કોરોના 2.0: ચાલો ખુલ્લા મને સ્વીકારીએ કે વાંક આપણા બધાનો છે

1
323

ગયા મહિને જ્યારે એવું સ્પષ્ટ લાગતું હતું કે છેવટે કોરોના જેવા મહારોગને હવે આપણે કંટ્રોલ કરી લીધો છે એવા સમયે જ તેની બીજી (કે ત્રીજી?) લહેરે દેખા દઈને આપણા તમામના ગાલે એક મોટો તમાચો જડી દીધો છે. અત્યારે આપણને એવું લાગે છે કે આપણે ફરીથી ગયા વર્ષના એ જ સમય પર પરત આવી ગયા છીએ જ્યારે આપણે બધાંજ કોરોનાથી અત્યંત ડરી રહ્યાં હતાં.

આપણા રાજ્ય ગુજરાતની જ વાત કરીએ તો કોરોનાના કેસીઝની સંખ્યા, આ લખાઈ રહ્યું છે ત્યારે દરરોજ એક નવા વિક્રમી સ્તરે પહોંચી રહી છે, પરંતુ આપણે તેની ચિંતા કરવાને બદલે આમ થવા પાછળ કોનો વાંક છે એ નક્કી કરવામાં વ્યસ્ત છીએ.

આપણે ત્યાં સરકાર, રાજકીય પક્ષો કે પછી આપણે બધાં એટલેકે સામાન્ય જનતા કોરોનાની આ બીજી લહેર માટે જવાબદારી લેવા માટે તૈયાર નથી. એક રીતે જોઈએ તો ગુજરાતમાં કોરોનાની આ ત્રીજી લહેર કહી શકાય કારણકે ગત વર્ષે દિવાળીના તુરંત બાદ એકાએક કેસીઝ વધી ગયા હતા અને તેની સંખ્યા લગભગ 1600ની આસપાસ પહોંચી ગઈ હતી. તે સમયે પણ આપણને ખબર નહોતી પડી રહી કે આપણે આ લહેરથી બચવા શું કરવું, એટલે આપણે બધાએ દિવાળી દરમ્યાન સરકારે કોઈ કડક વ્યવસ્થા ન કરી તે પ્રકારનું બહાનું બનાવી રહ્યાં હતા.

પરંતુ એ આપણે જ હતાં જેમણે દિવાળી દરમ્યાન બજારો, મોલ્સ અને શેરીઓમાં આવેલી દુકાનો વગેરે ભરચક કરી દીધાં હતા. હવે એ સમયે જો સરકાર કડક બની હોત તો પણ આપણે એનો જ વાંક કાઢતાં  હોત કે સરકાર આપણને સરખી રીતે એક તહેવાર પણ ઉજવવા નથી દેતી. જો કે એ બીજી લહેર માટે આપણે અને ફક્ત આપણે જ જવાબદાર હતા.

પરંતુ આ વખતે એટલેકે કોરોનાની ત્રીજી લહેર વખતે ગુજરાતીઓ પોતાનો નહીં નહીં તો 50% વાંક હોવાનું સ્વીકારવા તૈયાર નથી. આ વખતે વાંક ગુજરાતના રાજકીય પક્ષોનો પણ છે જેમણે ફેબ્રુઆરી મહિનામાં થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સભાઓ ભરી હતી, રેલીઓ કાઢી હતી કે રોડ શો આયોજીત કર્યા હતા. આ સભાઓ, રેલીઓ અને રોડ શોમાં ઉભાં થયેલાં જે દ્રશ્યો આપણે ટીવી પર જોયાં તેના પરથી જ લાગતું હતું કે કોરોનાની ત્રીજી લહેર ક્યાંક આસપાસ જ છે!

