આત્મહત્યા શા માટે? પછી ઉપર પહોંચીને પસ્તાવો થશે તો શું કરશો?

    17
    333

    ફેસબુકમાં અમદાવાદના યુવાન કવિ પાર્થ પ્રજાપતિએ આત્મહત્યા કરી હોવાના સમાચાર જંગલની આગની જેમ લગભગ બે-ત્રણ દિવસથી ફેલાઈ ચૂક્યા છે. પાર્થ મારી ફેસબુક મિત્રસૂચીમાં હતો પરંતુ અમારે અત્યારસુધી કોઈજ પ્રકારની ચર્ચા થઇ ન હતી, કદાચ અમારી વચ્ચે એક બીજાની કોઈ પોસ્ટ પર લાઈક કે કમેન્ટ કરવાનો પણ વ્યવહાર ન હતો પરંતુ તેણે આત્મહત્યા કરી છે એ જાણીને હચમચી જવાયું. વધુ દુઃખ તો ત્યારે થયું જ્યારે તેની ઉંમર વિષે જાણકારી મળી.

    “હજી તો પોતાના જીવનના બીજા દસકાની શરૂઆત કરનાર પાર્થ ન મળી રહેલા રોજગાર અથવાતો ન મળી રહેલી આવકથી એટલો તો ડિપ્રેસ થઇ ગયો કે એને આત્મહત્યા સુધીનું પગલું ભરવું પડ્યું? અશક્ય!” મનમાં આ જ રિએક્શન આવ્યું જ્યારે સ્વર્ગસ્થ પાર્થની ઉંમર વિષે જાણકારી મળી. એણે જે ઉંમરે આત્મહત્યા કરીને ઉપર જવાનું પસંદ કર્યું એ ઉંમરમાં તો હજી લોકો પોતાના જીવનની ઈમારત ચણવાની શરૂઆત કરતા હોય છે.

    ભણતર દ્વારા પાયો પાકો કર્યા બાદ બાવીસ-ત્રેવીસ વર્ષની ઉંમરે લોકો ‘નોકરી શોધવાનું કામ’ શરુ કરે છે નહીં તો નાનો મોટો ધંધો શરુ કરતા હોય છે, જ્યારે પાર્થ જીવનની મેરેથોન દોડના સ્ટાર્ટિંગ પોઈન્ટ પર જ આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરીને રેસ ક્વીટ કરીને જતો રહ્યો. સોરી પાર્થ, બટ ધીસ ઈઝ નોટ ફેર! તારે પોતાને નહીં પરંતુ જિંદગીને તો એક  મોકો આપવો જોઈતો હતો?

    અને તારા ગયા બાદ તું કદાચ ઉપરથી તારા ફેસબુક મિત્રોનો બળાપો અને કકળાટ અને લોકોએ તને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આત્મહત્યા ન કરવા અંગે સલાહો આપી છે, જેમાં આ આર્ટિકલ પણ સામેલ છે, એ જો તું અત્યારે વાંચતો હોઈશ તો કદાચ તને અત્યારે તારા અંતિમવાદી પગલાં પર પસ્તાવો થતો હશે. તને કદાચ થતું હશે કે જો આ સલાહો મેં અગાઉ લીધી હોત, એના પર ઘરે જઈને બરોબર વિચાર કર્યો હોત તો કદાચ અત્યારે હું કશું નહીં તો એટલીસ્ટ જોશભેર નોકરી તો શોધતો જ હોત!

    પાર્થ તો આત્મહત્યા કરીને જતો રહ્યો પરંતુ એની ઉંમરના કે પછી તેનાથી ઉંમરમાં મોટા વાચકો જો આ આર્ટિકલ વાંચતા હોય તો અહીંથી આગળ જરૂર વાંચશો. હા કદાચ તમને અહીં આપેલી સલાહો ચવાઈ ગયેલી લાગે પરંતુ અહીં સંઘર્ષમાંથી બહાર નીકળનાર વ્યક્તિનું જે  ઉદાહરણ આપવામાં આવ્યું છે એ કદાચ તમને અલગ લાગશે કારણકે આ ઉદાહરણ કોઈ જાણીતા ફિલ્મ કલાકાર કે સ્પોર્ટ્સમેનનું નથી જેઓ સ્ટ્રગલ કરીને ટોચ પર પહોંચ્યા છે, આ એક એવા સામાન્ય વ્યક્તિની વાત છે જેણે જીવનના ત્રીજા દાયકામાં જબરદસ્ત પડતી જોઈ અને પછી એમાંથી ઉપર આવ્યો અને આજે ખાસ નહીં તો ફરીથી એ જ સામાન્ય વ્યક્તિ તરીકેનું જીવન વગર કોઈ ટેન્શન સાથે જીવી રહ્યો છે.

