લોકસભાની ચૂંટણીઓમાં વિજય મેળવવાને લીધે ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો ખાલી પડવા જઈ રહી છે અને તેની ચૂંટણીની તારીખો અંગે કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ ભય વ્યક્ત કર્યો છે.

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીઓમાં ગાંધીનગરથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને અમેઠીથી સ્મૃતિ ઈરાનીના વિજય બાદ રાજ્યસભામાં ગુજરાતની બે બેઠકો ખાલી પડી છે. બહુ જલ્દીથી આ બંને બેઠકો માટે ચૂંટણી થવા જઈ રહી છે અને કોંગ્રેસને અત્યારથી જ તેની ચિંતા થઇ રહી છે.
કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ પહેલા એક અંગ્રેજી ટીવી ચેનલને અને ત્યારબાદ ન્યૂઝ સંસ્થા PTIને આપેલી બે અલગ અલગ મુલાકાતોમાં આ ચૂંટણીઓ અંગે કોંગ્રેસની ચિંતા વ્યક્ત કરી છે. સિંઘવીનું કહેવું છે કે તેમને મળેલા સમાચાર અનુસાર ચૂંટણી પંચ આ બંને બેઠકો પર અલગ અલગ દિવસે મતદાન કરાવવાનું મન બનાવી રહ્યું છે.
અભિષેક સિંઘવીનું કહેવું છે કે જો આમ થશે તો તે લોકશાહીના ગળે ટુંપો દેવા જેવું બનશે. કોંગ્રેસ ગુજરાતની ખાલી પડેલી બંને રાજ્યસભા બેઠકો પર એકસાથે ચૂંટણી થાય તેવું ઈચ્છે છે.
કોંગ્રેસની આ માંગણી પાછળનું કારણ સ્પષ્ટ છે. ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી 104 સભ્યો ધરાવે છે જ્યારે કોંગ્રેસના હાલમાં 70 સભ્યો છે. આવામાં જો ગુજરાતની ખાલી પડેલી રાજ્યસભાની બંને બેઠકો પર અલગ અલગ દિવસે મતદાન થાય તો બંને બેઠકો ભાજપ જીતી જાય તે નક્કી છે.
રાજ્યસભાની ચૂંટણીઓમાં પ્રેફરેન્શિયલ મત આપવામાં આવતો હોય છે. આથી જો અલગ અલગ દિવસે બંને બેઠકો પર મતદાન કરવામાં આવે તો પહેલા પ્રેફરન્સ તરીકે ભાજપના ધારાસભ્યોની સંખ્યા વધુ હોવાથી તેના બંને ઉમેદવારો આસાનીથી જીતી જશે.
પરંતુ જો બંને બેઠકો પર એક સાથે મતદાન કરવામાં આવશે તો કોંગ્રેસ બે માંથી એક બેઠક મતોના મૂલ્યને ધ્યાનમાં લઈને જરૂર જીતી શકે તેમ છે. આમ કોંગ્રેસ માટે આવનારી ગુજરાત માટેની રાજ્યસભાની ચૂંટણીઓ અતિશય મહત્ત્વની બની જાય છે.
સામે પક્ષે ભાજપ માટે પણ આ ચૂંટણીઓ એટલીજ મહત્ત્વની છે કારણકે તેના નેતૃત્ત્વ હેઠળના NDAને હવે રાજ્યસભામાં પણ બહુમતિની જરૂર છે જેથી તે તેના મહત્ત્વના બિલો પસાર કરાવી શકે. એક શક્યતા અનુસાર NDAને આવતા વર્ષના અંત સુધીમાં રાજ્યસભામાં પણ બહુમતિ મળી જશે પરંતુ તેને માટે હાલમાં તો એક-એક સીટ મહત્ત્વની બની જાય છે.
અભિષેક મનુ સિંઘવીએ પણ ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણીઓ અલગ અલગ તારીખે થશે તેવી માત્ર અટકળ જ લગાવી છે અને ચૂંટણી પંચ તરફથી હજી સુધી આ અંગે કોઇપણ આધિકારિક માહિતી મળી નથી તે પણ નોંધવું જોઈએ.
eછાપું