Home ભારત કાયદો અને ન્યાય સ્મૃતિ ઈરાની ના સેનેટરી પેડ્સ અંગેના નિવેદનને ટ્વિસ્ટ કરવાનો નિષ્ફળ પ્રયાસ

સ્મૃતિ ઈરાની ના સેનેટરી પેડ્સ અંગેના નિવેદનને ટ્વિસ્ટ કરવાનો નિષ્ફળ પ્રયાસ

0
127
Photo Courtesy: indiatoday.in

જ્યારથી શબરીમાલા વિવાદ પર સુપ્રિમ કોર્ટનો નિર્ણય આવ્યો છે ત્યારથી ઘણા લોકોને પોતાની જાતને રેશનાલીસ્ટ અથવાતો આધુનિક તરીકે ઓળખાવવાની ચળ ઉપડી છે. આવી જ એક ચળ ગઈકાલે અસંખ્ય લોકોને ઉપડી હતી જ્યારે કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા શબરીમાલા પર આડકતરું નિવેદન આપવામાં આવ્યું હતું.

Photo Courtesy: indiatoday.in

રજસ્વલા સ્ત્રીઓએ મંદિરમાં પ્રવેશ કરવો કે નહીં એ અંગે અંગત માન્યતા એવી છે કે સ્ત્રીઓને કોઇપણ પરિસ્થિતિમાં મંદિર જવાની ઈચ્છા હોય તો તેને રોકવી ન જોઈએ. પુરાણકાળમાં કદાચ જ્યારે સ્ત્રીઓ માસિકધર્મ પાળતી હોય ત્યારે કદાચ કપડું કે પછી પાંદડાનો ઉપયોગ કરતી હોય એ શક્ય છે અને આથીજ મંદિરોમાં તેનો પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો હોય એવું બને.

કોઇપણ પરંપરાને નવા જમાના પ્રમાણે ઢાળી તેનો સ્વિકાર કરવો એ હિંદુ ધર્મનો સહુથી મોટો પ્લસ પોઈન્ટ રહ્યો છે. હવે આધુનિક જમાનામાં સ્ત્રીઓ સેનેટરી પેડ્સ વાપરતી થઇ છે તો મંદિર તેના રક્તથી અપવિત્ર થાય એવા ચાન્સીઝ ઘણા ઓછા છે. પરંતુ, કોઈની આસ્થા પર જાણીજોઈને હુમલો ન કરવો એ પણ હિંદુ ધર્મની પરંપરા રહી જ છે.

પરંતુ જેમ ઉપર કહ્યું એમ રેશનાલીસ્ટની ચળ ધરાવતા કે પછી બિનહિંદુઓમાંથી એક એવી કોઈ મલયાલમ અભિનેત્રીએ આ પરંપરા બંધ કરવાના સુપ્રિમ કોર્ટનો જાણીજોઈને અલગ મતલબ તારવીને કે પછી હિંદુઓની આસ્થા પર થયેલી ઈજા પર વધુ મીઠું ભભરાવવાની પિશાચી મોજ મનાવવાના હેતુસર પોતે શબરીમાલા મંદિરમાં પોતાનું વપરાયેલું સેનેટરી પેડ લઈને જશે એવી વાત કરી હતી.

હવે શબરીમાલામાં રજસ્વલા સ્ત્રીઓએ જવું કે ન જવું એ અંગે કોઈ કાર્યક્રમમાં સ્મૃતિ ઈરાની ને જ્યારે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમનો જવાબ અંગ્રેજીમાં પરંતુ સ્પષ્ટ હતો. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, “સુપ્રિમ કોર્ટના આદેશની વિરુદ્ધ હું ન બોલી શકું કારણકે હું કેન્દ્રીયમંત્રી તરીકે કાર્યરત છું. પરંતુ એક સામાન્ય સમજ છે કે તમે માસિકના રક્તમાં ઝબોળેલું (સેનેટરી) નેપકીન તમારા મિત્રને ઘેર લઇ જાવ? તમે નહીં જાવ.” આ ઈશારો સ્પષ્ટપણે પેલી મલયાલમ અભિનેત્રીની દાદાગીરી તરફે જ હતો.

બીજા શબ્દોમાં સ્મૃતિ ઈરાની દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સીધોસાદો મતલબ એ હતો કે જો તમે તમારા મિત્રને અસુવિધા થાય એવું કશું પગલું નહીં લો તો પછી ભગવાનના પવિત્ર સ્થાનને દુષિત કરવાનું કાર્ય કેવી રીતે કરવાના? આમ તો શબરીમાલાની પરંપરા વિષે ઘણું લખી શકાય તેમ છે પરંતુ એક લીટીમાં કહીએ તો આ મંદિર ભગવાન અયપ્પાનું છે અને દક્ષિણમાં ભગવાન અયપ્પાનું આ એક માત્ર મંદિર છે જ્યાં દસ થી પચાસ વર્ષની કન્યાઓ/મહિલાઓને જવાની મનાઈ છે.