    લાગતું વળગતું: આત્મહત્યા – અબ તો હોશ ના ખબર હૈ યે કૈસા અસર હૈ???

    હા, હું મારી વાત કરવા જઈ રહ્યો છું…

    1994માં ગ્રેજ્યુએશન બાદ પાર્થની જેમજ નોકરી શોધવાનો સિલસિલો ચાલુ કર્યો. હા ગ્રેજ્યુએટ થયાના છ મહિના MA કરવાની કોશિશ કરી પણ લેક્ચર્સમાં કોઈ ‘ટપ્પો ન પડતા’ પછી નોકરી જ ચાલુ કરી. પહેલી નોકરી વેક્યુમ ક્લિનર વેંચવાની કરી જેમાં અતિશય થકાવી દેતો શેડ્યુલ હોવાથી ત્રણેક મહિનામાં શરીરને આવી આદત ન હોવાથી માંદુ પડી ગયું અને નોકરી છોડી દીધી. પરંતુ એક મિત્રની સલાહથી આશ્રમ રોડ પર એક એરકાર્ગો કંપનીમાં નોકરી મળી.

    અહીં અનુભવ મેળવ્યો અને અહીંથી જ મને એક અન્ય શિપિંગ અને ક્લીયરીંગ ફોરવર્ડીંગ કંપનીમાં નોકરી મળી અને લગભગ ચારેક વર્ષ આ ‘લાઈન’નો અનુભવ વિવિધ નોકરીઓ કર્યા બાદ 1999માં એક ખાનગી ઈમ્પોર્ટ એક્સપોર્ટ કન્સલ્ટન્ટને ત્યાં વર્કિંગ પાર્ટનર બન્યો. વર્કિંગ પાર્ટનર એટલે હું કોઈ કામ લાવીને કરું તો નફાના પચાસ ટકા મળે અને એમણે સોંપેલું કામ કરું તો પચીસ ટકા મળે.

    અહીં વાત જામી ગઈ અને વર્ષ 2002માં લગ્ન થયા અને લગ્ન થયાના ત્રણ મહિના બાદ જ એ કન્સલ્ટન્ટને છોડીને પોતાની ઈમ્પોર્ટ એક્સપોર્ટ કન્સલ્ટન્સી શરુ કરી. એ સમયે લગભગ આઠેક વર્ષનો અનુભવ  હોવાથી ગ્રાહકો અને સાથીદારો મેળવવામાં કોઈ વાંધો ન આવ્યો અને 2005 સુધી બધું બરોબર ચાલ્યું. આવક એ સમય અનુસાર પણ ઘણી સારી કહેવાય એવી હતી અને થોડું ઘણું સેવિંગ પણ થતું.

    લગભગ 2005નો જુલાઈ આવતા વર્ષોની ઓળખ ધરાવતા એક ક્લાયન્ટે મને એમના કોઈ ઓળખીતાની ઓળખ કરાવી અને પોતાની સાથે એમનું રેગ્યુલર કામ પણ આપ્યું. મારી ભૂલ એ થઇ કે નવા ક્લાયન્ટ પર સારી છાપ જમાવવા જતા જેમણે મને એમનું કામ આપ્યું હતું એમના કામમાં મેં ધ્યાન ન આપ્યું અને એ કામ બગડ્યું. મારા એ જુના ક્લાયન્ટને લગભગ એશી હજાર રૂપિયા જેટલું નુકસાન ગયું.

    પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે એમણે આ અંગે જાજી કોઈ ફરિયાદ ન કરી અને પોતાના નવા કામ આપતા ગયા. આ દરમ્યાન પેલા નવી ઓળખવાળા ક્લાયન્ટનું કામ વ્યવસ્થિતપણે પૂર્ણ થયું અને કાયમની જેમ મેં મારું બીલ રજુ કર્યું. મારા જુના ક્લાયન્ટે એના એશી હજારનો બદલો હવે લીધો. પોતે મને બે-ત્રણ કામ આપી અને એકસાથે ચારેય બીલોના પૈસા આપી દેશે એમ કહીને પેલા નવા ક્લાયન્ટની પણ કાનભંભેરણી કરી અને એ સમયે મારા લગભગ દોઢેક લાખ અટકાવી દીધા.

