કબીર સિંગ: ફિલ્મને માત્ર ફિલ્મ જ રહેવા દઈએ તો કેવું સારું?

0
170
Photo Courtesy: news18.com

શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંગ પર સોશિયલ ભાતભાતના રિવ્યુ અને આરોપો લગાડવામાં આવ્યા છે. આ આરોપો તરફ કેટલું ધ્યાન આપવું જોઈએ કે ન આપવું જોઈએ તે અંગે ફિલ્મોનો મૂળ હેતુ શું છે તેને ધ્યાનમાં રાખીને જાણીએ.

લેખ વાંચવાની શરૂઆત કરો તે પહેલા જ એક સ્પષ્ટતા કરી દઉં કે આ લેખ લખનારે અનિવાર્ય સંજોગોને લીધે ફિલ્મ કબીર સિંગ જોઈ નથી અને વ્યસ્ત કાર્યક્રમને કારણે આવનારા દિવસોમાં જોવાની તક પણ મળવાની નથી. પરંતુ સોશિયલ મિડીયામાં કબીર સિંગના એટલા બધા રિવ્યુ આવી ગયા છે જેમાં સ્પોઈલર્સ સહીત રિવ્યુ સામેલ છે તે જોઇને એવું લાગે છે કે થિયેટરમાં કબીર સિંગ જોવાની જરૂર નથી.

આ બધા રિવ્યુઝ વાંચીને જેટલું સમજાયું છે તે એમ છે કે કબીર સિંગ નામનો યુવાન એટલેકે શાહિદ કપૂર એક અલગ રીતે તેની પ્રેમિકાને પ્રેમ કરે છે. આ પ્રેમ પરપીડનવૃત્તિ પર આધારિત છે અથવાતો બીજા શબ્દોમાં એમ કહી શકાયકે પ્રેમી અથવાતો પ્રેમિકા જાણેકે પોતાની સંપત્તિ હોય એ રીતે તેનો ઉપયોગ કરીને તેને પ્રેમ કરે છે. પણ પ્રેમ કરે છે ખરો.

જ્યારે આ પ્રકારનો પ્રેમ કોઈ વ્યક્તિ કરતો હોય ત્યારે તેનું પરિણામ નાની મોટી હિંસામાં પરિણમે એ શક્ય છે જ. પછી તેમાં પોતાના પ્રેમી અથવાતો પ્રેમિકાની મારપીટ કરે કે પછી ચાકુના ઘા મારવા જેવા બનાવો બને તે પણ સામેલ છે. અને આ બધી વસ્તુઓ કબીર સિંગમાં જોવા  મળે છે એટલું પણ છેલ્લા એક અઠવાડિયામાં સમજાયું છે.

હવે મુદ્દા પર આવીએ. ઘણા લોકપ્રિય પત્રકારોએ તેમજ રિવ્યુકારોએ ફિલ્મમાં અતિશય મિસોજીની (misogyny) એટલેકે સ્ત્રી પ્રત્યે પૂર્વગ્રહિત ઘૃણા ભારોભાર હોવાનું કહીને તેને ઉતારી પાડી છે. તો કેટલાક સમાજની વધારે પડતી ચિંતા કરતા વ્યક્તિઓએ આ ફિલ્મની ‘દેશના યુવાનો પર કેવી અસર પડશે?’ એવું કહીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.

ફિલ્મોની સમાજ પર ખરાબ અસર પડે છે એવું નાનપણથી જ સાંભળવામાં આવ્યું છે. તો બીજી તરફ ફિલ્મો એ સમાજનો જ અરીસો છે આથી સમાજમાં જે બને છે એ જ ફિલ્મોમાં દેખાડવામાં આવે છે આવી વાત પણ વર્ષોથી કાને અથડાયા કરે છે. પહેલી વાત સમાજના ચિંતકો કરતા હોય છે અને બીજી વાત ફિલ્મકારો અને અભિનેતા, અભિનેત્રીઓ વગેરે કરતા હોય છે.

જો તટસ્થતાથી જોવા જઈએ તો આ બંને વાતો સિક્કાની બે બાજુ છે. જો પહેલી બાજુને ધ્યાનમાં રાખવામાં આવે તો ફિલ્મોની ખરાબ અસર સમાજ પર ત્યારે પડે જ્યારે સમાજમાં જીવતા મોટાભાગના લોકો ફિલ્મોની નકારાત્મકતાને જ સ્વીકારે અને તેમાં રહેલી હકારાત્મકતા સ્વીકારવાનો સદંતર ઇનકાર કરી દે. જો એ જ સિક્કાની બીજી તરફ જોવામાં આવે તો ઘણી એવી ફિલ્મો છે જેમાં હિંસા, અત્યાચાર વગેરે એક હદથી વધુ દેખાડવામાં આવી છે અને જેની હદને સ્પર્શ કરવામાં સમાજ પણ કદાચ પાછો પડે.

