પરિવર્તન: 2023થી ટેસ્ટ મેચમાં એક દિવસ ઓછો થઇ શકે છે

    0
    245

    છેલ્લા ઘણા વર્ષોથી ટેસ્ટ મેચો પાંચમો દિવસ જોઈ શકતી નથી, આથી હાલમાં મુંબઈમાં મળેલી ICCની ક્રિકેટ કમિટીની બેઠકમાં ટેસ્ટ મેચને ટૂંકી કરવા પર મનોમંથન થયું હતું.

    icc-cricket.com

    મુંબઈ: ગઈકાલે ICCની ક્રિકેટ કમિટીની એક બેઠક ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો ઉપરાંત ટેસ્ટ મેચને 4 દિવસની કરી નાખવાના વિચાર પર પણ મંથન કરવામાં આવ્યું હતું.

    જો કે ચાર દિવસની ટેસ્ટ મેચ એ કોઈ નવી વાત નથી કારણકે આ વર્ષે ઇંગ્લેન્ડ અને આયરલેન્ડ તેમજ સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે પણ ICCની પૂર્વ મંજૂરી સાથે ચાર દિવસની ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે. ટેસ્ટ મેચમાં એક દિવસ ઓછો કરવા પાછળ ICCની દલીલ એ છે કે આજકાલ મોટાભાગની ટેસ્ટ મેચો પાંચમાં દિવસ સુધી ખેંચાતી નથી.

    જો ટેસ્ટ મેચ પાંચને બદલે ચાર દિવસની કરી નાખવામાં આવશે તો અત્યારે દિવસની 90 ઓવરો ફરજીયાત છે તેને વધારીને 98 ઓવર કરી નાખવામાં આવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ કરવાથી કુલ 58 ઓવરનું જ નુકશાન થશે તેમ ICCનું કહેવું છે.

    2018થી અત્યારસુધી રમાયેલી કુલ ટેસ્ટ મેચોમાંથી 60%થી પણ વધુ ટેસ્ટ મેચો ચોથા દિવસ કે તે પહેલા જ પૂર્ણ થઇ ગઈ છે જેથી આંકડાઓ પણ ICCની દલીલનું સમર્થન કરે છે. આમ છતાં ICC અને સભ્ય દેશોના બોર્ડ્સ તેમજ ખેલાડીઓમાં આ મામલે મતમતાંતર પ્રવર્તે છે.

    મોટાભાગે તમામ ક્રિકેટ બોર્ડ્સ ચાર દિવસની ટેસ્ટ મેચ માટે સહમત લાગે છે પરંતુ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના કેપ્ટન ટીમ પેઈન આ અંગે અલગ મંતવ્ય ધરાવે છે. પેઈનનું કહેવું છે કે જો ચાર દિવસની ટેસ્ટ મેચ અત્યારે હોત તો આ વર્ષની મોટાભાગની એશિઝ ટેસ્ટ મેચો ડ્રોમાં પરિણમી હોત.

    જો ICCની ક્રિકેટ કમિટી ICCને ચાર દિવસની ટેસ્ટ મેચની ભલામણ કરશે અને ICC તેને મંજૂરી આપશે તો 2023ની સિઝનથી ચાર દિવસની ટેસ્ટ મેચો રમાવાની શરુ થઇ જશે.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here