    પછી શરુ થયો ઉઘરાણીનો સિલસિલો. અમદાવાદ બહાર હોવાથી લગભગ દર પંદર દિવસે હું એમના શહેરમાં ઉઘરાણી પર જતો, જ્યારે પેલો એમની ઓળખાણવાળો ક્લાયન્ટ તો દિલ્હી રહેતો હોવાથી ત્યાં માત્ર ફોન કોલથી ઉઘરાણી કરતો. “આજે આપીશ…”, “કાલે આપીશ…” “મારા પૈસા ઈમ્પોર્ટરે મોકલ્યા નથી…” જેવા બહાનાઓ લગભગ બંને તરફ શરુ થયા. દિલ્હીવાળાએ તો અમુક દિવસો પછી એવો આરોપ પણ મુક્યો કે જ્યારે એમનો માલ ગંતવ્ય પર પહોંચ્યો ત્યારે એમાં ઘણું નુકશાન થયું હતું.

    આ તરફ પત્ની ગર્ભવતી હતી અને 2005ના દશેરાને દિવસે એની રાખડીનો પ્રસંગ. વર્ષો જૂના સંબંધો હોવાને લીધે એરલાઈન્સ અને શિપિંગ લાઈન્સ આ બંને ક્લાયન્ટના પૈસા અંગે કડક ઉઘરાણી નહોતી કરતી એટલે એ પ્રસંગ તો સચવાઈ ગયો. પણ થયું એવું કે પહેલી જાન્યુઆરી 2006ની પોસીબલ ડિલીવરી ડેટને જગ્યાએ મારો પુત્ર 21 નવેમ્બર 2005ના દિવસે જ પધાર્યો. પ્રી મેચ્યોર હોવાને લીધે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો, જ્યાં તે લગભગ બે અઠવાડિયા રહ્યો.

    એક તરફ પૈસા ન મળવાને લીધે નવા કામ પર પણ ધ્યાન આપવાનું ઓછું થઇ ગયું અને તાજા જન્મેલા દીકરાની ચિંતા તો ખરીજ. પછી એવો સમય આવ્યો કે જેણે મને અતિશય ચિંતા કરાવી દીધી અને મારું ભવિષ્ય હવે અહીં જ પૂર્ણ થયું છે એવી બીક લાગવા લાગી. શરૂઆતમાં પહેલી રીંગ પર મારી ઉઘરાણીના જવાબ આપતા મારા એ બંને ક્લાયન્ટોએ હવે મારા કોલ્સ ઉપાડવાના બંધ કર્યા.

    હું દિલ્હી તો નહોતો જઈ શકતો પણ પેલા જૂના ક્લાયન્ટને મળવા તો હું એમના શહેરમાં જઈ જ શકતો હતો એટલે ત્યાં જતો તો તેમની ઓફીસ શરૂઆતમાં બંધ જોવા મળતી. વધુ તપાસ કરતા ખબર પડી કે તેઓ અહીંનો બધો જ ધંધો સમેટીને અમેરિકા જતા રહ્યા છે. દિલ્હીવાળા ક્લાયન્ટે તો પાછો પોતાનો ફોન નંબર પણ બદલાવી દીધો!

    હવે પેલી એરલાઇન્સની અને શિપિંગલાઈન્સની કડક ઉઘરાણી શરુ થઇ. મારી ઉપર એ સમયે દોઢ લાખનું દેવું હતું. મરતા ક્યા ન કરતા? મેં જીવનની મોટી ભૂલો કરવાની શરુ કરી અને એ પણ એક પછી એક ઘણી બધી! અત્યારસુધી ખાસ કામમાં ન આવતા ક્રેડિટકાર્ડ પર એ જ બેન્કે ઓફર કરેલી પચીસ હજારની પર્સનલ લોન લીધી. પછી એ કાર્ડ પરના ‘સારા દેખાવ’ ના આધારે લગભગ બીજા ચારથી પાંચ કાર્ડ્સ લીધા. આ કાર્ડ્સને ‘ઘસાવીને’ દોઢ લાખ રૂપિયા તો ભેગા કરી દીધા પણ કઠણાઈ હવે શરુ થવાની હતી.

    મને એમ કે ચાલો હવે નવેસરથી કન્સલટન્સીના ધંધા પર ધ્યાન આપવાનું શરુ કરીશ, પણ પેલા બે ક્લાયન્ટ્સની ઉઘરાણી પાછળ ચાર-પાંચ મહિના બરબાદ કરવાને લીધે માર્કેટમાં મારી છાપ ખરાબ થઇ હતી. અન્ય ક્લાયન્ટ્સના કામ પણ બગડ્યા. પહેલા એરલાઇન્સ અને શિપિંગ લાઈન્સ તેમજ ક્લીયરીંગ એજન્ટ પંદર-વીસ દિવસની ક્રેડીટ આપતા હતા એમણે હવે કામ કરાવવું હોય તો રોકડ વ્યવહાર જ કરવાની શરત મૂકી. બીજી તરફ ગ્રાહક એક પણ નહીં અને માથે હજી પણ દોઢ લાખનું દેવું!

