બોલરો પર સર વિવ રિચર્ડ્સ જેવી જ ધાક જમાવી રહ્યો છે વિરાટ કોહલી

0
297
Photo Courtesy: sportskeeda.com

આજે ભારતનો કપ્તાન વિરાટ કોહલી વિશ્વ ક્રિકેટમાં એટલીજ ધાક ધરાવે છે જે સર વિવ રિચર્ડ્સ એક સમયમાં ધરાવતા હતા. બાળપણમાં જ્યારે ભારત અને વેસ્ટ ઇન્ડિઝની કોઇપણ મેચ ટીવી પર લાઈવ આવતી અને જ્યારે પણ સર આઈઝેક વિવિયન એલેક્ઝાન્ડર રિચર્ડ્સ એટલેકે વિવિયન રિચર્ડ્સ બેટિંગ કરવા પેવેલિયનમાંથી મેદાન પર ઉતરતા ત્યારે એ સમયના આ બાળકના શરીરના દરેક અંગમાંથી પરસેવો એનીમેળે બહાર આવી જતો.

Photo Courtesy: sportskeeda.com

આવું એટલા માટે થતું કારણકે સર વિવ જ્યારે પણ બેટિંગ કરવા આવતા, શરૂઆતમાં ક્લાઈવ લોઈડની કપ્તાનીમાં અને પછી પોતે કેપ્ટન બન્યા ત્યારેપણ, એમની બોડી લેંગ્વેજમાં એક અજીબ પ્રકારની નફિકરાઈ જોવા મળતી. ચહેરા પર કોઈકવાર એક કાતિલ સ્મિત છલકાઈ જતું, હાથમાં હજારો ટનનું વજન ધરાવતું બેટ અને સતત ચ્યુંઈંગ ગમ ચાવતા રહેવું એ સામેની ટીમના ખેલાડીઓને તો શું મારા જેવા માઈલો દૂર બેસીને ટીવી પર મેચ જોતા દર્શકોને પણ ડરાવવા માટે પૂરતું હતું.

આની સરખામણીએ વિરાટ કોહલી જ્યારે પણ બેટિંગ કરવા ઉતરે છે ત્યારે તેની બોડી લેંગ્વેજ શાંત હોય છે, પરંતુ એના ચહેરા પર કાયમ એક ઠંડી મક્કમતા જોવા મળે છે. કોહલી અગાઉના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જ્યારે પણ બેટિંગ કરવા ઉતરતો ત્યારે ભારતીય ટીમના ચાહકોના દિલોદિમાગ પર એ એક પ્રકારની ઠંડક પહોંચાડી દેતો. જ્યારે વિરાટ કોહલી રમતો હોય ત્યારે દર્શક અથવાતો ટીમનો ટેકેદાર સહેજ આક્રમકતા જરૂર ફીલ કરે છે અને એને એક પ્રકારનો વિશ્વાસ પણ હોય છે કે કોહલી છે ત્યાંસુધી કોઈ વાંધો નહીં આવે.

આ જ હકીકતને આપણે વિપક્ષી ટીમના ખેલાડીઓ કે એમના ટેકેદારોને ધ્યાનમાં લઈને વિચારીએ તો એમને જ્યારે પણ વિરાટ કોહલી બેટિંગ કરતો હોય ત્યારે કદાચ ટેન્શન થતું હશે કે હવે આ ભાઈ ક્યારે આઉટ થશે? સર વિવ રિચર્ડ્સની બેટિંગ નો અંદાજ મોટેભાગે આક્રમક રહેતો અને કોઇપણ પ્રકારના બોલિંગ એટેકને રહેંસી નાખવાની જ વાત રહેતી. જ્યારે વિરાટ કોહલીનું એવું નથી, એ સમય અને પરિસ્થિતિ અનુસાર પોતાની બેટિંગ સ્ટાઈલમાં ફેરફાર કરી શકે છે. પરંતુ સર વિવ ની જેમજ એ કોઇપણ બોલિંગ એટેક પર એક સરખું પ્રભુત્વ ધરાવી શકે છે.

સર વિવ ખુદ જાહેરમાં કહી ચૂક્યા છે કે તેઓ વિરાટ કોહલીની બેટિંગના કાયલ છે. હાલમાં જ સાઉથ આફ્રિકામાં ન્યુટ્રલ કોમેન્ટેટર તરીકે ફરજ બજાવતા અને સર વિવ ની કપ્તાનીમાં બોલિંગ કરી ચૂકેલા મહાન બોલર માઈકલ હોલ્ડિંગે કહ્યું હતું કે વિરાટ કરતા તેમને સર વિવ કાયમ બહેતર બેટ્સમેન લાગ્યા છે. કદાચ સર વિવે હોલ્ડિંગની આ કમેન્ટ સાંભળી લીધી હશે અને એટલેજ એમણે તરતજ હોલ્ડિંગને કોલ કરીને કહ્યું કે ના વિરાટ કોહલી મારા કરતા લાખ દરજ્જે સારો બેટ્સમેન છે.

જ્યારે બે મહાન ખેલાડીઓ આ રીતે એકબીજાની પ્રશંસા કરે ત્યારે સ્વર્ગમાંથી દેવતાઓ આપણા પર પુષ્પવર્ષા કરી રહ્યા હોય એવી ફીલિંગ આવે હોં?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here