અમારા ગત અઠવાડિયાના નિષ્પક્ષ પત્રકારના બેબાક ઇન્ટરવ્યુની બેમિસાલ સફળતા બાદ અમને ઘણા મેસેજો મળ્યા કે તમે આવાને આવા ઇન્ટરવ્યુ લીધે રાખો. અમે અમારા વાચકોને ક્યારેય નિરાશ તો નથી જ કરતા પરંતુ ના પણ પાડી નથી શકતા. આથી આજે અમે એક જાણીતા બોલિવુડ ફિલ્મ વિવેચકને પકડી લાવ્યા છીએ જે વળી પાછા MBA પણ છે. તો ચાલો મળીએ MBA બોલિવુડ ફિલ્મ વિવેચકશ્રી.

“નમસ્તે, વિવેચક મહોદય.”
“તમારા નમસ્તેમાં મને રણવીર સિંઘ દેખાય છે.”
“હેં? એટલે?”
“એટલે એમ કે તેમાં સિરિયસનેસનો અભાવ છે.”
“ઓહ…”
“મેં તમને વીસ મિનીટ આપી છે કારણકે આજે બે ફિલ્મો એક સાથે રિલીઝ થઇ છે, પહેલી ફિલ્મ જોઈ નાખી છે અને બીજી ફિલ્મનો શો શરુ થવામાં હજી અડધો કલાક બાકી છે.”
“જી જરૂર. તો આપ બોલિવુડના એક માત્ર MBA ફિલ્મ વિવેચક છો તો આપે કયા ફિલ્ડમાં MBA કર્યું છે?”
“હું MBA નથી એન્જીનિયર છું.”
“ઓહ તો આ MBA?”
“મને બધું આવડે યુનો? ફિલ્મનું ડિરેક્શનથી માંડીને, સિનેમેટોગ્રાફી, એક્ટિંગ, મ્યુઝિક, લિરિક્સ બધામાં મને thorough knowledge છે. જો કોઈ ફિલ્મમાં મને કશું પસંદ ન આવે, પસંદ આવવાની સંભાવનાઓ પણ ઓછી હોય છે જોકે, તો ભલભલા બોલિવુડ ફિલ્મ એક્ટર્સ, એક્ટ્રેસીઝ, ડિરેક્ટર્સ, મ્યુઝિક ડિરેક્ટર્સને માત્ર એક ફેસબુક પોસ્ટથી ઝાડી નાખું. એમને પણ બે ઘડી વિચાર આવી જાય મારું બેટું ફિલ્મના શુટિંગ વખતે કે ગીતના રેકોર્ડીંગ વખતે તો મેં આવું વિચાર્યું જ ન હતું અને આ ભાઈ આવું લોજીક ક્યાંથી લાવ્યા?”
“સાંભળ્યું છે કે તમે તો ફેસબુક પર પણ અલગ વિચાર ધરાવતા સામાન્ય ફિલ્મ રસિયાઓને ઝાડી નાખો છો?”
“મારા સ્પષ્ટ મતે જેને કોઇપણ વ્યક્તિ નકારી જ ન શકે, ફિલ્મ વિવેચક બનવા માટે તમારે તમારું સમગ્ર જીવન ફિલ્મો પાછળ જોડી દેવું પડે. જુઓ આજે પણ હું ઓફિસે બંક મારીને જ બે ફિલ્મો જોવા આવ્યો છું ને? લોકોમાં અક્કલ તો હોતી નથી, બસ મરજી આવે એટલે લખી દે કે આ ફિલ્મમાં આવું હોવું જોઈતું ન હતું. અલ્યા એકવાર તો ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ જો, પછી ખબર પડે કે ફિલ્મ કોને કહેવાય.”
“હોલિવુડના માપદંડ બોલિવુડ માટે?”
“ખરેખર કહું? ફિલ્મો તો હોલિવુડ જ બનાવે છે. આપણે લોકો ખાલી ટાઈમપાસ જ કરીએ છીએ.”