    જાણકારોને ખબર જ હશે કે એક વખત તમે ક્રેડિટ કાર્ડના વિષચક્રમાં ફસાયા એટલે પછી એમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય હોય છે. એક હપ્તો, બે હપ્તા, ત્રણ હપ્તા સુધી તો કોઈજ ઇન્ક્વાયરી થઇ નહીં પરંતુ તમામ ક્રેડિટ કાર્ડ્સ અને પર્સનલ લોનનો જેવો ચોથો હપ્તો પડ્યો કે ફોન આવવાના શરુ થઇ ગયા. શરૂઆતમાં એકદમ નમ્રતાથી અને બાદમાં કડક ભાષામાં અને છેવટે અભદ્ર ભાષામાં અજાણ્યા નંબરોથી કોલ આવવા માંડ્યા.

    બાકી રકમ, વ્યાજનું વ્યાજ અને એ પણ ચક્રવૃદ્ધિ વ્યાજ… દોઢ લાખના અઢી લાખ અને અઢી લાખના સાડા ચાર લાખ ક્યારે થઇ ગયા એની ખબર જ ન પડી. પછી? ઉઘરાણી કરવા આવનાર અમુક છોકરાઓ મળતાની સાથેજ ઓળખી જતા કે આમની નિયત ખરાબ નથી એટલે એમણે એકાદ કિસ્સામાં મને સેટલમેન્ટનો ઓપ્શન આપ્યો. પણ એમણે અન્ય કોઈ સલાહ ન આપતા મેં સેટલમેન્ટ મૂળ બાકી રકમના કેટલા ટકામાં કરવું એ જે-તે બેન્ક પર જ છોડી દીધું જેમાં મને ખાસ કોઈ ફાયદો ન થયો.

    ભૂલોનો સિલસિલો હજી અટક્યો નહીં. સેટલમેન્ટ કરવા તો બેન્કો તૈયાર હતી પણ એટલા પૈસા પણ ક્યાંથી લાવવા? એટલે પછી શરુ કર્યું વ્યાજખોરનું ચક્કર અને નજીકના સગાંઓ પાસેથી ઉધાર લેવાની પ્રવૃત્તિ. નજીકના સગાંઓ જે મારા પ્રીયાતિપ્રીય હતા એમને મારે ઉધાર ચુકવવું હતું પણ મારી આવક ક્યાં હતી કે હું એમને ચૂકવી શકું? સેટલમેન્ટ માટે વ્યાજખોર પાસેથી પૈસા લીધા અને વ્યાજખોરના ગુસ્સાથી બચવા ડેડલાઇનના દિવસના અમુક દિવસ અગાઉ સગાંઓને બાટલામાં ઉતારતો થયો.

    હા, બાટલામાં જ ઉતારતો કારણકે એ લોકો તો વ્યાજખોર જેવી આકરી ઉઘરાણી કરવાના ન હતા, એટલે પછી એમને હું કોઈને કોઈ બહાના બતાવીને ટાળતો. પછી આ વાત ઘર સુધી પહોંચી એટલેકે ઘરની બંને મહિલાઓ સુધી એટલેકે મારી માતા અને પત્ની, એમણે મને પોતાના અમુક ઘરેણાઓ વેંચીને મને બનતી કોશિશ કરી આપી. પણ દેવાનો પેલો ખાડો તો મોટોને મોટો થતો જ ગયો અને બેન્કો ઉપરાંત નજીકના સગાંઓને ચૂકવવાપાત્ર દેવાનો એ ખાડો સાડા પાંચ લાખ સુધી પહોંચી ગયો, જેની મને ખબર ન હતી કારણકે હવે એનો કોઈજ હિસાબ રાખી શકું એવી મારી માનસિક પરિસ્થિતિ જ ન હતી.

