રાસ-ગરબા સિવાયના ગુજરાતના ભાતીગળ લોકનૃત્યો – નાચ મેરી જાન, હો કે મગન તુ….

0
653
Photo Courtesy: YouTube

ગયા અઠવાડિયે આ કોલમમાં રાસ-ગરબા વિશેની માહિતી આપી ત્યારે લાગ્યું કે અંદાજે 196 હજાર ચોરસકિમીનું ક્ષેત્રફળ અને 33 જિલ્લાઓ ધરાવતા ગુજરાતમાં શું ફક્ત રાસ અને ગરબા આ બે જ લોકનૃત્યો છે? ના હોય.

Photo Courtesy: YouTube

પછી મન ચરરર ચરરર ચગડોળે ચડ્યું અને ખાંખાખોળા કરવા લાગ્યું. ગુજરાતના ગરવા લોકજીવનમાં લોકનૃત્યોનો ભંડાર ભરપૂર ભર્યો પડ્યો છે. લોકમેળાઓ હોય, પરબડાં હોય, લગ્ન જેવા મંગલ પ્રસંગ હોય, ઋતુઓના વધામણાંના અવસરો હોય કે અવનવાં વાર-તહેવાર હોય, આપણા લોકહૈયાં દરેક પ્રસંગે ભાવવિભોર થઈને નાચે, ગાય છે. ગુજરાતના કેટલાક પ્રદેશોમાં ગોળાકાર, કેટલાકમાં અર્ધગોળાકાર, ક્યાંક બબ્બેની હરોળમાં, ક્યાંક એકએકની હરોળમાં, ક્યાંક સ્ત્રીપુરુષો ભેગાં મળીને તો ક્યાંક અલગ અલગ રહીને જુદાં જુદાં ગીત સાથે, વાજિંત્રો સાથે, રાગ અને તાલ સાથે, વિવિધ બોલીઓમાં લોકનૃત્યોનું વૈવિધ્ય જોવા મળે છે. ગુજરાતના ઈતિહાસકાર અને લેખક જોરાવરસિંહ જાદવના પુસ્તક ‘ગુજરાતની લોકસાંસ્કૃતિક વિરાસત’માં આવા જ પર્વો, વસ્ત્રો, લોકવાદ્યો, ખાનપાન, કલાપરંપરા, લોકજાતિઓ અને લોકનૃત્યો વિશે લખ્યું છે. એ જ પુસ્તકમાં ઉપલબ્ધ માહિતીનુસાર આવો જાણીએ ગુજરાતના ભાતીગળ લોકનૃત્યો વિશેઃ

જૂના વખતમાં ચૂનાબંધ ઘરનાં ઓરડામાં, અગાશીમાં કે મકાનના પાયામાં ચૂનાનો ધ્રાબો ધરબાતો. આ ધ્રાબાને પાકો કરીને ‘છો લીસી’ બનાવવા આ ધ્રાબો ધરબવા માટે વપરાતા સાધનને ટિપ્પણી કહેવાય. લાંબી લાકડીના છેડે લાકડાનો ચોરસ કે લોઢાનો ગોળ ગડબો લગાડેલી ટિપ્પણીઓ હાથમાં લઈને સામસામે કે ગોળાકારમાં ઊભી રહીને બહેનો ‘ટિપ્પણી નૃત્ય’ કરે છે. આ નૃત્ય સૌરાષ્ટ્રના ચોરવાડ પંથકમાં રહીને કાળી મજૂરી કરનાર કોળી જાતિની સ્ત્રીઓનું શ્રમહારી નૃત્ય છે. સંગીત અને નૃત્ય દ્વારા કઠિન પરિશ્રમને હળવોફૂલ બનાવી દેવાની લોકનારીની કોઠાસૂઝમાંથી આ નૃત્ય જન્મ્યું છે. ચોરવાડની કોળી બહેનો ઉપરાંત રાજકોટની ભીલ બહેનો, ગોહિલવાડની કંઠાળ્ય પ્રદેશની ખારવણ બહેનો અને જામનગરની સીદી બહેનોમાં પણ ટિપ્પણી નૃત્ય ભજવાય છે.

ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, ભાલ-નળકાંઠા, વઢિયાર અને કાઠિયાવાડ બાજુના કેટલાક લોકનૃત્યો વિષે ચર્ચા કરીએ તો સૂર્યપત્ની રન્નાદે (રાંદલ)નો મહિમા ઘણો છે. આ પ્રદેશોમાં ઘણી જાતો લગ્ન, સીમંત કે સંતાનના વાળ ઉતારવાના પ્રસંગે રાંદલ તેડે છે. રાંદલ તેડવાના પ્રસંગે કુટુંબની સ્ત્રીઓ અને રાંદલની ભૂઈ (ભૂમિગત પૂજકો) અથવા ગામના ગોરમહારાજ રાંદલનો ઘોડો ખૂંદે છે. ભૂઈ આવીને ઈંઢોણી પર પિત્તળનો જળ ભરેલો લોટો મૂકી ત્રાંબાની વાટકીમાં દીવો પ્રગટાવી લોટા પર મૂકીની લોટો માથે મૂકે છે અને ધીમે ધીમે નાચે છે. આ વખતે ફરતી ફરતી સ્ત્રીઓ ઘોડાની જેમ બબ્બે પગે કૂદતી કૂદતી તાળીઓ પાડતી પાડતી ગોળ ગોળ ફરે છે ને રાંદલનો ઘોડો ખૂંદતી ગાય છે. ઘોડો ખૂંદવો એ પણ લોકનૃત્યનો આગવો પ્રકાર છે.

લોકનૃત્યો ની આવી જ સમાનતા ‘જાગનૃત્ય’માં પણ છે. લગ્ન, જનોઈ કે સીમંત પ્રસંગે કેટલીક જ્ઞાતિમાં માતાના જાગ તેડે છે. માતાજીને બેસાડ્યાં પછી પાંચમે કે સાતમે દિવસે માતાજીને વળાવતી વખતે બાજોઠના ચાર ખૂણે ખપાટું બાંધી તેના ચારેય છેડાને ઉપરથી ભેગા કરીને બાંધી દેવામાં આવે છે. બાજોઠ ફરતી ચૂંદડી બાંધી અંદર માતાજીની સ્થાપના કરવામાં આવે છે. જેના ઘેર આ ઉત્સવ હોય તે ઘરની સ્ત્રી આ જાગ માથે મૂકી વાજતે ગાજતે માતાજીના મઢે જાય છે. આ વખતે બીજી સ્ત્રીઓ ગામના ચોકમાં ઢોલના તાલે તાલે માતાજીના ગરબા ગાય છે અને માથે જાગ મૂકેલી સ્ત્રી વચમાં પગનાં ઠેકા સાથે જાગનૃત્ય કરે છે. આવો રિવાજ બનાસકાંઠાના રાધનપુર ને થળાધરીની કોળણ બહેનોમાં પણ જોવા મળે છે.

લાગતું વળગતું: નવરાત્રિ – જૂની અને નવી, પરંપરા, ભક્તિ અને કુદરત સાથેની રમત

હવે આવો જાણીએ રાસ, રાસડા, ગરબા અને ગરબીનો તફાવત. રાસ એ ગોપ સંસ્કૃતિનું આગવું અંગ ગણાય છે. પ્રાચીનકાળમાં ગોપ-ગોપીઓ સાથે મળીને કૃષ્ણલીલાના રાસ રમતાં. પાછળથી જુદી જુદી જાતિઓ આ રાસમાં પોતાની વિશેષતાઓ ઉમેરતી ગઈ. સૌરાષ્ટ્રના નૃત્ય પ્રકારોમાં સૌથી વધુ ધ્યાન ખેંચતો જો કોઈ પ્રકાર હોય તો તે દાંડિયા રાસનો છે. શરદપૂનમ, નોરતા, જળજિલણી એકાદશી, સાતમ-આઠમ પ્રસંગે, ગુરુની પધરામણી વખતે, ફૂલેકાં કે સામૈયાં વખતે ગામના જુવાનિઓ દ્વારા હાથમાં રંગત ફૂમતાવાળા લાકડાના કે પિત્તળના દાંડિયા લઈને દોઢિયા, પંચિયા, અઠિયા, બારિયા, ભેટિયા, વગેરે તાલમાં દાંડિયા લેવાય છે. રાસે રમતાં રમતાં ગીતને અનુરૂપ સ્વસ્તિક, ત્રિશૂળ, ધજા જેવા માતાજીના પ્રતીકો રચાતાં જાય છે.

