લોકસભા 2019: પરિણામો પછી NDAમાં સામેલ થઇ શકે છે એક ક્ષેત્રીય પાર્ટી

0
249
Photo Courtesy: odishasuntimes.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્ઝીટ પોલ્સ અનુસાર ભારે બહુમતીથી ફરીથી વડાપ્રધાન બનવા જઈ રહ્યા હોવા છતાં પરિણામો બાદ NDAમાં સામેલ થવા માટે એક ક્ષેત્રીય પાર્ટી અત્યારથી જ તૈયારી બતાવી રહી છે.

Photo Courtesy: odishasuntimes.com

લોકસભાની 2019ની ચૂંટણીઓના પરિણામો આવવામાં હવે 48 કલાકથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. એક તરફ વિપક્ષો એક્ઝીટ પોલ્સ બાદ પોતાની હારની જવાબદારી EVM અને ચૂંટણી પંચ પર નાખવાની તૈયારી કરી રહ્યું છે તો શાસક NDA માટે એક ખુશખબર આવ્યા છે.

આમ તો લગભગ તમામ એક્ઝીટ પોલ્સ NDA અને નરેન્દ્ર મોદીની ભારે બહુમતીથી સત્તા વાપસીની આગાહી કરી રહ્યા છે પરંતુ તેમ છતાં ચૂંટણી પરિણામો બાદ ઓડિશાથી પણ NDAના કુટુંબમાં એક નવો સભ્ય ઉમેરાય તેવી શક્યતાઓ ઉભી થઇ છે.

ઓડિશામાં વિધાનસભામાં તો નવીન પટનાયકનો પક્ષ બિજુ જનતા દલ (BJD) ફરીથી બહુમતીથી સત્તા મેળવે તેમ એક્ઝીટ પોલ્સ કહી રહ્યા છે પરંતુ લોકસભામાં ભાજપને ઓછામાં ઓછી 8 તો વધુમાં વધુ 19 બેઠકો પણ આ જ એક્ઝીટ પોલ્સ આપી રહ્યા છે.

BJDના પ્રવક્તા અમર પટનાયકે ANIને આપેલી એક મુલાકાતમાં કહ્યું છે કે તેમનો પક્ષ કેન્દ્રમાં જે કોઇપણ પક્ષ સરકાર બનાવવાની સહુથી નજીક હશે તેને સમર્થન આપશે. જો કે પટનાયકે આ માટે એક શરત પણ મૂકી હતી જે અનુસાર આ સમર્થન ઓડીશાના લાંબાગાળાથી નિલંબિત પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ લાવવાનું વચન મળવા પર જ આપવામાં આવશે.

સ્વાભાવિક છે કે વડાપ્રધાન મોદી ખુદ છેલ્લા પાંચ વર્ષમાં ભારતનો વિકાસ જેટલો પશ્ચિમમાં થયો છે તેટલો પૂર્વમાં નથી થયો તેનો હવાલો આપીને ઓડીશા સહીત પૂર્વના તમામ રાજ્યોનો વિકાસ કરવાનું વચન આપી ચૂક્યા છે જે BJDની શરત સાથે બિલકુલ બંધ બેસે છે.

આ ઉપરાંત હાલમાં જ ઓડીશાને નુકશાન પહોંચાડનાર સાયક્લોન ફાની બાબતે મુખ્યમંત્રી નવીન પટનાયકે પહેલા અને પછી ઉઠાવેલા પગલાની ચૂંટણી પ્રચારની વચ્ચે વડાપ્રધાન મોદીએ પ્રશંસા કરી હતી. જેના જવાબમાં નવીન પટનાયકે પણ કેન્દ્ર સરકાર અને નરેન્દ્ર મોદીનો સમયસર અને તેમના દ્વારા માંગવામાં આવેલી તમામ સહાય પૂરી પાડવા બદલ લેખિતમાં આભાર પણ માન્યો હતો.

આમ, જો એક્ઝીટ પોલ્સ થોડા પણ ખોટા પડશે તો પણ NDA માટે BJD તરફથી આવેલા સંકેત તેને સરકાર બનાવવામાં જરૂર મદદરૂપ બનશે તે સ્પષ્ટ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here