ગલી બોય – પેશન કે પ્રોફેશન? બે પ્રશ્નો વચ્ચે અટવાયેલો પર્સન!

    0
    260

    રણવીર સિંગની નવી ફિલ્મ ગલી બોય એ તમામ વ્યક્તિઓનો અવાજ છે જે પોતાના પેશન અને પ્રોફેશન વચ્ચે પસંદગી કરવાનો સંઘર્ષ કરી રહ્યા છે. જાણીએ અને સમજીએ ગલી બોયની ફિલોસોફી.

    Photo Courtesy: zeenews.com

    ગલી બોય જોતી વખતે એક એક દ્રશ્યમાં જાણેકે મારી જ વાર્તા કહેવાઈ રહી હોય એવું લાગી રહ્યું હતું. જો કે ગલી બોય ફિલ્મની વાર્તા ડિટ્ટો મારી જિંદગી સાથે નથી જોડાયેલી પરંતુ તેનો સંદેશ અથવાતો તેનું પોત મારી જિંદગી અને મારા જેવા એવા કરોડો ભારતીયોની જિંદગી સાથે કદાચ જોડાયેલું છે જે પેશન અને પ્રોફેશન વચ્ચે બેલેન્સ બનાવવા માંગે છે. બીજા શબ્દોમાં કહીએ કે પેશનને જ પ્રોફેશન બનાવવાના અઘરા પ્રયાસો કરી રહ્યા છે.

    મારા નાનપણમાં, માતાપિતાઓ (સદભાગ્યે મારા નહીં) બાળકોને કહેતા કે, “ભણ, ભણ નહીં તો તને નોકરી કોણ આપશે?” તો અમુક માતાપિતાઓ તો આજે પણ જાતેજ પોતાના સંતાનોની કરિયર ક્યાં જશે એ નક્કી કરીને બેઠા છે બિલકુલ થ્રી ઈડિયટ્સના આર માધવનના પિતા બનતા પરીક્ષિત સહાનીની જેમ… હજીતો જન્મ થયો છે કે બીજી જ સેકન્ડે કહે છે, “મેરા બેટા એન્જિનિયર બનેગા!!” અલ્યા અમને તો જરા પૂછો, કે અમારે શું બનવું છે?

    પણ એમાં એમનોય વાંક નથી. વાત પોતાના સ્વપ્નો સંતાન પુરા કરે એની પણ નથી. આ આર્ટિકલ વાંચનારા યુવાનો પણ હશે, જરા હ્રદય પર હાથ મૂકીને કહેજો કે શું તમને પણ છેક તમારી યુવાવસ્થામાં જ તમારા પેશન સાથે ઓળખ થઇ હતી કે નહીં? હવે જ્યારે તમને પણ જન્મતાની સાથે કે પછી કિશોરવય સુધી ખબર નથી કે તમને શેનો ગાંડો ‘શોખ’ છે તો માતાપિતાને કેવીરીતે ખબર પડે કે તમારે શું જીવવું છે? શું બનવું છે?

    અને એક્ચ્યુલી તમારો મેળાપ જ્યારે તમારા પેશન સાથે થાય ત્યારે કદાચ ઘણું મોડું થઇ જતું હોય છે. એટલેકે તમે તમારી જિંદગીના એવા બિંદુ પર પહોંચી ગયા હોવ છો કે તમે તમારી કેરિયર નક્કી કરી ચૂકયા હોવ છો અથવાતો તમારા માતાપિતાની ઈચ્છાના પ્રેશર નીચે આવી ગયા હોવ છો. આવામાં જો તમે ગલી બોયના મુરાદ હોવ તો તો વાત પતી ગઈ! એટલેકે એકદમ સામાન્ય પરિસ્થિતિ ધરાવતા હોવ, ગરીબ હોવ તો પછી તમારે પેશનના પ્રેમમાં પડવાને બદલે કોઈએક પ્રોફેશન શોધીને એની સાથે એરેન્જડ મેરેજ કરી લેવા પડે છે.

    ગલી બોય એક પેશનેટ વ્યક્તિના મનમાં ચાલતા આ જ ઘમાસાણની વાત કરે છે. પેશન પેટ નથી ભરાતું, મોટેભાગે, અને એ પણ ભારત જેવા દેશમાં, હજી સુધી. આ જ ફિલ્મમાં કલ્કી કોચલીનનું પાત્ર એવું છે કે જે અમેરિકામાં મ્યુઝિક કોલેજમાં ભણે છે, એટલે સંગીત વિષે ભણીને, પોતાના પેશન વિષે જ્ઞાન મેળવીને એ પોતાના પેશનમાંથી જ બે પૈસા, સોરી બે ડોલર્સ કમાઈ લેશે. આપણે ત્યાં હજી આ બધાની શરૂઆત છે એટલે  હજી પણ કોઈ વ્યક્તિ ગાયન, વાદન કે અદાકારી શીખીને પછી કમાવા જાય એવી કલ્પના કરવી પણ અઘરી છે.

