લોકસભા ચૂંટણીઓ જીતવા અરવિંદ કેજરીવાલે શરુ કર્યો ઈમોશનલ અત્યાચાર

  1
  162

  દિલ્હીની જનતાએ મૂકેલા વિશ્વાસને સફળ બનાવવાને બદલે રાજકીય અને શાસકીય અનુભવનો અભાવ ધરાવતા અરવિંદ કેજરીવાલ પોતાના નાટકવેડા માટે જાણીતા છે અને તેના એક નવા અંક રૂપે તેમણે પ્રજા પર ઈમોશનલ અત્યાચાર શરુ કર્યા છે.

  આવનારી લોકસભાની ચૂંટણીઓ કોઇપણ રીતે એક તરફી ન બની રહે તે માટે તમામ વિપક્ષી નેતાઓ તમામ પ્રકારના પેંતરાઓ અજમાવી રહ્યા છે તો ‘મહાત્મા’ અરવિંદ કેજરીવાલ કેમ બાકી રહી જાય? નીચલામાં નીચલા સ્તરનું રાજકારણ રમવા માટે જાણીતા અરવિંદ કેજરીવાલે હવે ઈમોશનલ અત્યાચાર શરુ કર્યો છે. છેલ્લા બે થી ત્રણ દિવસમાં અરવિંદ કેજરીવાલની Tweet અને તેમના ભાષણ આ ઈમોશનલ અત્યાચારની સાક્ષી પૂરે છે.

  Photo Courtesy: indiatoday.in

  28 જાન્યુઆરીએ બપોરે અરવિંદ કેજરીવાલે એક Tweetમાં એવું જાહેર કરી દીધું છે કે જે વ્યક્તિ મોદી ભક્ત હોય એ દેશભક્ત ન હોઈ શકે અને જે વ્યક્તિ દેશભક્ત હોય એ મોદીભક્ત ન હોઈ શકે. હવે તમારે એ નક્કી કરવાનું છે કે તમે મોદી ભક્ત છો કે દેશભક્ત!

  From Twitter

  ટૂંકમાં કહીએ તો અરવિંદ કેજરીવાલ નામક સુપ્રિમ કોર્ટે પોતાનો ફેંસલો જાહેર કરી દીધો છે કે તમારે ભાજપને મત નહીં આપવાનો નહીં તો તમે દેશદ્રોહી કહેવાશો. આશ્ચર્ય એ વાતનું થાય છે કે આવો નિર્ણય એ વ્યક્તિ જાહેર કરી રહ્યો છે જેણે સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલ કર્યો હતો અને તેના પૂરાવાઓ દેશને બતાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી હતી. કોઇપણ પક્ષનો ટેકેદાર આ પ્રકારે વિધાન કરે એ સમજી શકાય છે પરંતુ કોઈ રાજ્યનો મુખ્યમંત્રી આ સ્તરે ઉતરે એ ખરેખર આશ્ચર્ય પમાડે તેવું હોવા ઉપરાંત દુઃખ પણ ઉપજાવે છે.

  તમને કોણે ઓથોરીટી આપી કે કોણ દેશભક્ત છે અને કોણ નહીં? એક તરફ તમારા અને તમારા કહેવાતા મહાગઠબંધનના પક્ષોના કેટલાક ટેકેદારો મોદી સરકારની ટીકા કરનારને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ તેવા ભાજપના નેતાઓ અને ટેકેદારોના બેજવાબદાર વિધાનોની મશ્કરી કરતા હોય છે તો તમે તેમનાથી ક્યાં અલગ પડ્યા? મુદ્દો સ્પષ્ટ છે, અરવિંદ કેજરીવાલ એવું માને છે કે આ પ્રકારે એકતરફી વાત કરીને તેઓ દેશની પ્રજા પર ઈમોશનલ અત્યાચાર કરશે જેથી લોકોમાં સંશય ઉભો થાય કે તેમણે કોને મત આપવો જોઈએ?

  જો કે આપણા બધા માટે રાહતની વાત એટલી જ છે કે અરવિંદ કેજરીવાલની વાત સાંભળનારા દિલ્હી અને તેના આસપાસના વિસ્તારો સુધી જ સીમિત છે અને તેમની સંખ્યા પણ દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે પસાર કરેલા દરેક દિવસ બાદ ઘટતી જાય છે. પરંતુ હજી તો આમ આદમી પાર્ટી દિલ્હી સરકાર ચલાવી રહી છે અને તેમના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે જ એટલે દિલ્હીની પ્રજા માટે તો કેજરીવાલના આ ઈમોશનલ અત્યાચાર સહન કરવા સિવાય છૂટકો નથી અને આથી એ જ દિવસે કેજરીવાલે બીજો ઈમોશનલ અત્યાચાર પણ કરી દીધો.

