ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ: ભારતીય એથ્લીટો માટે આ કરો- આ ન કરોનું લિસ્ટ

0
302
Photo Courtesy: hindustantimes.com

કોઇપણ મોટી સ્પોર્ટિંગ ઇવેન્ટ હોય ત્યારે તેમાં ભાગ લેતા એથ્લીટો માટે એક Code of Conduct લાગુ પાડવામાં આવતો હોય છે. ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ માં ભાગ લઇ રહેલા ભારતીય એથ્લીટો માટે પણ આવો જ એક Code of Conduct લાગુ પાડવામાં આવ્યો છે. આમ કરવા પાછળનું કારણ એ છે કે એથ્લીટો મર્યાદામાં રહે અને દેશના નામ પર સમગ્ર ગેમ્સ દરમ્યાન કોઈ કાળું ટીલું ન લગાડે.

Photo Courtesy: hindustantimes.com

ભારતીય એથ્લીટોને જો કે આ લિખિત Code of Conduct ઉપરાંત ગોલ્ડ કોસ્ટ પહોંચીને કેટલાક મૌખિક આદેશો પણ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ આદેશો પર નજર નાખીએ તો આપણા ચહેરા પર સ્મિત આવ્યા વગર નહીં રહે. આ મૌખિક આદેશો કઈક આ પ્રમાણે છે…

હિંસા ન કરવી, સેક્સ્યુઅલ ગેરવર્તન કરવાથી દૂર રહેવું, તોડફોડ કરવાથી દૂર રહેવું અને પોતપોતાનો સમાન સમગ્ર ગેમ્સ દરમ્યાન સંભાળીને રાખવો એ તે ઉપરાંત ગેમ્સ વિલેજમાં આપવામાં આવેલી ચીજવસ્તુઓ પણ આડી અવળી ન થઇ જાય તેનું ખાસ ધ્યાન રાખવું.

ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ ગયેલા ભારતીય દળના શેફ દ મિશન વિકાસ સિસોદિયાએ ઉપરોક્ત મૌખિક આદેશો શનિવારે એથ્લીટ્સ સાથેની મીટીંગમાં જાહેર કર્યા હતા.

આ તમામ આદેશો માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ અધિકારીઓ અને તેમની સાથે આવેલા તેમના પરિવારજનો પર પણ લાગુ પડે છે. જાણવા  મળ્યા મુજબ ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ ગયેલા સમગ્ર દળને જુગાર રમવા તેમજ જાતિવાદી કમેન્ટ્સ કરવાથી સમૂળગા દૂર રહેવાની ખાસ સલાહ આપવામાં આવી છે. આ પાછળનું કારણ એ છે કે ઓસ્ટ્રેલિયા જાતિવાદી કમેન્ટ્સ અંગે સૌથી સેન્સિટીવ દેશોમાંથી એક ગણાય છે, યાદ છે હરભજન સિંઘનો ‘મન્કી ગેટ’?

તમને ગમશે: નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ પર અવેલેબલ આ ચાર હોલિવુડ મુવિઝ ક્યારેય ન જોશો

જ્યારે આ દળ ગોલ્ડ કોસ્ટ પહોંચ્યું ત્યારે ગેમ્સ વિલેજમાં તેમના એપાર્ટમેન્ટની ચાવી તેમને ત્યારેજ સોંપવામાં આવી જ્યારે તેમણે ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશન (IOA) ના બે ફોર્મ્સ પર સહી કરીને આપી હતી. આ બંને ફોર્મ્સમાં જુગાર ન રમવો, કોઈ અન્ય સભ્યને જુગાર રમવા માટે પ્રોત્સાહિત ન કરવો અથવાતો ગેમ્સ દરમ્યાન રમત અંગેની કોઇપણ માહિતી બહારના કોઈ વ્યક્તિને આપવા પર પણ લેખિતમાં મનાઈ ફરમાવવામાં આવી છે.

આ ઉપરાંત ગેમ્સ વિલેજની માલિકી ધરાવતી કોઇપણ વસ્તુ ખેલાડીઓ કે અધિકારીઓ દ્વારા તૂટી જાય કે પછી ખોવાઈ જાય તો તેનો જે કોઇપણ દંડ હશે તે ખેલાડીઓએ જાતેજ ભોગવવાનો રહેશે તેવું આ નિયમાવલીમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. શનિવારે બનેલી ઘટનામાં બાસ્કેટબોલની ટીમ જ્યાં રોકાઈ હતી એ એપાર્ટમેન્ટમાંથી ચ્હાની ત્રણ કિટલીઓ ખોવાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. દરેક કિટલીના 20 ઓસ્ટ્રેલિયન ડોલર્સ લેખે ખેલાડીઓને 60 ડોલર્સ ભરવાના આવ્યા હતા. પરંતુ સદનસીબે આ કિટલીઓ એજ એપાર્ટમેન્ટના કોઈ અન્ય કબાટમાંથી મળી આવી હતી.

અગાઉની કોમનવેલ્થ ગેમ્સ દરમ્યાન ભારતીયોને સંડોવતી અને ન સંડોવતી કેટલીક ઘટનાઓ બની ગઈ છે. એક કોમનવેલ્થ ગેમ્સ દરમ્યાન ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ પોતાના એપાર્ટમેન્ટમાં રહેલા વોશિંગ મશીનને ગુસ્સામાં ગેલેરીમાંથી નીચે પટકી દીધું હતું. તો ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ દરમ્યાન બે ભારતીય અધિકારીઓ પોલીસની ઝપેટમાં આવી ગયા હતા. એક અધિકારી પર લાઈસન્સ વગર નશાની હાલતમાં ડ્રાઈવિંગ કરવાનો આરોપ હતો તો બીજા પર સેક્સ્યુઅલ હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. પરંતુ આ બંને અધિકારીઓ પુરાવાના અભાવમાં છૂટી ગયા હતા.

આમ સમગ્ર ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ દરમ્યાન ભારતીય અધિકારીઓ ખેલાડીઓ તેમજ પોતાના તરફથી સારી વર્તણુંક જળવાઈ રહે તે માટેના ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે. આશા છે કે જ્યારે પણ આ ગેમ્સ પૂર્ણ થશે ત્યારે ભારતનું ખેલદળ કોઇપણ પ્રકારના ડાઘા વગર દેશ પરત આવી જશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here