરીએ તો પાંચ વર્ષના તે રૂપિયા 2 લાખ થાય. આ બધાનું ટોટલ કરીએ તો તે લગભગ રૂપિયા 13 લાખ થાય. એટલે કે તે પ્રતિ કિલોમીટર લગભગ રૂ. 23.75 જેટલો થાય. હવે જો ડ્રાઈવર પણ રાખવામાં આવ્યો હોય તો તે ખર્ચ પ્રતિ કિલોમીટર લગભગ રૂ. 42 જેટલો થાય.

આની સામે OLA અને UBER પ્રત્યેક કિલોમીટરે લગભગ રૂ. 18થી રૂ. 20ની સરેરાશે મળી જતી હોય અને તેની સામે પાર્કિંગની કોઈ ઝંઝટ નહીં. ડ્રાઈવરની કોઈ ઝંઝટ નહીં. પ્રવાસ દરમિયાન મગજને કાર્યરત રાખી શકાય. આખા દિવસનું આયોજન કારમાં બેઠા બેઠા કરી શકાય. આ બધું જોતાં આપણને સૌને ખ્યાલ આવે છે કે શા માટે OLA અને UBERની રાઈડ રોજની 36.50 લાખ પર પહોંચી છે અને શા માટે છેલ્લા ચાર વર્ષમાં તેમાં 265%નો વધારો નોંધાયો છે.

આટલા સરળ ઉદાહરણો આપ્યા પછી જ હવે મારો મુખ્ય મુદ્દો આવે છે કે શાથી સ્ટેનફોર્ડ યુનિવર્સીટીના વિખ્યાત સ્કોલર ટોની સેબાના પુસ્તકો Clean Disruption of Energy and Transportation અને Solar Trillions: 7 Market and Investment Opportunities in the Emerging Clean-Energy Economyમાં ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગની આજની હતાશાના કારણો તથા ઉદ્યોગની આવતીકાલ છુપાયેલી છે.

ટોની સેબા કહે છે કે 2020માં ઓટોમોબાઈલ ઉદ્યોગમાં બહુ મોટી ક્રાંતિ આવી રહી છે. ઇલેક્ટ્રિક કાર, ડ્રાઈવર વગરની કાર તથા OLA અને UBERની રાઈડ – જેવા વિવિધ ઓપ્શન પ્રાપ્ત થવાના છે ત્યારે જો મારુતિ હોય કે હોન્ડા હોય, ટોયોટો હોય કે ફોર્ડ હોય – તમામે આધુનિક ટેકનોલોજી અને આધુનિક સવલતો અંતર્ગત બદલાવું પડશે. ખાલી ખાલી “મંદી”ની “રાડારાડ” કરવાથી ગમે તેટલી મોટી કંપની હોય તો તેને પણ બચાવી શકાશે નહીં. જેઓ Electric Vehicle, Driverless Vehicle તથા OLA અને UBER જેવી Software આધારિત સવલતો પ્રમાણે કદમથી કદમ મિલાવીને નહીં ચાલે તે બજારમાંથી અદ્રશ્ય થઈને દેવળીયા થઇ જવાની પુરેપુરી સંભાવના છે.

આવા સંજોગોમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ ખુબ જ મોટા પ્રમાણમાં રોકાણ કરવા માટે ભારતમાં રહેલા મોટા મોટા કોર્પોરેટર કાર ઉત્પાદકોએ Acquisition, Merger, Collaboration અને Amalgamation કરવું જ પડશે. જેઓ આવું કરી શકશે તેઓ ખુબ જ મોટું બજાર કવર કરી શકશે અને જેઓ આવું કરવામાં વિલંબ કરશે તેઓ આવનારા પાંચેક વર્ષમાં નાદાર થઈને બજારમાંથી અદ્રશ્ય થઇ જશે. સિંગાપોરમાં Driverless Vehicle ચાલતા થઇ ગયા છે. 12 જેટલા મેગા મેન્યુફેક્ચરિંગ કોર્પોરેટ ઉદ્યોગગૃહોએ સમગ્ર વિશ્વમાં ઇલેક્ટ્રિક કાર માટે અનિવાર્ય એવી Lithium Ion Battery બનાવવા માટે ઉત્પાદન શરુ કરી દીધું છે. આ Mass Productionના કારણે સામાન્ય જનતાને પોષાય તેવી કિંમતે Electric Vehicle અને Driverless Vehicle મળી શકે છે.

ટોની સેબાના અનુમાન મુજબ 2030 સુધીમાં તો સમગ્ર વિશ્વમાં Driverless Electric Vehicle સરળતાથી મળતા થઇ જશે. વિશ્વની મોટાભાગની સરકારો Manually driven માત્ર અને માત્ર પેટ્રોલ અને ડીઝલથી ચાલતી કારને પ્રતિબંધિત કરી શકે છે. તેમનું કહેવું છે કે 2030 સુધીમાં રસ્તા ઉપરથી 70% વ્યક્તિગત કે સંસ્થાગત માલિકીની એટલે કે માલિકીની કાર ઓછી થઇ જશે. પેટ્રોલ અને ડીઝલનો વપરાશ 60% જેટલો ઘટી જશે અને તેને કારણે મધ્ય-પૂર્વના તેલ-ઉત્પાદક દેશો દેવાળિયા થઇ જશે. ટોની સેબાના અંદાજ પ્રમાણે Driverless Electric Vehicle પેટ્રોલ, ડીઝલ અને સીએનજીથી ચાલતી કાર કરતા ખુબ જ સસ્તી મળતી થઇ જશે.