    હું ઉઘરાણી કરતા લોકોથી દૂર રહેવા આખો દિવસ ઘરથી બહુ દૂર નહીં એવા સાયબર કાફેમાં સવારે સાડા નવે કાફે ખુલે ત્યારથી શરુ કરીને રાત્રે સાડા આઠ નવ સુધી ત્યાં જ રહેતો. બપોરના ભોજન રૂપે દસ રૂપિયાના કુરકુરે અને દસ રૂપિયાની કેળા અથવાતો બટેટાની વેફર સાથે નાનકડી પ્યાલીમાં ચા અને સાદી માણેકચંદ! આ મારો રોજીંદો ખોરાક થઇ ગયો હતો. કુટુંબના સારા-નરસા પ્રસંગોમાં ભાગ લેવાથી દૂર રહેવા લાગ્યો. હા અત્યારસુધી મારી પરિસ્થિતિ મારા મમ્મી અને પત્નીને હતી પણ પિતાશ્રીને ન હતી. કારણકે એમના ગુસ્સાથી મને એ વખતે તેંત્રીસ-ચોંત્રીસ વર્ષે પણ ડર લાગતો.

    પણ, એમને ગમે ત્યાંથી થોડીક ખબર તો પડી ગઈ. એક દિવસ એવો આવ્યો કે એકાદી બેન્કવાળાએ ફોન પર ધમકી આપી કે “હું હમણાંજ તારે ઘરે આવું છું અને તું જ્યાંસુધી ઘરે નહીં આવે ત્યાંસુધી ત્યાંજ બેસીશ ભલે તું દસ દિવસે આવે!” હવે મારે પપ્પાને અર્ધસત્ય કહેવું પડ્યું અને ફક્ત મારે ખાતર મારા પરિવારે મે મહિનાના બળબળતા બપોરે નાનકડા બાળક સાથે કાંકરિયામાં આખો દિવસ વિતાવવો પડ્યો. તેમ છતાં મારી અક્કલ ખુલી નહીં અને મેં મારા પિતાને જરૂર કરતા સાવ ઓછી રકમનું દેવું હોવાની વાત કરી જે તેમણે મને બીજેજ દિવસે ચેક આપીને ચૂકવી આપ્યું.

    હજી થોડો સમય જતા કડકમાં કડક ઉઘરાણીએ પરિસ્થિતિ એવી આવીને ઉભી કરી દીધી કે પપ્પાને કહેવા સિવાય કોઈજ આરો ન હતો, પણ એમના ગુસ્સાનો ભય સાથે એમને મારી કબૂલાતને લીધે કશું થઇ જશે તો? એ વિચારે મને સતત એમને મારી તમામ તકલીફો કહેતા રોકી રાખ્યો. પરંતુ એક દિવસ એક ઘટના બની…

    આમ પણ હું કુટુંબ અને સમાજથી બેથી ત્રણ વર્ષ છૂટો પડી ગયો હતો એટલે 2009ના મધ્યભાગમાં એક કૌટુંબિક પ્રસંગમાં સાંજે મારું સમગ્ર કુટુંબ એક પ્રસંગમાં હાજરી આપવા ગયું હતું અને મેં કાયમની જેમ મૂડ ન હોવાનું બહાનું કરીને ઘરે જ રહેવાનું પસંદ કર્યું. ગમે તે હોય પરંતુ મારા પરિવારના લગ્ન પ્રસંગે ઘરની બહાર નીકળ્યા બાદ મેં ઘરનું બારણું બંધ કર્યું અને સોફા પર બેસીને આપોઆપ રડવાનું શરુ કર્યું.

    હું રડ્યો, ખૂબ રડ્યો બલકે અઢળક રડ્યો! જ્યારે ડૂસકાં ઓછાં થયા ત્યારે બે હાથ જોડીને ઉપર જોઇને જેને મારો પરમ મિત્ર માનું છું એ ભગવાન શિવને કહ્યું, “શિવલા, હવે સહન નથી થતું, કશુંક કર, પ્લીઝ!” પછી જે થયું એ કદાચ ચમત્કાર તો ન હતો પરંતુ તેનાથી ઓછું પણ ન હતું. બીજે દિવસે સવારે મેં મારા માતા અને પત્નીને કહ્યું કે હવે તો મારે પપ્પાને કહેવું જ પડશે શું કરું? એમણે બંનેએ સલાહ આપી કે એમને કોઈ પાર્કમાં લઇ જા અને મન ખોલીને બધું જ કહી દે. બાકીની ચિંતા ન કર અમે એમને સાંભળી લઈશું.

    પપ્પાને મેં તરતજ કહ્યું કે, “ચાલો આપણે બહાર જવાનું છે અને મારે જે વાત કરવી છે અ અહીં નહીં કહી શકું.” અને અમે ઉપડ્યા જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલા મલાવ તળાવ તરફ જ્યાં આવેલા એક પાર્કમાં સવારે નહીવત વસ્તી હોવાથી એક બેન્ચ પર અમે બંને બેઠા. એક પછી એક મેં મારા ‘કર્મો’ના પાનાંઓ ખોલવાના શરુ કર્યા અને અથ: થી ઇતિ તમામ વાત પપ્પાને કહી દીધી.

