ગયા અઠવાડિયે પહેલાં 6 ઓગસ્ટ ગઈ અને પછી 9 ઓગસ્ટ પણ ગઈ. આ બે દિવસોને વિશ્વના ઈતિહાસના સૌથી કાળા દિવસો તરીકે ઓળખવામાં આવે છે. વાત છે 1945માં થયેલા બીજા વિશ્વયુદ્ધની એક એવી ઘટનાની કે જેણે પળવારમાં લગભગ 2,26,000 કરતાં પણ વધારેનો નાગરીકોનો કૃત્રિમ નરસંહાર કરી દીધો! એ ઘટના છે અમેરિકા દ્વારા જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર થયેલા પરમાણુ હુમલાઓ!

આ ઘટના વિષે ચર્ચા કરતા પહેલા એની પૂર્વભૂમિકા સ્વરૂપે બીજા વિશ્વયુદ્ધની થોડી માહિતી જરૂરી થઇ પડે છે. બીજા વિશ્વયુદ્ધમાં મિત્રરાષ્ટ્રો (અલાઈસ) તરીકે અમેરિકા, ફ્રાંસ અને યુકે હતા. તો સામા પક્ષે ધરીરાષ્ટ્રો (એક્સીસ) તરીકે જાપાન, ઇટલી અને જર્મની હતા. આમ અલાઈસ અને એક્સીસ એમ બે સમૂહો વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું હતું.
ભયંકર જાનમાલની ખુવારી અને મોટા આર્થિક નુકસાન બાદ એક્સીસ પક્ષના જર્મની અને ઇટલી પાસે જ્યારે અલાઈસ પક્ષનો સામનો કરવાની તાકાત ન બચી ત્યારે એ બંને દેશોએ અમેરિકા અને મિત્રરાષ્ટ્રોની શરતોને સ્વીકારીને સંધિ કરી લેવામાં પોતાનું હિત સમજ્યું. પરંતુ જાપાન આવી સંધિઓમાં માને તેમ નહતું. જાપાને આમાંની એક પણ સંધિ ન સ્વીકારીને એકલે હાથે યુદ્ધમાં ઝંપલાવવાનું નક્કી કર્યું.
સામસામે યુદ્ધ ચાલતું રહ્યું. 67 શહેરો ઉપર વ્યુહાત્મક અગન ગોળાઓ દ્વારા હુમલાઓ છતાં જાપાન એકલા હાથે પણ જબરદસ્ત ટક્કર આપી રહ્યું હતું. એટલે અમેરિકાએ અમુક મહિનાઓ બાદ ફરીથી પોટસડેમ ઘોષણાપત્ર દ્વારા જાપાનને સંધિ કરવા માટે દબાણ કર્યું અને જો તે આમ નહિ કરે તો એનું પરિણામ અતિવિદ્વંસક આવશે એવી ધમકી પણ આપી. તેમ છતાં જાપાને સહેજ પણ મચક ન આપી. ઉલટાનું તેણે અમેરિકાની નેવી પર અચાનક જ અટેક કરીને લગભગ 2500થી વધારે અમેરિકી નેવીના જવાનોને મારી નાખ્યા.
લાગતું વળગતું: ગ્રેટ પીરામીડ ઓફ ગીઝામાં પુરાતત્વવિદોને મળી મોટી સફળતા |
હવે વાર કરવાનો વારો હતો અમેરિકાનો. અમેરિકા ચાહતું તો સામાન્ય યુદ્ધસામગ્રી વાપરીને આ હુમલાનો જવાબ આપી શક્યું હોત. પરંતુ અમેરિકાના પ્રમુખ હેરી.એસ.ટ્રુમેનના મનમાં કંઈક અલગ જ પ્રકારનું વેર જન્મ લઇ ચુક્યું હતું. અમેરિકા છેલ્લા અમુક સમયથી કેનેડા અને યુકે સાથે મળીને પરમાણુ બોમ્બ બનાવવા માટેના ગુપ્ત “મેનહટન પ્રોજેક્ટ” પર કામ કરી રહ્યું હતું. જેના અંતર્ગત પરમાણુ બોમ્બ બનાવવામાં અમેરિકાના લગભગ દોઢ લાખ લોકો આ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા હતા. અંતે તેમણે સફળતાપૂર્વક પરમાણુ બોમ્બ્સ બનાવી લીધા હતા.
જેમ જાપાને ચેતવણી વગર હુમલો કર્યો હતો તેમ અમેરિકાએ પ્રમુખ હેરી ટ્રુમેનના આદેશથી અમેરિકાના બોમ્બર દ્વારા જાપાન પર હવાઈ હુમલો કરવાનું નક્કી કર્યું. પરંતુ હુમલો કરવાના સ્થળ વિષે હજી અસમંજસ હતી. જેનું એક કારણ હતું જાપાનની ભૂગોળ અને ભૌગોલિક પરિસ્થિતિ. એટલે માટે સર્વેક્ષણ બાદ હિરોશીમા અને નાગાસાકી નામના જાપાનના બે એવા શહેરોની પસંદગી કરવામાં આવી કે જેના પર હુમલો કરવાથી જાપાની ડીફેન્સને મોટું નુકસાન કરી શકાય તેમ હતું.
