ભારતની મોટી કૂટનીતિક જીત: મસૂદ અઝહર મામલે ચીન વીટો પરત ખેંચશે

0
135
Photo Courtesy: scroll.in

પાકિસ્તાની આતંકવાદી મૌલાના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના ભારતના પ્રયાસોમાં ચીન કાયમ આડખીલી બનતું હતું, પરંતુ તાજા સમાચાર અનુસાર ચીને પોતાના કઠોર વલણને ઢીલું કર્યું છે.

Photo Courtesy: scroll.in

પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદ આતંકવાદી સંગઠનના વડા મૌલાના મસૂદ અઝહરને આજે યુનાઇટેડ નેશન્સ દ્વારા વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. મૌલાના મસૂદને Global Terrorist ઘોષિત કરવા માટે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ દ્વારા યુનાઇટેડ નેશન્સમાં સંયુકતપણે પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે.

અગાઉ પણ આ પ્રકારે પ્રસ્તાવ લાવવામાં આવ્યા હતા પરંતુ ચીને તેને કાયમ વીટો કર્યો હતો. ભારતે આ મામલે ઘણા પ્રયાસો કર્યા હતા પરંતુ તેને કોઈ ખાસ સફળતા મળી ન હતી. ગઈકાલે ચીનના સરકારી પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મસૂદ અઝહરના મામલે યોગ્ય સમાધાન કરવામાં આવશે. ત્યારબાદથી ચીને પોતાનું વલણ બદલ્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ દ્વારા ચીન પર સતત દબાણ લાવીને ભારતે ચીનના વલણમાં ફેરફાર લાવ્યો હોવાથી આ ભારતની મોટી કૂટનીતિક જીત પણ માનવામાં આવે છે. અત્રે એ  નોંધવું જરૂરી છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન હજી થોડા દિવસ અગાઉ જ ચીનની યાત્રાએ ગયા હતા અને તેમણે ચીનને આ મામલે પોતાનું અગાઉનું વલણ જાળવી રાખવાની વિનંતી કરી હોવા છતાં ચીન મોટેભાગે આજે UNની સુરક્ષા સમિતિમાં આવનાર ઠરાવ વિરુદ્ધ વીટો નહીં કરે તે નક્કી છે.

ભારત છેલ્લા એક દાયકાથી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રયાસો કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મૌલાના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યા બાદ તેને વિવિધ પ્રકારના પ્રતિબંધોનો સામનો કરવો પડશે.

  • તેની વિશ્વભરના દેશોમાં એન્ટ્રી પર પ્રતિબંધ લાગી જશે.
  • વિશ્વના કોઇપણ દેશમાં મૌલાના મસૂદ અઝહર આર્થિક વ્યવહારો નહીં કરી શકે.
  • સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોમાં રહેલા મસૂદ અઝહરના બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દેવામાં આવશે.
  • મસૂદ અઝહરને વિશ્વની કોઇપણ સંસ્થા કે વ્યક્તિ કોઇપણ પ્રકારની મદદ નહીં કરી શકે.
  • પાકિસ્તાને પણ મૌલાના મસૂદ અઝહર પર આર્થિક પ્રતિબંધો મૂકવા પડશે.
  • પ્રતિબંધ બાદ પાકિસ્તાને મસૂદ અઝહર દ્વારા ચાલી રહેલા આતંકવાદી કેમ્પો અને મદરેસાઓ પણ બંધ કરવા પડશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here