    મારા ડરથી વિરુદ્ધ પપ્પા આ ખુલાસા બાદ પણ અત્યંત શાંત હતા અને એમના ચહેરા પર ગુસ્સો તો બિલકુલ ન હતો. એમણે મને પહેલો સવાલ કર્યો, “કુલ રકમ કેટલી છે?” મેં સાડા ચાર લાખ કહી જે ખરેખર મારી છેલ્લી ભૂલ હતી કારણકે ખરેખર તો એ રકમ લગભગ સાડા પાંચ લાખ જેટલી થઇ ગઈ હતી. બીજો સવાલ પપ્પાએ એમ કર્યો કે, “જો એ જ વખતે દોઢ લાખ મારી પાસેથી લઇ લીધા હોત તો આજે આટલું ન વધ્યું હોતને?” આટલું કહીને એમણે મારે ખભે હાથ મુક્યો અને ઘરે પરત જવાનું કહ્યું.

    ઘરે પરત આવીને પછી તો બાકીના સભ્યો સાથે પણ ચર્ચા થઇ અને બે-ત્રણ દિવસની ચર્ચા અને મનોમંથન કર્યા બાદ પોતાના આર્થિક ભવિષ્ય અંગે પહેલેથી જ અત્યંત સભાન એવા મારા પપ્પાએ પોતાની બચતને હાથ ન અડાડતાં અમારો ફ્લેટ વેંચવાનો નિર્ણય લઇ લીધો. મારી તકલીફ કરતા ઘર મહત્ત્વનું નથી, અથવાતો જ્યારે કુટુંબનો વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે જ આવા રોકાણો કામમાં આવતા હોય છે એમ કહીને બને તેટલો જલ્દી અમારો ફ્લેટ વેંચી દેવાનું નક્કી કર્યું.

    નિર્ણય લીધાના લગભગ દોઢ મહીને જોઈતી કિંમત કરતા થોડી ઓછી કિંમતે અમારું ઘર વેંચાઈ ગયું. એડવાન્સમાં મળેલી અડધી રકમમાંથી પપ્પાએ દસ્તાવેજ થતાંની સાથેજ મને સાડાચાર લાખ રૂપિયા રોકડા ગણી આપ્યા અને ફક્ત એટલું જ કહ્યું કે, “જાવ હવે ચિંતા મુક્ત થઇ જાવ અને જેને જેને આપવાના છે એમને આપી દો.” આ બાબત અંગે તેમની આ છેલ્લી વાત હતી ત્યારબાદ મેં કોને કેટલા આપ્યા અને આપ્યા બાદ કોઈ રકમ બચી છે કે નહીં એનો કોઈજ ફોલોઅપ એમણે ન કર્યો.

    મેં શક્ય હોય એટલી ચર્ચા બેન્કો સાથે કરી પણ મારી મજબૂરી જોઇને એમણે મુદ્દલમાં ખાસ ફેરફાર ન કર્યો. બેન્કો, વ્યાજખોર અને અમુક નજીકના સગાંઓને તમામ નાણા ચૂકવી દીધા પછી ખબર પડી કે ખરેખર તો મારા કુટુંબની એક વ્યક્તિ પાસેથી એ સમયે એક લાખ લીધા હતા એ તો ગણવાના રહી ગયા! પણ  હવે પપ્પાને કહીશ તો એ સારું નહીં કહેવાય. આથી મેં એ વ્યક્તિને વિશ્વાસમાં લીધો અને એણે મને કહ્યું કે, “તમે મને પૈસા પરત આપવાના જ છો એનો મને વિશ્વાસ છે, તમે એ એક લાખ ક્યારે આપશો એ હું તમારા પર છોડું છું.”

    આમ 2005થી 2009 સુધીનો અતિશય માનસિક તાણનો તબક્કો પૂર્ણ થયો. પણ જેમ હરિવંશરાય બચ્ચને અમિતાભને કહ્યું હતું કે, “બેટા જબ તક જીવન હૈ સંઘર્ષ હૈ!” એમ પછીનો થોડો સમય ગિલ્ટી ફિલ થવામાં વીત્યો અને કામધંધા વગર નવા ભાડે લીધેલા મકાનમાં એકથી સવા વર્ષ એમનેમ બેઠો રહ્યો. બાદમાં એક કૌટુંબિક મિત્રને પપ્પાએ વાત કરતા માત્ર પ્રવૃત્તિમય રહું એ માટે એમના નવા ક્લાસીઝમાં ફરીથી વર્કિંગ પાર્ટનર તરીકે બાર કલાક વગર પગારે એકાદ વર્ષ કામ કર્યું.

