ઓલિમ્પિક્સમાં ભારતનો અત્યારસુધીનો દેખાવ કેવો રહ્યો છે?

0
931

 

જ્યારે કોઈ દેશની વસ્તી 130 કરોડથી પણ વધુ હોય ત્યારે એક એવી અપેક્ષા ઉત્પન્ન થવી સ્વાભાવિક છે કે એ દેશ ઓલિમ્પિક્સમાં ઢગલો મેડલ્સ જીત્યો હશે. પરંતુ ભારત માટે બદનસીબે એવી પરિસ્થિતિ નથી. હા, છેલ્લા અમુક વર્ષોમાં ભારત વધુને વધુ ઓલિમ્પિક્સ મેડલ્સ જીતી રહ્યું છે પરંતુ તેમ છતાં હજી પણ તે એક જ ઓલિમ્પિકમાં ડબલ ડીજીટ મેડલ્સ જીતવા સુધી પહોંચી શક્યું નથી.

બ્રિટીશરોથી સ્વતંત્ર થયાં પહેલાંતો ભારતીય ખેલાડીઓ મજબુર હતાં પરંતુ 1947માં મળેલી સ્વતંત્રતા બાદ પણ પરિસ્થિતિમાં ખાસ સુધારો નથી આવ્યો. હવે બ્રિટીશ માલિકોનું સ્થાન ભારતીય માલિકોએ લીધું છે જેઓ મોટેભાગે સરકારી અધિકારીઓ હોય છે અથવાતો અલગ અલગ રાજકીય પક્ષોના નેતાઓ હોય છે. ભારતના રાજકારણીઓ પોતાને મળેલી સત્તા મરણોપરાંત છોડતા નથી તે સર્વવિદિત છે. આથી મોટાભાગના વર્ષો તેઓ વિવિધ ઓલિમ્પિક એસોશિએશનના અધ્યક્ષસ્થાને રહીને પોતાના જરીપુરાણા વિચારોથી સંસ્થાને ચલાવતાં રહેતાં હોય છે.

તેમ છતાં ભારતીય ખેલાડીઓએ અત્યારસુધીમાં સારા એવા ઓલિમ્પિક મેડલ્સ જીત્યા છે જે તેમના વ્યક્તિગત દેખાવ કે પછી ટીમવર્કના આધારે મળ્યા છે.

ચાલો આપણે જોઈએ કે ઓલિમ્પિક્સમાં ભારતનો અત્યારસુધીનો દેખાવ કેવો રહ્યો છે. આ દેખાવ અંગે વ્યવસ્થિત માહિતી જાણવા માટે આપણે સ્વતંત્રતા પહેલાં અને સ્વતંત્રતા પછી એમ બે હિસ્સામાં ભારતના ઓલિમ્પિક પરફોર્મન્સનું આકલન કરીએ.

ઓલિમ્પિક્સમાં ભારતનો દેખાવ (સ્વતંત્રતા પૂર્વે)

પેરિસ (1900) – નોર્મન પ્રિટચાર્ડ (એથ્લેટિકસ) – સિલ્વર

આધુનિક ઓલિમ્પિક્સના પ્રથમ સંસ્કરણમાં 1990ની પેરિસ ઓલિમ્પિક્સ ખાતે ભારતના નોર્મન પ્રિટચાર્ડે ભારત માટે પ્રથમ વ્યકિતગત સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેમણે પુરુષોની 200મી અને 200મી હર્ડલ્સમાં બે સિલ્વર મેડલ્સ જીત્યા હતા. તેમણે 60મી, 100મી, 200મી અને 110મી હર્ડલ્સ સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો.

એમ્સટરડેમ (1928) – પુરુષ હોકી – ગોલ્ડ

આ ભારતનો સર્વપ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ હતો. ભારતે આખી સ્પર્ધામાં 29 ગોલ્સ કર્યા હતા અને વિરુદ્ધમાં એક પણ ગોલ થયો ન હતો. મેજર ધ્યાન ચંદે આ ઓલિમ્પિક્સમાં 14 ગોલ્સ કર્યા હતાં જેમાં એક હેટ્રિક પણ સામેલ હતી.