ટોની સેબાના મતે આજથી માત્ર દસ વર્ષ પછી કાર ચલાવવી ખુબ જ સસ્તી થઇ જશે. કારમાં ટાયરના ખર્ચા સિવાય અન્ય ખર્ચા ખુબ જ નોમિનલ હશે. Electric Vehicleમાં આવનાર એન્જીનની વોરંટી 15 લાખ કિલોમીટરની હશે. પેટ્રોલ, ડીઝલ અને CNGથી ચાલતી કારના એન્જીનમાં 2000 જેટલા કોમ્પોનન્ટ હોય છે તેની સામે Electric Vehicleમાં માત્ર 18 જ કોમ્પોનન્ટ હશે. Internal Combustion Engine એટલે કે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીથી ચાલતી કારના એન્જીન માત્ર 15% થી 20% જ Energy Efficient હોય છે તેની સામે નવા આવનાર Driverless Electric Vehicleના Electric Engine 95% Driverless Electric Vehicle હશે એટલે આ હરીફાઈમાં હાલના ઓટોમોબાઈલ કોર્પોરેટ ગૃહ જો ટેકનોલોજી સાથે કદમ નહીં મિલાવે તો તેઓ હરીફાઈમાંથી બહાર તો થઇ જ જશે અને સાથે સાથે દેવાળિયા પણ થઇ જશે.

ટોની સેબાના મતે Driverless Electric Vehicleની છત ઉપર Lidar હોય છે જે એક રીતે કારની આંખનું કામ કરે છે તેની કિંમત 2012માં 70,000 ડોલર હતી તે આજે 2019માં માત્ર 250 ડોલર થઇ ગઈ છે અને 2025 સુધી તે માત્ર 5 ડોલરમાં જ મળતી થઇ જશે.

ટોની સેબા Solar Trillions: 7 Market and Investment Opportunities in the Emerging Clean-Energy Economy પુસ્તકમાં જણાવે છે કે 2030 સુધીમાં Hydro, Thermal અને Nuclear વીજળીનો વપરાશ ખુબ જ ઘટી જશે. તેની સામે Solar Energyનો વપરાશ ખુબ જ વ્યાપક થઇ જશે. આથી 2030 સુધીમાં જે Driverless Electric Vehicle બનશે તેમાં પણ Solar Energy જ વપરાતી થઇ જશે જે ભારત જેવા ગરમ પ્રદેશોમાં આપોઆપ ચાર્જ થતી રહેશે. ઇલેક્ટ્રિકના ચાર્જીંગ સ્ટેશનો સુધી પણ જવું પડશે નહીં. Solar Energy ખુબ જ સસ્તી હોવાથી તેના આધારિત Driverless Electric Vehicleનો ખર્ચ ખુબ જ ઓછો આવશે.

ટોની સેબાના મતે ઓટોમોબાઈલની દુનિયા બહુ જ ઝડપથી બદલાઈ રહી છે અને તેની સાથે તાલમેલ જે જાળવી નહીં શકે તે સૌ હરીફાઈમાંથી ફેંકાઈ જશે. ઓટોમોબાઈલ ઉદ્યોગોના માંધાતાઓને એક સૂચન છે કે મંદીની “રાડારાડ” કરવાને બદલે આવનારા સમય માટે વ્યુહાત્મક રીતે Acquisition, Merger, Collaboration અને Amalgamation માટે મચી પડો. વેચાણમાં જે ઘટાડો આવી રહ્યો છે તેને હકારાત્મક રીતે લઈને નવી સોચ, નવી પ્રોડક્ટ, નવા સોફ્ટવેર આધારિત કાર લઈને બજારમાં આવવા માટે તૈયારીઓ કરવામાં લાગી પડો. બજારને જોવાની “નજર” બદલો અને દુનિયા સર કરો. આમ કરીને ભારતને પણ ઉચ્ચતમ પ્રતિષ્ઠા અપાવો.
.
એક વાત ચોક્કસ યાદ રાખશો કે જે ઓટોમોબાઈલ કોર્પોરેટ ગૃહ આધુનિક અને દીર્ઘદ્રષ્ટિવાળી ટેકનોલોજી સાથે કદમ નહીં મિલાવે તો તેઓ હરીફાઈમાંથી બહાર તો થઇ જ જશે અને સાથે સાથે દેવાળિયા પણ થઇ જશે. અને તેને માટે દેશનું અર્થતંત્ર કે આર્થિક વિકાસ જવાબદાર નહીં હોય.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here