    પણ, અહીં એક ચમત્કાર જરૂર થયો. ફેસબુકમાં એક દિવસ કોઈનો બ્લોગ જોયો અને બ્લોગ એટલે શું એની ઈન્કવાયરી કરીને એ અંગેની માહિતી મેળવી અને લગભગ 2011ની નાગપંચમીએ નાગપંચમી પર જ એક ગુજરાતી બ્લોગ લખ્યો. એ સમયે ફેસબુક પર માંડ સો બસ્સો ફ્રેન્ડસ હતા, પરંતુ જેટલાએ બ્લોગ વાંચ્યો એમણે તમામે તેના વખાણ કર્યા. પછી તો જોશ ચડ્યું અને ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં પણ બ્લોગીંગ શરુ કર્યું અને દિવસો જતા ફેસબુકમાં પણ મારા લખાણની નોંધ લેવામાં આવવા લાગી.. એક દિવસ એક ફેસબુક મિત્ર ખુશ્બુ લાલાણીનો કોલ આવ્યો કે “સિડભાઈ, તમે મારી સાઈટ માટે લખશો? વધુ નહીં પણ મહીને 2500 જેટલા આપી શકીશ.”

    આટલા બધા વર્ષે થોડી તો થોડી આવક શરુ થશે? એમ માનીને તરતજ હા પાડી દીધી. પછી તો થોડા સમયે બ્લોગીંગ વિશ્વમાં જાણીતા નામો એવા શ્રી જયદીપ પરીખ અને શ્રી જીગ્નેશ પઢીયાર પણ મદદે આવ્યા અને એમના માટે પણ લખવાનું શરુ કર્યું. 2013ની ક્રિસમસે ઓરકુટ મિત્ર મસુદ વોરાજીનો કોલ આવ્યો અને અપકમિંગ ગુજરાતી વેબસાઈટ માટે સ્પોર્ટ્સ પર કન્ટેન્ટ લખવાની ઓફર આપી.

    2014ની પહેલી જાન્યુઆરીએ મસુદભાઈનો ફરીથી કોલ આવ્યો અને સુરત બને તેટલા વહેલા આવી જઈને કોન્ટ્રેક્ટ સાઈન કરવાનું કહ્યું અને આ રીતે હું ખબર છે ડોટ કોમ સાથે જોડાયો અને છેવટે જીવનની આર્થિક ગાડી પાટે ચડી ગઈ અને આજે સંતોષકારક કમાણી કરી રહ્યો છું જેમાં દર વર્ષે સારોએવો વધારો પણ થતો જાય છે.

    પરંતુ, આ બધું એટલે શક્ય બન્યું કારણકે મેં ક્વીટ ન કર્યું. મેં ક્વીટ ન કર્યું તો મને મારા કુટુંબનો સાથસહકાર મળ્યો, મારા કુટુંબનો સાથસહકાર મળ્યો તો મને દેવામાંથી મુક્ત થવાનો અંતિમ તો અંતિમ પણ માર્ગ તો મળ્યો, જો દેવામાંથી મુક્ત થવાનો માર્ગ મળ્યો તો હું મારું તમામ દેવું ચૂકતે કરી શક્યો, જો મારું તમામ દેવું ચૂકતે કર્યું તો મને નવું કામ કરવાનું સુજ્યું અને મને નવું કામ કરવાનું સુજ્યું તો મારી મદદે મિત્રો આવ્યા, મારી મદદે મિત્રો આવ્યા તો મને કામ મળ્યું અને મારી આવક ફરીથી શરુ થઇ અને મારી આવક શરુ થઇ તો એ વધી અને આજે હું ફરીથી મારું પોતાનું ઘર ખરીદ કરી શકવાની પરિસ્થિતિમાં આવ્યો છું.

    એટલે આત્મહત્યા કરીને રણભૂમિ ક્યારેય ન છોડો. જ્યારે બત્રીસ વર્ષની ઉંમરે કૌટુંબિક જવાબદારીઓ સાથે માથે પાંચ લાખનું દેવું હોય ત્યારની માનસિક પરિસ્થિતિ કેવી હોય તે સમજી શકો છો, પરંતુ ક્યારેય મને એ સમયે આત્મહત્યા કરવાનો વિચાર નહોતો આવ્યો. ઉલટું ગમે ત્યાંથી એક અવાજ આવતો કે “થઇ જશે…” ઘરમાં પત્નીને ખબર પડ્યા બાદ તેનું પણ એ જ સ્ટેન્ડ કે “ચિંતા ન કરો, બધું થઇ પડશે.” જેણે મને માનસિક રીતે સતત મજબૂત રાખ્યો. મમ્મીએ પત્ની સાથે ઘરેણા વેંચ્યા એણે મને લડતમાં ટકાવી રાખ્યો અને પિતા જેમણે પોતાની પરસેવાની કમાણીથી ઉભું કરેલું ઘર વેંચીને મને સાવ ચિંતામુક્ત કરી દીધો. અને એ ખાસ વ્યક્તિ તો કેમ ભૂલાય જે આજે પણ પોતાના એક લાખની રાહ નથી જોઈ રહ્યો.