    લાગતું વળગતું: Midnights With મેનકા – સફળતાનું અભિમાન ડૂબતી હોડી જેવું હોય છે

    પરંતુ એ વ્યક્તિનું શું જે પોતાના પેશનને ગલી બોય મુરાદની જેમ જીવવા માંગે છે? એવો વ્યક્તિ જેનો પિતા કોઈ શ્રીમંતને ત્યાં ડ્રાઈવરી કરે છે અને પોતાના પુત્ર માટે પાઈપાઈ ભેગી કરીને તેને ભણાવીને તેને કોઈ સારી નોકરી અપાવવા ઈચ્છે છે એનું શું? એવો પુત્ર જેનો બાપ તેને સ્પષ્ટ કહી દે છે કે “બેટા, આપણે તો આમ જ જીવવાનું છે, ગરીબીમાં…આપણી ઔકાત નથી કે આપણે સ્વપ્ના જોઈ શકીએ!” આવું સઘન બ્રેઈનવોશીંગ જ્યારે નાનપણથી જ થતું હોય ત્યારે આવાઓના દિલમાં રહેલું પેશન પરેશાન થવાને બદલે સીધું પ્રીમેચ્યોર મૌત જ કબુલ કરી લેતું હોય છે.

    આવું દરેક ઉંમરે થતું હોય છે. શરૂઆતમાં ગલી બોય ફિલ્મ મારા જીવન સાથે સંકળાયેલી હોવાનું મેં કહ્યું. મને પણ પેશન અને પ્રોફેશન વચ્ચે જીવવાની ફરજ મારા જીવનના સાડાત્રણ દાયકા જીવી લીધા બાદ પડી હતી. છેક આડત્રીસ વર્ષે ખબર પડી કે “લ્યા મને તો લખતા પણ આવડે છે! અને એ પણ સારું લખતા.” પણ જીવનનો એ તબક્કો એવો હતો કે જ્યાં મોડા મોડા ઓળખાયેલા લેખનના પેશનને જીવવામાં બહુ મોડું થઇ ગયું હતું અને પ્રોફેશનને બે  હાથે પકડીને કૌટુંબિક જવાબદારી નિભાવવાનું પ્રેશર બમણું હતું.

    પણ કદાચ જીવનમાં મોડેમોડે મળેલા પેશનથી જ પ્રોફેશનને ન્યાય આપી શકાશે એવું નસીબમાં લખાયેલું હશે એટલે સદનસીબે પેશને જ મને સારી કમાણી કરી આપતું પ્રોફેશન અપાવ્યું અને ગલી બોય મુરાદથી વિરુદ્ધ મારે ગાડી પાટા પર લાવવા પૂરતો જ સંઘર્ષ કરવો પડ્યો હતો. પણ બધાના નસીબ એવા નથી હોતા. ગલી બોય મુરાદે પણ જોકે તમામ મુશ્કેલીઓ સામે ઝીંક ઝીલી અને એકાદ વખત આમતેમ ભટક્યા બાદ પોતાના પેશનને વળગી રહ્યો અને છેવટે પોતાના માતાપિતાને સંતોષકારક આનંદ અપાવીને એ જ પેશનને પ્રોફેશન બનાવીને જ જંપ્યો!

    ગલી બોય ફિલ્મ એ દરેક વ્યક્તિએ જોવાની જરૂર છે જે પેશન અને પ્રોફેશનના ઝઘડામાં પીસાય છે. ઘણીવાર પેલું કહેવાય છે ને કે આપણે ખજાનો શોધતી વખતે હજારો દરવાજાઓ ખોલ્યા બાદ છેવટે કંટાળીને છેલ્લો દરવાજો જ નથી ખોલતા જેની પાછળ ખજાનો છુપાયેલો હોય છે. એમ પેશનથી જ પ્રોફેશન શોધીશું એવો નિર્ણય લીધા બાદ એક દોઢ વર્ષે કાણી કોડીની પણ કમાણી ન થતા રેગ્યુલર નોકરી તરફ વળી જઈએ છીએ અને કદાચ એ તક ત્યજી દઈએ છીએ જે આપણને આપણા પેશનમાંથી જ લાખો કમાવી આપવાની હતી.

    હવે આ બધામાં વચલો રસ્તો એ નીકળી શકે છે કે, પેશનને પ્રોફેશન બનાવવાની તમારી સ્ટ્રગલ તમે કેટલા વર્ષો સુધી કરવા માંગો છો અથવાતો તેમાં ટકી રહેવા માંગો છો તેની ચર્ચા તમારે તમારા માતાપિતા સાથે ખુલ્લા દિલે કરવી જરૂરી છે. એમ પણ શક્ય છે કે બંને પક્ષોએ નક્કી કરેલો સ્ટ્રગલનો સમય પૂર્ણ થયા બાદ  આપણા જીવનમાં પેશન સાઈડ હિરોનું કામ કરે અને કોઈ પગારદાર પ્રોફેશન જ મુખ્ય ભૂમિકા ભજવશે તેવું આપણે ઉપરથી લખાવીને આવ્યા હોઈએ. તો બે વર્ષ, ત્રણ વર્ષ કે પાંચ વર્ષ સ્ટ્રગલ કર્યા બાદ પણ આપણને મનગમતી નોકરી કે આપણામાં રહેલી કળા આપણને લક્ષ્મીના દર્શન ન કરાવે તો પછી એ કળાને સમય આવ્યે પ્રદર્શિત કરતા કરતા જ એક કમાઉ પ્રોફેશનને સ્વિકારી લેવામાં જ સમજદારી છે કારણકે…

    દુનિયા મેં રહેના હૈ તો કામ કર પ્યારે! હાથ જોડ સબ કો સલામ કર પ્યારે,

    વરના યે દુનિયા જીને નહીં દેગી, ખાને નહીં દેગી પીને નહીં દેગી!

    eછાપું

    તમને ગમશે: સહારા રણ વિસ્તારના લોકોને થયો અભૂતપૂર્વ અનુભવ

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here