આ વર્ષથી સરદાર પટેલનો જન્મ દિવસ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવાશે

    0
    371

    ભારત સરકારે આ વર્ષથી સરદાર પટેલના જન્મ દિવસને દેશમાં રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા અને તેને મજબૂત બનાવવા માટે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. કેન્દ્ર સરકારની એક આધિકારિક જાહેરાતમાં સરદાર પટેલને ‘ભારતીય ગણતંત્રના પિતા’ તરીકે નવાજવામાં આવ્યા છે. આ જાહેરાત અનુસાર તેમના જન્મ દિવસને દેશની એકતા, અખંડતા અને સુરક્ષાને મજબૂત બનાવવાના પ્રયાસ રૂપે મનાવવામાં આવનાર હોવાનું પણ જણાવાયું છે.

    આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે દેશની રાજધાની નવી દિલ્હીમાં સવારે 8 થી 9 દરમ્યાન ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટેલ ચોક ખાતે સરદાર પટેલને પુષ્પોથી શ્રદ્ધાંજલિ આપશે અને ત્યાં હાજર રહેલા તમામ પાસે રાષ્ટ્રીય એકતાની પ્રતિજ્ઞા લેવડાવશે. ત્યારબાદ વડાપ્રધાન ‘રન ફોર યુનિટી’ દોડને ઝંડી દેખાડશે.

    આ ઉપરાંત દેશના તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ રાજ્ય સ્તરે રાષ્ટ્રીય એકતા ઉજવવાનું કહેવામાં આવ્યું છે. આ સમારંભો જે-તે રાજ્યની રાજધાનીઓમાં ઉજવવામાં આવશે અને તેનું આયોજન કેન્દ્રીય યુવા મામલા અને સ્પોર્ટ્સ મંત્રાલયની દેખરેખમાં કરવામાં આવશે. મંત્રાલય સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને વિવિધ કાર્યક્રમો આયોજીત કરશે. કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયોમાં પણ આ દિવસે વિશેષ આયોજન કરવામાં આવશે.

    કેન્દ્ર સરકારના અન્ય મંત્રાલયો જેવા કે સ્ટીલ, પાવર, લેબર, ટુરીઝમ, હાઉસિંગ અને શહેરી વિકાસ પણ જે-તે શહેરોમાં અને સંસ્થાઓમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ખાસ આયોજન કરી ચૂક્યા છે. તો  રેલવે મંત્રાલય દેશભરના 1,500 જેટલા રેલવે સ્ટેશનો પર ખાસ કાર્યક્રમો આયોજીત કરશે.

    સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સીઝ (CAPFs) અને દિલ્હી પોલીસ તેમના મેદાનો પર 31 ઓક્ટોબરે સરદાર પટેલનો જન્મ દિવસ ઉજવવા માટે ખાસ માર્ચ પાસ્ટનું આયોજન પણ કરવાના છે. CAPFs દેશભરના તમામ રાજ્યોમાં આ પ્રકારની માર્ચ પાસ્ટ આયોજીત કરશે. તો વિદેશોમાં રહેલી ભારતની એમ્બેસીઝ અને મિશન ઓફિસોમાં પણ આ દિવસે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

    31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મતિથીની સાથે જ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પણ આવે છે. 1984માં આ જ દિવસે ઇન્દિરા ગાંધીની તેમના બોડીગાર્ડ્સ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ વર્ષો સુધી વિવિધ સરકારોએ ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિને વધુ મહત્ત્વ આપ્યું હતું. હવે પહેલીવાર સરદાર પટેલને તેમના જન્મ દિવસે યાદ કરવા આટલા મોટા પાયે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here