છે કોઈ લેવાલ?: ઇસ્લામાબાદનો સહુથી મોટો બગીચો ગીરવે આપવાનો છે!

0
450

પાકિસ્તાનની આર્થિક હાલત નબળી છે તે હકીકત સર્વવિદિત છે પરંતુ હાલત એટલી હદે ખરાબ થઇ ગઈ છે કે તેને પોતાની રાષ્ટ્રીય રાજધાનીમાં આવેલો સહુથી મોટો પાર્ક ગીરવે મુકવાની નોબત આવી ગઈ છે!

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની આર્થિક કંગાળી દિવસેને દિવસે વધતી જાય છે, અને તેમાંથી તત્કાળ બહાર આવવાનો કોઈજ રસ્તો નથી એવું લાગી રહ્યું છે.

પાકિસ્તાન પોતાની દરરોજ ખરાબ થતી આર્થિક હાલતમાંથી બહાર નીકળવાના રીતસર ફાંફા મારી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

પાકિસ્તાનની કેબિનેટની બેઠક આવતીકાલે મળવાની છે અને આ બેઠકમાં એક અતિશય મહત્ત્વનો નિર્ણય લેવાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

પાકિસ્તાનના આગેવાન અખબાર ધ ડોનમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર પાકિસ્તાન પોતાની રાષ્ટ્રીય રાજધાનીમાં સ્થિત વિશાળ F 9 પાર્ક ગીરવે મુકવાનું છે અને આ અંગેનો નિર્ણય આવતીકાલની કેબિનેટ બેઠકમાં લેવાઈ શકે છે.

F 9 પાર્કને મદાર-એ-મિલ્લત ફાતિમા જીન્ના પાર્કના નામે પણ ઓળખવામાં આવે છે, જેઓ પાકિસ્તાનના સર્જક મહમ્મદ અલી જીન્નાના બહેન હતાં.

આ પાર્ક 759 એકરના વિસ્તારમાં આવેલો છે અને તે પાકિસ્તાનના સહુથી વિશાળ ગ્રીન વિસ્તારોમાંથી એક ગણવામાં આવે છે.

ધ ડોન અખબારના અંદાજ અનુસાર આ પાર્કને ગીરવે રાખવામાં આવે તો પાકિસ્તાની સરકારને લગભગ 500 બિલીયન રૂપિયા મળી શકે તેમ છે.

પાકિસ્તાનની આવી આર્થિક હાલત તેને સતત નાણા ધીરનાર બે દેશો સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ અમીરાત દ્વારા ફંડ આપવાનું બંધ કરી દેવાથી થઇ હોવાનું ધ ડોનના અહેવાલમાં લખવામાં આવ્યું છે.

ગત ઓગસ્ટ મહિનામાં સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને પોતે આપેલી 3 બિલીયન ડોલર્સની સોફ્ટ લોન તાત્કાલિક ધોરણે પરત આપવાનું કહ્યું છે.

તો UAE દ્વારા હાલમાં જ તમામ પાકિસ્તાની કામદારોને વિસા આપવાનું બંધ કરી દીધું છે, અને અહીં રહેતા પાકિસ્તાનીઓ એ તેમના દેશ માટે સહુથી વધુ વિદેશી ચલણ રળી આપતા લોકો છે.

પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીના OIC અંગેના બફાટ બાદ ઉપરોક્ત બંને દેશો પાકિસ્તાન સામે રોષે ભરાયા હતા અને ઉપર કહેલાં પગલાં તેમણે ઉઠાવ્યા હતા.

કુરેશીની ભૂલ સુધારવા માટે પાકિસ્તાની સરકારે તેના સેનાધ્યક્ષ કમર જાવેદ બાજવાને મોકલ્યા હતા પરંતુ તેમના પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા હતા.

આ રીતે પોતાની રાષ્ટ્રીય રાજધાનીમાં જ આવેલા એક પાર્કને ગીરવે મુકીને રોજીંદા ખર્ચ ચલાવવાથી પાકિસ્તાનને ફરીથી આંતરરાષ્ટ્રીય મંચ પર નીચાજોણું થઇ શકે તેમ છે.

તમને ગમશે – ન ભૂતો ન ભવિષ્યતિ: પાકિસ્તાની દુતાવાસના અધિકારીઓનું અનોખું કૌભાંડ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here