પેડમેન: ભારતની સ્ત્રીઓ ત્યારે જ આઝાદ ગણાશે જ્યારે …

0
355
Photo Courtesy: hindustantimes.com

પેડમેન વિષે ઘણું લખાઈ ગયું છે અને બોલિસોફીમાં આપણે કોઈ ફિલ્મનો રિવ્યુ નથી કરતા પરંતુ ફિલ્મમાં છુપાયેલો અથવાતો પ્રગટ સંદેશ વિષે જ ચર્ચા કરતા હોઈએ છીએ. એટલે આ આર્ટિકલને પેડમેનનો રિવ્યુ સમજવાની ભૂલ ન કરશો અને આગળ જરૂર વાંચજો.

Photo Courtesy: hindustantimes.com

ક્યારેક એમ કહેવાતું કે ભારતમાં બે ભારત વસે છે. એ સમયે ગ્રામીણ અને શહેરી ભારતના સંદર્ભમાં આમ કહેવાતું. આજે પણ આપણે એમ કહી શકીએ કે ભારતમાં બે ભારત વસે છે, પરંતુ તેનો સંદર્ભ બદલાઈ ગયો છે. એક ભારત એવું છે જે ડિજિટલ ઇન્ડિયાની વાતો જ નથી કરતું પરંતુ તેને અપનાવી પણ ચૂક્યું છે. જ્યારે બીજું ભારત એ છે જે આ ડિજિટલ ઇન્ડિયાનો ‘ડ’ પણ નથી જાણતું અથવાતો જાણવા માંગતું નથી. પેડમેન આ બીજા પ્રકારના ભારતની વાત કરે છે.

ફિલ્મમાં આમ તો ગત દાયકાની વાત કરવામાં આવી છે પણ જો શાંતિથી વિચારીએ તો એવું જરૂર લાગે કે આજે પણ ભારતનો ઘણોખરો હિસ્સો માસિક વિષે એ જ માનસિકતા ધરાવે છે જે આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. એક પતિ પોતાની પત્નીને એટલું બધું વ્હાલ કરે છે કે એના માસિકસ્ત્રાવના પાંચ દિવસ દરમ્યાન એની સ્વચ્છતા જળવાઈ રહે એ માટે એ ઉપરથી નીચે થઇ જાય છે પરંતુ તેમ છતાં પત્ની માટે એ ત્રાસરૂપ બની જાય છે.

આ પણ આશ્ચર્ય પમાડે તેવી વાત છે કારણકે સામાન્ય રીતે પત્ની પોતાનો પતિ પોતાનું અત્યંત ધ્યાન રાખે એની સંભાળ લે એવી ઈચ્છા રાખતી હોય છે, પણ જ્યારે પતિ આવું કરે ત્યારે એને એ ન ગમે એટલુંજ નહીં પરંતુ ઘર છોડીને જતી રહે એવું કેવું? આ પાછળનું કારણ અમુક પ્રકારના ‘સંસ્કાર’ આપણી કન્યાઓને ગળથુથીમાં જ આપી દેવામાં આવ્યા છે. માસિક સમયની સ્વચ્છતાને દૂર રાખવામાં મદદ કરવાને બદલે આપણી કન્યાઓને આપણે આપણાથી દૂર કરી દઈએ છીએ.

ખરેખર તો જે એક કપડાને વારંવાર ધોઈને ફરીથી વાપરવામાં આવે છે એ કોઇપણ સ્ત્રીના આરોગ્ય માટે અત્યંત હાનિકારક છે પરંતુ આપણી સંસ્કૃતિ તેને જ એક માત્ર આશિર્વાદ માને છે. વળી ઋતુચક્રમાં આવેલી સ્ત્રીને કોઈ અડી શકે નહીં અને એના માટે અલગ જ રૂમ રખાય અને એ પાંચ પાંચ દિવસ એકલી રહે એ કદાચ આજના યુવાનોને માનવામાં ન આવે એવું બને પરંતુ આ હકીકત આજે પણ ભારતના ઘણા પરિવારોમાં જોવા મળે છે.

