The Flying Lotus: Demonetization પર એક ભારતીયની અભિવ્યક્તિ

0
306
Photo Courtesy: Twitter

The Flying Lotus એ શું છે? વેલ, ભારતે આઝાદી પછી 70 વર્ષમાં ઘણા રાજકીય ઉતર ચઢાવ જોયા છે, ઇન્દિરા ગાંધીની ઈમરજન્સી હોય, ભાજપનો ઉદય હોય કે સામ્યવાદીઓનો અસ્ત, આઝાદ ભારતની રાજકીય તવારીખની અનેક રસપ્રદ ઘટનાઓને ઝીલવાનું, પારખવાનું અને યોગ્ય રીતે લોકો સમક્ષ સમયસર પહોચાડવાનું કામ આપણા પોપ્યુલર  કલાકારો કરી શક્યા નથી. શરૂઆત ના સામ્યવાદથી પ્રેરિત ઊંચા દરજ્જાના કલાકારો અને એના પ્રદાનને બાદ કરતા આ ક્ષેત્રમાં આપણા કલાકારોનો કોઈ પણ રાજકીય ઘટના તરફનો રિસ્પોન્સ બહુ નબળો અથવા બહુ મોડો રહ્યો છે. અને આ વસ્તુ છેલ્લા 20-25 વર્ષ માં બહુ ક્લીયરલી દેખાય છે. અન્ના આંદોલન, બાબરી મસ્જીદ, ગોધરા કાંડ જેવી ઘણી મોટી ઘટનાઓને યોગ્ય રીતે, કોઈ બાયસ વગર અને સમયસર રજુ કરવામાં આપણા મેઈન સ્ટ્રીમ કલાકારો સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા છે.

પણ એમાં એક અપવાદ છે મણીરત્નમ, કાશ્મીર સમસ્યા પર થી બનેલી રોજા અને બાબરી ધ્વંસ અને એ પછી મુંબઈમાં થયેલા તોફાનો પરથી બનેલી બોમ્બે ને ત્રણ જ વર્ષમાં, અને નોર્થ ઇસ્ટ ના રાજ્યો આઝાદીના પચાસ વર્ષ પછી પણ કઈ રીતે સમસ્યાઓથી ઘેરાયેલા છે અને શા માટે એને ભારત ના ગણરાજ્ય સામે વાંધો છે એના પર બનેલી દિલ સે માત્ર બે જ વર્ષ માં રીલીઝ કરીને અને એ બધી જ ફિલ્મોને માસ્ટરપીસ બનાવી ને મણીરત્નમે સાબિત કર્યું છે કે મેઈન સ્ટ્રીમ કલાકારો સાથે પોલીટીકલ ઘટનાઓના સંદર્ભમાં તટસ્થ  અવલોકન સાથે એક સારી કૃતિ બનાવી શકાય છે.

Maniratnam's Political trilogy
Maniratnam’s Political trilogy: Roja, Bombay & Dil Se- Courtesy: https://csrags.wordpress.com

અને એ જ મણીરત્નમના પાર્ટનર ઇન ક્રાઈમ અને એની રોજા દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરનાર એ. આર. રહમાને એક આલ્બમ બનાવ્યું છે જેનું નામ છે The Flying Lotusઅને એમાં Demonetization અને એ સમયમાં દેશમાં થતા અનુભવોને બહુ સરસ રીતે વર્ણવ્યા છે. એ.આર.રહમાનના સંગીત અને સીએટલ સિમ્ફની ઓરકેસ્ટ્રાના પરફોર્મન્સ ના લીધે આ આલ્બમ ખરેખર માણવા લાયક બન્યું છે અને The Flying Lotus નું અમેરિકામાં પરફોર્મન્સ મે 2017 માં થઇ ગયું હતું અને ભારતની ઓક્ટોબર 2017 ની રીલીઝ ગણીએ તો ય Demonetization પરની એક સરસ રચના એની વરસી પહેલા જ લોકો સુધી પહોચી ગઈ હતી.

Photo Courtesy: Twitter

The Flying Lotus માત્ર ૩૮ મીનીટસ નું છે. જેમાં ટાઈટલ ટ્રેક The Flying Lotus સહુથી લાંબો ૧૯ મિનીટ નો ટ્રેક છે. અને એ જ ટ્રેક ના યોગ્ય ભાગ પાડી ને બાકીના આઠ ટ્રેક બનાવવામાં આવ્યા છે. તો આવો જોઈએ The Flying Lotus કેવુક છે.

પહેલા કહ્યું એમ, અહી એ.આર.રહમાન એ સીએટલ સિમ્ફની ઓરકેસ્ટ્રા ની હેલ્પ લીધી છે, એટલે એ.આર.રહમાન ને વર્ષોથી સંભાળતા એના ચાહકો ને આમાં બોમ્બે ડ્રીમ્સ, વોરીયર્સ ઓફ હેવન એન્ડ અર્થ અને લોર્ડ ઓફ ધ રિંગ્સ ઓપેરા જેવા ગ્રાન્ડ ઓપેરા ટાઈપ મુઝીક ની થોડી ઝલક ફલાયિંગ લોટસમાં સંભળાવવાની છે.

આલ્બમ ની શરૂઆત થાય છે તિરંગાથી, જે બહુ શાંત ટ્રેક છે. પણ આ ટ્રેક તોફાન પહેલાની શાંતિ જેવો છે, ક્યાંક ક્યાંક વાયોલીનની મદદથી ઉચાટ દર્શાવવાનો પ્રયાસ થયો છે પણ તિરંગા અને એના પછી આવતો માસૂમ આ ઉચાટને શાંત પાડી દે છે.