લોસ એન્જલીસ (1932) – પુરુષ હોકી – ગોલ્ડ

જાપાન સામેની મેચમાં ભારતે પહેલાં જ 10 ગોલ્સ કરી દીધા હતા અને આ તમામ ધ્યાન ચંદના નાના ભાઈ રૂપ ચંદે કર્યા હતા. ધ્યાન ચંદે પણ આ મેચમાં 8 ગોલ્સ કર્યા હતા. આટલું જ નહીં ભારત યજમાન અમેરિકા સામેની મેચ 24-1થી જીતી ગયું હતું.

બર્લિન (1936) – પુરુષ હોકી – ગોલ્ડ

બર્લિન ઓલિમ્પિક્સમાં ભારતીય હોકી ટીમે ગોલ્ડની હેટ્રિક સિદ્ધ કરી બતાવી હતી. સમગ્ર ટુર્નામેન્ટમાં ભારતે 38 ગોલ્સ કર્યા હતા અને તેની વિરુદ્ધ માત્ર 1 ગોલ થયો હતો અને આ ગોલ પણ જર્મની સામેની ફાઈનલ મેચમાં થયો હતો. ભારતે ફાઈનલમાં જર્મનીને 8-1 થી હરાવ્યું હતું અને ધ્યાન ચંદે પોતાની રમત દ્વારા જર્મનીના શાસક એડોલ્ફ હિટલરનું ધ્યાન ખેંચ્યું હતું.

આ ભારતની સ્વતંત્રતા અગાઉ અંતિમ ઓલિમ્પિક્સ બની રહી હતી.

ઓલિમ્પિક્સમાં ભારતનો દેખાવ (સ્વતંત્રતા બાદ)

લંડન (1948) – પુરુષ હોકી – ગોલ્ડ

ભારતે સ્વતંત્રતા બાદ પણ પોતાની હોકીનું જબરદસ્ત પરફોર્મન્સ ત્યાંથી જ શરુ કર્યું જ્યાં તેણે સ્વતંત્રતા અગાઉ પૂર્ણ કર્યું હતું. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ રમાયેલી પ્રથમ ઓલિમ્પિક્સમાં ધ્યાન ચંદને બલબીર સિગ સિનીયરનો સાથ મળ્યો અને બલબીર સિંગ સિનીયરે સમગ્ર ટુર્નામેન્ટમાં 19 ગોલ્સ કર્યા હતા જેમાંથી 4 ગ્રેટ બ્રિટન સામે ફાઈનલમાં હતાં. આ રીતે ભારતે પુરુષ હોકીમાં સતત ચોથો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે સ્વતંત્રતા બાદનો તેનો પ્રથમ ગોલ્ડ મેડલ હતો.

હેલસિન્કી (1952) – પુરુષ હોકી – ગોલ્ડ

બલબીર સિંગ સિનીયરે નેધરલેન્ડ્સ સામે ફાઈનલમાં 5 ગોલ્સ કરવા સહીત સમગ્ર ઓલિમ્પિક્સમાં 9 ગોલ્સ કર્યા હતા. આ હજી પણ ઓલિમ્પિક્સ પુરુષ હોકી ફાઈનલ્સમાં કોઈ એક ખેલાડી દ્વારા કરવામાં આવેલા સર્વાધિક ગોલ્સ છે. ઓલિમ્પિક્સ પુરુષ હોકીમાં ભારતનો આ સતત પાંચમો ગોલ્ડ મેડલ હતો.

હેલસિન્કી (1952) – કેડી જાધવ (કુસ્તી) – બ્રોન્ઝ

કેડી જાધવ અથવાતો ખશાબા દાદાસાહેબ જાધવે ઓલિમ્પિક્સમાં જવા માટે ઘેરઘેર જઈને ફાળો ઉઘરાવ્યો હતો. તેમની આ મહેનત ત્યારે રંગ લાવી જ્યારે તેમણે આ ઓલિમ્પિક્સમાં પુરુષોની ફ્રીસ્ટાઈલ બેન્ટામવેઇટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

મેલબર્ન (1956) – પુરુષ હોકી – ગોલ્ડ

મેલબર્ન ઓલિમ્પિક્સમાં ભારતે પુરુષ હોકીમાં ગોલ્ડ મેડલ્સની ડબલ હેટ્રિક કરી હતી. ભારતે સમગ્ર ટુર્નામેન્ટમાં પોતાની સામે એક પણ ગોલ થવા દીધો ન હતો. કેપ્ટન બલબીર સિંગ સિનીયરને હાથમાં ફ્રેક્ચર થયું હોવા છતાં પણ ફાઈનલમાં ભાગ લીધો હતો અને પાકિસ્તાન સામે એકમાત્ર ગોલ કર્યો હતો.