ઘણી એવી ફિલ્મો છે જેમાં હકારાત્મક સંદેશ છુપાયેલો હોય છે, પરંતુ તેને સ્વીકારીને તેના પર અમલ કરનારા કેટલા? જો એવું જ હોય તો શું ફિલ્મની માત્ર નકારાત્મકતાને જ સ્વીકારનારાઓની સમાજમાં બહુમતી છે એવું આપણે બધાએ માની લેવાનું? જો આ પ્રકારના લોકો વધુ હોય તો એમ થવાની જવાબદારી કોની? ફિલ્મોની કે તે લોકોને માનસિક રીતે મજબૂત ન કરી શકનારા સમાજની?

ફિલ્મોમાં ઘણીવાર હકારાત્મકતા સીધેસીધી દેખાતી હોય છે તો ઘણીવાર તે છુપાયેલી હોય છે અને તેને આપણે ખોદીને બહાર કાઢવાની હોય છે. આવી જ એક પ્રણાલી આપણે eછાપું પર ચલાવી રહ્યા છે જેમાં સમયાંતરે હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં રહેલી હકારાત્મકતાને શોધીને બોલિસોફી વિભાગમાં પ્રસ્તુત કરવામાં આવે છે.

વસ્તુ એવી છે કે ફિલ્મ એ મનોરંજનનું સાધન પહેલા છે અને શિક્ષાનું પછી. ઘણા ફિલ્મકારો ફિલ્મમાં કોઇનેકોઇ સામાજીક સંદેશ આપવાનું કાર્ય કરતા જ હોય છે પરંતુ તેમ છતાં ફિલ્મોનો મૂળ હેતુ મનોરંજન આપવાનો જ છે, જો એમ ન હોત તો આજે પણ બોરિંગ અને એકતરફી જોક ધરાવતી પેરેલલ સિનેમાની ફિલ્મો અસ્તિત્વમાં હોત જ. શિક્ષણ માટે કે જ્ઞાન માટે બોલિવુડ ફિલ્મો કરતા ડોકયુમેન્ટરી જોવી વધુ સલાહભર્યું છે.

આજે, અક્ષય કુમારની ફિલ્મો જેવી કે ‘ટોઇલેટ એક પ્રેમકથા’ કે પછી ‘પેડમેન’મનોરંજન સાથે સામાજીક શિક્ષણ પણ પીરસે છે. પરંતુ એ સમયે કબીર સિંગને સ્ત્રી વિરોધી ફિલ્મ ગણાવતા જ કેટલાક ક્રિટીક્સ તેને સરકારી એજન્ડા ધરાવતી ફિલ્મો કહીને પોતાના રિવ્યુમાં તેની મશ્કરી કરતા હોય છે.

હવે આવીયે કબીર સિંગમાં રહેલી સ્ત્રી વિરોધી હિંસા પર. ફિલ્મ જોઈ ન હોવાથી આ પ્રકારની હિંસા કયા સ્તર સુધીની હશે તેની માત્ર કલ્પના જ કરવી રહી. પરંતુ આવું ન હોવું જોઈએ એમ કહીને આવું સમાજમાં નથી થતું હોતું તે હકીકતને નકારી ન શકાય. અથવાતો કોઇપણ છોકરીને આવો પ્રેમી ન ગમે એ હવે આધુનિક બની ચુકેલા ભારતમાં જરા વધુ પડતું છે. અરે! ઘણા ઘરોમાં પતિ પત્નીને થકવી નાખે એ હદે મારે છે અને પછી બંને એકબીજાના મોઢામાં કોળિયા ભરાવતા હોય એવા કિસ્સાઓ આપણે નથી જોયા?

ઈન્ટરનેટનો વ્યાપ ભારતમાં એટલો બધો વ્યાપક છે કે પોર્ન હવે પહેલા કરતા વધુ માત્રામાં હાથવગું છે. કોઇપણ પોર્નોગ્રાફિક વેબસાઈટમાં પરપીડનવૃત્તિ ધરાવતા પ્રેમનો એક અલગ વિભાગ હોય છે. ભારતમાં ઈન્ટરનેટના વ્યાપથી આ પ્રકારની માનસિકતા પણ ફેલાઈ છે જ એને નકારી ન જ શકાય અને તે સ્ત્રી પુરુષ બંનેમાં છે. કદાચ કબીર સિંગ અપડેટ થયેલા આ આધુનિક ભારતની જ છબી દેખાડતો હોય તો નવાઈ નહીં. હા, આ પ્રકારે પોતાના જ પ્રેમ પાત્રને પીડા આપીને પ્રેમ કરવો એ સાચો કહેવાય કે ખોટો તે વ્યક્તિગત નિર્ણય હોઈ શકે.