લાગતું વળગતું: પેડમેન: ભારતની સ્ત્રીઓ ત્યારે જ આઝાદ ગણાશે જ્યારે …

પણ રેશનાલીસ્ટ લોકોને તો હિંદુ ધર્મને હીન ભાવના ધરાવતો જ સાબિત કરવો હતો એટલે એમણે તરતજ જાહેર કરી દીધું કે સ્મૃતિ ઈરાની અત્યંત જુનવાણી વિચારો ધરાવે છે અને આવી વ્યક્તિ કેન્દ્રમાં મંત્રી છે. અમુકે તો સ્મૃતિ ઈરાની એ જે કહ્યું એનો સીધો મતલબ એ કાઢ્યો કે બીજા શબ્દોમાં સ્મૃતિ ઈરાની સ્ત્રીઓને એવું કહેવા માંગે છે કે જ્યારે તમે રજસ્વલા હોવ ત્યારે તમારે ઘરમાં જ રહેવું જોઈએ.

આ પ્રકારે મનગમતા આરોપ જ્યારે લગાવવામાં આવે ત્યારે તેમાં બુદ્ધિનો સદાય અભાવ હોય છે. આ આરોપ લગાવનારા વ્યક્તિઓ એ ભૂલી જાય છે કે સ્મૃતિ ઈરાની ખુદ એક સ્ત્રી છે ઉપરાંત તેઓ અભિનેત્રી રહી ચૂક્યા છે અને હવે મંત્રી છે અને તેમના વિચારો અને વર્તન બિલકુલ આજની ભારતીય નારી જેવું જ રહ્યું છે. જો આમ હોય તો તેમના વિચારો કેવી રીતે જુનવાણી હોઈ શકે?

ભારતની કરોડો શહેરી મહિલાઓ ‘એ દિવસોમાં’ પણ સેનેટરી પેડ્સનો ઉપયોગ કરીને પોતાના કામે જતી હોય છે અને ત્યાં ક્યારેય કોઈએ વાંધો ઉઠાવ્યો નથી. પરંતુ શ્રદ્ધા જુદી બાબત છે. જો શ્રદ્ધાને જ પડકાર ફેંકવાની વાત આવે તો પછી અન્ય તમામ ધર્મો પણ તેના દાયરામાં આવી શકે તેમ છે. પરંતુ આપણે ત્યાં કદાચ હિંદુ ધર્મીઓને જ દબાણપૂર્વક પોતાની શ્રદ્ધા પર સવાલ ઉઠાવવા માટે મજબૂર કરવામાં આવે છે.

સ્મૃતિ ઈરાનીએ પોતાનું ઉદાહરણ પણ આપ્યું હતું અને કહ્યું હતું કે તેઓ એક પારસીને પરણ્યા છે આથી અગિયારીમાં તેમના સંતાનો તો જઈ શકે છે પરંતુ તેઓ બિનપારસી હોવાથી જઈ શકતા નથી, પરંતુ તેઓ કોઈ દિવસ એ શ્રધ્ધા કે નિયમ વિરુદ્ધ કોર્ટમાં નથી ગયા!

સ્મૃતિ ઈરાની દ્વારા આપવામાં આવેલું અંગત ઉદાહરણ જ એ હકીકત સાબિત કરવા માટે પૂરતી છે કે હિંદુ ધર્મીઓને બાનમાં લેવા માટે ઘણા સમયથી એક ખાસ કાવતરું સફળતાપૂર્વક પાર પાડવામાં આવી રહ્યું છે પછી તે જન્માષ્ટમીમાં મટકી ફોડવાના પીરામીડ અંગે હોય, નવરાત્રીમાં રાત્રે બાર વાગ્યા સુધી જ લાઉડસ્પીકર ચલાવવાની વાત હોય, ઉતરાયણમાં પતંગ ન ચગાવવાની વાત હોય, હોળીમાં સૂકી હોળી ઉજવવાની વાત હોય કે પછી દિવાળીમાં ફટાકડા ફોડવાની વાત હોય.

હિંદુ વિરોધી અને ભાજપ વિરોધી કહેવાતા રેશનાલીસ્ટ અને સેક્યુલરો હિંદુ તરફી નિવેદનોને ટ્વિસ્ટ કરવામાં માહેર થઇ ગયા છે પરંતુ હવે તેમણે ધ્યાન રાખવું જોઈએ કે હિંદુઓ પણ હવે તેમના ટ્વિસ્ટનો તાર્કિક જવાબ આપતા થયા છે જે તેમને ઉઘાડા પાડે છે.

eછાપું

તમને ગમશે: પંજાબી રસોઈની અંતરંગ વાતો અને ત્રણ મસ્ત મજાની પંજાબી રેસિપીઓ

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!