મજાની વાત એ છે કે ઉપરોક્ત ચૂંટણીઓની જાહેરાત થઇ તે પહેલાં જે રાજકીય નેતાઓ પ્રજાને માસ્ક પહેરવાની, સોશિયલ ડિસ્ટન્સ રાખવાની સલાહો આપતા હતા તેમણે જ પોતાની સભાઓમાં આ સલાહનું પાલન થાય છે કે નહીં તેની કોઈજ સંભાળ રાખી ન હતી. ચૂંટણી પ્રચાર તો સમજ્યા પરંતુ ચૂંટણી જીત્યા બાદ વિજય સરઘસો પણ અગાઉની જેમ જ નીકળ્યાં હતાં જેમાં આ સોશિયલ ડિસ્ટન્સનું નામોનિશાન જોવા નહોતું મળતું.

ફેબ્રુઆરીના મહિનામાં આ બધું લગભગ સળંગ 15 થી 20 દિવસ ચાલ્યું અને તે પણ સમગ્ર ગુજરાતમાં. વિચારો આટલા બધા દિવસ દરમ્યાન કોરોનાનો ફેલાવો કેટલી હદે વધી ગયો હશે? જેવી ચૂંટણીઓ પતી કે તરતજ કોરોનાના કેસીઝ સમગ્ર રાજ્યમાં ખાસકરીને શહેરોમાં વધવા લાગ્યા.

આટલું ઓછું હતું તો અમદાવાદમાં ક્રિકેટ મેચોનું પણ આયોજન કરવામાં આવ્યું. નવા બંધાયેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 ટેસ્ટ મેચ અને 5 Twenty20 ઇન્ટરનેશનલ મેચો રમાઈ ગઈ. આમ તો આ સ્ટેડિયમની ક્ષમતા એક સાથે 1.20 લાખ લોકોને સમાવવાની છે, પરંતુ કોરોનાની પરિસ્થિતિને ‘ધ્યાનમાં લઈને’ 50% ક્ષમતા જેટલા જ દર્શકોને મેચ જોવાની મંજૂરી આપવામાં આવશે તેવી આયોજકો દ્વારા ખાતરી આપવામાં આવી હતી.

પહેલી ટેસ્ટ ડે-નાઈટ હતી ઉપરાંત આ નવા સ્ટેડિયમમાં પહેલીજ મેચ હતી એટલે સારીએવી સંખ્યામાં લોકોએ આ ટેસ્ટમાં હાજરી આપી હતી. પરંતુ બીજી ટેસ્ટમાં જેમ ગુજરાતીઓને અમસ્તું પણ મેદાનમાં જઈને ટેસ્ટ જોવાનું મન નથી હોતું એ મુજબ જ દર્શકોની સંખ્યા ઘણી ઓછી હતી. પરંતુ, પહેલી બે T20 મેચોમાં અડધાથી પણ વધુ સ્ટેડિયમ ભરી દેવામાં આવ્યું હ્ત્ય.

જ્યારે મેચની મજા માણતાં દર્શકોને ટીવી પર જોયા ત્યારે શરીરમાંથી એક લખલખું પસાર થઇ ગયું હોય એવું લાગ્યું. આ તમામ પોતપોતાની જગ્યાએ નાચતા હતા અને મેક્સિકન વેવ ઉભો કરી રહ્યા હતા અને એ પણ કોઇપણ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સ વગર. એવું લાગી રહ્યું હતું કે ફ્લડ લાઈટ્સના જબરદસ્ત અજવાળામાં જાણેકે સોશિયલ ડિસ્ટન્સિંગની હત્યા થઇ રહી હોય. ટીવી પર જે જોવામાં આવ્યું તેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બહુ ઓછા લોકોએ માસ્ક પહેર્યા હતા અને જાણેકે કોરોના ભૂતકાળની બીના થઇ ગઈ હોય એમ લાગી રહ્યું હતું.

