કેવી આસાનીથી આપણે અન્યો માટે આપણો મત બાંધી લઈએ છીએ નહીં?

0
299
Photo Courtesy: Google

લગભગ પોણાબે વર્ષથી Netflix પર મનોરંજનનો વિશાળ ખજાનો માણું છું. અંગ્રેજી ભાષાનું મનોરંજન મારા જીવનના 44 વર્ષોમાં મારી આટલી નજીક ક્યારેય નહોતું આવ્યું. અહીં જોયેલી ઘણી અંગ્રેજી સિરીઝ કે મુવિઝમાં વારંવાર આવતો એક શબ્દ મને બહુ ગમે છે અને તે છે ‘judging’ એટલેકે કોઈના વિષે મત બાંધવો. “Are you judging me?” અથવાતો “Please don’t judge me” આ પ્રકારના સંવાદો છેલ્લા પોણાબે વર્ષમાં મારા કાને સતત અફળાયા છે અને મને તે કાયમ ગમ્યા પણ છે.

કેવી સરળતાથી કોઈ વ્યક્તિ બીજાને કહી શકે છે ને કે ભાઈ અથવાતો બેન, તું મને આ એક ઘટનાથી judge ન કરી લે, હું ખરેખર એવો કે એવી નથી. પરંતુ જમાનો એટલો ફાસ્ટ છે કે આપણને કોઈના વિષે મત બાંધવામાં એક તો સમય નથી હોતો અને એકવાર કોઈના વિષે મત બાંધી લીધા બાદ આપણને એનો ફોડ પાડવાનો કે એના વિષે ચર્ચા કરવાનો પણ સમય નથી મળતો. નાનપણથી આપણે પેલું વાક્ય બોલતા આવ્યા છીએ કે “first impression is the last impression” પરંતુ શું રિયલ લાઈફમાં એવું થાય છે ખરું?

મારી સાથે કાયમ બંને રીતે એવું બન્યું છે કે કોઈ વ્યક્તિ સાથેની પહેલી મુલાકાતમાં એના વિષે જે મત બાંધી લીધો હોય તેનાથી સમય જતા એ વ્યક્તિ સાવ જુદો જ નીકળે કે કોઈએ મારા વિષે એક પ્રકારનો મત નક્કી કર્યો હોય તો એને પણ મારી પછીની એક પછી એક મુલાકાત બાદ એ મત એના મનમાંથી ધ્વસ્ત થઇ ગયો હોય. આથી હું ક્યારેય આ “first impression is the last impression” ના ગાળિયામાં ફસાયો નથી.

પરંતુ સોશિયલ મિડિયાના જમાનામાં જ્યાં તમે વ્યક્તિને લાઈવ નથી જોઈ શકતા પરતું ફક્ત તેના લખાણને જોઈ/વાંચી શકો છો તેના વિષે કોઇપણ પ્રકારનો મત તરતજ બંધાઈ જાય છે એવું વારંવાર જોવા મળ્યું છે. પછી તે ફિલ્મો વિષે હોય, સમાજ વિષે હોય, સ્પોર્ટ્સ વિષે હોય કે પછી રાજકારણ વિષે, એકવાર કોઈ વ્યક્તિ કોઈ એક વિષય પર સોશિયલ મિડીયામાં પોતાનો મત જાહેર કરે એટલે એ તેનો અંતિમ મત જ છે એવું આપણે ધારી લઈએ છીએ અને આ મત પર જ આપણી એ વ્યક્તિ સાથેની ભવિષ્યની ચર્ચા આધારિત હોય છે.

Photo Courtesy: Google

ઉદાહરણ તરીકે હાલમાં આવેલી ફિલ્મ ‘વિરે દી વેડિંગ’ વિષે લોકોના અભિપ્રાયો. સોશિયલ મિડીયામાં એક એવો મત વ્યક્ત કરવામાં આવ્યો છે કે જે વ્યક્તિએ આ ફિલ્મ વિરુદ્ધ વાત કરી છે એ જૂનવાણી વિચારધારા ધરાવનારા છે, સ્ત્રીઓની આઝાદી પ્રત્યે તેમજ તેમના દ્વારા જાહેરમાં બોલતા અપશબ્દો પ્રત્યે સૂગ ધરાવનારાઓ છે. આ મત તદ્દન ખોટો છે. વિરે દી વેડિંગના બે અંતિમવાદી મત વચ્ચે એક અન્ય મત પણ હતો જેના પર ફિલ્મની તરફેણ કરનારાઓએ ધ્યાન નથી આપ્યું અથવાતો ધ્યાન આપવાની દરકાર કરી નથી.

