ગયા અઠવાડિયે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં RSSનું ત્રણ દિવસીય મંથન આયોજીત કરવામાં આવ્યું હતું. આ મંથન દરમ્યાન CAA અંગે પણ વિચાર કરવામાં આવ્યો હતો અને બાદમાં તેના અંગે RSS નું વલણ સ્પષ્ટ થયું હતું.

ઇન્દોર: છેવટે રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા નાગરિકતા સુધારા કાયદા (CAA) અંગે વલણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. RSS એ મોદી સરકારને CAA મામલે પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે અને વિપક્ષી પાર્ટીઓના વિરોધની આકરી ટીકા કરી છે.
ઇન્દોરમાં 5 થી 7 જાન્યુઆરી દરમ્યાન RSSનું ત્રણ દિવસીય મંથન ચાલ્યું હતું જેમાં સહસર સંચાલક મોહન ભાગવત તેમજ સંઘના જનરલ સેક્રેટરી ભૈયુજી જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મંથન દરમ્યાન RSS એ જણાવ્યું હતું કે CAA પર તેનું સરકારને ‘100% સમર્થન’ છે અને આ કાયદો હિંદુઓની રક્ષા માટે એક જરૂરી પગલું છે અને તે અન્ય કોઇપણ ધર્મના લોકો સાથે ભેદભાવ કરતું નથી.
પોતાના મંથનમાં RSS એ પણ જાણ્યું હતું કે CAAને ભારતની બહુમતિ પ્રજાનું સમર્થન છે. RSS નું કહેવું હતું કે હાલમાં જે CAA વિરુદ્ધ જે પ્રદર્શનો થઇ રહ્યા છે તેને સત્ય સાથે કોઈજ સંબંધ નથી. CAA બિલકુલ પણ મુસ્લિમ વિરોધી નથી અને તેના વિષેની સાચી માહિતી લોકો સમક્ષ વિપક્ષો જાણીજોઈને બહાર નથી લાવી રહ્યા.
RSS એ CAA વિરુદ્ધના પ્રચારને મુસ્લિમોને ગેરમાર્ગે દોરવા માટે અગાઉથી વિચારીને નક્કી કરવામાં આવેલો કાર્યક્રમ ગણાવ્યો હતો. સરકારે કેટલાક તત્વો દ્વારા આ મુદ્દે હિંસા ફેલાવવામાં આવી રહી છે તેના વિરુદ્ધ કડક હાથે કામ લેવું જોઈએ તેમ પણ RSS ના મંથન બાદ કહેવામાં આવ્યું હતું.
eછાપું