રોમ (1960) – પુરુષ હોકી – સિલ્વર

પહેલીવાર ભારતીય હોકીને ઓલિમ્પિક્સમાં વર્ષો બાદ ગોલ્ડ ન મળ્યો. આ વખતે ફાઈનલ્સમાં પાકિસ્તાને ભારતને 1-0થી હરાવી દીધું હતું.

ટોક્યો (1964) – પુરુષ હોકી – ગોલ્ડ

ફક્ત ચાર વર્ષના ગાળામાં જ ભારતીય હોકી ટીમે કમબેક કર્યું અને ટોક્યો ઓલિમ્પિક્સમાં ફરીથી ગોલ્ડ જીત્યો. આ વખતે ભારતે ફાઈનલમાં આવ્યા અગાઉ ચાર જીત મેળવી હતી અને બે મેચ ડ્રો કરી હતી અને ફરીથી ફાઈનલમાં પાકિસ્તાનને 1-0થી હરાવ્યું હતું.

મેક્સિકો સિટી (1968) – પુરુષ હોકી – બ્રોન્ઝ

પુરુષ હોકીમાં પહેલીવાર યુરોપિયન હોકી ટીમો સામે ભારતીય હોકી ટીમ નબળી પુરવાર થઇ અને મેક્સિકો સિટી ઓલિમ્પિક્સ બાદ આ નબળાઈ વધુને વધુ ફેલાતી ચાલી હતી. ભારત સેમીફાઈનલમાં જ ઓસ્ટ્રેલિયા સામે 2-1થી હારી ગયું હતું પરંતુ બ્રોન્ઝ મેચમાં તેણે જર્મનીને 2-1થી હરાવીને લાજ બચાવી લીધી હતી.

મ્યુનીખ (1972) – પુરુષ હોકી – બ્રોન્ઝ

સતત બીજીવાર ભારતીય હોકીને ઓલિમ્પિક્સ ગેમમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ પરિણામથી ભારતીય હોકીનું સ્તર વધુને વધુ નીચે જઈ રહ્યું હોવાનો સંકેત અહીં મળી રહ્યો હતો. આ ગેમ્સમાં ઈઝરાયેલના ખેલાડીઓ પર આતંકવાદી હુમલો થયા બાદ ભારતની સેમીફાઈનલ બે દિવસ મોડી રમાડવામાં આવી હતી જેને કારણે ભારતીય ટીમનો જુસ્સો ઓછો થઇ ગયો હોય એવું લાગી રહ્યું હતું અને ભારત સેમીફાઈનલમાં પ્રખર વિરોધી પાકિસ્તાન સામે 2-0 હારી ગયું પરંતુ બ્રોન્ઝ મેચમાં નેધરલેન્ડ્સ સામે 2-1થી જીત્યું હતું.

મોસ્કો (1980) – પુરુષ હોકી – ગોલ્ડ

પુરુષ હોકીમાં ભારતનો છેલ્લો ગોલ્ડ મેડલ મોસ્કો ઓલિમ્પિક્સમાં આવ્યો હતો. ભારત 1976ની મોન્ટ્રીયલ ઓલિમ્પિક્સમાં 7માં સ્થાને ફસડાઈ પડ્યું હતું જે તેનો તે સમય સુધીનો સહુથી ખરાબ દેખાવ રહ્યો હતો. રાઉન્ડ રોબિન સ્ટેજમાં ભારતે 3 વિજય અને 2 ડ્રો કરી અને ફાઈનલમાં તેણે સ્પેનને 4-3થી હરાવી દીધું હતું.