  લાગતું વળગતું: ભલે સુપ્રિમ કોર્ટે સ્પષ્ટતા કરી પણ આપ સુધરશો નહીં એની ખાતરી છે

  દિલ્હી સરકારે દિલ્હીની શાળાઓમાં 11,000 નવા ઓરડાઓ બાંધવાનો એક પ્રોજેક્ટ શરુ કર્યો છે. આ પ્રોજેક્ટની શરૂઆત કરાવવા અરવિંદ કેજરીવાલ દિલ્હીની એક શાળામાં ગયા હતા અને ત્યાં તેમણે શાળાના બાળકો પર પણ ઈમોશનલ અત્યાચાર કરી દીધો હતો. બેશક જો તમારી સરકાર કોઈ સારું કાર્ય કરતી હોય તો તેની ક્રેડિટ જાહેરમાં લેતા તમારા ઓસંખાવું ન જોઈએ, પરંતુ જ્યારે તમે શાળાના બાળકો સામે તેમના માતાપિતાઓ માટે ચૂંટણી પ્રચાર શરુ કરી દો ત્યારે તેને ઈમોશનલ અત્યાચાર ન કહીએ તો બીજું શું કહીએ?

  “જો તમે તમારા બાળકોને પ્રેમ કરતા હોવ તો તમે એ લોકોને મત આપજો જે તમારા બાળકોનું ભલું ઈચ્છે છે, નહીં તો તમે મોદીજીને મત આપજો. મોદીજીએ એક પણ ક્લાસરૂમ બાંધ્યો નથી. તમારે હવે દેશપ્રેમ અને મોદીજીમાંથી એકની પસંદગી કરવાની છે.” આવો સીધેસીધો સંદેશ અરવિંદ કેજરીવાલે પ્રોજેક્ટના ઉદ્ઘાટન બાદ બાળકોને સંબોધન કરતા તેમના માતાપિતાઓને પહોંચાડ્યો હતો!

  અહીં એ યાદ રહે કે દિલ્હીની શાળાઓમાં નવા ઓરડાઓ બાંધવાનો પ્રોજેક્ટ હજી તો શરુ થયો છે, પૂર્ણ નથી થયો. આપણે ઈચ્છીએ કે દિલ્હીના બાળકોને આ સુવિધા બને તેટલી જલ્દી મળી જાય, પરંતુ આ વિષય દિલ્હી સરકારનો જ છે અને એટલે આ કાર્ય તેણે જ કરવાનું હતું તો મોદીજી શા માટે એમાં માથું મારે? શું આટલી અક્કલ કેજરીવાલમાં નથી? મોદીજીએ દેશભરમાં શાળાઓમાં લાખો શૌચાલયો બંધાવીને કન્યાઓને શરમજનક પરીસ્થિતિમાં મુકાતા અટકાવી એનું શું? આ બાબતે સરજી કશું કહેશે?

  બીજું, જ્યારે શ્રોતાઓ બાળકો હતા ત્યારે તેમની સમક્ષ રાજકીય ભાષણ આપવાની શી જરૂર હતી? આવનારા દિવસોમાં પોતાનો પક્ષ દિલ્હીની વિવીધ શાળાઓ અને તેના વિદ્યાર્થીઓ માટે શું વિચારી રહી છે તેની બ્લ્યુ પ્રિન્ટ આપી હોત તો કેજરીવાલનો પ્રચાર તો એમનેમ પણ થઇ ગયો હોત! ખરેખર તો કેજરીવાલે નરેન્દ્ર મોદીની ગઈકાલની ‘પરીક્ષા પે ચર્ચા 2.0’ જોઇને શીખવાની જરૂર છે. બેશક નરેન્દ્ર મોદીને તેમાંથી પોલીટીકલ માઈલેજ મળવાનું જ છે, પરંતુ તેમણે એક વખત પણ એ આખા કાર્યક્રમ દરમ્યાન પોતાનો કે ભાજપનો દેખીતો પ્રચાર કર્યો?

  અરવિંદ કેજરીવાલની તકલીફ એ છે કે દિલ્હી વિધાનસભાની ગત ચૂંટણીઓ અગાઉ તેમણે મોટા મોટા વાયદાઓ કર્યા હતા પરંતુ શાસનના અનુભવના સદંતર અભાવને કારણે તેઓ આ વાયદાઓમાંથી મોટાભાગના પૂર્ણ ન કરી શક્યા. પરિણામે આવનારી લોકસભાની ચૂંટણીઓમાં દિલ્હીની સાતમાંથી એક પણ બેઠકમાં આમ આદમી પાર્ટીને સફળતા મળે તેવું લાગતું નથી. આમ કેજરીવાલ હવે હતાશા દેખાડી રહ્યા છે અને હતાશાના પરિણામે તેઓ આ પ્રકારના બયાનો અને Tweet કરીને દિલ્હીની પ્રજા પર ઈમોશનલ અત્યાચાર ચલાવી રહ્યા છે.

  આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

  eછાપું

  તમને ગમશે: ચાલો આ મકર સંક્રાંતિએ લાવીએ આખું ભારત આપણા કિચનમાં…

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here