અંતે એ દિવસ આવી પહોચ્યો. 6 ઓગસ્ટ 1945, સોમવારના દિવસે એક હવાઈ દાનવ પોતાના તરફ ધસી આવે છે એની કોઈ જ જાણ ન હોવાથી હિરોશીમાના લોકો સામાન્ય દિવસ માણી રહ્યા હતા. અમેરિકાના બોમ્બર ‘એનોલા ગે’ દ્વારા હિરોશીમાં પર “લીટલ બોય” નામનો પરમાણુ બોમ્બ ફાઈટર વિમાનમાંથી છોડવામાં આવ્યો. પ્રતાડિત થયા પછીની ગણતરીની જ મિનીટોમાં હિરોશીમા લગભગ નેસ્તનાબુદ થઇ ગયું. તીવ્ર તાપમાનથી ઘણા લોકો અને જાહેર સંપત્તિ બળીને ખાક થઇ ગઈ. કિરણોત્સર્ગના લીધે એ પછીના દિવસોમાં પણ લોકોના મરવાનો ઘટનાક્રમ ચાલુ જ રહ્યો.
આટલો સંહાર ઓછો હોય તેમ તેના ત્રણ દિવસ બાદ અમેરિકાએ 9 ઓગસ્ટ 1945ના દિવસે નાગાસાકી શહેર પર પણ આજ રીતે “ફેટ મેન” નામનો પરમાણુ બોમ્બ ઝીંક્યો. આ પરમાણુ બોમ્બ ફાટવાથી જે મશરૂમ આકારનું વાદળ બન્યું હતું તે આકાશમાં લગભગ ૧૮ કિલોમીટર સુધી ઉંચે ચઢ્યું હતું.
આવા ભયંકર અને ઘાતકી હુમલાથી હતભ્રત થયેલા જાપાને 15 ઓગસ્ટ 1945ના રોજ સંધિ પર હસ્તાક્ષર કર્યા. શરણાગતિપત્રક પર સહી કરીને જાપાને બીજા વિશ્વયુદ્ધને અધિકૃત રીતે પૂર્ણ જાહેર કર્યું. આ બાદ જાપાને અણુશસ્ત્ર સરંજામને પ્રતિબંધિત કરતા ત્રણ બિન-આણ્વિક સિદ્ધાંતો અપનાવ્યા.
જરા વિચાર કરીશું તો શું અમેરિકાનું આ પગલું વ્યાજબી હતું? શું પહેલું અને છેલ્લું પરમાણુ બોમ્બનું આ જાહેર પરીક્ષણ જરૂરી હતું? અમેરિકા આજ દિન સુધી આ પરમાણુ હુમલા પાછળનું નૈતિક સ્પષ્ટીકરણ કરવામાં નિષ્ફળ રહ્યું છે. એટલું જ નહિ, આટલા અમાનુષી નરસંહારની માફી માંગવાનું પણ અમેરિકાને યોગ્ય લાગતું નથી.
2015માં બરાક ઓબામા પહેલા એવા અમેરિકન પ્રેસિડેન્ટ બન્યા કે જેમણે હિરોશીમા અને નાગાસાકીની મુલાકાત લીધી હતી. તેમના એજન્ડામાં આ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનું હતું, પરંતુ આવા અત્યાચાર માટે અમેરિકા તરફથી માફી માંગવાનું તેમને પણ યોગ્ય ન લાગ્યું.
અમેરિકા દ્વારા થયેલો આ હુમલો પરમાણુ બોમ્બનું યુદ્ધમાં પરીક્ષણ કરવાનો પહેલો અને છેલ્લો હુમલો હતો. આ પછી અમેરિકાએ “સો ચૂહે ખાકર બિલ્લી હજ કો ચલી” કહેવતને સાર્થક કરતાં, અન્ય દેશોને પરમાણુ હથિયારો પર પ્રતિબંધ માટે સમજાવવાનું શરુ કર્યું.
અમેરિકા આવા અમાનવીય હુમલાની જગ્યાએ ખેલદિલીપૂર્વક યુદ્ધ કરી શક્યું હોત. પરંતુ મહાસત્તાની ગરિમાના આવેશમાં આવીને અમેરિકાએ ઉઠાવેલું આ તત્કાલીન પગલું મારા માટે તો આજે પણ એટલું જ નિંદનીય છે.
જાપાનના એ સામાન્ય નાગરીકોને શ્રદ્ધાંજલિ, જેમણે વગર કોઈ લેવાદેવાએ આ ઘટનાનો ભોગ બનવું પડ્યું.
આચમન : “મોટા હોવું અને મહાન હોવું એ બંનેમાં વડ અને નારીયેળી જેટલો ફરક છે. નારીયેળી ઊંચું ઝાડ હોવા છતાંય કોઈને છાંયડો નથી આપતું. જયારે વડ પરિમાણમાં નાનું હોવા છતાં નારીયેળી કરતાં મહાન છે”
eછાપું
તમને ગમશે: મહાન માણસોની ટીકા કરવા માટે આપણી પાસે આ એક જ દિવસ છે?