2.0 – વિકાસની ટેક્નોલોજી કુદરત માટે હાનીકારક, તો ઉપાય શું?

0
416
Photo Courtesy: timesofindia.indiatimes.com

સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમારની એક જબરદસ્ત ફિલ્મ 2.0 હમણાં જ રિલીઝ થઇ. રજનીકાંત એક એવા અદાકાર છે જેમની ફિલ્મોમાં લગભગ સંદેશ નથી હોતો પરંતુ મનોરંજન ભરપૂર હોય છે. જ્યારે અક્ષય કુમાર આજકાલ દેશને મદદરૂપ થાય એવા સંદેશાઓ આપતી ફિલ્મો સતત કરી રહ્યા છે. 2.0 એ આ બંને અદાકારોના મૂળ હેતુઓનું અદભુત મિશ્રણ છે.

Photo Courtesy: timesofindia.indiatimes.com

પરંતુ બોલિસોફીમાં તો આપણે ફિલ્મનો રિવ્યુ નથી કરતા અને તેની જગ્યાએ જે તે ફિલ્મમાં રહેલા સંદેશ કે પછી તેની ફિલોસોફીને પકડીને આપણા બધાની નજર સમક્ષ લાવવાની કોશિશ કરીએ છીએ. સદભાગ્યે આજકાલ જ્યારે બોલિવુડની ફિલ્મોમાં મનોરંજનને અને કરોડોની કમાણીને વધુ મહત્ત્વ આપવામાં આવે છે ત્યારે છેલ્લા અમુક મહિનાઓથી કેટલીક એવી ફિલ્મો પણ બની છે જેમાં કોઈ સંદેશ અથવાતો ફિલોસોફી પણ હોય છે. 2.0 પણ મનોરંજનની સાથે સાથે એક ગંભીર અને થોડો ડરામણો સંદેશ પણ આપી જાય છે.

એ હકીકત આપણે જાણીએ છીએ કે જ્યારે પણ માનવજાત વિકાસ કરે છે ત્યારે કુદરતી સ્ત્રોતો અથવાતો કુદરતી કળાનું નિકંદન નીકળી જતું હોય છે. પરંતુ જે રીતે કુદરતની સાચવણી અથવાતો તેનું સન્માન જરૂરી છે એટલો જ જરૂરી વિકાસ પણ છે. અગ્નિની શોધ થયા પછી માનવજાતે અસાધારણ વિકાસ કર્યો છે અને એક સમયે સ્વપ્ન લાગતી બાબતોને તેણે સિદ્ધ કરી છે.

2.0 માં જે મોબાઈલ ટેક્નોલોજીની વાત કરવામાં આવી છે એ ટેક્નોલોજી એક સમયે હાથમાં પેજર લઈને ફરતા લોકોને પણ સ્વપ્ન સમાન લાગતું હતું તેનો જાતઅનુભવ છે. આ એવો સમય હતો જ્યારે પેજર એ મોબાઈલ ફોનનું પુરોગામી પગથીયું હતું, તેમ છતાં વાયર વગર, હાલતા ચાલતા, બસમાં કે પછી ટ્રેનમાં સફર કરતા ફોન પર વાત કેવી રીતે થઇ શકે અથવાતો એ ફોનને વોકીટોકી કેમ ન કહી શકાય તેવા નિર્દોષ સવાલો ભલભલાના મનમાં ઉભા થતા હતા.

પરંતુ મોબાઈલ ટેક્નોલોજી ભારતમાં આવી, એક સમયે અતિશય મોંઘા મોબાઈલ ફોન્સ ગરીબને પણ ખરીદવાની હિંમત થઇ જાય એટલા સસ્તા થયા. એક વખતે ઇનકમિંગ કોલ્સના પણ મિનીટના પંદર રૂપિયા ચૂકવનારા આજે ઇનકમિંગ તો શું આઉટગોઇંગ પણ મફતમાં એન્જોય કરે છે. હા ડેટા માટે પૈસા ચૂકવે છે પણ તે પણ સાવ મફતના ભાવે. આ બધું શક્ય બન્યું મોબાઈલ ટેક્નોલોજીના વ્યાપને લીધે, પરંતુ આ વ્યાપને કારણે આપણે કુદરતી સ્ત્રોત અને કુદરતના બાંધવોને નુકશાન કરી રહ્યા છીએ.