આ તો થઇ પરિવારની અંદરની વાત, પરંતુ બહાર પણ આપણે માસિકધર્મ પાળતી સ્ત્રીઓ સાથે કેવો વ્યવહાર કરીએ છીએ? કોઈ ધાર્મિક (આ શબ્દ નોંધી રાખજો) પ્રસંગ હોય તો એણે એ ધાર્મિક કાર્ય ભલે પછી એ યજ્ઞ હોય કે પછી કથા, તેનાથી અસંખ્ય ફૂટ દૂર બેસવાનું, જાણેકે એના યજ્ઞની વેદી પાસે આવવાથી એ વેદી અભડાઈ જવાની હોય. નવરાત્રી હોય તો માતાજીની આરતી દૂરથી જ નિહાળવાની અને ગરબામાં તો ભાગ લેવાનો જ નહીં.

માતાજી એટલેકે એક સ્ત્રીની આરાધનામાં જ એક સ્ત્રી સાથે આવો દૂર્વ્યવહાર? બાત કુછ હજમ નહીં હુઈ. અને એવું જરાય ન માનતા કે સ્ત્રીઓ સાથે આવો વ્યવહાર માત્ર ગ્રામીણ વિસ્તારોમાં કે પછી નાના શહેરોમાં જ થાય છે, મોટા અને મેટ્રો સિટિઝમાં નજર સમક્ષ જોયું છે. હદ તો ત્યારે થાય જ્યારે એક સ્ત્રી જ બીજી સ્ત્રીને જે માસિકનો અનુભવ કરતી  હોય ત્યારે એને પ્રસાદ ઉંચેથી આપે.

પેડમેનમાં તો ગંદા કપડાને બદલે સેનેટરી નેપકીન વાપરવાની સલાહ આપવામાં આવી હતી જેથી સ્વચ્છતા રહે. પરંતુ ઉપર જે વ્યવહાર સ્ત્રીઓ સાથે કરવામાં આવે છે એ સ્ત્રીઓતો સેનેટરી નેપકીન ધારણ પણ કરતી હોય છે તેમ છતાં તેમને અસ્વચ્છ જ ગણવામાં આવે છે. આ એક જબરો વિરોધાભાસ છે. અલબત સેનેટરી પેડ સ્ત્રીઓના આરોગ્ય માટે જરૂરી છે અને એનો વપરાશ થવો જ જોઈએ, પરંતુ આમ કરવા છતાં પણ જો તેને હજી પણ અછૂત જ ગણવામાં આવે તો પછી સેનેટરી પેડનો કોઈ અર્થ સરે ખરો?

હિન્દુ હોવાથી સ્ત્રીઓ પ્રત્યે થતા ધાર્મિક અન્યાયોની મને વધારે જાણ છે. આવું અન્ય ધર્મોમાં પણ હશેજ. શનિદેવના મંદિરમાં કે પછી કેરળના શબરીમાલા મંદિરમાં સ્ત્રીઓના પ્રવેશ પ્રતિબંધ પાછળ પણ આ જ પ્રકારની માનસિકતા હતી જેને સુપ્રીમ કોર્ટે યોગ્યરીતે જ હટાવી દીધો હતો.

મારા અંગત મતે અને પેડમેન જોયા પછી આ મત વધારે મજબૂત બન્યો છે કે જ્યાંસુધી ભારતની સ્ત્રીઓને માસિક સમય દરમ્યાન પણ ગમેતે સ્થળે ગમેત્યારે જવાની આઝાદી નહીં મળે ત્યાંસુધી તેને સંપૂર્ણ આઝાદી ક્યારેય નહીં મળે.

ટીટબિટ્સ:

“જે પુરુષ પોતાના હ્રદયમાં એક સ્ત્રીનું હ્રદય ધરાવે છે એ સ્ત્રીઓની સમસ્યાને આસાનીથી સમજી શકે છે.”

પેડમેનના એક સંવાદનો સાર.

૨૦.૦૨.૨૦૧૮, મંગળવાર

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here