જો અનધિકૃત સંખ્યાને માની લેવામાં આવે તો આ બંને T20Iમાં કુલ મળીને 1.50 લાખ લોકો સામેલ થયા હતા. વિચારો આમાંથી જો 10% લોકો પણ કોરોનાથી ગ્રસિત હતાં તો વાત ક્યાં જઈને અટકે? સરકારી તંત્રએ આ બધું થવા દીધું, ચૂંટણીઓ વખતે પણ અને ક્રિકેટ મેચો વખતે પણ, કારણકે આ બધું એમની જરૂરિયાતને પોષતું હતું. અત્યારે જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે સમગ્ર રાજ્યમાં દરરોજ આવતાં નવા કેસીઝની સંખ્યા 2100થી પણ વધી ગઈ છે.

સામાન્ય જનતાનો રાજકીય પક્ષો પર આરોપ છે કે પોતાને જ્યાં સુધી લાભ થતો હતો ત્યાં સુધી તેમણે કોરોનાને પ્રસરવા દીધો અને હવે તેમની આ ભૂલનો ભોગ પ્રજા બની રહી છે કારણકે સરકાર હવે કોરોનાને રોકવા માટે રાત્રી કરફ્યુ જેવા કડક પગલાંઓ લઇ રહી છે. આ બધું એવા સમયે થઇ રહ્યું છે જ્યારે ગત વર્ષના ત્રણ મહિનાના સંપૂર્ણ લોકડાઉન બાદ છેક હવે આર્થિક ગતિવિધિઓ લંગડાતી ચાલે પાટા પર આવી રહી છે.

સહુથી વધુ હાસ્યાસ્પદ બાબત એવી છે કે ચૂંટણીઓ હતી ત્યારે સભાઓમાં, રેલીઓમાં કે રોડ શોમાં  અથવાતો ક્રિકેટ મેચમાં લોકો માસ્ક વગર બિન્ધાસ્ત ફરતા અને નાચતા કુદતા જોવા મળી રહ્યા હતા અને તેમને એક પૈસાનો પણ દંડ નહોતો થતો, પરંતુ કોઈ વ્યક્તિ આજે પણ પોતાની જ કારમાં, પોતાના જ પરિવાર સાથે જતો હોય અને માસ્ક ન પહેર્યું હોય તો તેને 1000 રૂપિયાનો દંડ થાય છે. સરકારી તંત્રના આ બેવડાં ધોરણો એ પણ લોકોને વધુ ગુસ્સે કર્યા છે.

આ બધીજ હકીકત છે અને તેની સાથે બિલકુલ સહમત થવું જોઈએ, પરંતુ એ જ સમયે આપણે અરીસામાં પણ જોવું જોઈએ. જ્યારે દિવાળી પછી કોરોનાની બીજી લહેર ત્યારે તો કોઈજ ચૂંટણી ન હતી કે કોઈજ ક્રિકેટ મેચ ન હતી, પરંતુ આપણે જ અગાઉ જણાવ્યું તેમ બજારો, મોલ્સ અને શેરીની દુકાનો ભરી દીધી હતી. એ બાબતે સહમત થવાય કે રાજકીય પક્ષોએ કોરોનાની અવગણના કરીને ચૂંટણી દરમ્યાન સભાઓ, રેલીઓ અને રોડ શો આયોજીત કર્યા પરંતુ તેમાં સામેલ થવું સામાન્ય જનતા માટે ફરજીયાત તો ન જ હતું.

ક્રિકેટ મેચો દરમ્યાન જે અનધિકૃત આંકડો આગળ જણાવવામાં આવ્યો તેમાંથી એક પણ ને બંદૂકની અણીએ મેચ જોવા સ્ટેડિયમ લઇ જવામાં આવ્યા હોય એવો કોઈજ કિસ્સો કે ફરિયાદ સામે નથી આવ્યાં. આપણામાંથી ઘણાં બધાં લોકોએ સોશિયલ મિડીયામાં અસંખ્ય લોકોને ક્રિકેટ મેચોની ટિકીટો સાથેના ફોટા અને તેના પર અભિમાન કરતા લખાણો જોયા જ છે. શું આ તમામને સરકારી તંત્ર પર પ્રશ્ન કરવાનો અધિકાર છે? કદાચ નહીં!