2.0 માં એક મુદ્દો, સાચો કે ખોટો પરંતુ વિચારવા લાયક છે તે એ દર્શાવ્યો છે કે અમેરિકા કે ચીન જેવા ભારતથી અનેકગણા વિશાળ દેશોમાં પણ ગણતરીની મોબાઈલ કંપનીઓ સેવા આપે છે, જ્યારે આપણે ત્યાં આ સંખ્યા બે અંકમાં છે, જેની કદાચ જરૂર નથી. કોઈ અગમ્ય કારણોસર આટલી બધી કંપનીઓને દેશમાં મોબાઈલ સેવા આપવાની છૂટ આપીને જે-તે સમયની સરકારે કદાચ એ બાબત પર ધ્યાન ન આપ્યું કે આટલી બધી કંપનીઓને ગ્રાહકને સંતોષ આપવા પોતાની સેવા માટે અસંખ્ય મોબાઈલ ટાવર્સ ઠેરઠેર ઉભા કરવા પડશે.

આ ફિલ્મમાં એક મુદ્દો એ ચર્ચવામાં આવ્યો છે કે મોબાઈલ ટાવર્સમાંથી નીકળતા રેડીએશનથી આકાશમાં ઉડતા પંખીઓના દિમાગમાં કેમિકલ લોચા થઇ જાય છે, તેઓ પોતાનો માર્ગ ભૂલી જાય છે, તેમના પ્રજનન પર અસર પડે છે અને છેવટે મરણ શરણ થાય છે. જો કે ઈછાપું માં જ આવતી કોલમ સંજય દ્રષ્ટિના કોલમિસ્ટ સંજય પીઠડીયાએ પોતાના એક આર્ટીકલમાં સ્પષ્ટ કર્યું છે કે આ બાબતે હજી પણ વૈજ્ઞાનિક સાબિતી મળવાની બાકી છે પણ મોબાઈલ ટાવર્સથી પક્ષીઓને થતા નુકશાનને અવગણી શકાય એમ તો નથી જ.

ટૂંકમાં કહીએ તો આ વિકાસ માટે ટેક્નોલોજીના ખુદના વિકાસ અને તેના વ્યાપની જરૂર તો છે જ કારણકે તે માનવના જીવનને સરળ બનાવે છે. નોટબંધી બાદ ભારત મોબાઈલ ઈ કોમર્સના ક્ષેત્રે એટલું બધું આગળ વધી ગયું છે કે મારા જેવી ઘણી એવી વ્યક્તિઓ હશે જે નામ ખાતર પોતાના વોલેટમાં કેશ લઈને ફરતી હશે. આ બધું એટલે શક્ય બન્યું કારણકે ટેક્નોલોજી વિકસી અને તેનો વ્યાપ વધ્યો. પણ પ્રશ્ન તો હજી ઉભો જ છે કે શું માનવીનું જીવન સરળ કરવા આપણે કુદરતે આપેલી પશુ પક્ષીઓની અમૂલ્ય ભેટને ખતમ કરી દેવાની છે?

લાગતું વળગતું: Mobile અને ટેક્નોલોજીની દુનિયાની 5 કપોળકલ્પિત માન્યતાઓ

આ જ નિર્દોષ જીવો વિવિધ કીડાઓને ખાઈ જાય છે જેની સંખ્યા પૂરી દુનિયામાં કરોડોની છે. જો કીડાઓને પંખીઓ ન ખાય તો કીડાઓ ખેતરમાં ઉગતા આપણા જ પાકોને ખાઈ જાય અને જો એવું થાય તો આપણું અન્ન જ ખૂટે. મોબાઈલના રેડીએશનથી મૃત્યુ પામતા પક્ષીઓની સંખ્યા એટલી બધી છે કે ભવિષ્યમાં જો એક પણ પક્ષી ન બચે તો આપણા ભોજનનું શું એ વિચારીને જ થથરી જવાય છે.