    જો તમે કોઈને, તમારા અંગત વ્યક્તિને નાણા ઉધાર આપ્યા હોય અને જો એ પરત કરવામાં ખાડા કરતો હોય તો મારી તમને પણ એક સલાહ છે. ઉઘરાણી કરો પણ કડક નહીં. અથવાતો એની સાથે એક વખત બેસીને ખુલ્લા દિલે ચર્ચા કરો. કદાચ એની તમારા નાણા પરત ન કરવાની નિયત બિલકુલ નહીં હોય પણ એને બે છેડા ભેગા કરવામાં હાલપૂરતી તકલીફ પડતી હોય એવું બની શકે છે જેમ એક સમયે મારી પરિસ્થિતિ પણ હતી. તો એને તમે વિશ્વાસ અપાવો કે બધું જ સરખું થઇ જશે અને જો શક્ય હોય તો સાવ નાની રકમ પણ પરત કરતો થાય તો છેવટે એનું દેવું ચૂકતે થઇ જાય. યાદ રાખજો તમારો આટલો અમથો સપોર્ટ દેવાના ખાડામાં ખુંપી ગયેલા એ વ્યક્તિને ખૂબ પ્રોત્સાહન આપશે અને તેને આત્મહત્યા કરવાથી દૂર રાખશે.

    એ ચાર વર્ષના અનુભવે હું એટલું શીખ્યો છું કે કોઇપણ પરિસ્થિતિમાં નાસીપાસ ન થવું. જો કે આવું તો બધા જ કહેતા હોય છે પણ એવું શક્ય કેવી રીતે બનાવવું? તો એનો રસ્તો  મારી પાસે એ છે કે કોઇપણ તકલીફ હોય નાની કે મોટી જ્યારે આપણા કાબુમાં એ નહીં રહે એવો અણસાર આવી જાય કે તરત જ તેને અંગત મિત્રો અને કુટુંબ સાથે શેર કરો. બહુ બહુ તો પપ્પા, મમ્મી, ભાઈ, બહેન કે પછી પત્ની બે ચાર કડવા શબ્દો કહેશે પણ છેવટે તો એ ચિંતામાંથી મુક્ત કરવાના રસ્તાઓ તો એ લોકો જ બતાવશે અને એમાં મદદ પણ કરશે.

    એટલે જો જીવશો તો જ મુશ્કેલીઓ દૂર થશે. તમારી તકલીફો અત્યંત નજીકના મિત્રો અને કુટુંબીજનો સાથે શેર કરો, ઘણીવાર એ લોકો પણ તમને મદદ નહીં કરી શકે પરંતુ તમારું હ્રદય જરૂર હળવું થશે જેને લીધે તમારું મગજ પોઝીટીવ વિચારવા માટે સક્ષમ બનશે અને બિલીવ મી, તકલીફ બહુ જલ્દીથી દૂર થઇ જશે.

    છેવટે આ વાંચનાર તમામને  હું એક વચન આપું છું કે એ વ્યક્તિ જેને આજે પણ તેના હું એક લાખ પરત નથી કરી શક્યો એને હવે મારી આર્થિક પરિસ્થિતિ બિલકુલ પાટે આવી જવાને લીધે ધીમે ધીમે કરીને પરત આપી દઈશ. જ્યારે એ દિવસ આવશે ત્યારે ફેસબુક પર તેની જાહેરાત કરીશ આ આર્ટિકલની લિંક સાથે!

    બાકી હરિવંશરાય બચ્ચનનું વાક્ય સદા મમળાવતા રેહવું, “જબ તક જીવન હૈ, સંઘર્ષ હૈ!” પછી એ સંઘર્ષ આર્થિક, સામાજિક અથવાતો ભાવનાત્મક પણ હોઈ શકે છે.

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: અમદાવાદ કે કર્ણાવતી? – કન્ફયુઝન હી કન્ફયુઝન હૈ સોલ્યુશન કા કુછ પતા નહીં!!

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here