ભૌગોલિક પરિવર્તન: નવા ગામડાઓના સમાવેશ સાથે ગુજરાતના શહેરોનું કદ વધશે

0
255
Photo Courtesy: ahmedabadtourism.in

ગુજરાતના શહેરોનો તેમજ ગામડાઓનો વ્યવસ્થિત વહીવટ કરવા માટે ગુજરાત સરકારે રાજ્યના મુખ્ય શહેરોનું કદ વધારવાનો નિર્ણય કર્યો છે જેનાથી રાજ્યના ચારેય મહાનગરોનો વિસ્તાર વધશે.

Photo Courtesy: ahmedabadtourism.in

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 2011ની વસ્તીગણતરી અનુસાર ગુજરાતના તમામ શહેરોનું કદ વધારવામાં આવશે. આ માટે આ શહેરોમાં નવા ગામડાઓ ઉમેરવામાં આવશે.

અમદાવાદ ટાઈમ્સમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર રાજ્યનું શહેરી વિકાસ બોર્ડ અગાઉ 2009-2014 દરમ્યાન પણ શહેરોમાં નવા ગામડાઓ ઉમેરવા અંગે દબાણમાં હતું પરંતુ હવે આ અંગેનો આધિકારિક નિર્ણય લઇ લેવામાં આવ્યો છે. ગયા વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તેના સહુથી મોટા ન્યૂ વેસ્ટ ઝોનને બે ભાગમાં વહેંચી નાખવામાં આવ્યો હતો.

અગાઉ આ ઝોન જેનો ભૌગોલિક વિસ્તાર શહેરના ત્રીજા ભાગ જેટલો હતો તેમાં લગભગ 9.22 લાખ લોકોની વસ્તી હતી. હવે બે ઝોન થતા આ વસ્તીને બંને ઝોનમાં એકસરખી વહેંચી દેવામાં આવી છે. રાજ્ય સરકારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2011ની વસ્તીગણતરી અનુસાર નવી ગ્રામ પંચાયતો ઉમેરવાની કામગીરી હાથ ધરી છે.

આ પ્રક્રિયામાં આઉટ ગ્રોથ અને સેન્સસ ટાઉન્સ એમ બે આધારોને ધ્યાનમાં રાખીને નવી ગ્રામ પંચાયતો ઉમેરવામાં આવશે. જો અમદાવાદનું ઉદાહરણ લઈએ તો આઉટ ગ્રોથના આધારે 46 નવા ગામડાઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ઉમેરવામાં આવશે અને 10 ને સેન્સસ ટાઉન્સને આધારે ઉમેરવામાં આવશે. આ ગામડાઓમાં ગાંધીનગર અને સાણંદની આસપાસના ગામડાઓનો સમાવેશ થાય છે.

રાજકોટમાં પણ અત્યારસુધી કોર્પોરેશનની હદમાં હોવા છતાં જે-તે ગ્રામ પંચાયતો દ્વારા જેનો વહીવટ ચાલે છે તેવા જામનગર રોડ પરના માધાપર અને ઘંટેશ્વર તેમજ કાલાવડ રોડ પર આવેલા મોટા મૌવાનો વહીવટ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપી દેવામાં આવશે. અત્યારસુધી આ તમામ ગ્રામ પંચાયતોના સરપંચો તેમના વિસ્તારોને કોર્પોરેશનની હદમાં સમાવવાનો વિરોધ કરી રહ્યા હતા.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પણ 13 ગામડાઓને પોતાની હદમાં સામેલ કરવાનું વિચારી રહ્યું છે. જેમાં ઉંડેરા, ભાયલી અને દેના મહત્ત્વના છે. આ તમામ ગ્રામ પંચાયતો શહેરની હાલની હદની આસપાસ રહેલી છે.

આ ઉપરાંત વાપી અને ગાંધીધામને પણ શહેરનું સ્ટેટ્સ આપવા અંગે ગંભીર વિચારણા કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ તમામ પ્રક્રિયા 2020માં થનારી મહાનગરોની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ અગાઉ પૂર્ણ કરી દેવામાં આવશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here