જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી આતંકવાદીઓ પર ભારતીય સેનાએ જબરદસ્ત ભય ઉભો કરી દીધો છે અને કુલ 18 આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો છે.

શ્રીનગર: છેલ્લા 8 દિવસથી ભારતીય સેનાના આક્રમક ઓપરેશને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓની કમર તોડી નાખી છે. ગત 24 કલાકમાં જ ભારતીય સેનાના જવાનોએ કુલ 9 આતંકવાદીઓને ઠાર માર્યા છે.
સેનાની આ આક્રમક કાર્યવાહીથી તેને તો મોટી સફળતા મળી જ છે પરંતુ પાકિસ્તાનમાં બેઠા આતંકવાદી જૂથોને એક મોટો ઝાટકો પણ લાગ્યો છે. આજે સવારે સુરક્ષા દળોને શોપિયાંમાં એક મોટી સફળતા મળી હતી જેમાં એક એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓ ઠાર મરાયા હતા.
એન્કાઉન્ટરના સ્થળ પરથી સુરક્ષા દળોને મોટી સંખ્યામાં હથિયાર પણ મળ્યા છે. ગત 24 કલાકમાં કુલ 9 આતંકવાદીઓ મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા તે તમામ શોપિયાંમાં જ મરાયા છે.
કહેવાય છે કે આ મોટી કાર્યવાહી તેમજ સફળતાને કારણે શોપિયાં જીલ્લો હવે લગભગ આતંકવાદ મુક્ત થઇ ગયો છે. રવિવારે સુરક્ષા દળોએ શોપિયાંમાં હિઝબુલ મુજાહિદ્દીનના શિર્ષ કમાન્ડર સહીત પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
જ્યારે આજે સવારની ઘટના જંગલના વિસ્તારમાં બની હતી જ્યારે આતંકવાદીઓ સેનાની ઉપસ્થિતિથી ગભરાઈને ભાગી રહ્યા હતા. આ સમયે સેનાના જવાનોએ તેમને લલકાર્યા હતા પરંતુ આતંકવાદીઓ એ જવાનો પર ગોળી ચલાવી હતી અને જવાબમાં સેનાએ પલટવાર કરતા ચાર આતંકવાદીઓ ઠાર મરાયા હતા.
ભારતીય સેનાના લેફ્ટનન્ટ જનરલ બી એસ રાજુએ જણાવ્યું હતું કે હાલની ઘટનાઓને કારણે અહીંના આતંકવાદીઓમાં નિરાશા વ્યાપ્ત થઇ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
લેફ્ટનન્ટ જનરલ રાજુનું કહેવું છે કે હવે આ આતંકવાદીઓને અહીંના સ્થાનિક લોકોનું સમર્થન મળવાનું બંધ થઇ ગયું હોવાથી તેઓ તેમનેજ ટાર્ગેટ બનાવી રહ્યા છે. હવે બહુ ઓછી સંખ્યામાં કાશ્મીરી યુવાનો આતંકવાદનો રસ્તો અપનાવી રહ્યા છે.
હાલમાં જેટલા પણ આતંકવાદીઓ ખીણમાં ઠાર મરાયા છે તે તમામ પાકિસ્તાની હતા જે એ બાબતનો સંકેત છે કે કાશ્મીરી યુવાનો હવે પોતાના માટે બહેતર ભવિષ્યની કામના કરી રહ્યા છે.
eછાપું