નાનપણમાં આપણે જ્યારે નાગરીકશાસ્ત્ર ભણતાં ત્યારે લોકશાહીમાં નાગરિકોના હક્ક અને ફરજો પર એક આખું પ્રકરણ ભણાવવામાં આવતું હતું. જો આપણે સરકાર પાસેથી આપણા હક્ક માંગતા હોઈએ તો આપણી ફરજ પૂરી કરવી એ પણ એટલીજ જરૂરી છે. એ બાબતે આપણને જરાય શરમ નથી આવતી કે કોરોનાનું એક આખું વર્ષ પસાર થઇ ગયું હોવાં છતાં તેનાથી આપણને ખુદને બચાવવા માટેની સરળ અને શક્ય એવી નાનકડી ફરજો આપણે હજી પણ નથી બજાવી રહ્યા?

રસ્તે ચાલતાં અસંખ્ય લોકોને આપણે જોઈએ છીએ કે તેઓ માસ્ક પહેરવાનું જરૂરી આજે પણ નથી સમજતા. ચા અને પાનના ગલ્લાઓ પર આજે પણ એટલીજ ભીડ હોય છે જેટલી ગયા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમ્યાન હતી. ગયા વર્ષે જ્યારે દેશમાં કોરોનાનો પ્રવેશ થયો ત્યારથી જ આપણને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરનું મહત્ત્વ આપણને સરકાર દ્વારા સમજાવી દેવામાં આવ્યું હતું. પરંતુ, એક વર્ષ બાદ પણ આપણે જો તેનો અમલ કરવાનું જાણીજોઈને ટાળતાં હોઈએ તો કોઇપણ સરકાર આપણને બચાવવા આવી શકવાની નથી.

આગળ જે માસ્ક ન પહેરીને ડ્રાઈવ કરવાની વાત કરી એમાં એ સત્ય એવું પણ છે કે આપણે નિયમ હોવા છતાં માસ્ક પહેર્યા વગર વટભેર વાહન ચલાવીએ છીએ અને જ્યારે પોલીસ આપણને દંડિત કરે છે ત્યારે આપણે આપણી ભૂલ સ્વીકારવાને બદલે સરકારની ટીકા કરવાનું શરુ કરી દઈએ છીએ. સરકારે COVIDને ધ્યાનમાં રાખીને જેટલા પણ SOPs જાહેર કર્યા છે એ આપણા ભલાં માટે છે, એટલે એનો અમલ આપણે આપણા અને આપણા પરિવારના સ્વાસ્થ્ય માટે કરવાનો છે અને એમ કરીને આપણે સરકાર પર ઉપકાર નથી કરવાના.

દિવાળી પછી પણ જ્યારે ગુજરાતના ચારેય મહાનગરોમાં રાત્રી કરફ્યુનું અમલીકરણ કરવામાં આવ્યું ત્યારે પણ અને અત્યારે પણ તેનો અમલ ચાલુ છે ત્યારે સોશિયલ મિડીયામાં લોકો એક  હાસ્યાસ્પદ પ્રશ્ન કરે છે કે શું કોરોના રાત્રે જ આવે છે? આ તમામનો જવાબ તમને ચારેય મહાનગરોના એવા સ્થળો પર મળી રહેશે જ્યાં યુવાનો (અને અન્ય ઉંમરના લોકો પણ) રાત્રી સમયે મોટી સંખ્યામાં ભીડ કરતાં હોય છે, ફક્ત આનંદ માટે અથવાતો ખાણીપીણી કરવા માટે છેક મોડી રાત્રી સુધી તેઓ આ પ્રમાણે ભેગાં બેઠાં હોય છે.