“પણ એમની સંસ્કૃતિ જુદી છે, આપણી ફિલ્મો તો આપણી સંસ્કૃતિને અનુરૂપ જ બનેને?”
“જુઓ, જો તમારે વિશ્વકક્ષાની ફિલ્મો બનાવવી હોય તો હોલિવુડની જ ફિલ્મો ચાલે. આપણે ત્યાં તો બધું એકની એક મસાલા મુવીની બકવાસ ચાલે છે.”
“તોય લોકોને ગમે છે.”
“ભોગ એમના બીજું શું? આમાં દેશ ક્યાંથી ઉંચો આવે?”
“તમારા પર આરોપ છે કે તમે કાયમ તમારા રિવ્યુમાં સ્પષ્ટ કહી દો છો કે આ ફિલ્મ ન જોવી જોઈએ. શું એ સારું કહેવાય?”
“કેમ નહીં, આટલા વર્ષોથી ફિલ્મો જોવાનો અનુભવ ધરાવું છું, હું કહું એટલે ફાયનલ!”
“તમે ઘણીવાર ઈન્ટરવલમાં પણ ફેસબુક પર ફિલ્મ બેકાર છે એવું લીક કરતા હોવ છો અને એ પણ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો માં. લોકોનો ફિલ્મ જોવાનો ઉત્સાહ મંદ ન પડી જાય?”
“જ્યારે આખા સ્ક્રિનમાં માત્ર બે-ચાર વ્યક્તિ જ હોય અને ફિલ્મમાં ખાસ દમ ન હોય તો પછી અમારે થોડું જેલના કેદીની જેમ અંદર બેઠાબેઠા કશું નહીં કરવાનું? અમેય માણસ છીએ.”
“પણ એનાથી ફિલ્મની માહિતી લીક કરી દેવાની? એ પણ પહેલા જ દિવસે?”
“આને સમાજસેવા કહેવાય, તમને નહીં ખબર પડે.”
“તમારા વિષે એમ પણ કહેવાય છે કે તમે તમારા વિચારો અન્ય સારા અથવાતો ઉભરી રહેલા વિવેચકો પર ઠોકી બેસાડો છો.”
“જુઓ, બધા પાસે ફિલ્મ જોવાની એવી સેન્સ નથી હોતી જેટલી મારી પાસે છે. બસ ફેસબુક આવ્યું એટલે ઘેરઘેર ફિલ્મ રિવ્યુ લખવાનો જાણેકે ગૃહઉદ્યોગ ચાલી નીકળ્યો છે. હમણાંજ એક રિવ્યુકારે ભારતીય સંસ્કૃતિની આડમાં એક મોડર્ન ફિલ્મનો વિરોધ કર્યો હતો. મેં બિન્દાસ્ત એની પોસ્ટ પર કમેન્ટ કરી દીધી કે તમારામાં સાવ અક્કલ નથી એટલે તમારે ફિલ્મો વિષે લખવાનું જ બંધ કરી દેવું જોઈએ.”
“આ કોઈનું અપમાન ન કહેવાય?”
“જુઓ ફિલ્મો વિષે હું જરાપણ કોમ્પ્રોમાઈઝ નથી કરતો.”
“આ અલગ વિચાર કહેવાય એમાં કોમ્પ્રોમાઈઝ શેનું? દરેકને હક છે ફિલ્મ વિષે પોતાનો વિચાર રજુ કરવાનો તમે સહમત ન હોવ એટલે અપમાન કરવાનું?”
“એને વિચાર ન કહેવાય એને નિમ્ન માનસિક સ્તર કહેવાય, લવારી કહેવાય. બસ એક-બે ફિલ્મ શું જોઈ, બની બેઠા રિવ્યુકાર. ફિલ્મને હંમેશા ફિલ્મની જેમ જોવી જોઈએ યુ નો?”
