જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કેન્દ્ર સરકારના સખ્ત વલણને લીધે હાલત સુધરતી દેખાતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર રોશન લાલ પંડિત લગભગ 29 વર્ષ બાદ વતન પરત ફર્યા છે!!

‘રોશન લાલ પંડિત’ આ નામ કદાચ ઘણાને બોલિવુડની કોઈ જૂની ફિલ્મના કોઈ શ્રીમંત પાત્રનું લાગી શકે છે, પરંતુ આ નામનો વ્યક્તિ સાચી દુનિયામાં અત્યારે પણ અસ્તિત્વ ધરાવે છે અને તે આજકાલ સમાચારમાં પણ છે. 1990માં કાશ્મીર ખીણમાં જેહાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતોને લક્ષ્ય બનાવીને અમાનુષી હત્યાકાંડ આચરવામાં આવ્યો હતો અને સેક્યુલરોના ઘાતકી મૌન વચ્ચે રોશન લાલ પંડિત જેવા હજારો કાશ્મીરી પંડિતોએ રાતોરાત ઉચાળા ભરવા પડ્યા હતા.
1947માં પાકિસ્તાનની રચના સાથે પાકિસ્તાનથી ભારત આવેલા શરણાર્થીઓ વિષે તો ઘણું લખાયું અને વંચાયું છે પરંતુ પોતાના જ દેશમાં બે દાયકાથી પણ વધુ સમય સુધી શરણાર્થી બનીને રહેનાર કાશ્મીરી પંડિતોની તમા ભાગ્યેજ કોઈ રાજકીય પાર્ટીએ કરી છે. કાશ્મીરની ખીણમાં જેહાદીઓ દ્વારા આચરવામાં આવેલો હત્યાકાંડ એ એક પાકિસ્તાનમાં રચાયેલી આગોતરી યોજનાનો જ હિસ્સો હતો જેને લીધે સમગ્ર ખીણમાં માત્ર એક જ ધર્મના લોકોનો વસવાટ રહે અને આથી પાકિસ્તાન અહીં આતંકની ખેતી આરામથી લણી શકે.
આટલા વર્ષો બાદ છેક હવે નરેન્દ્ર મોદીની સરકારે કાશ્મીરમાં તકલીફો વચ્ચે પણ આતંકવાદના નિર્મૂલનનું કામ એવી રીતે હાથ ધર્યું છે કે હવે આતંકવાદીઓને પણ હવે ભારતીય સેનાથી ડર લાગવા લાગ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ કે કાશ્મીરમાં હવે વાતાવરણ યોગ્ય બનતું જાય છે તો કાશ્મીરી પંડિતોએ હવે અહીં પરત થવાનું વિચારવું જોઈએ, તેના પર જ ગંભીર વિચાર કરીને રોશન લાલ પંડિતે ઘરવાપસીનો નિર્ણય લીધો અને તેઓ ગયા અઠવાડિયે શ્રીનગર પરત આવી ગયા.
આમ તો કાશ્મીર છોડ્યા બાદ રોશન લાલે દિલ્હીમાં ફળ વેંચવાનો ધંધો શરુ કર્યો હતો અને તેમાંથી તેઓ ઘણું કમાયા અને પોતાનું ઘર પણ બનાવ્યું, પરંતુ તેમનું મન સતત તેમના વતનને યાદ કરી રહ્યું હતું. તે સમયે કાશ્મીરની પરિસ્થિતિ જ એવી હતી કે ત્યાં જવું એ આત્મહત્યાથી વિશેષ કશું જ ન હતું અને આથી જ રોશન લાલને કાયમ મન મારવું પડતું.
છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળની સરકારે આતંકવાદ વિરુદ્ધ લીધેલા કડક પગલાંને લીધે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરતા જોઇને રોશન લાલે અહીં પરત થવાનું મન બનાવી લીધું. એવામાં વડાપ્રધાનની અપીલ પણ તેમણે સાંભળી અને વિચાર્યું કે જમ્મુ અને કાશ્મીર એ ભારતના અભિન્ન અંગ જ છે અને આથી તેઓ જો હિંમત કરશે તો જ બાકીના કાશ્મીરી પંડિતોને પણ હિંમત આવશે અને એક પછી એક તેઓ તમામ ખીણમાં પરત આવવા લાગશે.
ગયા અઠવાડિયે રોશન લાલ શ્રીનગર પરત ફર્યા અને લગભગ 29 વર્ષ બાદ પોતાની સૂકા મેવાની દુકાન તેમણે ફરીથી શરુ કરી. રોશનલાલને પરત આવેલા જોઇને તેમના જૂના પડોશીઓ જેમાં હવે માત્ર મુસ્લિમો જ રહ્યા હતા તેમની આંખમાં પાણી આવી ગયા અને તેમણે દિલોજાનથી રોશન લાલ પંડિતનું સ્વાગત કર્યું.
પવિત્ર રમઝાન મહિનો હવે નજીકમાં છે અને આથી રોશન લાલને પણ પોતાના સૂકા મેવાની દુકાનમાં મુસ્લિમ ભાઈઓની ભારે ભીડને કારણે તેમની પાસે બાઈટ લેવા આવનારા પત્રકારો સાથે વાત કરવાનો પણ સમય મળતો નથી.
રોશન લાલ પંડિતની દુકાનમાં જોવા મળતી ભીડ જોઇને શ્રીનગરના દરેક નાગરિકને એવું લાગે છે કે 1990 પહેલાનું કાશ્મીર જાણેકે ફરીથી જીવંત થઇ ચૂક્યું છે.
eછાપું