આ ફિલ્મનું ટ્રેલર જ્યારે રિલીઝ થયું ત્યારે અમુક લોકોને જેમાં આ લખનાર પણ સામેલ છે તેને એવું લાગ્યું હતું કે ભારતીય સ્ત્રી મોડર્ન તો જ ગણાય જો તે જાહેરમાં એકબીજા સાથે ગાળો બોલી શકતી હોય એવું આ ફિલ્મ ઠસાવવા માંગે છે. આ જૂથને સ્ત્રીઓના ગાળો બોલવા સાથે કોઈજ પ્રોબ્લેમ ન હતો કારણકે તેઓએ રિયલ લાઈફમાં પોતાની નજરો સમક્ષ એવું ઘટતા જોયું છે. પરંતુ, એકવાર અપુનને તુમ્હારે બારેમે મત બના લિયા એટલે બના લિયા. એટલે એ ન્યાયે આજ લગી પોતાને નારીશક્તિના પૂજારી ગણાવતા લોકો હજીપણ આ વચ્ચેનો મત ધરાવતા લોકો માટે જુનવાણી હોવાનો અને સ્ત્રીઓની આઝાદી તેમજ તેમના અપશબ્દો બોલવા પર સૂગ ધરાવતા લોકો અથવાતો દંભી હોવાનો આરોપ લગાવે રાખે છે.

આ દંભી પરથી યાદ આવ્યા NRIs અથવાતો NRGs. આઝાદી બાદથી આજ સુધી ભારતની બહાર ઘણા ભારતીયોએ વસવાટ કર્યો છે જેમાંથી મોટાભાગના અમેરિકા, યુકે, કેનેડા અને છેલ્લા અમુક વર્ષોમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડને પોતાનું કાયમી રહેઠાણ બનાવવાનું પસંદ કર્યું છે. ભારતથી વિદેશ સ્થાયી થયેલા કેટલાક લોકોને કદાચ (કદાચ શબ્દ ખાસ લખું છું કારણકે એવું ન લાગે કે હું પણ મારો મત ઠોકી બેસાડી રહ્યો છું) એવો ભ્રમ છે કે તેઓ જે હાલતમાં ભારત છોડીને ગયા હતા, ભારત અત્યારે પણ એવું જ છે, ભલે પછી તે ચાલીસ વર્ષ અગાઉ હોય કે પછી ચાર વર્ષ અગાઉ.

આ પ્રકારનો મત ધરાવતા લોકોની ફેસબુક પોસ્ટ જ્યારે પણ જોવામાં આવે ત્યારે તે જે દેશમાં કેટલી સુખાકારી છે, ત્યાંના લોકો કેટલા દયાળુ છે વગેરે વગેરે ભારપૂર્વક લખેલું જોવા મળે. અમુક સ્માર્ટ વ્યક્તિઓ એમ ન લખે કે ભારતમાં આવું નથી, પરંતુ એમના ટોન અને એમના આજસુધીના વર્તન પરથી ખ્યાલ આવી જાય કે છેવટે તો તેઓ ભારતને પછાત દેખાડવા માટે જ આવું લખી રહ્યા છે. કદાચ પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી એવો સંદેશ પોતાના ભૂતપૂર્વ દેશવાસીઓને પહોંચાડવા તેઓ આમ બિનઇરાદાપૂર્વક કરતા હોય એવું પણ બને.