એટલાન્ટા (1996) – લિયેન્ડર પેસ (ટેનિસ) – બ્રોન્ઝ

એટલાન્ટા ઓલિમ્પિક્સ અગાઉ ભારતીય ટુકડી સતત ત્રણ વખત ખાલી હાથે ભારત પરત ફરી હતી. લિયેન્ડર પેસે જ્યારે ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ત્યારે સ્વતંત્રતા બાદ વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ જીતનારા તેઓ બીજા ખેલાડી બની ગયા હતા. સેમીફાઈનલમાં અમેરિકન ટેનિસ લેજન્ડ આન્દ્રે અગાસીએ પેસને હરાવ્યા હતા પરંતુ બ્રોન્ઝ મેચમાં પેસે ઇટાલીના ફર્નાન્ડો મેલીગાનીને હરાવી દીધા હતા.

સિડની (2000) – કર્ણમ મલ્લેશ્વરી (વેઇટલિફ્ટિંગ) – બ્રોન્ઝ

ઓલિમ્પિક મેડલ જીતનારા પ્રથમ ભારતીય મહિલા બનીને કર્ણમ મલ્લેશ્વરીએ ઈતિહાસ રચી દીધો હતો. તેમણે સિડની ઓલિમ્પિક્સમાં 54કિગ્રા કેટેગરીમાં ક્લીન અને જર્કમાં અનુક્રમે 110કિગ્રા અને 130કિગ્રા વજન ઉપાડીને 240કિગ્રાનો સ્કોર કર્યો હતો.

એથેન્સ (2004) – રાજયવર્ધન સિંહ રાઠોડ (મેન્સ ડબલ ટ્રેપ શુટિંગ) – સિલ્વર

યુએઈના શેખ અહમદ અલ્મકટોમને હરાવીને ભારતીય સેનાના કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડ ભારતના સર્વપ્રથમ શૂટર બની ગયા જેમણે ઓલિમ્પિક મેડલ જીત્યો હોય અને તે પણ સિલ્વર. રાઠોડ શરૂઆતથી જ રમતમાં પાછળ હતા પરંતુ તેમણે પોતાના છેલ્લા બંને ક્લે ટાર્ગેટને શૂટ કરીને મેડલ જીતી લીધો હતો. ઓલિમ્પિક્સમાં આ ભારતનો સર્વપ્રથમ વ્યક્તિગત મેડલ હતો.

બેઈજિંગ (2008) – અભિનવ બિન્દ્રા (શૂટિંગ) – ગોલ્ડ

ઓલિમ્પિક્સમાં ભારતની સર્વશ્રેષ્ઠ પળ ત્યારે આવી જ્યારે બેઈજિંગ ઓલિમ્પિક્સમાં શૂટર અભિનવ બિન્દ્રાએ 10મી એર રાઈફલ સ્પર્ધામાં ભારતનો સર્વપ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો હતો. બિન્દ્રાનો અંતિમ શોટ 10.8 હતો જેને ‘નીયર પરફેક્ટ’ કહેવામાં આવ્યો હતો.

બેઈજિંગ (2008) – વિજેન્દ્ર સિંઘ (બોક્સિંગ) – બ્રોન્ઝ

બોક્સિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનાર વિજેન્દ્ર સિંઘ પ્રથમ બોક્સર બન્યા હતા. વિજેન્દ્ર સિંઘ સેમીફાઈનલમાં મિડલવેઇટ કેટેગરીમાં એમિલિયો કોરિયા સામે હારી ગયા હતા પરંતુ બ્રોન્ઝ મેચમાં તેમણે ઇક્વાડોરના કાર્લોસ ગોન્ગોરાને 9-4થી હરાવી દીધા હતા.

બેઈજિંગ (2008) સુશિલ કુમાર (કુસ્તી) – બ્રોન્ઝ

56 વર્ષ બાદ ભારતે કુસ્તીમાં ઓલિમ્પિક બ્રોન્ઝ જીત્યો હતો જ્યારે સુશિલ કુમારે પ્રથમ બાઉટ હાર્યાની માત્ર 70 મિનીટ્સમાં જ તેમના ત્રણ બાઉટ્સ જીતી લીધા હતા.

લંડન (2012) – ગગન નારંગ (એર રાઈફલ શુટિંગ) – બ્રોન્ઝ

ચીની અને ઇટાલિયન શૂટર્સ સાથે કટોકટીની લડાઈ બાદ ગગન નારંગે છેવટે 10મી એર રાઈફલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ રમત એટલી રસાકસીભરી હતી કે ગગન નારંગ એક સમયે રમતની બહાર જ થઇ ગયા હોય એવું લાગી રહ્યું હતું.