આ એક એવી સમસ્યા છે કે જેનો ઉપાય સીધેસીધો સામાન્ય માનવી પાસે નથી. એ રેડીએશનને ઓછું કરી શકતો નથી, એ મોબાઈલ ટાવરોની સંખ્યા ઓછી નથી કરી શકતો, એ સિગ્નલ ફ્રિકવન્સીને એ રીતે ફિક્સ નથી કરી શકતો કે જેનાથી પક્ષીઓને નહીવત અથવાતો ઓછામાં ઓછી હાની થાય. આ બધો ઝમેલો સરકાર હસ્તક છે અને સરકાર જ એ નક્કી કરી શકે કે ઉપરોક્ત પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરી શકાય.

અહીં પણ એક મોટી તકલીફ છે જે 2.0 માં પણ દર્શાવવામાં આવી છે. જો મોબાઈલ ટાવર્સની સંખ્યા ઓછી કરવામાં આવે તો આપણી પાસે રહેલા મોબાઈલ ફોન્સના નેટવર્કને તકલીફ પડે અને આપણે આખો દિવસ “હેલ્લો, હેલ્લો” અથવાતો “જોરથી બોલો” કે પછી “તમારો અવાજ કપાય છે” બોલતા રહીએ પણ સામેવાળા સુધી આપણો સંદેશ ન પહોંચાડી શકીએ.

સામાન્ય માનવીને જો 2.0 માં સમજાવવામાં આવેલી હકીકત એક ટકો પણ સાચી હોય તો પક્ષી પર પડતી અસરથી દુઃખ જરૂર થાય કારણકે એ પણ આ હત્યાકાંડ માટે ક્યાંક ને ક્યાંક તો જવાબદાર છે જ. પણ એ મોબાઈલનો બને તેટલો ઓછો વપરાશ કર્યા સિવાય બીજું કશું જ કરી શકે તેમ નથી. પરંતુ સામાન્ય માનવીના મોબાઈલના ઓછા ઉપયોગથી ખાસ ફરક પડવાનો નથી કારણકે તેને સક્ષમ નેટવર્કની સેવા પૂરી પાડવા વિવિધ મોબાઈલ કંપનીઓના ટાવર્સ ખડેપગે હાજરાહજૂર છે જ.

તો આપણે શું કરી શકીએ? કદાચ સરકાર પર કોઈ દબાણ લાવવાથી કોઈ ફરક પડી શકે, પરંતુ આ પ્રક્રિયા અત્યંત જટિલ અને કંટાળાજનક છે. આપણે ત્યાં રાષ્ટ્રીય સમસ્યા કે કુદરતી સમસ્યા પર હજારો લોકો એકઠા થઇ શકતા નથી પરંતુ રાજકારણીઓની વિશાળ સભામાં આપવામાં આવતા તેમના ઠાલાં વચનો પર વિશ્વાસ કરવા માટે ત્યાં હાજર રહેવા બધા પાસે સમય છે. તો પછી છેવટે એક માત્ર ઉપાય તરીકે 2.0 માં ડૉ. વશીગરન કહે છે એમ ઉનાળામાં પક્ષીઓ માટે આપણા ઘરની બહાર પાણીની વ્યવસ્થા તો રાખી શકીએ?

આ ઉપરાંત ઘાયલ એ પછી માંદા પશુ પક્ષીઓની ત્વરિત સારવાર કરવામાં મદદ કરીએ કે પછી આવું કાર્ય કરતા કાર્યકરો કે પછી NGOs ને શક્ય એટલી મદદ કરીએ. ઉત્તરાયણમાં ભલે પતંગ ચગાવવાનું બંધ ન કરીએ પણ જે સમયે પક્ષીઓ ચણવા જતા હોય કે પછી પોતાના માળે પરત આવે છે એ સમયે પતંગ ન ચગાવવાની સલાહ આપવામાં આવી છે તેને જરૂરથી ફોલો કરીએ.

ટીપે ટીપે જ સરોવર તો શું સમુદ્ર પણ ભરાય છે એની આપણને બધાને ખબર તો છે જ.

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: આવો જાણીએ કઈ એમેઝોન પ્રાઈમ સિરીઝ જોવાલાયક છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here