ભારતમાં શાહરૂખ ખાનની શરૂઆતની સફળતા આ જ પ્રકારે પોતાના એકતરફી પ્રેમને લીધે અને પોતાના પ્રેમ પાત્રને શારીરિક અને માનસિક પીડા આપતી ફિલ્મોમાં તેણે કરેલા અભિનયને જ આભારી છે. ‘ડર’ એ શાહરૂખ ખાનની અત્યારની કેરિયરનું લોન્ચ પેડ હતું જેની આપણને બધાને ખબર છે.  ડરથી પણ ચાર ચાસણી ચડે એવી અરબાઝ ખાનની ફિલ્મ ‘દરાર’ હતી જેમાં તેણે જુહી ચાવલાને એ સમયે પણ વ્યક્તિ હક્કો બક્કો થઇ જાય એ રીતની પીડા આપી હતી અને એ પણ માત્ર સ્વામિત્વ ધરાવતા પ્રેમને લીધે.

તો રામગોપાલ વર્માની ફિલ્મ ‘પ્યાર તુને ક્યા કિયા’ એ માલિકીપણું ધરાવતા પ્રેમ પર માત્ર પુરુષોનો જ અધિકાર નથી પણ સ્ત્રીઓ પણ તેમાં એટલી જ એક્ટીવ છે એ દેખાડ્યું હતું. સાવન કુમારની ‘ખલનાયિકા’ પણ આ જ પ્રકારની કથા આગળ વધારે છે. ટૂંકમાં કહીએ તો બોલિવુડમાં કબીર સિંગ પ્રકારના પાત્રો અગાઉ આવી ચૂક્યા છે, સ્ત્રી અને પુરુષ બંને ભાતમાં આવી ચૂક્યા છે અને ભરપૂરમાત્રામાં આવી ચૂક્યા છે જેથી અત્યારે લોકોને કેમ આટલો બધો આઘાત લાગ્યો છે એ જોઇને જરા આશ્ચર્ય થાય છે.

સાચું કહીએ તો કબીર સિંગ એક મહિનો જૂની થશે એટલે આ બધું ભુલાઈ જશે. કારણકે ફિલ્મોની સમાજ પર સારી કે ખરાબ અસર પડવી એ વ્યક્તિગત મામલો છે. મારો પોતાનો દાખલો આપું તો માત્ર દોઢ વર્ષની ઉંમરથી ફિલ્મો જોવું છું અને દરેક પ્રકારની ફિલ્મો જોવું છું પરંતુ એ ફિલ્મોમાંથી શું સ્વીકારવું અને શું અવગણવું એ બરોબર આવડી જતા આજે પણ ભારતનો સારો નાગરિક બની રહ્યો છું.

રહી વાત મીસોજીનીની તો ફિલ્મ ભલે મીસોજીનીની વાત કરતી હોય પરંતુ તે એનો પ્રચાર કરે છે અને દેશનો યુવાન એ જોઇને ગેરમાર્ગે દોરાઈ જશે એ માનવું અત્યંત ભૂલભરેલું હશે. આ એક ફિલ્મ છે મનોરંજનનું સાધન છે, બે અઢી કલાક જુઓ આનંદ માણો, આનંદ ન આવે તો ટીકા કરો, ઘરે જાવ અને ભૂલી જાવ. આવું આપણે કદાચ ન કરતા હોઈએ તો દેશના કરોડો નાગરીકો તો કરતા જ હોય છે અને તેથી જ પરપીડનવૃત્તિ ધરાવતા પ્રેમીઓની સંખ્યા દેશમાં હોવા છતાં ઓછી છે.

આ ઉપરાંત ફિલ્મ જોતા અગાઉ મનની સ્લેટ સાવ કોરી રાખી દેવી જેથી કોઇપણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર જોવાતી ફિલ્મ તમને મનોરંજન કરાવશે જ. ટ્રેલર જોઇને ફિલ્મ હોવાનો અંદાજ બાંધો પરંતુ કોઈ પ્રકારનો નિર્ણય ન લ્યો અને છેલ્લે આ રિવ્યુકાર સહીત અન્ય કોઇપણ રિવ્યુકારનો રિવ્યુ વાંચીને ફિલ્મ જોવા કે ન જોવાનો નિર્ણય ન લ્યો.

ફિલ્મ એ માત્ર મનોરંજનનું સાધન છે તેમ છતાં જો તેમાં કોઈ  હકારાત્મક સંદેશ હોય તો તેને જરૂર સ્વીકારો અને નકારાત્મકતાને અવગણો. આટલું તો આપણે કરી જ શકીએને?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here