માસૂમ પછી આવે છે પુકાર જે નામ પ્રમાણે કોઈ સેનાને યુદ્ધની તૈયારી માટે સાદ પાડતો હોય એ પ્રમાણે એક એક્સાઈટમેન્ટ લાવવાનો પ્રયાસ કરે છે. આ ટ્રેકમાં વોરીયર્સ ઓફ હેવન એન્ડ અર્થ ના અમુક ટ્રેકનો પ્રભાવ વર્તાય છે. પુકાર પછી તરત જ આવે છે બેચૈન જે ફરીવાર નામ પ્રમાણે મૂડમાં અધીરાઈ લાવી દે છે. વાયોલીનના ઝડપી પીસથી અધીરાઈ દર્શાવીને તરતજ એક આશા બાંધી દીધી છે. અને આ આશાને ચાલુ રાખવામાં મદદ કરી  છે આ આલ્બમના મહત્વના ટ્રેક Demonetization 2016. જે અલગ કટકાઓ માં સહુથી લાંબો કટકો છે, અને ઈમોશનથી ભરપુર છે.

આલ્બમની જેમ જ શરૂઆતની દોઢ મિનીટ સુધી ખુશનુમા સંગીત દ્વારા એક આશા બાંધવામાં આવી છે. અને પછી થોડી બેચૈની અને થોડા સવાલ ઉઠાવવામાં આવે છે, થોડું ટેન્શન ઉભું કરવામાં આવે છે. અને બરાબર ૨ મિનીટ અને ૩૦ સેકંડ પછી આ ટ્રેક અને આ આલ્બમનું સરપ્રાઈઝ એલિમેન્ટ આપણી સામે આવે છે.

આ ટ્રેક માટે એ.આર.રહમાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણો, અર્નબ ગોસ્વામીના ન્યુઝ રીપોર્ટસ દ્વારા સંભળાતી આશાઓ, ડિજીટલ ઈકોનોમીના સપનાઓ, ધન ધના ધન, કેશલેસ  અને બીજા કેટલાક અવાજોનો ઉપયોગ કરી ને સામાન્ય માણસોની લાગણીઓ અને એ વિચારોને સારી રીતે વાચા આપી છે. આ આખા આલ્બમમાં વોકલના નામે આ બધી ક્લિપ્સ જ છે, બાકી સંપૂર્ણ આલ્બમ એક instrumental જ છે.

આ ટ્રેકની છેલ્લી વીસ સેકંડમાં જ આશાઓ અને સપનાઓ પડી ભાંગે છે અને થોડી અફરાતફરી સર્જાય છે. આ ભાગને સ્ટાર વોર્સ ટાઈપ મુઝીક થી બહુ સારી રીતે દેખાડ્યો છે. અને એ ટ્રેક પછી આવે છે સુબહ જે યુદ્ધ પછી ની સવાર જેવો છે. ચારે તરફ અફરાતફરી વચ્ચે ઘેરાયેલો સામાન્ય માણસ, એનો ભૂતકાળ, ડીમોનેટાઈઝેશન વખતનો વર્તમાન, અને એના ભવિષ્ય માટેના સવાલો શાંત વાયોલીનની મદદ થી આ ટ્રેક માં યોગ્ય રીતે ઝીલાયા છે.

અને એ પછી આવે છે મનુહાર મતલબ રિસાયેલા માણસ ને મનાવવા માટે વપરાયેલા મીઠા શબ્દો. Demonetizationના ટ્રેકમાં શરૂઆતમાં વપરાયેલા ખુશનુમા પીસના આધારે આ ટ્રેકમાં રિસામણા અને મનામણા આબાદ ઝીલાયા છે. અને એ પછી આવે છે મુસ્તક્બીલ એટલે ભવિષ્ય. ફીમેલ ઓપેરા વોઈસ દ્વારા આલ્બમના સહુથી ટુકા ટ્રેકમાં દેશના આશાસ્પદ ભવિષ્યની આબાદ કલ્પના કરવામાં આવી છે.

શું આ આલ્બમ Demonetizationને ગ્લોરીફાઈ કરવા માટે બનાવાયેલું એક સરકારી પ્રચાર સાહિત્ય છે? ના. તો શું આ આલ્બમ Demonetization ના વિરોધનો પ્રચાર કરે છે? ના. આ આલ્બમ Demonetization અને એ આસપાસ ના 50-60 દિવસ દરમ્યાન દેશની લાગણીઓનું અવલોકન માત્ર કરે છે. એ.આર.રહમાન ના કહેવા પ્રમાણે..

Demonetization નો હેતુ યોગ્ય હતો, પણ આ (આલ્બમ ) માં મારું કોઈ જજમેન્ટ નથી. આ કોઈ સમસ્યા છે કે ઉપાય એ મને કઈ રીતે ખબર પડે? હા  આ સમયગાળા દરમ્યાન લોકોના શું અભિપ્રાય હતા અને આસપાસમાં શું વાતો ચર્ચાતી હતી એ મને ખબર હતી, અને એ લાગણીઓને મારે સંગીતમાં ઢાળવાની હતી.

એ.આર.રહમાન એક ઉમદા અને લોકપ્રિય આર્ટીસ્ટ છે. અને એની દેશભક્તિ પર પણ કોઈ શંકા નથી. અને જયારે આવા લોકપ્રિય અને દેશભક્ત કલાકાર તરફથી આવી સરસ અને તટસ્થ રચના મળે તો એને માણવી જ રહી.

The Flying Lotus આલ્બમ ની લીન્ક્સ.

eછાપું 

તમને ગમશે: દલીયા દરરોજ ઇન બ્રેકફાસ્ટ તો તમારું વજન ઘટે સુપરફાસ્ટ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here