આપણે ત્યાં આજકાલ SBI કર્મચારીઓનો “લંચ કે બાદ આના” વાળો જોક ખૂબ પ્રચલિત થયો છે, પરંતુ એક જાપાનીઝ કર્મચારીને પોતાનું લંચ માત્ર ત્રણ મિનીટ વહેલું લેવા બદલ દંડનો સામનો કરવો પડ્યો છે. આ જાપાનીઝ કર્મચારી જાપાનના કોબે શહેરના વોટરવર્કસ ડીપાર્ટમેન્ટમાં કાર્ય કરે છે અને તે નિયત સમય કરતા લંચ કરવા માત્ર ત્રણ મિનીટ પહેલા પોતાની ડેસ્કથી દૂર થયો કે તેનો અડધા દિવસનો પગાર કાપી નાખવામાં આવ્યો.

જો કે કોબે શહેરના વોટરવર્કસ ડીપાર્ટમેન્ટના એક ઉચ્ચ અધિકારીએ ખુલાસો કર્યો હતો કે આ જાપાનીઝ કર્મચારીએ આવું પહેલીવાર નહોતું કર્યું. છેલ્લા સાત મહિનામાં આ જાપાનીઝ કર્મચારી ઓછામાં ઓછા સત્યાવીસ વખત આવી જ રીતે ત્રણ-ત્રણ મિનીટ વહેલો પોતાનું લંચ લેવા ડેસ્ક છોડી ચૂક્યો હતો જે અત્યંત ગંભીર બાબત કહેવાય અને આથીજ તેનો અડધા દિવસનો પગાર કાપી લેવામાં આવ્યો હતો.
કોબે શહેરના આ વિભાગમાં લંચનો સમય બપોરે બાર વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી હોય છે અને પેલા 64 વર્ષીય જાપાનીઝ કર્મચારીએ માત્ર ત્રણ મિનીટ પોતાનું ડેસ્ક વહેલું છોડી દીધું હતું. પેલા ઉચ્ચ અધિકારીએ ઓફિશિયલી આ બાબતે કોબે શહેરના નાગરિકોની માફી પણ માંગી છે. તેમણે કહ્યું હતું કે આ ગેરવર્તણૂક અત્યંત ખેદજનક છે અને અમે એ બાબતે શરમ અનુભવી રહ્યા છીએ.
જાપાન માટે સમયપાલન તેમજ નીતિમત્તાના ઉદાહરણો નવા નથી. વર્ષોથી આપણે એક વાત સાંભળતા આવ્યા છીએ કે જાપાનમાં શુઝ બનાવતી કંપનીમાં જો જાપાનીઝ કર્મચારીઓએ વિરોધ નોંધાવવો હોય તો તેઓ એક સાઈડના શુઝ બનાવવા લાગે પરંતુ હડતાળ કરીને કામથી અળગા બિલકુલ ન થાય. હાલમાં જ એક સમાચાર વાંચ્યા હતા કે જાપાનના ટોકિયો શહેરની મેટ્રો કોઈ સ્ટેશને માત્ર એક મિનીટ વહેલી પહોચી તો પણ એ મેટ્રો કંપનીએ જાહેરમાં માફી માંગી હતી.
કોબે વોટરવર્કસ માટે આ અનુભવ નવો નથી. અગાઉ ફેબૃઆરીમાં તેણે એક જાપાનીઝ કર્મચારીને એટલા માટે છ મહિના માટે સસ્પેન્ડ કર્યો હતો કારણકે તે કામકાજના સમય દરમ્યાન અસંખ્યવાર પોતાનું પેક્ડ લંચ લેવા ઓફિસની બહાર ગયો હતો.
આપણને કદાચ એવું લાગે કે જાપાન એવો દેશ છે કે કોબે વોટરવર્કસના આ પગલાંની ચોમેરથી પ્રશંસા થઇ હશે, પરંતુ હકીકત બિલકુલ અલગ છે. પેલા કર્મચારીનો અડધા દિવસનો પગાર કાપી લેવાની ઘટનાના જાપાનીઝ સોશિયલ મિડિયામાં મિશ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. અમુક લોકોનું કહેવું છે કે ઓફિસના નિયમો એટલા બધા કડક પણ ન હોવા જોઈએ કે કર્મચારી બાથરૂમ જતા પણ ડરે.
ગમે તે હોય પરંતુ આ ઘટનાએ જાપાનીઝ પ્રજા અને ખાસકરીને સરકારી ખાતાઓ પોતાના કાર્ય પ્રત્યે કેટલા સભાન છે તેનો ખ્યાલ જરૂરથી આવી જાય છે. કદાચ આ જ કારણ છે કે જાપાનીઝ લોકોની કર્મઠતા સમગ્ર વિશ્વમાં વખણાય છે. જુઓને રશિયામાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપ દરમ્યાન પણ જાપાનની મેચ પતી ગયા બાદ જાપાનના ફેન્સ સ્ટેડિયમનો કચરો સાફ કરતા નજરે પડ્યા જ હતાને?
eછાપું
તમને ગમશે: ખોરાકી ભેળસેળ … ગંદા હૈ પર ધંધા હૈ યે… પરંતુ તેની સામે ઘરમેળે લડી તો શકાયને?
एक वार बुलेट ट्रेन ड्राईवरे फ़क्त आठ सेकंड वहेली उपाड़ी हती आथी ते मेट्रो स्टेशन अने ज़ापानीस रेलवेए ते बदल माफ़ी माँगी हती.