દાંડિયા રાસ મોટેભાગે પુરુષો લે છે. કાઠિયાવાડના આયરો, કણબી, રજપૂતો રાસમાં અવળાં-સવળાં ચલન લઈ બેથક લઈ, ફૂદડી લગાવે છે ત્યારે પ્રચ્છન્ન છટા ખીલી ઊઠે છે. રાસ અને રાસડા વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. રાસડા એ તાલરાસકનો એક પ્રકાર છે જેમાં સંગીતનું તત્ત્વ મોખરે રહે છે જ્યારે રાસમાં નૃત્યનું તત્ત્વ આગળ પડતું હોય છે. સ્ત્રીઓમાં આજે એક તાલીના અને ત્રણ તાલીના રાસડા વધુ જાણીતા છે.રાસ અને ગરબી પુરુષપ્રધાન છે જ્યારે રાસડા નારીપ્રધાન છે. સ્ત્રીઓ તાલીઓના તાલે કે ચપટી વગાડતા તાલ સાથે રાસડા લે છે. એક સ્ત્રી ગવરાવે અને બીજી સ્ત્રીઓ ફરતી ફરતી ઝીલે. રાસમાં જેટલી વિવિધતા, તરલતા, જોમ અને જુસ્સો જોવા મળે છે તે રાસડામાં નજરે પડતો નથી. ગરબા વિશે ગયા અંકમાં લખેલું. ગરબો અને ગરબી બંને સંઘ નૃત્યોના જ પ્રકાર છે પણ ગરબા મોટે ભાગે સ્ત્રીઓ ગાય છે અને ગરબી પુરુષો. ગરબો એટલે છિદ્રોવાળો ઘડો અને ગરબી એટલે લાકડાની માંડવડી એવો અર્થ થાય.

ગુજરાતના અસંખ્ય લોકનૃત્યો માંથી એક એવું ગોફગૂંથન-સોળંગા રાસ એ સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય છે. આ નૃત્ય એક વિશિષ્ટ પ્રકારનો મનોહર રાસ છે જેમાં વણેલી સુંદર મજાની દોરીઓનો ગુચ્છ અદ્ધર બાંધેલી કડીમાંથી પસાર કરી તેનો એકેક છેડો રાસધારીઓના હાથમાં અપાય છે. પ્રારંભમાં ગરબી લઈને પછી દાંડિયારાસ ચગે છે. સાથે સાથે રંગીન દોરીની મનોહર ગૂંથણી ગૂંથાતી જાય છે. ગૂંથણી પૂરી થયા પછી અવળાં ચલનથી રાસની રમઝટ સાથે દોરીની ગૂંથણીને ઉકેલવામાં આવે છે. મેર લોકોના દાંડિયા રાસ અલગ ધ્યાન ખેંચે છે. શરૂ કરતાં પહેલાં કપડાં પર ગુલાલ છાંટી દાંડિયા રાસની રમઝટ બોલાવતા ધરણી ધ્રજાવે છે ત્યારે તેમના બાહુબળ અને લડાયક ખમીરનું સાચું દર્શન થાય છે. તેમના દાંડિયા પણ સાદા નહીં, જાડા પરોણાના હોય છે. મેરના દાંડિયા એટલા જોરથી વીંઝાતા હોય છે કે નબળા-પાતળા આદમીના દાંડિયા સાથે મેરનો દાંડિયો વીંઝાય તો એની આંગળી ઊડીને અર્ધો એક ખેતરવા દૂર જઈને પડે. મેરની દાંડિયા વીંઝવાની છટા એ તલવારના ઝાટકાની કલામય છટા છે.

મંજીરાનૃત્ય એ ભાલ નળકાંઠામાં વસતા પઢારોનું વિશિષ્ટ લોકનૃત્ય છે. વાર તહેવારે આ નૃત્ય કરતી વખતે પઢારો પગ લાંબા કરીને ગોળાકારે બેસે છે. એકતારો, તબલાં, કાંસીજોડા, બગલિયું વગેરે વાદ્યો સાથે મંજીરાંઓ તાલ આપીને જમીન પર સૂઈ જાય છે અને સૂતા સૂતા મંજિરાંનો તાલ આપીને અવનવી રીતે મંજીરાં વગાડતાં વગાડતાં બેઠા થાય છે, ફૂદડી ફરે છે અને પાછા સૂઈ જાય છે. રાજસ્થાનમાં આ નૃત્યપ્રકાર ‘તેરહતાલ’ તરીકે જાણીતો છે. ચારથી પાંચ બહેનો પગ લાંબા કરીને બેસે છે અને પગના અંગૂઠાથી માંડીને હાથ સુધીનાં શરીરનાં વિવિધ અંગો પર તેર મંજિરાં બાંધીને વિવિધ તાલ વગાડતી નૃત્ય કરે છે.