લંડન (2012) – સુશિલ કુમાર (કુસ્તી) – સિલ્વર

સુશિલ કુમારે તેનું અગાઉનું પરફોર્મન્સ સુધારતા લંડન ઓલિમ્પિક્સમાં 66કિગ્રા વિભાગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઈનલ અગાઉ સુશિલ કુમારને પીઠમાં સખત દુઃખાવો થઇ રહ્યો હતો કદાચ એટલેજ તે ગોલ્ડને બદલે સિલ્વર જીતી શક્યા હતા. આ ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારંભમાં સુશિલ કુમારે તિરંગા સાથે ભારતીય ટુકડીની આગેવાની કરી હતી અને તે આ સિલ્વર મેડલ સાથે એવા પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા હતા જેમણે સતત બે ઓલિમ્પિક્સમાં ભારત માટે મેડલ જીત્યા હોય.

લંડન (2012) – વિજય કુમાર (શૂટિંગ) – સિલ્વર

આ ઓલિમ્પિક્સ અગાઉ કોઈ વિજય કુમારને ઓળખતું પણ ન હતું પરંતુ તેમણે ચીન અને ક્યુબાના શુટર્સ સામે બાથ ભીડીને 25મી વિભાગમાં શૂટિંગનો સિલ્વર મેડલ જીતી બતાવ્યો હતો.

લંડન (2012) – મેરી કોમ (બોક્સિંગ) – બ્રોન્ઝ

આ ઓલિમ્પિક્સ અગાઉ જ મેરી કોમ ભારતના ઘરઘરમાં જાણીતા થઇ ગયા હતા અને તેમણે અહીં ફ્લાયવેઇટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પહેલી એવી ઓલિમ્પિક્સ હતી જેમાં મહિલા બોક્સિંગને સ્થાન આપવામાં આવ્યું હતું.

લંડન (2012) – યોગેશ્વર દત્ત (કુસ્તી) – બ્રોન્ઝ

બેઈજિંગ ઓલિમ્પિક્સમાં પણ યોગેશ્વર દત્તે ભાગ લીધો હતો પરંતુ તેમને ખાલી હાથે પરત આવવું પડ્યું હતું. પરંતુ લંડન ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલ મેચમાં તેમણે માત્ર 1.02 મિનીટ્સમાં નોર્થ કોરિયાના રી જોંગ મ્યોંગને હરાવીને મેડલ જીતી લીધો હતો.

લંડન (2012) – સાઈના નેહવાલ (બેડમિન્ટન) – બ્રોન્ઝ

બ્રોન્ઝ મેચ જીતીને સાઈના નેહવાલ પહેલી ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી બન્યા હતા જેમણે ઓલિમ્પિક મેડલ જીત્યો હોય. બ્રોન્ઝ મેચમાં ચીનના વાંગ શિન ઈજાગ્રસ્ત થતાં સાઈનાને મેડલ મળ્યો હતો.

રિયો (2016) – પીવી સિંધુ (બેડમિન્ટન) – સિલ્વર

રિયો ઓલિમ્પિક્સમાં પીવી સિંધુએ સાઈના નેહવાલના દેખાવને બહેતર કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. તે ફાઈનલમાં સ્પેનના કેરોલીના મરીન સામે હારી ગયા હતા.

રિયો (2016) – સાક્ષી મલિક (કુસ્તી) – બ્રોન્ઝ

સાક્ષી મલિકે બ્રોન્ઝ મેચમાં કિર્ગીસ્તાનના ઐસુલુ ત્યન્યબેકોવાને 58કિગ્રા કેટેગરીમાં 8-5થી હરાવીને રેસલિંગમાં ભારતને સતત ત્રીજો ઓલિમ્પિક મેડલ અપાવ્યો હતો. સાક્ષી માટે આ મેડલનું ખાસ મહત્ત્વ છે કારણકે શરૂઆતમાં તેમને રિયો ઓલિમ્પિક ગેમ્સ માટે પસંદ કરવામાં આવ્યા ન હતાં.