“હાલમાં એક ફિલ્મ આવી હતી જેના રિવ્યુમાં તમે છેલ્લે એવું લખ્યું હતું કે જો આ ફિલ્મ તમે નહીં જુઓ તો તમે ભારતીય કહેવડાવવાને લાયક નથી. આવું કેમ?”
“એ ફિલ્મ જ એવી હતી જે દરેક ભારતીયે જોવી જોઈએ.”
“મેં પણ એ ફિલ્મ જોઈ હતી પણ મને એવું લાગ્યું કે ફિલ્મનો વિષય અને તેની ટ્રીટમેન્ટ ક્લાસને વધુ અપીલ કરતી હતી માસને નહીં, તો દર્શકો પર કોઈ મુવી જોવા પર આવું ખોટું દબાણ શા માટે?”
“કારણકે હું કહી રહ્યો હોઉં કે એ ફિલ્મ સારી છે એટલે એ ફિલ્મ સારી જ હોય અને એને મારા દરેક વાચકે જોવી જ જોઈએ. પ્લસ એક એવરેજ ભારતીયનું ફિલ્મો જોવાનું સ્તર ઉચ્ચકક્ષાએ પહોંચે તો તમને શો વાંધો છે? મેં આગળ કહ્યું એમ હું માત્ર સમાજસેવા જ કરી રહ્યો હતો.”
“તમારો ઇન્ટરવ્યુ લેવાનો હતો એટલે મેં તમારા છેલ્લા છ મહિનાના રિવ્યુ સ્ટડી કર્યા અને પછી એ ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન્સ જોયા તો જે ફિલ્મોને તમે તમારા રિવ્યુમાં સાવ ઉતારી પાડી હતી એમાંથી ઘણીબધી ફિલ્મોએ બહુ સારો બિઝનેસ કર્યો અને જે ફિલ્મના તમે મોંફાટ વખાણ કર્યા એમાંની મોટાભાગની ફિલ્મો અને જેમાં આપણે આગળ વાત કરી એ ‘દરેક ભારતીયે જોવા જેવી ફિલ્મ’ પણ પીટાઈ ગઈ તો એ બાબતે શું કહેશો?”
“એ બાબતે હું અગાઉ કહીજ ગયો છું.”
“શું?”
“એમ જ કે ખરેખરી ફિલ્મો હોલિવુડમાં જ બને છે, આપણે ત્યાં લોકો ખાલી ટાઈમપાસ કરે છે અને કેમ ન કરે? આપણામાં એટલેકે મારામાં નહીં, અક્કલ જ નથી. બસ જે કચરો દેખાડ્યો એને વાહવાહ કરીને સ્વિકારી લીધો.”
“શું સાહેબ? બસ્સો કરોડ કમાયેલી ફિલ્મ જેને તમે આકરી ટીકા કરીને સાવ ઉતારી પાડેલી એ સાવ કચરો હોય તો આટલા બધા લોકો હોંશેહોંશે એને જોવા ન જાય.”
“બજારમાં અક્કલ વેંચાતી મળતી નથી એટલું સારું છે.”
“તમે કોઇપણ ફિલ્મને પાંચમાંથી કેટલા સ્ટાર આપવા એ કેવી રીતે નક્કી કરો છો?”
“રિવ્યુ લખવામાં મને કેટલો ટાઈમ લાગ્યો એ જોઇને.”
“એટલે?”
“રિવ્યુ લખવામાં જેટલો ટાઈમ વધારે એટલા સ્ટાર્સ ઓછા મારા સમયની પણ કિંમત હોય છે ભાઈ. For example, તમારા આ ઇન્ટરવ્યુને હું માઈનસ અડધો જ સ્ટાર આપીશ કારણકે મેં તમને વીસ મિનીટ આપી હતી અને મને હવે ખ્યાલ આવ્યો કે પચીસ મિનીટ થઇ ગઈ અને મારી બીજી મુવી શરુ થઇ ગઈ હશે. આવજો.”
“અરે…”
eછાપું
તમને ગમશે: નાના થી મોટા સુધી તમામને ભાવતી વાનગી એટલે નવરતન કોરમા