તકલીફ ત્યારે થાય છે જ્યારે આ યુવાનોની રોગપ્રતિકારક શક્તિ સારી હોવાને લીધે તેમને તો કોરોના કદાચ નથી થતો પરંતુ ઘરમાં રહેલા વૃદ્ધો તેમના સંપર્કમાં આવવાથી કોરોનાગ્રસ્ત થાય છે અને મોટી ઉંમરને લીધે થતી માંદગીને લીધે તેમને કોરોના વધુ તકલીફ આપે છે. આ પ્રકારના સંસર્ગને રોકવા માટે સરકાર રાત્રી કરફ્યુનો અમલ કરી રહી છે. દિવસે તો આર્થિક પ્રવૃત્તિઓ ચાલુ રાખવી પડે એટલે દિવસનો કરફ્યુ હવે જરૂરી નથી પરંતુ રાત્રે બહાર જવું જરૂરી ન હોવા છતાં પણ બહાર નીકળતાં લોકોને રોકવા માટે રાત્રી કરફ્યુ અમલમાં મુકવામાં આવે છે.

હાલમાં જ્યારે ફરીથી ગુજરાતના ચારેય મહાનગરોમાં કરફ્યુ અમલમાં મુકવામાં આવ્યો ત્યારે નાના-મોટા ધંધાદારીઓએ તેનો વિરોધ કર્યો હતો, કારણકે તેમના ધંધાઓ મોટેભાગે ખાણીપીણીના હોવાથી તેમની આવક રાત્રીના સમયેજ થતી હતી. લોકડાઉન સમયે પણ આ તમામે પોતાની કમાણીનો મોટો ભોગ આપ્યો છે કારણકે લોકડાઉન હટાવ્યા બાદ પણ ખાણીપીણીને તો બહુ મોડેથી મંજૂરી આપવામાં આવી હતી.

આ તમામ ધંધાદારીઓની લાગણી સાથે અને તેમને પડનારી તકલીફ અંગે સો ટકા સહમત થઇ શકાય, પરંતુ તેમને એક પ્રશ્ન એ પણ પૂછવાનું મન થાય છે કે તેમનામાંથી કેટલાએ આટલા દિવસો દરમ્યાન પોતપોતાના ધંધાકીય સ્થળે આવનારા ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવાનું કહ્યું? અથવાતો તેનું ફરજીયાત અમલીકરણ કરાવ્યું? તાળી વગાડવી હોય તો હંમેશા બે હાથે જ વગાડવી પડેને?

સો વાતની એક વાત, છેવટે તો આપણે જ સ્વયંશિસ્તનું પાલન કરવું પડશે. આપણને તમામને ખબર છે કે કોરોના એકાદ વર્ષનો મહેમાન નથી, એની સાથે આપણે જીવવાનું છે અને એ પણ લાંબા સમય માટે. આથી આપણે આ સ્વયંશિસ્ત અત્યારે પણ જાળવવાની છે જ્યારે કેસીઝની સંખ્યા વધી ગઈ છે અને ત્યારે પણ જાળવવાની છે જ જ્યારે સમય જતાં કેસીઝની સંખ્યા ઘટવાની છે.

સરકારની કે રાજકીય પક્ષોની ભૂલોને અવગણવાની કે તેને માફ કરવાની નથી પરંતુ આપણે એ ભૂલમાં ભૂલથી પણ સામેલ ન થઇ જઈએ એનું ધ્યાન પણ રાખવાનું છે. જો આપણે આપણી ફરજ બજાવ્યા વગર કોરોનાના ફેલાવા માટે માત્ર અને માત્ર સરકાર કે પછી રાજકીય પક્ષોને જ દોષ આપવો છે તો તેની બદલે મૂંગું રહેવું વધુ સારું રહેશે.

૩૦ માર્ચ ૨૦૨૧, મંગળવાર

અમદાવાદ

eછાપું

1 COMMENT

  1. ખૂબ સરસ લેખ છે, લોકોને ટપારવાની આવશ્યકતા હતી જ. ધન્યવાદ સહ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here