ભારત બેશક પશ્ચિમી રાષ્ટ્રો તેમજ પેસિફિકના બે મુખ્ય દેશો જેટલું આગળ નથી વધી શક્યું જ્યાં મૂળ નિવાસી ભારતીયો મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે. પરંતુ એવું બિલકુલ નથી કે ભારત 15 ઓગસ્ટ 1947ની પરિસ્થિતિમાં આજે પણ ઉભું છે. આથી જે વ્યક્તિએ ભારતમાં રહેલી બદીઓનો સ્વીકાર કરીને પણ પોતાના દેશનો વિકાસ જોયો છે, માણ્યો છે અને જે વ્યક્તિ હજીસુધી ભારતમાં જ રહે છે અને ભારતને આગળ વધતું જોઇને જેને આનંદ થાય છે અને હજીપણ આગળ વધે તે માટે તે ખુદ પ્રયત્નશીલ છે તેને પેલા NRI મિત્રનો એકતરફી મત ચચરી જાય તે સ્વાભાવિક છે. આથી તે પોતાની રીતે વિરોધ દર્શાવે કે પછી તેને સમજાવવાની કોશિશ કરે કે પછી ભારત પણ અમુક બાબતોમાં એમના દેશથી જરાય પાછળ નથી એવું પુરાવા સાથે રજુ કરે ત્યારે પેલા ખાસ પ્રકારના NRIs તેને દંભી કહીને અથવાતો ‘કહેવાતા દેશપ્રેમી’ કહીને તેનું અપમાન કરી દે.

આમાં વળી ભારતમાં જ રહેતા અને ભારતમાંથી જ પોતાનું સંપૂર્ણ અર્થોપાર્જન કરતા વ્યક્તિઓ પણ જોડાય જેમનું મુખ્ય કામ ભારતની માત્ર નકારાત્મકતાને હાઈલાઈટ કરીને તેને દંભીસ્તાન કહીને ઉતારી પાડવાનું હોય અને પેલી વિચારધારા ધરાવતા NRIને વ્હાલા થવાનું જ હોય છે. આ લોકોને ભારતના કણકણમાં પછાતપણું, ચોરપણું, લેભાગુપણું જ દેખાતું હોય, ભલે તે ભારતના કોઈ નાનકડા નગરમાં પણ રહેતો હોય કે દુનિયા ફરી ચુક્યો હોય. આ પ્રજાતિ એવું માનતી હોય છે કે બધા જ ભારતીયો વિદેશની બદબોઈ કરતા હોય છે પરંતુ એમના ઉત્પાદનો વાપરવામાં એમને કોઈજ વાંધો નથી હોતો. આવા લોકોને વિદેશી નેતાઓની સાલસતા બહુ ગમી જતી હોય પરંતુ પોતાના દેશના નેતાઓની સાલસતા એમને ફિક્સ્ડ લગતી હોય છે.

તો સામે પક્ષે આપણા દેશવાસીઓ પણ ઓછા નથી હોતા. પેલો શાહબુદ્દીન રાઠોડનો જોક છે ને કે પ્રિન્સીપાલ જેવો વનેચંદને જોવે એટલે બસ એને મારવા જ મંડે!! એવું આ દેશવાસીઓનું પણ છે. જેવી NRIની પોતાના દેશની વખાણ કરતી પોસ્ટ જોઈ નથી કે તેના પર આક્રમણ કરવાનું શરુ કર્યું નથી. આ ઉપર કહેલા ઉદાહરણની સાવ વિરુદ્ધ મત છે. મારા પોતાના અંગત અને મારી સુખાકારીની કામના કરનારા અનેક કુટુંબીજનો અને મિત્રો NRIs છે અને આ તમામ સદા ભારતનું કલ્યાણ ઈચ્છે છે અને ભારતની દરેક સફળતા મારી સાથે જ ઉજવે છે. ટૂંકમાં દરેક NRI ભારત વિષે ઘસાતું જ બોલતો હોય એવો મત નક્કી કરી લેવો પણ એ મોટી સંખ્યામાં રહેલા એ NRIs સાથે અન્યાય હશે જે ભારતને આજે પણ એટલો જ પ્રેમ કરે છે જેટલો પહેલા. આ એ જ લોકો છે જે સમજે છે કે ભારતની ઘણી મજબૂરી છે જેનાથી તે ધારી ગતિથી આગળ વધી શકતું નથી, પરંતુ તેઓ ક્યારેય આશા છોડી નથી કે ભવિષ્યમાં આશા નહીં છોડે કે ભારત એક દિવસ ભલે સુપરપાવર ન બને પરંતુ એક વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરીને જરૂર આવશે.