ભાલપ્રદેશ અને કાઠિયાવાડમાં ગાગરની હીંચ ખૂબ જ જાણીતા લોકનૃત્યો માંથી એક છે. આ લોકનૃત્ય કરનારા હાથમાં મટકી લઈને સરસ હીંચ લે. ‘ઢોલીડા ઢોલ રે વગાડ, મારે હીંચ લેવી છે’ એવું ગીત આજે પણ આપણા નવરાત્રોત્સવમાં ગવાય છે. વારતહેવારે કે પ્રસંગોપાત સ્ત્રીઓ પણ હાથમાં ગાગર, ઘોંણિયો કે વટલોઈ લઈને ઢોલના તાલે તાલે હાથની વીંટિયું, રૂપાના કરડાં ક વેઢ વડે તાલ દઈને હવામાં ગાગરો ઘુમાવતી અવનવા અંગમરોડ દ્વારા હીંચને ચગાવે છે. ભવાઈમાં પણ ભવૈયા કે નટ માથે સાત બેડાં મૂકીને હીંચ લે છે.

‘ઠાગાનૃત્ય’ એ ઉત્તર ગુજરાતના ઠાકોરોનું આગવું લોકનૃત્ય છે. વારતહેવારે આ વિસ્તારના ઠાકોર ઊંચી એડીના ચડકીવાળા બૂટ, અઢીવરકે પોતડી, ગળે હાંસડી, પગમાં તોડો અને કાનમાં મરકી પહેરી હાથમાં ઉઘાડી તલવારો લઈને ઠાગા લેવા નીકળે છે ત્યારે જીવન-મોતના સંગ્રામ જેવું દ્રશ્ય સર્જાય છે. ‘ઢોલોરાણો’ એ ગોહિલવાડ પંથકના કોળીઓના લોકનૃત્ય નો અનોખો પ્રકાર છે. ચોમાસું આવતાં ધરતી હરિયાળી બને અને કણમાંથી મણ અનાજ પાકે એ પ્રસંગે સ્ત્રી-પુરુષો હાથમાં સૂપડાં, સૂપડિયું, સાવરણી, સૂંડલા, ડાલાં, સાંબેલું વગેરે લઈને અનાજ ઊપણતાં ઊપણતાં, ખાંડતાં ખાંડતાં વર્તુળાકારે ફરીને નૃત્ય કરે તેને ઢોલોરાણો કહેવાય છે.

બીજા લોકનૃત્યો વિષે વાત કરીએ તો ઉત્તર ગુજરાતનું અશ્વનૃત્ય, વણઝારાનું હોળી નૃત્ય, દૂબળાઓનું ઘેરિયાનૃત્ય, તડવીઓનું ઘેરૈયાનૃત્ય, માંડવાનૃત્ય, ભરવાડોના ડોકા અને હૂડારાસ, આલેણી-હાલેણી, પંચમહાલના ભીલોનું તરવારનૃત્ય, ધરમપુરના આદિવાસીઓનું શિકારનૃત્ય, ડાંગીનૃત્ય, સીદીઓનું ધમાલનૃત્ય, હળપતિઓનું તુરનૃત્ય જેવા અનેક નૃત્યો આપણા ગુજરાતમાં આજે પણ સચવાયા છે જે 26 જાન્યુઆરીના દિલ્હીના કાર્યક્રમોમાં રસપૂર્વક દેખાડાય છે.

પડઘોઃ

ભવાઈ આમ તો લોકનાટ્યનો પ્રકાર કહેવાય પણ એ ‘ભજવાતી’ નથી ‘રમાય’ છે. ભવાઈ રમનારા નાયક લોકજીવનમાં ભવૈયાના નામે ઓળખાય છે. ભવાઈના આદ્યપુરુષ સિદ્ધપુરના કવિ અસાઈત ઠાકર ગણાય છે. એમ કહેવાય છે કે એમણે 360 જેટલા વેશો રચેલા જેમાંથી લગભગ 60 જેટલાં જ વેશો આપણી પાસે બચ્યા છે.

eછાપું 

તમને ગમશે: શું ‘નમૂને’ સિરીયલ પુ.લ.ની છબીને આધારે TRP પુલ કરી શકશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here