શું તમે ક્યારેય ભૂલ કરી છે? જો કરી છે તો તેનો સ્વીકાર કર્યો છે?

    1
    757

    કોઈ તમને પૂછે કે જીવનમાં ક્યારેય ભૂલ કરી છે? તો એનો સામાન્ય જવાબ “હા” માં જ આવે. દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એવી નહીં હોય કે જેણે ક્યારેય કોઈ પણ ક્ષણે કોઈ પણ ચૂક નહીં કરી હોય.  ગમે એટલા મોટા માંધાતા કેમ ન હોય પણ એ લોકો પણ કોઈપણ પ્રકારની નાની કે મોટી ભૂલથી બાકાત નથી. એટલે જ્યારે કદાચ આપણને કોઈ એમ કહે કે મેં તો ક્યારેય કોઇ પ્રકારની ભૂલ કરી જ નથી તો એ વાતને માની લેવી, એ પણ એક પ્રકારની ભૂલ જ છે.

    Photo Courtesy: thriveglobal.com

    ભૂલના પણ આમ જુઓ તો ઘણા પ્રકાર છે દાખલા તરીકે રોજિંદા વ્યવહારમાં થતી ચૂક,  જેવી કે સવારે વહેલાં ઉઠવા માટે રાત્રે અલાર્મ મુકતા ભૂલી જાઓ તો ઉઠવાનું મોડું થઈ જાય એ ભૂલ છે. શાક લેવા જાવ ત્યારે શાકવાળાને માગ્યા કરતા વધારે પૈસા આપીને આવો અથવા તો પછી વધારાના પૈસા લેવાનું ભૂલી જાવ એ પણ એક ચૂક છે. પતિના ટિફિનમાં રોટલી ન મૂકવી એ પણ એક પ્રકારની ભૂલ જ છે.  નાના બાળકોને ગણિત ના દાખલા ગણતા ગણતા ભૂલ કરતાં જોયા જ હશે.

    આ તો સામાન્ય દાખલા છે. પણ આપણી આજુબાજુ એવા વ્યક્તિઓ પણ હશે જે લોકોએ તેમણે કરેલી ભૂલોના બહુ મોટા પરિણામ ભોગવ્યા હશે. એવી ભૂલોની સમજ આવતાં આવતાં જ તેના પરિણામનો પણ ભાસ થવા માંડે છે.  વાણી, વ્યવહાર અને વર્તનની ભૂલોની સાથે સાથે જો પેરેંટ્સથી બાળકોના ઉછેરમાં પણ ભૂલ થઈ જાય તો એ બાળકો મોટા થઈને ભૂલોનાં પરિણામોમાં પરિણમે છે.

    ભૂલ કરે એ ભોગવે એ કહેવત બિલકુલ નવી નથી. પણ એની જાણ હોવા છતાં એને સ્વીકારીને ભૂલો કર્યા કરવી તે ખોટા વ્યવહારની નિશાની છે. સત્સંગમાં જતા કોઈ પણ વ્યક્તિ પાસેથી સાંભળ્યું હશે કે જે વર્તમાન છે એને સ્વીકારી લેવું.  ચૂક કરનાર વ્યક્તિ સાથે પણ આવું જ કંઈક એક્સપેક્ટ કરી શકાય.  કેમ કે ભૂલ સ્વીકારી લેવી એ પણ એક આર્ટ છે.  બહુ મોટું મન જોઈએ કોઈપણ પ્રકારની ભૂલ સ્વીકારવા માટે અને કોઈપણ પ્રકારની વ્યક્તિ સામે ચૂક સ્વીકારવા માટે.  મમત્વ બાજુ પર મૂકીને બહુ જ મોટા મને પોતાની ભૂલ સ્વીકારી લેવી અને ભવિષ્યમાં એ રિપીટ ન થાય એની તકેદારી રાખવી એ અત્યંત અઘરું કામ છે.

    સામાન્ય રીતે જે વ્યક્તિને સંબંધો સાચવવામાં રસ હોય તે હંમેશા પોતાના ઘમંડ બાજુ પર મૂકી દે છે.  જરૂરી નથી કે તમે મોટા છો અને તમારી પાસે એક્સપિરિયન્સ વધારે છે એટલે તમારાથી જિંદગીમાં ક્યારે ભૂલ થાય જ નહીં. એમ જ નથી કહેવાતું કે ભણતર સાથે ગણતર પણ મહત્વનું છે.

    લાગતું વળગતું: દરેકને ખુશ રાખવાની મુર્ખામી ક્યારેય કરવી નહીં

    સામાજિક લેવલ ઉપર આપણે ઘણા એવા દાખલા જોયા હશે કે જેમાં એક સંબંધ સાચવવા માટે વ્યક્તિઓ ઘણું જતું કરતી હોય છે. ઘણાં બધા સંજોગોમાં આપણને ખબર હોય છે કે સામેવાળી વ્યક્તિ તદ્દન ખોટી છે પરંતુ તેના ઈગોને સંતોષવા માટે આપણે તેની સામે નમતું જોખીએ છીએ. આ પણ આપણી એક ભૂલનો જ પ્રકાર છે. વિશ્વાસથી ઊંચો કોઇ સંબંધ નથી. પતિ સાથે પત્નીનો સંબંધ હોય, માતા-પિતા સાથે બાળકોનો સંબંધ હોય, ભાઈ સાથે બહેનનો સંબંધ હોય કે પછી ગુરુ સાથે  શિષ્યનો સંબંધ, આ દરેક સંબંધમાં ભૂલને અવકાશ ઓછો છે.  એક નાની-અમથી ભૂલ પણ આ પ્રકારના સંબંધોના પાયા હચમચાવી નાખે છે.

    કદાચ એટલે જ બાળકોના ઉછેરમાં આપણે બાળકોને શીખવાડીએ છીએ કે ભૂલ થઈ જાય એ મોટી વાત નથી પણ ભૂલનો અસ્વીકાર કરવો એ ચોક્કસપણે મોટી વાત છે. ” મારાથી ભૂલ થાય જ નહીં” એવી ધારણા ધરાવતા લોકો  પણ આપણને જોવા મળે છે.  જો તમે તેમને સાચું જ્ઞાન આપો અથવા તો અરીસો બતાવો તો તેમનો ઘમંડ તેમની સમજશક્તિ સામે આવીને ઊભો રહે છે.  આવા સંજોગોમાં તેમણે કરેલી ભૂલોનું પરિણામ જ તેમના માટે બોધપાઠ બને છે.

    “સમયથી મોટો કોઈ ગુરુ નથી” તે વાતનું ધ્યાન ત્યારે જ થાય છે જ્યારે આપણે કોઈ એવા કપરા પરિણામોમાંથી પસાર થઈએ.  અને એવી ચૂક તો ક્યારેય ન કરીએ જેનું પરિણામ આપણી સાથે “આપણાં” ભોગવે.

    જો આપણી મનગમતી વ્યક્તિઓ વચ્ચે સેલ્ફ રિસ્પેક્ટથી જીવવા માગતા હોઈએ તો ખોટા અહમ અને ઘમંડથી દૂર રહેવામાં જ સરળતા છે અને થયેલી ભૂલ સ્વીકારી વિશાળ હૃદય રાખી માફી આપવામાં અને માફી મેળવવામાં  મહાનતા છે.

    અસ્તુ!!

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: તમારા મોબાઈલની મેમરીને હળવી કરતી કેટલીક share એપ્સ

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here