જ્યારે એકબીજા પ્રત્યે મત બાંધી લેવાની આટલી મોટી ચર્ચા માંડી હોય ત્યારે તેમાં રાજકારણના ખેલાડીઓ ક્યાંથી ભૂલાય? ભારતમાં પણ એકબીજાની રાજકીય પસંદ-નાપસંદ જોઇને એમના વિષે મત નક્કી કરનારાઓની સંખ્યા ઓછી નથી. અહીં આપણે કહેવાતા તટસ્થોની તો વાત કરતા જ નથી. આપણે એ વ્યક્તિઓની વાત કરીએ છીએ જે કોઈએક રાજકીય પક્ષને જાહેરમાં પસંદ કરતા અચકાતો નથી.

ભારતમાં રાજકીય પસંદગી બે ફાડીયામાં વહેંચાઇ ગઈ છે. કાં તો તમે ભાજપ અથવા મોદીપ્રેમી છો નહીતો તમે ભાજપ અથવા મોદી વિરોધી કે પછી દ્વેષી છો, ત્રીજો કોઈ રસ્તો જ નથી. આમ થવા પાછળનું કારણ એ છે કે ત્રીજો મત ધરાવનાર એટલેકે પોતાની જાતને તટસ્થ ગણાવનાર મોટેભાગે મોદી વિરોધી હોવાનું વારંવાર સાબિત થયું છે. એનીવેઝ, મજાની વાત એ છે કે ભાજપ કે મોદી તરફી લોકો ભાજપ કે મોદી વિરોધીઓમાં અક્કલ સહેજ ઓછી છે એવો મત ધરાવે છે જ્યારે તેનાથી તદ્દન વિરોધી મત ધરાવનારાઓ આવુંજ ભાજપ કે મોદી પ્રેમીઓ વિષે માનતા હોય છે. એટલીસ્ટ આ બાબતે તેમનો મત સરખો છે એમ કહી શકાય.

ટૂંકમાં કહીએ તો બંને પક્ષોના ટેકેદારોએ એકદમ કડકાઈથી પોતપોતાના મત બાંધી લીધા છે અને એમાંથી કોઇપણ વ્યક્તિ એક ઈચ પણ પાછું જવા તૈયાર નથી હોતું. પરિણામે સર્જાય છે સોશિયલ મિડિયા વોર અને આ વોરમાં પછી શબ્દોની મર્યાદા કાયમ ચુકાઈ જતી હોય છે અને પર્સનલ અપમાનોથી માંડીને ગાળાગાળી સુધી વાત પહોંચી જતી હોય છે.

એકબીજા પ્રત્યે કટ્ટર મત ધરાવવાની હકીકતને હજી તો આપણે ધર્મ, જાતિ, સંપ્રદાય સુધી નથી લઇ ગયા, નહીં તો આવા અનેક અને કદાચ ભયાનક ઉદાહરણો આપણી સમક્ષ આવીને ઉભા રહી જશે. આજે પણ આપણે ભલે ઉપર ઉપરથી અન્ય ધર્મ, જાતિ કે સંપ્રદાયના લોકો વિષે સારુંસારું બોલતા હોઈએ પરંતુ આપણી અંદર એ જ ધર્મ, જાતિ કે સંપ્રદાય વિરુદ્ધ કશું પણ ચેક કર્યા વિના કેવો ઝેરીલો મત આપણા મનમાં પડખાં ફેરવી રહ્યો હોય છે એની જાણ તો આપણને ખુદને જ હોય છે.

આચારસંહિતા

આતંકવાદનો કોઈજ ધર્મ નથી હોતો

૨૧ જુન ૨૦૧૮, ગુરુવાર

અમદાવાદ

eછાપું

તમને ગમશે: આધુનિક જમાનામાં આપણો સમાજ શું ખરેખર પુરુષ પ્રધાન છે ખરો?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here