ટોક્યો (2020) – સાઈખોમ મીરાબાઈ ચાનું (વેઇટલિફ્ટિંગ) – સિલ્વર

રિયો ગેમ્સમાં નિષ્ફળતા મળ્યા બાદ ટોક્યો ગેમ્સમાં મીરાબાઈ ચાનુંએ 49કિગ્રામાં 202કિગ્રા વજન ઉપાડીને દેશ માટે સિલ્વર મેડલ જીત્યો હતો. કર્ણમ મલ્લેશ્વરી બાદ મીરાબાઈ બીજી એવી મહિલા બન્યા હતાં જેમણે વેઇટલિફ્ટિંગમાં ભારત માટે ઓલિમ્પિક સિલ્વર મેડલ જીત્યો હોય.

ટોક્યો (2020) – પીવી સિંધુ (બેડમિન્ટન) – બ્રોન્ઝ

ટોક્યો ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને પીવી સિંધુ સુશિલ કુમાર બાદ એવા બીજા ખેલાડી બન્યા હતા જેમણે ભારત માટે સતત બે ઓલિમ્પિક્સમાં મેડલ્સ જીત્ય હોય. જોકે રિયોમાં સિલ્વર મેડલ જીત્યા બાદ સિંધુને આ ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

ટોક્યો (2020) – લવલીના બોર્ગોહાઈન (વેઇટલિફ્ટિંગ) – બ્રોન્ઝ

ટોક્યો 2020 એ લવલીના માટે પ્રથમ ઓલિમ્પિક્સ અનુભવ હતો અને તેમણે 64-69 કેટેગરીમાં ભાગ લઈને ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ટોક્યો (2020) – વિજય કુમાર દહિયા (કુસ્તી) – સિલ્વર

સેમીફાઈનલમાં જબરદસ્ત કમબેક કર્યા બાદ વિજય કુમાર દહિયા ફાઈનલમાં ROCના ઝુવુર ઉગુએવ સામે હારી જતાં સિલ્વર મેડલ જીતી શક્યા હતા. આ ભારતનો તમામ ઓલિમ્પિક્સમાં નવમો સિલ્વર મેડલ હતો.

ટોક્યો (2020) – પુરુષ હોકી – બ્રોન્ઝ

42 વર્ષની લાંબી રાહ જોયા બાદ છેવટે ભારતે ગત સદીમાં ઓલિમ્પિક્સમાં અસંખ્ય હાર સહન કરીને ઓલિમ્પિક્સ હોકીમાં મેડલ મેળવ્યો હતો. જર્મની સામેની દિલધડક બ્રોન્ઝ મેચમાં ભારતે છેલ્લી સેકન્ડે પેનલ્ટી કોર્નર બચાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ મેચમાં એક સમયે ભારત 3-2થી પાછળ હતું અને બાદમાં તે આ મેચ 5-4થી જીતી ગયું હતું.

ટોક્યો (2020) – બજરંગ પુનિયા (કુસ્તી) – બ્રોન્ઝ

વિજય કુમાર દહિયા બાદ ટોક્યો ગેમ્સમાં કુસ્તીમાં મેડલ જીતનાર બજરંગ પુનિયા બીજા કુસ્તીબાજ બન્યા હતા. પુનિયાએ 65કિગ્રા કેટેગરીમાં કિર્ગીસ્તાનના દૌલત નિયાઝબેકોવને હરાવ્યા હતા.

ટોક્યો (2020) – નિરજ ચોપરા (જેવલીન) – ગોલ્ડ

અભિનવ બિન્દ્રા બાદ નીરજ ચોપરા એવા બીજા ભારતીય ખેલાડી બની ગયા હતા જેમણે દેશ માટે વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હોય. પરંતુ તેઓ એવા પ્રથમ ભારતીય પણ છે જેમણે ટ્રેક એન્ડ ફિલ્ડમાં દેશ માટે કોઈ મેડલ જીત્યો હોય. જેવેલીન થ્રોમાં તેમના બીજા પ્રયાસ દરમ્યાન નીરજ ચોપરાએ 87.58મી જેવેલીન ફેંકીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવી દીધો હતો.

તો આ હતો ભારત તરફથી અત્યારસુધીની ઓલિમ્પિક્સનો દેખાવ. આશા છે આપને આ ફિચર ગમ્યું હશે. આપ આપના વિચારો કમેન્ટ્સ સેક્શનમાં જરૂર આપશો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here